ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈવસંપ્રદાય અને સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



શૈવસંપ્રદાય અને સાહિત્ય : ભારતનો સૌથી પ્રાચીન ધર્મ એટલે શૈવધર્મ. આર્યપ્રજામાં સૂર્ય અને અગ્નિ રૂપે પરમાત્માની ઉપાસના થતી. તેમાં સૂર્યપૂજામાંથી વિષ્ણુભક્તિનો અને અગ્નિપૂજામાંથી શિવભક્તિનો પ્રવાહ ચાલ્યો. શિવ અને રુદ્ર એક જ અગ્નિનાં બે સ્વરૂપો અને બે નામ છે. વૈદિક રુદ્ર અને અનાર્ય ભૂતનાથ બન્નેના મિશ્રણથી થયેલા શંકર ‘ઈશાન’ શુદ્ધ ઉપાસનાના પાત્ર બન્યા. ઉપનિષદમાં પણ (જેમકે શ્વેતાશ્વતર ૩૫.માં) શૈવસિદ્ધાન્તો તથા તત્ત્વજ્ઞાનનાં બીજ સ્પષ્ટ જોવા મળે છે. કેટલાક વિદ્વાનોના મતે શૈવધર્મનાં મૂળ મોહેં-જો-ડેરો અને હડપ્પા સંસ્કૃતિના સમયમાં (આશરે ૫૦૦૦ વર્ષ પૂર્વે) જોવા મળે છે. ખોદકામ કરતાં ત્યાંથી જે અતિપ્રાચીન શિવલિંગ અને જલાધારીઓની નાનીમોટી આકૃતિઓ મળી આવી છે તે આ મતને પુષ્ટિ આપે છે. ઈ.સ. પૂ. આઠમી સદીમાં જ્યારે બ્રાહ્મણયુગ પ્રવર્તતો હતો તે સમયમાં શિવ એ મુખ્ય દેવ તરીકે પૂજાવા લાગ્યા હતા. તેની સાથે શક્તિની પણ પૂજા શરૂ થઈ હતી, જે હાલના શૈવસંપ્રદાયનું રૂપ લે છે. શૈવસંપ્રદાયમાં મૂર્તિને બદલે લિંગપૂજા વિશેષ જોવા મળે છે. શક્તિ કેવળ શિવની પૂરક હોઈ તેને યોનિના રૂપમાં લેવામાં આવે છે. સમય જતાં પાછળથી શક્તિસંપ્રદાય ઉદ્ભવ્યો અને વિકસ્યો છે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો આદિસ્ત્રોત વેદ અને તંત્રમાં નિહિત છે. શૈવસંપ્રદાયનું મુખ્ય સાહિત્ય શિવસૂક્તો, શતરુદ્રી, શિવગીતા, શિવરહસ્ય, શિવસંહિતા, રુદ્રયામલ અને બીજાં તંત્રો છે. આ ઉપરાંત શિવપુરાણ, લિંગપુરાણ, કૂર્મ, વાયુ, અને સ્કંદ પુરાણનો મોટો ભાગ પણ શૈવદર્શનના સાહિત્યમાં ગણાવી શકાય. શૈવસંપ્રદાયમાં બીજા કોઈ માર્ગ કરતાં જ્ઞાન, ધ્યાન અને યોગ તરફનો ઝોક વધારે છે. આ સંપ્રદાયમાં ભારતના મહાન દાર્શનિક આચાર્ય શંકરના મતની થયેલી અસર પણ નોંધપાત્ર છે. સામાન્ય રીતે જોઈએ તો શૈવ સંપ્રદાયમાં જે પહેલો વિભાગ છે તે શ્રીમદ્ શંકરાચાર્યનો શિષ્ટસ્માર્ત સંપ્રદાયનો અને અન્ય વિભાગોમાં એક છે તે ગોરખ, મત્સ્યેન્દ્ર વ. યોગીઓનો. પરંતુ સમય જતાં પૂજા, આચાર અને ધાર્મિક માન્યતાઓના તથા દાર્શનિક મતના ભેદમાંથી અનેક પંથો ઊભા થયા છે. કેટલાક તો શંકરાચાર્યને શિવનો અવતાર માને છે. શૈવસિદ્ધાન્તના ચાર મુખ્ય વર્ગ છે : પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા તથા રસેશ્વરદર્શન. ઈ.સ. પૂર્વે પણ કદાચ આ સિદ્ધાન્ત દક્ષિણભારતમાં પ્રચલિત હશે. આજે પણ શૈવસિદ્ધાન્ત મોટે ભાગે તો દક્ષિણભારતમાં જ પ્રચલિત છે. એના પ્રવર્તકો પણ એક કરતાં વધુ છે. આ સિદ્ધાન્ત શંકરાચાર્યના અદ્વૈતવાદ અને રામાનુજના વિશિષ્ટાદ્વૈતવાદનો મધ્યવર્તી માર્ગ છે. શૈવસિદ્ધાન્ત પ્રમાણે શિવ આખરી તત્ત્વ છે. તેમના અનંત પ્રેમનું પ્રાગટ્ય પાંચ દૈવી કાર્ય વડે થાય છે. સૃષ્ટિનું સર્જન, પાલન, સંહાર અને આત્માની મુક્તિ કે અવરોધ. શિવ પોતાની શક્તિ દ્વારા આત્માના લાભાર્થે આ કાર્ય કરે છે. બ્રહ્માંડ ઉત્ક્રાન્તિ પામી રહ્યું છે, તે સત્ય અને સનાતન છે, પદાર્થસૃષ્ટિ અને જીવસૃષ્ટિ પરમાત્માના દેહરૂપ છે. આત્મા પ્રકૃતિ એ ઈશ્વરની જેમ અનંત અવિનાશી અને સર્વજ્ઞ છે પણ બંધનમાં હોઈને તે પોતાની જાતને મર્યાદિત, ક્ષણભંગુર અને અજ્ઞાનયુક્ત માને છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે માણસે બંધનોથી મુક્ત થવું જોઈએ. મુક્તિ મેળવવા માટેનાં બે શ્રેષ્ઠ સાધનોમાં તપશ્ચર્યા અને દૈવકૃપાથી જ્ઞાનપ્રાપ્તિ થવી એ મુખ્ય છે. આ સિદ્ધાન્તના મહત્ત્વના સાહિત્યમાં તમિળમાં લખાયેલા મેયકેદર(તેરમી સદી)ના ‘શિવ-જ્ઞાનબોધ’ના તેર સૂત્રોનો સમાવેશ થાય છે તથા તેમના શિષ્ય અરુલનંદીના ‘શિવજ્ઞાનસિદ્ધિ’નો સમાવેશ થાય છે. આ ગ્રન્થ શૈવસિદ્ધાન્તના તત્ત્વજ્ઞાનનો પૂરો પરિચય આપે છે. તદુપરાંત જ્ઞાનસમંદર તથા ઉમાપતિ (શિવપ્રકાશના રચયિતા) વગેરેને ગણાવી શકાય. આ સિદ્ધાન્તની સોળેક શાખાઓ છે. છઠ્ઠાથી બારમા શતક સુધી મુખ્યત્વે કાશ્મીરમાં પ્રચલિત એવા કાશ્મીરીય શૈવદર્શન(પ્રત્યભિજ્ઞા દર્શન)નો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. ભારતીય સાધનાક્ષેત્રમાં વ્યાપક પ્રભાવ ધરાવનાર આ વિચારધારાનાં પ્રાચીન સાહિત્યમાં ‘ત્રિક્દર્શન’, ‘માહેશ્વરદર્શન’ એવાં નામો પ્રચલિત હતાં. આગમશાસ્ત્ર, સ્પંદશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર એ ત્રણેયના સિદ્ધાન્તપ્રવાહો સમ્મિલિત સ્વરૂપોમાં જોવા મળે છે તેથી તેમાંના અદ્વૈત-સિદ્ધાન્તને ‘ત્રિક્’ નામથી ઓળખાવાય છે. આ દર્શન વેદવિરોધી નથી તેમજ તે વેદોનો અંતિમ પ્રમાણ રૂપે સ્પષ્ટ સ્વીકાર પણ કરતું નથી. અદ્વૈતવિચારના સમર્થન અને પ્રચાર-પ્રસારમાં તેનો મહત્ત્વનો ફાળો છે. આ દર્શનના બે મૂર્ધન્ય મીમાંસક તથા પ્રચારક છે. ૧, અગિયારમી સદીમાં થયેલા અભિનવગુપ્ત- (માહેશ્વરાચાર્ય) જેમની કૃતિઓમાં તન્ત્રાલોક, તન્ત્રસાર વગેરે પ્રસિદ્ધ છે. ૨, એ જ સદીમાં થયેલા ક્ષેમેન્દ્રાચાર્ય(ક્ષેમરાજ) કે જેમણે ‘ચિતિ’ સિદ્ધાન્તનું વિશદ વિવરણ કર્યું છે. ‘ધ્વન્યાલોક’, ‘શિવસૂત્રવિમર્શિની’ વગેરે તેમની કૃતિઓ મોટા ભાગે ટીકા કે વિવૃત્તિરૂપની છે. ટૂંકમાં, આ બન્નેએ સાહિત્યનાં ત્રણે અંગો શૈવ-દર્શન, અલંકારશાસ્ત્ર, તથા તંત્રવિષે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. અઢારમી સદીમાં થયેલા શિવોપાધ્યાયે પણ શૈવધર્મનું સાહિત્ય ખેડ્યું છે. શ્રીમાધવાચાર્યે તેમના ‘સર્વદર્શનસંગ્રહ’માં ‘પ્રત્યભિજ્ઞા’ શબ્દનો બહુ બહોળો પ્રયોગ કર્યો છે. શૈવાગમ બે ભાગમાં વિભાજિત છે. ૧, સ્પંદશાસ્ત્ર(પ્રચારક : વસુગુપ્ત) અને ૨, પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર(પ્રવર્તક : સોમાનંદ) વસુગુપ્તનાં ‘શિવસૂત્રો’ તથા સોમાનંદના ‘શિવદૃષ્ટિ’ તેમજ ઉત્પલરચિત ‘પ્રત્યભિજ્ઞાસૂત્ર’ પ્રખ્યાત કૃતિઓ છે. બારમી સદીની શરૂઆતમાં ખાસ કરીને દક્ષિણભારત- કર્ણાટકમાં શૈવપંથનો જે મહત્ત્વનો ફાંટો પડ્યો તે વીર, શૈવ કે લિંગાયત તરીકે પ્રસિદ્ધ છે. તેના પ્રણેતા બસવ(૧૧૩૨-૧૧૬૮) છે. તેમની કન્નડ ભાષામાં ગદ્ય-પદ્યમાં ઘણી રચનાઓ છે. તેઓ બ્રાહ્મણ છતાં વર્ણભેદનો અસ્વીકાર કરે છે. પશુબલિ તથા અન્ય કર્મકાંડોની તેમણે સખત ટીકા કરી છે. તેઓ ભક્તિની અને શંકરની એકેશ્વરપૂજાના હિમાયતી હતા. અન્ય કોઈની નહીં પણ માત્ર શિવની જ પૂજા(વીરશૈવ)શિવના પ્રતીક એવા (જળાધારી સહિત) લિંગને આ મતાનુયાયીઓ ગળામાં પહેરે છે. આ મત રામાનુજના વિશિષ્ટાદ્વૈતને વધુ મળતો છે. પરબ્રહ્મ એ જ સચ્ચિદાનંદસ્વરૂપ શિવતત્ત્વ છે. તેમનો દીક્ષામંત્ર ‘ૐ નમ : શિવાય’ છે. તેઓ ભક્તિ ઉપરાંત યોગ અને ધ્યાનને પણ મહત્ત્વનાં ગણે છે. આગમાન્ત શૈવસંપ્રદાયવાળાઓ પોતાને વેદાન્તી શૈવોથી ભિન્ન માને છે. તેમના મતે વેદો આગમોથી ઊતરતી કોટિના છે. કુલ ૨૮ શૈવાગમો છે. શિવના સદ્યોજાત વગેરે ચાર મુખમાંથી પાંચ પાંચ અને ઈશાન મુખમાંથી આઠ મળી કુલ અઠ્ઠયાવીસ. (ઇશાનઃ સર્વ વિદ્યાનામ્) આમતા દ્વામાણે મીમાંસકો તથા અદ્વૈતાવાદીઓને શૈવદીક્ષાઓ લેવાનો અધિકાર નથી. આથી ઉલટો મતી સામા પક્ષવાળાઓ એટલે વૈદિકશેબોનો છે જેઓ આગમન્તાવાદીઓને બેદવાહ્લા અને નાસ્તિક બેઉ દીક્ષાના અધિકારી માનતા નથી. શક્તિવિશિષ્ટા-દ્વૈતામતા મજબ વેદ ત્રિવર્ણ માટે છે. ક્યારે શિવાગમ ચારે વર્ણ માટે છે. વૈદિક શિવો પાંચાક્ષરમત્કાની દીક્ષા લે છે પારંર્તં બીત તાંત્રિક દીક્ષાઓ લેતા નથી. જે કોઈ વૈષ્ણવ તથા શૈવ મૂર્તિઓ અને મંદિરોનો વિકાસ તાંત્રિકોએ પ્રાણ સારો એવો કર્યો છે. ચૌદમી સદીના બે પ્રસિદ્ધ વિદ્વાનો. ૧, માધવવિદ્યારણ્ય (તેના ભાઈ સાયણ-વેદના ભાષ્યકાર) જેમણે અદ્વૈતવાદ પર ‘પંચદશી’ની રચના કરી, જેમાં તત્ત્વજ્ઞાનની બધી શાખાઓનો અહેવાલ જોવા મળે છે. તથા ૨, બીજા વેદાન્તદેશિક(વૈષ્ણવધર્મી) જેઓ તત્ત્વજ્ઞાની ઉપરાંત કવિ તેમજ નાટ્યકાર પણ હતા. સંસ્કૃત તથા તમિળમાં તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. તેમણે અદ્વૈતમતનું ખંડન અને વિશિષ્ટા- દ્વૈતમતનું મંડન કર્યું છે. તેમના મતે પ્રપત્તિ-શરણાગતિમાં પણ પુરુષાર્થ(કર્મ) અનિવાર્ય છે. તેઓ રૂઢિચુસ્ત હોઈ નિમ્ન વર્ણને દીક્ષા આપવાનો વિરોધ કરે છે. આ ઉપરાંત ગોરખનાથી કે નાથ સંપ્રદાય પણ છે. પરંતુ તે ખરેખર તો શૈવ નહીં પણ યોગનો સંપ્રદાય છે. તો પણ ફકર્યુહર જેવા પાશ્ચાત્ય વિદ્વાનો તેને શૈવસંપ્રદાયી ગણી કાપાલિકો વગેરે સાથે સંબંધ ધરાવતો નિરૂપે છે. તેમના સાહિત્યમાં હઠયોગ પ્રદીપિકા અને ગોરક્ષશતક, ઘેરંડસંહિતા વગેરેનો સમાવેશ થાય છે. શૈવસંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય અન્યની સરખામણીએ અલ્પ પ્રમાણમાં છે. મોટાભાગે પુરાણોનો અને એમાં પણ ખાસ કરીને શિવપુરાણનો આધાર લઈને રચનાઓ થઈ છે. ભાલણ (શિવભીલડી સંવાદ), નાકર(શિવવિવાહ), શિવાનંદની આરતી-ઓ, શિવસ્તુતિનાં પદો વગેરેને ગણાવી શકાય. દ્વાદશ જ્યોતિ-ર્લિંગમાં સોમનાથ(પાટણ)ને પ્રથમ સ્થાન મળેલું છે. પાશુપત- મતના આચાર્ય લકુલીશ પણ કારવણ(કાયાવરોહણ-વડોદરા પાસે)માં થઈ ગયા એવા ઐતિહાસિક પુરાવાઓ મળે છે. નર્મદાકાંઠે અનેક શૈવસ્થાન ઊભાં થયેલાં જોવા મળે છે. આ શૈવમંદિરો અને મઠના આશ્રય તળે તથા ગુજરાતના સોલંકી તથા ચાલુક્ય વંશના તેમજ વલ્લભીના રાજાઓ દ્વારા સંસ્કૃત વિદ્યાને પણ ઘણું પોષણ મળ્યું. આજે ગુજરાતમાં સાદો શૈવધર્મ પૌરાણિક શિવભક્તિ રૂપે રહેવા પામ્યો છે. ચી.રા.