ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચલચિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચલચિત્ર(Film) : ગુજરાતીમાં અંગ્રેજી શબ્દ Filmનો પર્યાય ‘ચલચિત્ર’ વપરાતો હોવા છતાં વાસ્તવમાં ફિલ્મનો પર્યાય બોલપટ વધુ યોગ્ય છે. ચિત્રકળાથી આગળ વધીને વાસ્તવને હૂબહૂ રજૂ કરવાની જે ઇચ્છા માનવીને થઈ તેમાંથી ફોટોગ્રાફીની શોધ થઈ છે. અને ફોટોગ્રાફી સ્થિર દૃશ્યોની જ રજૂઆત કરતી હોવાથી એ દૃશ્યને ચલાવવાની ઇચ્છાનું પરિણામ ચલચિત્રની શોધ છે. તેમાં ધ્વનિને આગળ જતાં ઉમેરવામાં આવતાં તે બોલપટ બન્યું. સ્થિર ફોટોગ્રાફીના શોધક ડૉ. ગ્વેરે (૧૮૩૯) અને moric ફોટોગ્રાફીના શોધક લુમીયર બ્રધર્સ (૧૮૯૫) ‘ચલચિત્ર’ વિકાસમાં મહત્ત્વનાં નામો છે. ચલચિત્ર એ આમ તો દૃષ્ટિસાતત્ય(Persistence of Vision)ના નિયમ મુજબ કામ કરતાં યંત્રનું પરિણામ માત્ર છે પણ તેમાં રજૂ થતી અભિવ્યક્તિને કલાનો દરજ્જો આપવામાં આવેલો છે. પ્રારંભની ફિલ્મો મૂંગી હતી એટલેકે તેમાં ધ્વનિનો અભાવ હતો. છતાં તેમાં કેટલીક ઉત્તમ ફિલ્મો સર્જાયેલી છે. પછી તેમાં ધ્વનિને સામેલ કરવાના જે પ્રયોગો થયા તેને પરિણામે હાલતું-ચાલતું અને બોલતું ચિત્ર સર્જાયું. જેની રજૂઆત ૬ ઓક્ટોબર, ૧૯૨૭ના રોજ ન્યુયોર્કમાં ‘ધ ઝાંઝ સીંગર’થી થઈ. ચલચિત્રની ત્યારથી વૈજ્ઞાનિક અને યાંત્રિક કક્ષાએ તથા કલાભિવ્યક્તિના ધોરણે પ્રગતિ થતી જ રહી છે. ભારતમાં ચલચિત્રનો આરંભ કરવાનો યશ દાદાસાહેબ ફાળકેને જાય છે. દાદાસાહેબે ૧૯૧૩માં ‘રાજા હરિશ્ચંદ્ર’નું સર્જન કરીને ભારતીય સિનેમાનો પાયો નાખ્યો. ત્યારબાદ અનેક નિર્માતા-દિગ્દર્શકોએ જુદા જુદા પ્રકારની ફિલ્મો ભારતના વિવિધ પ્રાંતોમાં બનાવી એ બધી મૂંગી હતી. ૧૯૩૧માં પ્રથમ બોલપટ ‘આલમઆરા’નું સર્જન અરદેસર ઈરાનીએ કર્યું. ત્યારથી ફિલ્મસર્જનની યાત્રાનો આરંભ થયો જે અત્યારે ભારતની વિધવિધ ૨૮ જેટલી ભાષામાં વિસ્તરેલી છે. ગુજરાતી ભાષામાં ચલચિત્રસર્જનનો આરંભ ૧૯૩૨ ‘મુંબઈની શેઠાણી’ નામની ફિલ્મથી થયેલો. જે બે રીલની હતી અને તેની વાર્તા ચાંપશીભાઈ ઉદેશીએ લખેલી. ત્યારબાદ પૂર્ણ લંબાઈના પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’ની રજૂઆત થઈ અને ગુજરાતી ચલચિત્રો સર્જાવાં શરૂ થયાં. પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જે જાતની ઉત્તમ ગુણવત્તા ધરાવતી કલાત્મક ફિલ્મો બીજાં રાજ્યોએ સર્જી છે તેવી ગુજરાતે સર્જવાની બાકી છે. હિન્દી ચલચિત્ર ઉદ્યોગમાં સિનેમાના પ્રારંભથી જ ગુજરાતીઓનું વર્ચસ્ રહ્યું છે. ગુજરાતી ચલચિત્રદિગ્દર્શકો કાંતિલાલ રાઠોડ, કેતન મહેતા વગેરેએ કલાત્મક ફિલ્મસર્જન ક્ષેત્રે રાષ્ટ્રીય બહુમાન મેળવ્યું છે, તો વિજય ભટ્ટ, ગોવિંદ સરૈયા, મનમોહન દેસાઈ, મહેશ ભટ્ટ જેવા દિગ્દર્શકોએ વ્યવસાયી સિનેમાના ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. અ.વ્યા.