ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશિષ્ટાદ્વૈતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશિષ્ટાદ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં વિશિષ્ટાદ્વૈતવાદે સંસ્કૃતવેદપ્રસૂત પ્રસ્થાનત્રયી અને તમિળવેદપ્રસૂત બાર આલવાર ભક્તોનાં (૭૦૦-૯૦૦) વાક્યોને પ્રમાણ સ્વરૂપે લઈ, ભક્તોના ભક્તિમાર્ગ તથા વેદોપનિષત્પ્રતિપાદિત જ્ઞાન-કર્મ-ઉપાસના માર્ગોના સમન્વય દ્વારા પ્રપત્તિમાર્ગની પ્રતિષ્ઠા કરી. લક્ષ્મીજી પ્રથમ પ્રવર્તક હોવાથી આ મત શ્રીવૈષ્ણવસમ્પ્રદાયના નામે ઓળખાય છે. તમિળવેદના ઉદ્ધારક રંગનાથમુનિ (૮૨૪-૯૨૪) અને તેમના પૌત્ર મામુનાચાર્ય યા આલવન્દારે અનેક ગ્રન્થો દ્વારા આ વાદની પ્રબળ સ્થાપના કરી. તેના આધારે તેમના વંશજ આચાર્ય રામાનુજે (૧૦૩૭-૧૧૩૭ સમ્પ્રતિ શ્રી પેરેમ્બુપુરમ્ નામે ઓળખાતા ગામના નિવાસી) બ્રહ્મસૂત્ર પર શ્રીભાષ્ય જેવા અનેક ગ્રન્થો દ્વારા આ વિચારધારાનું સર્વશ્રેષ્ઠ પ્રવર્તન કર્યું, દક્ષિણ ઉપરાંત ઉત્તરભારતમાં રામાનંદ (ચૌદમી સદી), તેમના અનુયાયીઓ, કબીર, દાદુ, તુલસીદાસ તથા ગુજરાતમાં પ્રચારિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રામાનુજના સિદ્ધાન્તોનું અનુસરણ કર્યું. વિશિષ્ટાદ્વૈતના મતે પરમાત્મા, ચિત્-જીવ, અચિત્-પ્રકૃતિ ત્રણ નિત્યસ્વતંત્ર પદાર્થ છે. જીવ-પ્રકૃતિમાં વિદ્યમાન પરમાત્મા અંશી તથા જીવપ્રકૃતિ અંશ છે. ચિત્-અચિત્ વિશિષ્ટ પરમાત્મા જ સત્ય છે. જીવ-પ્રકૃતિ ગુણયુક્ત હોઈ તેમનામાં ભેદ છે જ્યારે પરમાત્મા સગુણ-દ્રવ્ય હોઈ તેમાં સજાતીય-વિજાતીય જેવા ભેદ નથી. ઈશ્વર પોતાના ચિદચિત્ સાથેના વિશેષ્ય-વિશેષણ, આધારાધેય સંબંધ રૂપે સૃષ્ટિનું નિમિત્ત અને ઉપાદાન બન્ને કારણ છે. તેથી સૃષ્ટિ માયિક ન હોતાં વાસ્તવિક છે. ભુવનસુંદર ઉદાત્ત બ્રહ્મના સ્વરૂપ-ચિંતન, ભક્તિ-ધ્યાન દ્વારા જીવમાં ઉદ્ભવતી મુમુક્ષાના પરિણામે કર્મ-જ્ઞાન-ઉપાસનાથી સધાતી શરણાગતિ-પ્રપત્તિ જ મોક્ષ. પ્રપત્તિમાર્ગે ન જઈ શકનાર માટે ગુરુનું શરણ, ગુરુભક્તિ દ્વારા પણ મોક્ષ પ્રાપ્ય છે. ઈશ્વરનાં નારાયણરૂપ, ચાર-વ્યૂહરૂપ : વાસુદેવ(આત્મા), સઙ્કર્ષણ(જીવ), પ્રદ્યુમ્ન(મન) અને અનિરુદ્ધ (અહઙ્કાર), વિભવરૂપ(અવતારો), અન્તર્યામીરૂપ અને મૂર્તિરૂપના ધ્યાન દ્વારા સાલોક્ય(ઈશ્વર સાથે નિવાસ), સામીપ્ય (ઈશ્વર સામે), સારૂપ્ય (ઈશ્વર સદૃશ) અને સાયુજ્ય (તન્મય) પ્રકારની મુક્તિઓમાંથી સાયુજ્ય જ કૈવલ્યમુક્તિ છે; જ્યાં જીવ-ઈશ્વરના ભેદ છતાં ય જીવની દ્વૈતદૃષ્ટિનો લોપ થઈ જાય છે. રામાનુજ પ્રવર્તિત વિશિષ્ટાદ્વૈતની જેમ જ શક્તિવિશિષ્ટાદ્વૈત યા વીરશૈવવાદ, શિવવિશિષ્ટાદ્વૈત યા શૈવવાદ અને રામવિશિષ્ટાદ્વૈત જેવી વિચારધારાઓ વિકસી છે. શા.જ.દ.