ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ: ગુજરાતી સાહિત્યે સંસ્કૃત ભાષાસાહિત્યનો ગણનાપાત્ર પ્રભાવ ઝીલ્યો છે એટલું જ નહીં પણ ગુજરાતી સાહિત્યનો સંસ્કૃત ભાષાસાહિત્ય સાથેનો સંબંધ અવિચ્છેદ્ય રહ્યો છે. સ્વરૂપની બાબતમાં જો ગુજરાતી સાહિત્ય પશ્ચિમાભિમુખ રહ્યું હોય તો, અંતસ્તત્ત્વ કે સામગ્રીની અભિવ્યક્તિ સંસ્કૃત વાઙમયની અસર ઝીલનારાં રહ્યાં છે. સરસ્વતીચંદ્ર એક નવલકથા હોવાથી સ્વરૂપ પરત્વે પશ્ચિમની અસર હેઠળ છે. તો નવલકથાનું કથાવસ્તુ, ગદ્ય, વર્ણનો, વર્ણનરીતિ (જંગલમાં મધ્યરાત્રિનું વર્ણન) તત્ત્વચિંતન (લક્ષ્યાલક્ષ્યવિચાર) વગેરેમાં સંસ્કૃત સાહિત્યની ઊંડી અસર વર્તાય છે. અને એટલે, સરસ્વતીચંદ્રને ‘કાદમ્બરી’ તરીકે કોઈએ ઓળખાવી છે એ સૂચક છે. ખંડકાવ્ય સ્વરૂપ પરત્વે એમ કહી શકાય કે, આ સ્વરૂપ કદાચ સંસ્કૃત સાહિત્યની દેન નથી પણ ગુજરાતી ભાષાનાં ઉત્તમ ખંડકાવ્યોમાંનું કથાવસ્તુનું મૂળ (વસંતવિજય, અતિજ્ઞાન વગેરે) સંસ્કૃત વાઙ્મયમાં છે. ‘નાટક’ સ્વરૂપમાં સંસ્કૃત સાહિત્યની સમયે સમયે ઓછીવત્તી અસર રહી છે. એક-અંકી નાટકો સંસ્કૃતમાં ખરાં પણ એકાંકી આધુનિક સાહિત્યની નીપજ છે. અને એમાં પણ, સ્વરૂપ પરત્વે સંસ્કૃતની જરાપણ છાયા ન વર્તાય, તેવાં ઉચ્ચકોટિની સર્જકતા ધરાવતાં આધુનિકતમ એકાંકીઓ (મધુ રાય, લાભશંકર ઠાકર વગેરેનાં) ગુજરાતીમાં લખાયાં છે. પંડિતયુગમાં સંસ્કૃત નાટકની અસર સીધી ઝીલતું ‘રાઈનો પર્વત’, ‘કાન્તા’ જેવાં નાટકો લખાયાં છે, અને તેમાં, આજે પણ, ‘જાલકા’ જેવા નાટ્યપ્રયોગો થયા કરતા હોય તો, સંસ્કૃત સાહિત્યની પ્રબળ પ્રભાવકતા જ ગણવી રહી. એટલે, સંસ્કૃત નાટકોનાં રચનાવિધાનોને સંપૂર્ણપણે ગુજરાતી સાહિત્યના નાટકસ્વરૂપે તિલાંજલિ આપી દીધી છે એમ કહી નહીં શકાય. પદ્યનાટકો પણ, આવી જ કોઈક મથામણની નીપજ છે, જેમાં સ્વરૂપ નવું નિપજવવાનો પ્રયત્ન હોય ને કથાવસ્તુ પ્રાચીન સાહિત્યમાંથી સ્વીકારી તેનું નવું જ અર્થઘટન કરવાનો (ઉમાશંકરનાં ‘પ્રાચીના’નાં પદ્યનાટકો) ઉદ્યમ હોય. કવિતા ગુજરાતી સાહિત્યની સર્જકતાનો કદાચ ઉત્તમ ઉન્મેષ છે. કાવ્યમાં સંસ્કૃત ભાષાના આકારમેળ, માત્રામેળ છંદો જળવાયા તો સાથે સાથે, વિષયવસ્તુ-અભિવ્યક્તિને અનુલક્ષીને પાર વિનાના સર્જનાત્મક પ્રયોગો થયા. અભિવ્યક્તિની નિરવધિ છટા તાગવામાં આવી. કાવ્યના કથાઘટકનું આધુનિક અર્થઘટન હોય પણ એનું મૂળ સંસ્કૃત સાહિત્યમાં (જટાયુ) ક્યાંક પડ્યું હોય. સંસ્કૃત ભાષા સાથેના ગુજરાતી સાહિત્યના સંબંધનું સૌથી વિલક્ષણ ઉદાહરણ કદાચ સુરેશ જોષીનું છે. સુરેશ જોષીએ ગુજરાતી સાહિત્યની મહાનવલ ‘સરસ્વતીચન્દ્ર’ને આકારવાદી (Formalistic) વિવેચનથી વિસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, અને તે દ્વારા, નવલકથા જે સાહિત્યમૂલ્યોનો અવબોધ કરાવે છે તેનો પણ છેદ ઉડાડ્યો. સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં આધુનિક પશ્ચિમી જગતમાંથી અનેક વિચાર-વાદોસરણિઓ લઈ આવ્યા. પણ આ બધું કર્યું, તેમણે એવી બાનીમાં કે જે સંસ્કૃત ભાષાસાહિત્યના અધ્યાસોથી ભરીભરી હોય. પુરાકલ્પનો, કવિસમયો, પૌરાણિક કથાઓ, લોકકથાનાં તત્ત્વો, ઇત્યાદિનો સર્જનાત્મક વિનિયોગ તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ લલિત નિબંધોમાં કર્યો. આમ સ્વરૂપ અને સ્વરૂપાભિવ્યક્તિ બન્નેમાં સંસ્કૃત સાહિત્યનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં જણાય છે. ક્યાંક પ્રાચીન સાહિત્યનાં પાત્રોને (દ્રૌપદી, કર્ણ, ઊર્મિલા) નવેસરથી ઘટાવવાના આહ્લાદક પ્રયાસો છે તો, પુરાકલ્પનો, વગેરેથી સંસ્કૃત સંકેતો (ચક્રવાકમિથુન), પ્રકૃતિવર્ણનો, વગેરેથી સંસ્કૃત સાહિત્ય સંભૃત છે. અનુવાદપ્રવૃત્તિ (કેશવ હર્ષદ ધ્રુવ, ઉમાશંકર જોશી) પણ સંસ્કૃત સાહિત્ય સાથેના સંબંધને તાજો રસભર્યો રાખવાના પ્રયત્નરૂપે લેખી શકાય. કાવ્યશાસ્ત્રગ્રન્થોના અનુવાદો (રામનારાયણ પાઠક, નગીનદાસ પારેખ) સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મીમાંસા સાથેના અનુબંધને જાળવવાના અને તેના વિભાવોની સમજને વિશદ કરવાના પ્રયાસો રૂપે લેખી શકાય. વિ.પ.