ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વમાનવ
વિશ્વમાનવ : ભોગીલાલ ગાંધીના તંત્રીપદે ઑગસ્ટ ૧૯૫૮માં વડોદરાથી પ્રગટ થયેલું માસિક. માનવીય ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા ઝંખતા માસિક તરીકે એને પ્રગટ કરવામાં આવ્યું. આરંભના સાત અંકો આ સામયિક માનવ નામે પ્રકાશિત થયા બાદ એ વિશ્વમાનવ નામે પ્રસિદ્ધ થયું. આ માસિકને નવા યુગના મોડર્નરિવ્યુ બનાવવાની સંપાદકની મહેચ્છા હતી. પદ્યનાટક, નવી નવલિકા, એકાંકી, ટૉલ્સ્ટોય, રવીન્દ્રદર્શન અને અદ્યતન રશિયન વાર્તાઓના વિશેષાંકો એને શુદ્ધ સાહિત્યિક સામયિકની કોટિમાં મૂકે છે પરંતુ નાગરિકધર્મ, સામ્પ્રત રાજકારણ – મીમાંસા, આદિને કેન્દ્રમાં રાખતા વૈચારિક સામયિક લેખે એનો પ્રભાવ વિશેષ છે. જયંતિ દલાલના રેખા સામયિકના જોડાણ પછી વિશ્વમાનવમાં સાહિત્ય અને માનવીય પ્રશ્નોનાં લખાણો વિશેષ આવ્યાં છે. થોડો સમય યોગેશ જોષીના તંત્રીપદે એ નોંધપાત્ર સામયિક બનવાની દિશામાં ગયું હતું. સુરેશ જોષીએ અહીં સાહિત્ય વિભાગ ચલાવ્યો હતો. એમણે કરાવેલા કાવ્યઆસ્વાદો કવિતાને સમજવાની નવી દિશા ચીંધે છે. કલા વિભાગ ગુલામ મોહમ્મદ શેખ અને વિજ્ઞાન વિભાગ મધુકર શાહ સંભાળતા હતા. ભોગીલાલ ગાંધીની હકારાત્મક, વ્યાપક દૃષ્ટિ, અનેક વિષયોનો ઊંડો અભ્યાસ, નવી નવી પ્રતિભાઓની શોધ વિશ્વમાનવને નોંધપાત્ર સામયિકની કોટિમાં મૂકે છે. યોગેશ જોષીના સંપાદનમાં, નવે.-ડિસે. ૧૯૯૧માં ‘વિશ્વમાનવ’નો છેલ્લો અંક ‘સાહિત્ય વિશેષાંક’ તરીકે પ્રગટ થયેલો. ગુજરાત લેક્સિકન ટ્રસ્ટ દ્વારા આ સામયિકના સમગ્ર અંકોની ધનાંકિતા તૈયાર કરવામાં આવી છે. કિશોર વ્યાસે વિશ્વમાનવ સાહિત્ય સંદર્ભ સૂચિ તૈયાર કરી છે. કિ. વ્યા.