ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યક્ષ
પ્રત્યક્ષ ૧૯૯૧થી ૨૦૧૭. રમણ સોનીના સંપાદકપદે પ્રકાશિત આ ત્રૈમાસિક ગ્રંથસમીક્ષાનું સામયિક હતું. ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકોને તારવીને, પસંદ કરીને તેમ યોગ્ય સમીક્ષકના હાથમાં મૂકીને પ્રત્યક્ષે સ્વસ્થ, સમતોલ સમીક્ષાઓ સંપડાવી આપી છે. સમીક્ષાપ્રવૃત્તિનું ફલક બને એટલું વ્યાપક રહે, પુસ્તકોના ઘટકોનો ને એના સ્વરૂપસંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને એવા પ્રયોજનની સાથે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને એવી અપેક્ષા પ્રત્યક્ષે નિયમિતપણે, પૂરી જાગરુકતા ને નિષ્ઠાથી ફળીભૂત કરી છે. ‘પ્રત્યક્ષ’ના પ્રત્યેક અંકમાં દીર્ઘ અને સંક્ષિપ્ત અવલોકનોની સાથે વાચનવિશેષ, વિચારવિશેષ, ઘટનાવિશેષ જેવાં મર્માળાં શીર્ષકો મૂકીને માત્ર ગુજરાતી સાહિત્યની ઘટનાઓને જ નહીં, ભારતીય સાહિત્ય, વિશ્વસાહિત્યની મહત્ત્વની ઘટનાઓની, પુસ્તકોની ત્યાં નોંધ લેવાઈ છે. સ્વાધ્યાયવિશેષ, વરેણ્ય જેવા વિભાગ અંતર્ગત ગુજરાતી સાહિત્યની શિષ્ટ કે અદ્યતન સાહિત્યની મનનીય એક જ કૃતિ વિશે બબ્બે અભ્યાસીઓનાં લખાણો પ્રાપ્ત કરાવીને જુદીજુદી અભ્યાસવૃત્તિનો પરિચય આપ્યો છે. ૧૯૯૩ સુધી રમણ સોની સાથે સંપાદકો રહેલા જયદેવ શુક્લ અને નીતિન મહેતાને કારણે પ્રત્યક્ષીય નામે આવતી તંત્રીનોંધનું વૈવિધ્ય રહ્યું છે. એ વિવિધા રમણ સોનીના એકલ હાથે પણ પ્રગટ થતી રહી. ગ્રંથાલયો, સાહિત્યનાં નવાં પરિમાણો, સદ્ગત સર્જકો અને સાંપ્રત સાહિત્યિક સ્થિતિ પ્રત્યે પૂરી સજ્જતા ને નિર્ભિકતાથી એમણે જવાબદારીપૂર્વક લખ્યું છે. પ્રત્યક્ષે પ્રકાશિત કરેલા સામયિક સંપાદક કેફિયત, ગ્રંથસમીક્ષા, પ્રત્યક્ષના પંદર વર્ષે પ્રકાશિત સૂચિ તેમજ અવલોકનવિશ્વ વિશેષાંકો નોખી ભાત પાડનારા છે. ૧૯૯૪માં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં પુસ્સતકોની સૂચિનું પ્રકાશન કરીને ને એ પછી સળંગ આટઆટલા વર્ષોથી વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતાં લેખોની સૂચિ પ્રસિદ્ધ કરીને પ્રત્યક્ષે સામયિકની ભૂમિકાને દૃઢાવી છે. ગ્રંથ જેવા પ્રભાવશાળી સામયિકની ખોટ ભરપાઈ કરી દેનારા આ સામયિકે અનેક નવા પ્રતિમાનો પ્રસ્થાપિત કરવામાં સક્રિયતા દાખવી હતી. ‘પ્રત્યક્ષ’ના ૧૦૧ અંકોમાંથી ઉત્તમ-પ્રતિનિધિ રૂપ સમીક્ષાઓ તારવીને કહેલું ‘પ્રત્યક્ષસંપદા’ પ્રકાશન વાચનપોથી(રીડર) તરીકે નોંધપાત્ર છે.
કિ. વ્યા.