ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વક્રોક્તિ અને વક્રોક્તિભેદ
વક્રોક્તિ અને વક્રોક્તિભેદ :કુન્તક પોતાના અલંકારગ્રન્થમાં ‘વક્રોક્તિ’ને કાવ્યના આત્મા અથવા જીવિત તરીકે નિરૂપે છે અને આથી તેઓ ‘વક્રોક્તિજીવિતકાર’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પણ એક રીતે વિચારતાં એમની વક્રોક્તિ એ કાવ્યનો સહજાત સ્વાભાવિક અલંકાર જ છે અને એથી વ્યાપક રીતે કુન્તકને કાવ્યાલંકારવાદી ગણી શકાય. કુન્તક પોતાના વક્રોક્તિવિચારમાં ધ્વનિના પ્રાન્તને પણ આવરી લે છે. તેમની વિચારણાનાં મૂળ ભામહાદિથી પણ પ્રાચીન હતાં. પણ તેમના દુર્ભાગ્યે તેમને આનંદવર્ધનને મળ્યા તેવા સમર્થકો સાંપડ્યા નહિ અથવા બીજી રીતે વિચારીએ તો તેઓ આનંદવર્ધનના માનસપુત્ર જ છે અને તેથી અભિનવગુપ્તથી માંડીને કોઈપણ ધ્વનિવાદીએ તેમનું ખંડન કર્યું નથી. અભિનવગુપ્તે તો લોચનમાં (પૃ. ૨૦૮, નિ.સા. આ.) નોંધ્યું છે કે, ‘શબ્દની વક્રતા અને અર્થની વક્રતા એટલે ‘(તેમનું) લોકોત્તીર્ણ રૂપે રહેવું – આ જ અલંકારનો ‘અલંકારાન્તર’ ભાવ છે. રુદ્રટે ભામહને મુકાબલે વક્રોક્તિવિચારનો સંપ્રત્યય સીમિત કરી નાખ્યો પણ કુન્તકમાં મૂળ પ્રેરણા ભામહમાંથી પ્રાપ્ત થયેલી જણાય છે. મમ્મટ, રુય્યક અને વિશ્વનાથ જેવા અનુગામીઓએ રુદ્રટની પરિપાટી સ્વીકારી તેને શબ્દાર્થગત સીમિત અલંકાર રૂપે સ્વીકાર્યો. આથી કુન્તકની વિચારધારા કુંઠિત થઈ ગઈ. કુન્તકે પોતાના ગ્રન્થનું ધ્યેય ‘લોકોત્તર ચમત્કારકારિ વૈચિત્ર્યની સિદ્ધિ’ રૂપ કહ્યું છે. આ પ્રકારનું વૈચિત્ર્ય એ જ વક્રોક્તિ છે. જેને માટે વિકલ્પે તેઓ ‘વિચિત્રા(=સુંદર) અભિધા’ એવો શબ્દપ્રયોગ પણ કરે છે. આ વૈચિત્ર્ય કહેતાં વક્રોક્તિની સમજૂતી તેમણે એકાધિક સ્થળે આપી છે, જેમકે, ‘शास्त्रादि-प्रसिद्धशब्दार्थोपनिबन्धव्यतिरेक’ – અર્થાત્ શાસ્ત્રો વગેરેમાં જણાતા प्रसिद्ध શબ્દાર્થના પ્રસિદ્ધ વિનિયોગથી જુદું, प्रसिद्ध-प्रस्थानव्यतिरेक – પ્રસિદ્ધ ચીલાચાલુ પ્રયોગને મુકાબલે અનોખું ‘अतिक्रान्तप्रसिद्धव्यवहारसरणि પ્રસિદ્ધ (શબ્દાર્થ) વ્યવહારને અતિક્રમતું તત્ત્વ તે વક્રોક્તિ. મહિમ ભટ્ટે પણ ‘પ્રસિદ્ધમાર્ગને ત્યજીને જ્યાં વૈચિત્ર્યની સિદ્ધિ માટે જે તે અર્થ અન્યથા રીતે કહેવાય તે થઈ વક્રોક્તિ’ એવી નોંધ આપી કુન્તકની વક્રોક્તિને આવકારી છે. ભટ્ટનાયક વ્યાપારવાદી હતા, આનંદવર્ધન અને અભિનવગુપ્ત પણ વ્યાપારપ્રાધાન્ય, અલબત્ત વ્યંજનાપ્રાધાન્ય સ્વીકારે છે જેનો અંતર્ભાવ કુન્તક પોતાની વ્યાપાક વિભાવનામાં કરી લે છે. ભામહથી શરૂ કરીએ તો જણાશે કે તેમણે વક્રઅર્થ અને વક્રશબ્દની ઉક્તિ વાણીના સૌન્દર્ય – અલંકારને સર્જે છે’ ‘એવી નોંધ સાથે વક્રોક્તિવિચારને પુરસ્કાર્યો છે. આ વક્રોક્તિ એ જ એમની અતિશયોક્તિ છે જે ‘લોકાતિક્રાન્તગોચરવચન’ રૂપ બની રહે છે. દંડીએ વાઙ્મયને સ્વભાવોક્તિ અને વક્રોક્તિ વચ્ચે દ્વિભાજિત માન્યું અને બધા પ્રકારની વક્રોક્તિમાં શ્લેષને પોષક માન્યો. દંડી પણ લોકસીમાતિવર્તિની અતિશયોક્તિને જ્યારે ઉત્તમ અલંકાર માને છે ત્યારે વ્યાપક અર્થમાં વક્રોક્તિનો જ પરિપોષ તેમને અભિપ્રેત છે. વામને વક્રોક્તિના સ્વરૂપને વૈયક્તિક અલંકારમાત્ર રૂપે સીમિત કરવા પ્રયત્ન કર્યો જે રુદ્રટ અને અનુગામીઓમાં ચાલુ રહ્યો. વાસ્તવમાં અહીંથી જ વક્રોક્તિ વિચારણાનું ધોવાણ શરૂ થયું તેમ કહી શકાય. આનંદવર્ધન આ વિચારની વ્યાપકતાથી સભાન હોવા છતાં તેને અલંકારમાત્ર તરીકે ઘટાવવા પણ તૈયાર જણાય છે. કુન્તકે ફરી વક્રોક્તિને તેના મૂળ વ્યાપક અર્થમાં પ્રસ્થાપિત કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો પણ તે આવકાર્ય બન્યો નહિ, તેમાં કદાચ તેમની વધુ પડતી શબ્દાળુ શૈલી પણ કારણભૂત હોય અને ધ્વનિ / વ્યંજનાનો તેમણે અસ્વીકાર નથી કર્યો તે પણ કારણભૂત હોય. આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ સાથે કુન્તકનો પરિચય સ્વયંસ્પષ્ટ છે. ધ્વન્યાલોકનાં અનેક ઉદાહરણોનો તેમણે વક્રાતાન્ત સંદર્ભમાં વિનિયોગ કર્યો છે. ઉપચારવક્રતામાં તેમણે અત્યંતતિરસ્કૃત વાચ્ય નામે લક્ષણામૂલધ્વનિને અતંર્ભાવિત કર્યો છે. રૂઢિવૈચિત્ર્યવક્રતામાં અર્થાંતરસંક્રમિતધ્વનિ સમાવ્યો છે. અને स्निग्धश्यामलकान्ति વગેરે ઉદાહરણ ‘ધ્વન્યાલોક’ પ્રમાણે ટાંકીને નોંધ મૂકી છે કે ‘ધ્વનિકારે વ્યંગ્યવ્યંજકભાવ અહીં બહુ સારી રીતે સમર્પિત કર્યો છે તેથી પુનરુક્તિની શી જરૂર? પર્યાયવક્રતામાં ક્યારેક શ્લેષથી અલંકારાન્તરનું દ્યોતન થાય છે તો વળી, પ્રસ્તુત વસ્તુ ઉપર અપ્રસ્તુત વસ્તુનું આરોપણ પણ થાય છે. આ રીતે કુન્તકે શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ પદધ્વનિને પણ સ્પર્શી લીધો છે! તથા અનેક પદો જ્યારે સક્ષમ જણાય ત્યારે વાક્યધ્વનિ પણ થાય તેવું તેઓ જણાવે છે. કુન્તકે ધ્વનિના આવા અતંર્ભાવના પ્રસંગો ઉપરાંત પ્રતીયમાન અર્થની સ્વીકૃતિના અનેક સંકેતો આપ્યા છે. વિચિત્ર માર્ગમાં વાક્યાર્થની પ્રતીયમાનતાનો સ્પષ્ટ નિર્દેશ છે, વળી, કોઈપણ વસ્તુના સ્વભાવનું સરસ ઉન્મિલન તેઓ વસ્તુવક્રતામાં સમાવે છે. ‘वक्रशब्यैगोचरत्वेन’ એવા શબ્દપ્રયોગમાં આ ‘गोचरत्व’નું માહાત્મ્ય એ રીતે બતાવ્યું છે કે અહીં વાચકત્વ અને વ્યંગ્યત્વ બંને થઈ શકે. કુન્તકે અલંકારોનાં દ્વિવિધ રૂપો માન્યાં છે, જેવાં કે વાચ્ય અને પ્રતીયમાન. આનંદવર્ધને પણ બધા અલંકારો ધ્વનિત થઈ શકે એ સૂચવ્યું છે. કુન્તકે ભામહ પ્રમાણે રસવત્ વગેરે અલંકારોના સંદર્ભમાં રસનો વિચાર કર્યો છે. વક્રોક્તિના કેટલાક પ્રકારો જેવા કે, વાક્યવક્રતા એટલેકે અર્થાલંકારો તથા પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતાના સંદર્ભમાં પણ તેમણે રસતત્ત્વનો સ્પર્શ કર્યો છે. કુન્તક જ્યારે નોંધે છે (વ.જી-૪/૩,૪ ઉપર) કે કવિને ઇતિવૃત્તમાત્રના નિરૂપણમાં રસ ન હોઈ શકે, કેમકે, તે તો ઇતિહાસમાંથી પણ જાણી શકાય, બલ્કે કવિનું ધ્યાનકેન્દ્ર રસનિરૂપણનું છે, ત્યારે તેઓ આનંદવર્ધનના જ શબ્દોની પુનરુક્તિ કરે છે. વસ્તુસ્વભાવનું વર્ણન રસના પરિપોષથી મનોહર લાગે છે એવું તેઓ માને છે તથા તેમની વસ્તુવક્રતાનો એક મુખ્ય પ્રકાર એ બની રહે છે કે તેમાં ચેતન અથવા જડ પદાર્થોનું સ્વરૂપ રસોદ્દીપક રીતે નિરૂપાવું આવશ્યક છે. કથાવસ્તુની પસંદગી, સંધિ, સંધ્યઙ્ગો વગેરેનું વિધાન-સઘળું આનંદવર્ધનને અનુસરીને જ છે. પ્રબંધવક્રતા અને પ્રકરણવક્રતામાં પણ રસનો સમાવેશ તેમણે વિચાર્યો છે. કુન્તકની વક્રોક્તિ પૂર્વાચાર્યોના રીતિ-ગુણવિચારને પણ આવરી લે છે. કુંતકે વક્રોક્તિના ભેદોપભેદો નીચે મુજબ વિચાર્યા છે. સૌ પ્રથમ (વ.જી. ૧/૧૮-૧૯) છ પ્રકારો તે આ પ્રમાણે – વર્ણવિન્યાસવક્રતા, પદપૂર્વાર્ધવક્રતા, પદપરાર્ધવક્રતા અથવા પ્રત્યયવક્રતા તથા (વ.જી. ૧ /૨૦-૨૧) વાક્યવક્રતા (જે પોતે સહસ્રધા વહેંચાય છે તેમાં બધા જ અલંકારો સમાય છે), પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતા. આનંદવર્ધને વર્ણથી પ્રબંધ સુધીનાં ઘટકોને વ્યંજક તરીકે સ્વીકાર્યાં હતાં એ જ વિગત અહીં નામાંતરે સ્વીકારાઈ છે. હવે જે પદપૂર્વાર્ધવક્રતા કહી તે નવધા છે એવું નોંધતાં પહેલાં કુન્તક જણાવે છે કે વર્ણવિન્યાસવક્રતામાં પૂર્વાચાર્યો દ્વારા કથિત અનુપ્રાસનો સમાવેશ પણ અભિપ્રેત છે. પદપૂર્વાર્ધવક્રતામાં સુબન્ત કે તિઙ્ન્ત પદમાં રહેલ મૂળ પ્રતિપાદક અથવા ધાતુરૂપની વક્રતા અભિપ્રેત છે. જ્યાં રૂઢિ શબ્દનો સંદર્ભને અનુરૂપ, વાચ્યરૂપથી પ્રસિદ્ધ એવા ધર્મથી ભિન્ન ધર્મના અધ્યારોપ સાથે પ્રયોગ થાય તે થયો પહેલો પ્રકાર. બીજા પ્રકારમાં સંજ્ઞા (=નામવાચી) શબ્દના પ્રસિદ્ધ ધર્મમાં, લોકોત્તર અતિશયના અધ્યારોપથી ગર્ભિત પ્રયોગ અભિપ્રેત છે. પર્યાયવક્રતા એ ત્રીજો પ્રકાર, જેમાં પર્યાયવાચી શબ્દના પ્રયોગથી વક્રતા સર્જાય છે. ઉપચારવક્રતાના પેટાભેદમાં અમૂર્તદ્રવ્યનો મૂર્તદ્રવ્યનું અભિધાન કરતા શબ્દથી પ્રયોગ થાય છે. વિશેષણવક્રતામાં વિશેષણનું ખાસ માહાત્મ્ય પ્રગટે છે. સંવૃત્તિવક્રતામાં સાક્ષાત્ કથનની જ્યાં આવશ્યકતા હોય ત્યાં ગોપવીને કથન કરવામાં આવે છે. વૃત્તિવૈચિત્ર્યવક્રતાનો પેટાપ્રકાર તે સમાસ વગેરે વૃત્તિની સુંદરતા પર નિર્ભર છે. લિંગવૈચિત્ર્યમાં ભિન્નલિંગી શબ્દોનું સામાનાધિકરણ્ય અભિપ્રેત છે અથવા અનેકલિંગીશબ્દનો સ્ત્રીલિંગી પ્રયોગ પણ ત્યાં થાય છે. ક્રિયાવૈચિત્ર્યવક્રત્વમાં ક્રિયાની અનેકવિધતા સંપન્ન થાય છે. કારકવૈચિત્ર્યથી પણ આ રીતે વક્રતા સિદ્ધ થાય છે. સુકુમારમાર્ગ, વિચિત્રમાર્ગ અને મધ્યમમાર્ગમાં ગુણ-રીતિના સૌન્દર્યને તેઓ વિચારે છે. પદપૂર્વાર્ધવક્રતામાં કારકવક્રતા ઉપરાન્ત ભેગાભેગી પદપરાર્ધગત સંખ્યા, પુરુષ, ઉપગ્રહ, પ્રત્યયાન્તર, ઉપસર્ગ વગેરેથી સર્જાતી વક્રતા તથા બહુવિધવક્રતાસંકર પણ વિચારાયો છે. આનંદવર્ધને સુપ, તિઙ, વચન, સંબંધકારક, શક્તિકૃત, તદ્ધિત, સમાસ – વગેરેથી અસંલક્ષ્યક્રમ રસાદિને દ્યોત્ય માન્યો હતો તેના પ્રભાવ નીચે કુન્તકે આ બધું વિચાર્યું છે. તે પહેલાં વર્ણવિન્યાસવક્રતાના છ પેટાભેદોમાં પણ તેવું જ સમજવાનું છે. વાક્યવક્રતામાં વસ્તુવક્રતાથી આરંભ થાય છે. કુન્તક જણાવે છે કે (વ.જી. રૂ. ૨) કવિના સહજ તથા આહાર્ય કૌશલથી શોભતી, અભિવનકલ્પનાનું પ્રસૂન હોવાથી લોકાતિશાયિની રચના પદાર્થવક્રતામાં સમાવિષ્ટ થાય છે. વર્ણ્યવસ્તુ ચેતન, અચેતન હોઈ શકે અને તે પણ મુખ્ય કે અમુખ્ય પણ હોય. પ્રકરણવક્રતાના નવ ભેદો છે તેમાં પાત્રપ્રવૃત્તિવક્રતા, ઉત્પાદ્યકથાવક્રતા, ઉપકાર્યોપકારકવક્રતા, આવૃત્તિવક્રતા, પ્રાસંગિક પ્રકરણવક્રતા, પ્રકરણરસવક્રતા, અવાન્તરવસ્તુવક્રતા, નાટકાન્તર્ગતનાટકવક્રતા તથા સન્ધ્યઙ્ગનિવેશવક્રતા સમાવાય છે. પ્રબંધવક્રતાના છ પ્રકારોમાં રસપરિવર્તનવક્રતા, સમાપનવક્રતા, કથાવિચ્છેદવક્રતા, આનુષંગિક ફલવક્રતા, નામકરણવક્રતા તથા કથાસામ્યવક્રતાનો સમાવેશ થાય છે. વાસ્તવમાં આનંદવર્ધને પોતે વ્યંજકો ગણાવ્યા પછી એવી નોંધ કરી હતી કે આવા અનેક નવાનવા વ્યંજકો સ્વબુદ્ધિથી વિચારીને ઉમેરવા. કુંતકે આમાંથી શીખ લઈને આલોચનાને વધુ કૃતિલક્ષી બનાવવાનો પ્રયાસ કર્યો એનું સુપરિણામ તે વક્રોક્તિ વિચાર અને તેના ભેદોપભેદો. ત.ના.