ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતિ અને રીતિભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રીતિ અને રીતિભેદ : વામન પદરચનાને રીતિ માને છે. આ પદરચના ગુણોના સમાવેશથી વિશેષતા ધારણ કરતી હોય છે. વામનને ગુણો સાથે રીતિનો એકાત્મભાવ માને છે. તેઓ શબ્દ અને અર્થના ૧૦-૧૦ ગુણો માને છે. વામન રસ, લક્ષણાવ્યાપાર, દોષાભાવ, ભાવનવ્યાપાર આદિ અનેક તત્ત્વોને ગુણોમાં સમાવિષ્ટ કરતા હોવાથી કાવ્યનાં ઘણાખરાં તત્ત્વો રીતિમાં સમાઈ જતાં હોવાનો એમનો અભિપ્રાય સ્પષ્ટ થઈ જાય છે. ઉદ્ભટ વર્ણોની સંઘટનાને આધારે વૃત્તિની કલ્પના કરે છે, વર્ણોની કોમળતા, પરુષતા અને મિશ્રતાને આધારે કોમલા, પુરુષા અને મધ્યમા વૃત્તિઓની યોજના કરે છે. તેઓ અનુપ્રાસ અલંકાર સાથે એને સાંકળે છે. રુદ્રટ સમાસને આધારે રીતિવિચારની માંડણી કરે છે. સમાસને આધારે એમણે રીતિઓને બે વર્ગોમાં વહેંચી છે. સમાસનો અભાવ હોય તો વૈદર્ભી, બેત્રણ પદના સમાસો હોય તો પાંચાલી, પાંચસાત પદોના સમાસો હોય તો લાટીયા અને એથી વધારે પદોના સમાસો હોય તો ગૌડીરીતિ કહેવાય છે. તેઓ વૈદર્ભી-પાંચાલીનો એક વર્ગ અને લાટીયા-ગૌડીનો બીજો વર્ગ માને છે. રુદ્રટ રીતિનો રસ સાથે પ્રથમ વાર સંબધ જોડે છે. તેઓ વૈદર્ભીમાં શૃંગાર, અદ્ભુત, કરુણ અને ભયાનક રસોની તો લાટીયામાં રૌદ્રરસની અભિવ્યક્તિ માને છે. શેષ ચાર રસોનો રીતિવિષયક કોઈ નિશ્ચિત નિયમ નથી. આનંદવર્ધનની संघटना સમાસતત્ત્વને આધારે કલ્પિત થઈ છે. એ અસમાસા, મધ્યમસમાસા અને દીર્ઘસમાસા એમ ત્રણ પ્રકારની છે. તે ગુણોને આશ્રયે રહે છે. આનંદવર્ધન રસની અભિવ્યક્તિના સાધનરૂપે સંઘટનાને જુએ છે. રાજશેખર સમાસ, અનુપ્રાસ અને યોગવૃત્તિ-ઉપચારયોગવૃત્તિપરંપરાને રીતિનાં ઘટક તત્ત્વો માને છે. તેઓ સમાસનો અભાવ, સ્થાનાનુપ્રાસ અને યોગવૃત્તિમાં વૈદર્ભી, અલ્પ સમાસ, અલ્પ અનુપ્રાસ અને ઉપચારમાં પાંચાલી તથા દીર્ઘસમાસ, પ્રચુર અનુપ્રાસ અને યોગવૃત્તિપરંપરામાં ગૌડીરીતિ માને છે. ભોજરાજ ગુણ, સમાસ અને યોગવૃત્તિ-ઉપચાર-યોગવૃત્તિપરંપરાને રીતિના ઘટકો માને છે. અગ્નિપુરાણ સમાસ, ઉપચાર (લક્ષણાજન્ય પ્રયોગો તથા અલંકાર) અને માર્દવની માત્રાને આધારે રીતિઓની કલ્પના થઈ છે. મમ્મટ રીતિને વૃત્તિરૂપ જ માને છે. તેઓ રીતિને વર્ણવ્યાપાર માની વર્ણસંઘટનનો ગુણ સાથે નિયત સંબંધ કલ્પે છે. આમ ગુણવ્યંજક વર્ણસંઘટન જ રીતિ કહેવાય. વિશ્વનાથ વર્ણસંયોજન અને શબ્દગુંફન તથા સમાસને રીતિના ઘટકો માને છે. તેઓ રીતિને કાવ્યના વિશિષ્ટ અંગવિન્યાસ રૂપે પ્રમાણે છે. વામન કાવ્યના આત્મા રૂપે રીતિને માનતા હોવાથી એમ ને એનાં નિયામક તત્ત્વો વિશે વિચારવાની જરૂર પડી નથી. પણ આનંદવર્ધન વક્તૃ-ઔચિત્ય, વાચ્યૌચિત્ય (કાવ્યવિષય), વિષયૌચિત્ય (કાવ્યસ્વરૂપો) અને રસૌચિત્ય-એમ ચાર રીતિનિયામક હેતુઓનો વિચાર કરે છે. રીતિના ભામહ-દંડી વૈદર્ભ અને ગૌડ, વામન વૈદર્ભીપાંચાલી-ગૌડી, રુદ્રટ વૈદર્ભી-પાંચાલી-લાટીયા-ગૌડી, રાજશેખર વૈદર્ભી-પાંચાલી-માગધી-ગૌડી-મૈથિલી, ભોજરાજ વૈદર્ભીપાંચાલી-લાટીયા-આવંતિકા-માગધી-ગૌડી, કુંતક સુકુમારવિચિત્ર-મધ્યમ, આનંદવર્ધન અસમાસા-મધ્યમસમાસાદીર્ઘસમાસા, ઉદ્ભટ પરુષા-ઉપનાગરિકા-ગ્રામ્યા જેવા ભેદો નિરૂપે છે. આમાંના કેટલાક તો વૈદર્ભી-પાંચાલી-ગૌડીનાં નામાન્તરો અને સ્વરૂપાન્તરો જ છે. રીતિનાં વર્ગીકરણોમાં મધુર, પરુષ અને પ્રસન્ન સ્વભાવને આધારે થયેલું વામનનું વૈદર્ભી, ગૌડી અને પાંચાલીરૂપ વર્ગીકરણ પ્રતીતિકર બન્યું છે. ૧, વૈદર્ભીરીતિ : માધુર્યગુણ વૈદર્ભીનો મૂળાધાર છે. એમાં માધુર્યગુણની વ્યંજક પદાવલી પ્રયોજાય છે. વિશ્વનાથ એમાં માધુર્યગુણ વ્યંજક વર્ણ, લલિતપદ અને સમાસનો અભાવ કે અલ્પ સમાસ-એમ ત્રણ તત્ત્વો માને છે. વૈદર્ભીમાં અનુનાસિક વર્ણ, કોમળ વર્ણ અને અસમસ્ત પદ પ્રયુક્ત થાય છે. વિદર્ભ દેશમાં ઉદ્ભવી હોવાથી એ વૈદર્ભી કહેવાઈ. વામન એમાં સમગ્ર ગુણો સ્ફુટરૂપે રહેલા હોવાથી એને ઉત્તમ માને છે. એ દોષોની માત્રા વિનાની, સમગ્ર ગુણયુક્ત તથા વીણાના સ્વરો સમાન મધુર મનાઈ છે. વૈદર્ભીનો વ્યવહાર શૃંગાર, કરુણ અને શાંતરસોમાં થાય છે. ૨, પાંચાલીરીતિ : પ્રસાદગુણ પાંચાલીનો મૂળાધાર છે. એમાં માધુર્ય અને સુકુમારતારૂપ ગુણોનું આધિક્ય હોય છે. એમાં પદોમાં ગાઢ બંધનો અભાવ અને શિથિલ પદોની બહુલતા રહે છે. એમાં પ્રયોજાતા વર્ણો ન તો માધુર્યના દ્યોતક કે ન તો ઓજના વ્યંજક હોય છે. બલ્કે એમાં આ બંને ગુણોની વચ્ચેના અન્તરાલવર્તી વર્ણોનું બાહુલ્ય હોય છે. પાંચાલીમાં પાંચ-છ પદોના સમાસ યોજાય છે. રાજશેખર વૈદર્ભીમાં યોગવૃત્તિનો તો પાંચાલીમાં ઉપચાર અર્થાત્ લક્ષણાનો પ્રયોગ થતો માને છે. ૩, ગૌડીરીતિ : ઓજગુણ ગૌડીનો મૂળાધાર છે. એમાં ઓજગુણવ્યંજક કઠોર વર્ણો, વિકટરચના તથા દીર્ઘસમાસો હોય છે. ગૌડીમાં આડંબરપૂર્ણ બંધ અર્થાત્ ગાઢબંધયુક્ત પદરચના તથા સમાસોનું બાહુલ્ય રહે છે. એમાં કઠોર વર્ણ, રેફ, દ્વિત્વવર્ણ, સંયુક્ત વર્ણ, ટ-ઠ-ડ-ઢ-શ-ષનો વ્યાપક પ્રયોગ થાય છે. જેમ પાંચાલ પ્રદેશમાં ઉદ્ભવી હોવાથી આ રીતિ પાંચાલી તેમ ગૌડ પ્રદેશમાં ઉદ્ભવી હોવાથી આ રીતિ ગૌડી કહેવાય છે. વામન ગૌડીમાં ઓજ અને કાન્તિ-ગુણોનું પ્રાધાન્ય માને છે. ગૌડી વીર અને ભયાનક રસોમાં પ્રયુક્ત થાય છે. ૪, લાટીયારીતિ : રુદ્રટ પ્રથમ વાર લાટીયાની કલ્પના કરે છે. ઓજગુણ એનો મૂળાધાર છે. એમાં પાંચ-સાત પદોનો સમાસ પ્રયોજાય છે. એને રુદ્રટ મધ્યમસમાસા તરીકે ઓળખાવે છે. લાટીયા લાટપ્રદેશમાં ઉદ્ભવી હોવાથી લાટીયા કહેવાય છે. એ ગૌડીની જેમ જ રૌદ્રરસમાં પ્રયોજાય છે. ભોજરાજના મતે લાટીયા બધી રીતિઓના મિશ્રણરૂપ (मिश्ररीतिर्लाटीया) હોય છે એ ઇષત્ સમાસવતી, અનતિસુકુમાર બંધવાળી, અતિ ઉપચાર વિનાની, લાટીયાનુપ્રાસવાળી અને યોગરૂઢિયુક્ત હોય છે. વિશ્વનાથ લાટીયાને વૈદર્ભી અને પાંચાલી એ બે રીતિઓની વચ્ચેની અર્થાત્ બંનેનાં કંઈક કંઈક લક્ષણો ધરાવતી રીતિ કહે છે. ૫, મૈથિલીરીતિ : રાજશેખર એની કલ્પના બાલરામાયણ નાટકમાં કરે છે. તેમના મતે લોકમર્યાદાને અતિક્રમે નહીં તેવો અર્થનો અતિશય, અલ્પસમાસયુક્ત પદરચના અને યોગપરંપરાનો નિર્વાહ એ ત્રણ મૈથિલીરીતિનાં મુખ્ય તત્ત્વો છે. ૬, આવન્તિકારીતિ : આવંતિકાની કલ્પના ભોજરાજે કરી છે. તેઓ એને પાંચાલી અને વૈદર્ભી રીતિઓની અંતરાલવર્તિની અર્થાત્ બંને રીતિઓનાં કંઈક લક્ષણો ધરાવતી રીતિ કહે છે. આવંતિકા રીતિમાં બે, ત્રણ કે ચાર સમસ્ત-સમાસયુક્ત પદો પ્રયોજાય છે. શૃંગારપ્રકાશમાં ભોજરાજ આવંતિકાને કોઈ એક રીતિ નહીં પણ સર્વ રીતિઓની અંતરાલવર્તિ રીતિ અર્થાત્ સર્વ રીતિઓનાં કંઈક કંઈક લક્ષણોવાળી માને છે मिवैदर्भादीनामन्तरालरीतिरावन्तिका । शृं. प्र. અવન્તિ પ્રદેશમાં ઉદ્ભવી હોવાથી એ આવન્તિકા કહેવાય છે. ૭, માગધીરીતિ : રાજશેખર કર્પૂરમંજરીની પ્રસ્તાવનામાં માગધીરીતિનો પ્રથમવાર ઉલ્લેખ કરે છે. ભોજરાજ એને ખંડ રીતિ તરીકે ઓળખાવે છે. તે એક રીતિમાં શરૂ થઈ બીજી રીતિમાં સમાપન પામે છે. આમ બે રીતિઓનું એક કૃતિમાં ગ્રથન થવાથી માગધી રીતિ ઉદ્ભવે છે. એ મગધ પ્રદેશમાં ઉદ્ભવી હોવાથી માગધી કહેવાય છે. અ.ઠા.