ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યદર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્યદર્પણ : વિશ્વનાથનો ૧૩૦૦થી ૧૩૮૬ વચ્ચે લખાયેલો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. એના કુલ દશ પરિચ્છેદ છે. પહેલા પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન અને કાવ્યલક્ષણની ચર્ચા છે. બીજો પરિચ્છેદ શબ્દશક્તિઓ પરનો છે. ત્રીજા પરિચ્છેદમાં રસ, ભાવ અને એને લગતી સામગ્રીનું વિસ્તારપૂર્વક વિવરણ થયું છે. ચોથા પરિચ્છેદમાં ધ્વનિકાવ્ય અને ગુણીભૂતવ્યંગ્યકાવ્ય એમ કાવ્યના બે પ્રકારો અને એના પેટાપ્રકારોને વર્ણવાયા છે. પાંચમા પરિચ્છેદમાં વ્યંજનાની સ્થાપના, છઠ્ઠા પરિચ્છેદમાં નાટ્યવિષયક પ્રમુખ વીગતોનું વિવેચન, સાતમામાં કાવ્યદોષ અને આઠમામાં ગુણવિવરણ મળે છે. નવમામાં વૈદર્ભી, ગૌડી, લાટી, પાંચાલી વૃત્તિઓનું વર્ણન છે. દશમો પરિચ્છેદ શબ્દાલંકારો અને અર્થાલંકારો પર છે. આનંદવર્ધન કે જગન્નાથના જેવું મૌલિક પ્રદાન ઓછું હોવા છતાં અને પ્રસ્થાનગ્રન્થ ન હોવા છતાં કેટલીક વિશિષ્ટતાઓને કારણે આ ગ્રન્થ પ્રસિદ્ધ રહ્યો છે. કાવ્યસાહિત્ય સંબંધી સમસ્ત વિષયોને એકત્ર કરતું આ સફળ સંપાદન છે; અને અભ્યાસીઓના વિષયપ્રવેશ માટે પ્રમાણમાં બોધગમ્ય અને સરલ છે. અહીં અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રની ચર્ચા એક-સાથે જોવા મળે છે. મમ્મટના કાવ્યલક્ષણનું ખંડન કરી વિશ્વનાથે આપેલું કાવ્યલક્ષણ ‘वाक्यं रसात्मकं काप्यम्’ અત્યંત પ્રચલિત થયું છે. વિશ્વનાથ પર ‘ધ્વન્યાલોક’, ‘સરસ્વતીકંઠાભરણ’, ‘દશ-રૂપક’, ‘કાવ્યપ્રકાશ’, અને ‘અલંકારસર્વસ્વ’નો પ્રભાવ જોઈ શકાય છે. વિશ્વનાથ રસવાદી આચાર્ય છે. તેઓ રસને ધ્વનિનો ભેદ નથી માનતા અને એનો સ્વતંત્ર કાવ્યસિદ્ધાન્ત તરીકે સ્વીકાર કરે છે. ‘સાહિત્યદર્પણ’ પર લખાયેલી ચારેક ટીકાઓમાં પ્રાચીનતમ ટીકા ‘લોચન’ વિશ્વનાથના પુત્ર અનંતદાસની છે. ઉત્કલપ્રાન્તના બ્રાહ્મણપરિવારના આ આચાર્યે પોતાના પ્રપિતામહ તરીકે નારાયણનો અને પિતા તરીકે ચન્દ્રશેખરનો ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃત મહાકાવ્ય ‘રાઘવવિલાસ’, પ્રાકૃત કાવ્ય ‘કુવલયાશ્વચરિતકાવ્ય’, કાવ્યકૃતિ ‘નરસિંહવિજય’, નાટિકાઓ ‘પ્રભાવતી પરિણય’, અને ‘ચન્દ્રકલા’, ૧૬ ભાષામાં લખાયેલો કરંભક ‘પ્રશસ્તિરત્નાવલી’ અને ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા ‘કાવ્ય-પ્રકાશદર્પણ’ એમની અન્ય કૃતિઓ છે. ચં.ટો.