ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પંચતંત્ર
પંચતંત્ર : રાજા અમરશક્તિના ત્રણ મન્દબુદ્ધિ પુત્રોને છ માસમાં શિક્ષિત કરવા વિષ્ણુશર્મા(૧૦૦થી ૫૦૦ વચ્ચે)એ રચેલો પ્રાણીકથાઓનો ગ્રન્થ. વિશ્વસાહિત્યને પ્રાણીકથાઓ અને બોધકથાઓની આ અમૂલ્ય ભેટ છે. એનાં ચારેક સંસ્મરણો આજે ઉપલબ્ધ છે. મિત્રલાભ, મિત્રભેદ, સંધિવિગ્રહ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિતકારક એવાં એમાં પાંચ તંત્રો કે એના વિભાગો છે. દરેક તંત્રમાં મુખ્ય વાર્તા સાથે એને પુષ્ટ કરનાર એક પેટાવાર્તાઓનો સમૂહ હોય છે. એના દ્વારા જ્ઞાન, ગમ્મત, મનોરંજન, શાણપણ, સમાજવ્યવહાર, નીતિ, ધર્મ, કળાની કુશળતા, શાસ્ત્રોનું જ્ઞાન, કોઠાસૂઝ, પ્રત્યુત્પન્નમતિ વગેરેનું શિક્ષણ મળે છે. સાદી સરળ બોલચાલની ભાષા, ચોટદાર સંવાદો, અસરકારક શ્લોકો, વાર્તાઓમાંથી પ્રાપ્ત થતો અનાયાસ બોધ, માનવસમાજનાં પ્રતિનિધિરૂપ પ્રાણી-પાત્રો, રહસ્યની જાળવણી, પાત્રો અને પ્રસંગોમાં વૈવિધ્ય, સ્વસ્થ જીવનદર્શન, નરવો હાસ્યરસ, માનવીય હેત્વારોપણ દ્વારા માનવીય ખામીઓ ચીંધવાનો પ્રયત્ન વગેરે આ ગ્રન્થની લાક્ષણિકતાઓ છે. અહીં ભાષા અકૃત્રિમ છે, અલંકારો બળકટ છે, શૈલી સમાસરહિતા, નિરાડંબર છે. એમાં ક્યાંક કથાઓની વક્રગતિ કે એનું શિથિલ સંવિધાન છતાં ગદ્ય-પદ્યનું અદ્વિતીય મિશ્રણ, પ્રભાવપૂર્ણ નીતિવચનો, કહેવતરૂપ વાક્યો નોખાં તરી આવે તેવાં છે. ટૂંકમાં, ચિરંજીવી સાહિત્યમાં સ્થાન પામનારી ગદ્યકૃતિ તરીકે એની નામના છે. એનો અનુવાદ વિશ્વની ઘણીખરી ભાષાઓમાં થયો છે. ઈસપની ગ્રીક કથાઓ પણ ‘પંચતંત્ર’થી પ્રભાવિત છે. હ.મા.