ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રૂપ અને સંરચના – જયંત કોઠારી, 1930

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


29-2 jayant kothari.jpg ૨૯
જયંત કોઠારી
(૨૮.૧.૧૯૩૦ – ૧.૪.૨૦૦૧)
રૂપ અને સંરચના
 

‘રૂપ અને સંરચના’ એ મારો વિષય છે. ‘Form’ અને ‘structure’ના પર્યાય તરીકે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી છે. હું પ્રસંગોપાત્ત ‘form’ માટે ‘રૂપ’ અને ‘આકૃતિ’ કે ‘આકાર’ એ સંજ્ઞા પણ પ્રયોજીશ. ‘રૂપ’ કે ‘આકૃતિ’નો ખ્યાલ પશ્ચિમની કળામીમાંસામાં બહુ પ્રાચીન કાળથી – પ્લેટો-ઍરિસ્ટૉટલના સમયથી વણાયેલો રહ્યો છે. પણ અર્વાચીન સમયમાં તો એણે અસાધારણ મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે. રૂપ એટલે શું, એના ઘટકો કયા, રૂપનાં કાર્યો કયાં; સામગ્રી સાથે એનો સબંધ કઈ જાતનો, કળાકૃતિમાં કે કળાના આસ્વાદમાં એનું મૂલ્ય શું – આ પ્રશ્નો ત્યાં સતત ચર્ચાતા રહ્યા છે, ઉગ્રતાથી અને ઊંડાણથી ચર્ચાતા રહ્યા છે, અને કળાત્મક રૂપનો કોયડો જટિલ અને વાદગ્રસ્ત બની રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં રૂપની વિચારણાની સાથેસાથે કે એને સ્થાને સંરચનાનો સંપ્રત્યય વિકસી રહ્યો છે. ‘રૂપ’ અને ‘સંરચના’ એ સંજ્ઞાઓના ઇતિહાસમાં અને એને અંગેના સર્વ પ્રશ્નોમાં જવાનું અહીં મારું પ્રયોજન નથી. હું મુખ્યત્વે આ બે સંજ્ઞાઓના સંકેતો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ અને કલાકૃતિમાં એમનાં કાર્ય તથા મૂલ્યની વાત એને અનુષંગે વણી લઈશ.

2

જગતના સર્વ પદાર્થોમાં એક બેવડાપણું અનિવાર્યપણે રહેલું છે અને આપણે એ હંમેશાં પ્રતીત કરીએ છીએ. એક બાજુ છે એનું દ્રવ્ય, વસ્તુ, સામગ્રી કે ઉપાદાન; બીજી બાજુ છે એનો ઘાટ, રચના, આકૃતિ કે રૂપ. લાકડાની ખુરશીમાં લાકડું એ દ્રવ્ય છે અને ખુરશીપણું એ એનો આકાર છે; રોટલીમાં ઘઉં એ દ્રવ્ય છે અને રોટલીપણું એ આકાર છે. જગતમાં સર્વ આકારો દ્રવ્યના જ હોય છે અને સર્વ દ્રવ્યને કોઈ ને કોઈ આકાર હોય છે. લાકડાના ગઠ્ઠાને કે લોટના પિંડાને પણ એનો એક આકાર હોય છે. પણ વ્યવહારજગતમાં સામાન્ય રીતે દ્રવ્ય અને એના આકારનાં મૂલ્યો જુદાં હોય છે, જુદાં પાડી શકાય તેવાં હોય છે. ખુરશીનું લાકડું સારું હોય, પણ એનો ઘાટ ખરાબ હોઈ શકે; અને એથી ઊલટું ખુરશીનું લાકડું હલકું હોય, પણ એનો ઘાટ સરસ હોઈ શકે. આકાર કે રૂપ એ જાણે એક ઢાળો છે જેમાં દ્રવ્ય કે સામગ્રીને ઢાળવામાં આવે છે. એક ને એક સામગ્રીને અનેક ઢાળામાં ઢાળી શકાય – જેમકે સોનાના ચંદ્રક બને, તેમ હાર પણ બને. ત્યાં સામગ્રી એકની એક છે. એમ આપણે કહી પણ શકીએ – “નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.” આ રીતે, વ્યવહારજગતમાં સામાન્ય રીતે દ્રવ્ય કે સામગ્રી અને આકૃતિ કે રૂપની એક પ્રકારની અલગતા સ્વીકારાયેલી છે, તથા આકૃતિ કે રૂપ એ કંઈક બાહ્ય તત્ત્વ છે એવી સમજ પણ ફેલાયેલી છે. પદાર્થોની દ્વિવિધતા અને એના આ જાતના મૂલ્યનિર્ણયને ખેટાં પાડે એવા અપવાદો આપણા વ્યવહારમાંથી જડી આવવાનો સંભવ છે અને તાત્ત્વિક કક્ષાએ આ પ્રશ્ન જુદી રીતે વિચારવાનો આવે એ પણ શક્ય છે – રૂપના કયા અર્થસંકેતો આપણે સ્વીકારીએ છીએ તેના પર આધાર છે – પણ આપણે માટે તો આ સ્થૂળ પ્રચલિત સમજ જ પ્રસ્તુત છે, કેમકે આપણે એ વિચારવા માગીએ છીએ કે કળાપદાર્થ કે સાહિત્યકૃતિની બાબતમાં આકૃતિ કે રૂપનાં આ ખ્યાલો અને આ મૂલ્યો ક્યાં સુધી ટકી શકે તેમ છે અથવા તો એમાં આકૃતિના પ્રશ્નો પરત્વે આપણે શો ફેરવિચાર કરવાનો પ્રાપ્ત થાય છે.

3

પશ્ચિમમાં સાહિત્યવિવેચકો અને કળામીમાંસકોએ ‘ફૉર્મ’ની જે વ્યાખ્યાઓ આપેલી છે તે એકઠી કરીએ તો સેંકડોની સંખ્યામાં થાય અને એમાં એવા પરસ્પરિવરોધો જડે કે એ સંજ્ઞા વાપરવાનું છોડી દેવાનું જ મન થાય. પણ ‘ફૉર્મ’ શબ્દના આ વિવિધ ઉપયોગોનો અભ્યાસ કરવાથી કલાપદાર્થનું જટિલ સ્વરૂપ સમજાય છે અને એની કેટલીક વિશિષ્ટ સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચાય છે. એટલા માટે સૌ પ્રથમ આપણે ‘ફૉર્મ’ શબ્દના થોડા મહત્ત્વના અર્થો તપાસીએ અને પછી એની જટિલ સમસ્યાઓ તરફ વળીએ. 1. સાહિત્યવિચારણામાં આપણે સામાન્ય રીતે કવિ શું કહેવા માગે છે અને એ કેવી રીતે કહે છે એનો ભેદ કરીએ છીએ. કવિનું વક્તવ્ય તે એનો ‘વિષય’ કે ‘વિષયવસ્તુ’ કે ‘સામગ્રી’. કવિના વક્તવ્યથી ભિન્ન, એની કહેવાની રીતિ તે ‘રૂપ’. આ રીતે કવિ પોતાની વાત જે શબ્દો, ભાષા કે પદાવલિમાં કહે તે એની ‘આકૃતિ’ કે ‘રૂપ’ કહેવાય. કવિ છંદમાં કે મુક્તપદ્યમાં કે લયબદ્ધ ગદ્યમાં વાત કહે તો એ પણ એને આકૃતિગત અંશ અને શૈલી પણ આકૃતિગત અંશ. કવિતાના વિષય, અર્થ, વિચાર કે લાગણી એ કવિતાના સામગ્રીઘટકો. સામગ્રી અને રૂપ વચ્ચે આવી ઊભી વિભાજનરેખા દોરીએ એટલે દેખીતી રીતે જ, રૂપ જાણે ઉપરની વસ્તુ, ઓપ, સફાઈ, આવરણ, ભાત, માળખું કે ખોખું હોય એવો ભાસ થાય, અને રૂપને આકસ્મિક, અકિંચિત્કર, તુચ્છ, ખાલી, ઉપરનું તત્ત્વ ગણી સામગ્રીમાં કલાકૃતિનું સારતત્ત્વ લેખવાનું વલણ આવે. એવું વલણ સાહિત્યરસિકોમાં અને સાહિત્યવિવેચનમાં પણ અજાણ્યું નથી. પણ સામગ્રી અને રૂપ વચ્ચે આવા ભેદ કરી આકૃતિવાદીઓ બીજે છેડે પણ પહોંચ્યા છે. તેઓ સામગ્રીને કેવળ કાચી સામગ્રી તરીકે જોઈ એને અકિંચિત્કર ગણે છે અને કળાનું મૂલ્ય કેવળ એની આકૃતિની ગુણવત્તા પર – શબ્દો અને શબ્દસમૂહો, પદ્ય અને પ્રાસ, શૈલી અને પદાવલિના કૌશલયુક્ત વિનિયોગમાં છે એમ માને છે. 2. ‘રૂપ’ શબ્દ ઉપરના અર્થથી તદ્દન ઊલટા અર્થમાં પણ વપરાયો છે. અહીં ‘રૂપ’ એટલે કૃતિ જેને આધારે રચાય છે તે મૂળ મુસદ્દો, વિચારમાળખું, વિચારસૂત્ર. શબ્દ એ તો એમાં ભરવાની સામગ્રી. એટલે કે રૂપ એ અંદરની વસ્તુ છે, બહારની નહીં, આ જાતના ‘રૂપ’ની મૂલ્યવત્તા વિશે પણ બે અભિપ્રાયો સંભવી શકે છે. રૅન્સમે કાવ્યકૃતિમાં structureને મુકાબલે textureનું મહત્ત્વ કર્યું હતું. Structure એટલે કાવ્યમાંનું પ્રતિપાદન (statement), તર્ક માળખું (argument). Texture એટલે વસ્તુના વસ્તુધર્મ, સ્થાનીય મૂલ્યસમૃદ્ધિ, પ્રાસંગિક વીગતો. તર્કમાળખું કાવ્યમાં અનિવાર્ય છે, કેમકે એ સંઘટક તત્ત્વ છે. છતાં રૅન્સમની દૃષ્ટિએ તર્કમાળખું નીરસ બાબત છે. કાવ્યનો રસ તો છે એની પ્રાસંગિક વીગતોમાં, એના વસ્તુધર્મમાં. એ જ તો છે એનો વિશેષ, જે વિજ્ઞાનમાં નથી હોતો. તર્કમાળખું અહીં જાણે હાડપિંજરને સ્થાને છે અને પ્રાસંગિક વીગતો લોહીમાંસને સ્થાને. બીજી બાજુથી, પ્રાચીન પ્રણાલિકા, નિર્મિત થનાર પદાર્થના મૂળ માનસિક ખ્યાલને, માનસચિત્રને રૂપ કે રૂપવિધાયક સિદ્ધાંત ગણે છે, એટલું જ નહીં પણ એને પદાર્થનું પ્રાણભૂત તત્ત્વ માને છે. પ્લેટોનો ‘idea’નો ખ્યાલ આના દૃષ્ટાંતરૂપ છે. Idea જ સત્ય અને પદાર્થ જેટલે અંશે એના ideaને અનુસરતો હોય એટલે અંશે જ સત્યમય. પ્લેટોનો મૂલ્યનિર્ણય રૅન્સમથી ઊલટી દિશાનો છે એ સ્પષ્ટ છે. જર્મન વિદ્વાનોની ‘આંતરિક રૂપ’ (inner formની વિભાવનાને પણ કદાચ અહીં યાદ કરી શકાય. એમની દૃષ્ટિએ ‘રૂપ’ એટલે જગત પ્રત્યેનું કોઈક દૃષ્ટિબિંદુ, માણસની આત્મપ્રતીતિ કે એનું આત્મદર્શન. ‘આંતરિક રૂપ’ આ રીતે કૃતિમાંના મનોવૈજ્ઞાનિક કે દાર્શનિક વિચારવલણો માટેનો એક લાક્ષણિક શબ્દપ્રયોગ બની જાય છે. ટૂંકમાં, આ બધા મતો રૂપને બહારનું નહીં પણ અંદરનું, છેવટનું નહીં પણ મૂળનું તત્ત્વ ગણનારા મતો છે એ આપણે માટે ખાસ નોંધપાત્ર છે. (3) રૂપ કે આકૃતિનો ત્રીજો અને ખૂબ જાણીતો અર્થ છે સાહિત્યસ્વરૂપ કે સાહિત્યપ્રકાર – સૉનેટ, મહાકાવ્ય વગેરે. આ અર્થને ‘રૂપ’ના ઉપરના બન્ને અર્થોમાંથી ફલિત થતો જોઈ શકાય તેમ છે. રૂપ એટલે કથયિતવ્યનો ઘાટ કે ઢાળો એવો અર્થ આપણે સૌ પહેલો જ નોંધેલા. તો સૉનેટ એ કથયિતવ્યનો એક ઢાળો છે. નાટક નવલકથાથી જુદું પડતું હોય તો એક ઢાળા તરીકે કથયિતવ્યને નાટક રૂપે ઢાળી શકાય, નવલકથા રૂપે ઢાળી શકાય માટે સાહિત્યસ્વરૂપો તે પણ ‘રૂપ’. રૂપનો ઉપર નોંધેલો બીજો અર્થ તે મૂળ યોજના કે વિચારમાળખું. જે કૃતિઓ એક જ યોજના કે વિચારમાળખાને અનુસરતી હોય તે એક જ રૂપની કહેવાય. આમેય ‘રૂપ’ શબ્દનો પ્રાચીન અર્થ ‘એક પદાર્થને બીજા પદાર્થો સાથે જે સમાન તત્ત્વ હોય તે’ એવો હતો જ, ‘હૅમ્લેટ’ અને ‘શાકુન્તલ’ જેટલે અંશે એક યોજનાને અનુસરતી હોય તેટલે અંશે એક ‘રૂપ’ની કૃતિઓ. આ રીતે, કલાકૃતિની રચનાપદ્ધતિને નિર્ણીત કરતો, પ્રકાર કે જાતિનો સિદ્ધાંત તે રૂપનો સિદ્ધાંત જ થયો. (4) ‘રૂપ’ને કેટલીક વાર કૃતિની વ્યંજકતાનો પર્યાય પણ માનવામાં આવે છે. કૃતિના પાયામાં રહેલો વિચારનો મુસદ્દો એ રૂપ’ એવી એક માન્યતા આપણે આગળ નોંધેલી. અહીં એનાથી ઊલટી રીતે કૃતિમાંથી સ્ફુરતો ધ્વનિ તે એનું ધારક તત્ત્વ એટલે કે ‘રૂપ’ બને છે. પાઉન્ડને મતે પણ રૂપ એ અર્થનું વ્યંજક છે; તેથી ભાવનાત્મક રીતે રૂપ એ જ અર્થ છે. (Form is expressive of meaning, ideally form is meaning.) (5) ‘રૂપ’ શબ્દના એક અત્યંત મહત્ત્વના અર્થ આગળ હવે આપણે આવી પહોંચીએ છીએ, રશિઅન રૂપવાદીઓએ એવું કહેલું કે ‘ભાષાકીય ઉદ્ગારને કળાકૃતિ બનાવનાર જે કંઈ તે રૂપ’. આ રીતે ‘રૂપ’માં કૃતિસમગ્રનો સમાવેશ થાય છે. કલ્પનાવ્યાપારથી કૃતિના સર્વ અંશોની જે એકત્વમય કલાત્મક રચના થાય તે રૂપ. દેખીતી રીતે જ આ રૂપ દરેક કલાકૃતિનું વિશિષ્ટ હોય. સર્વોશ્લેષી હોઈને આ રૂપને વિવેચનમાં સમગ્રતયા પકડવું પણ અશક્ય છે. એ કલાકૃતિના અને કલાકૃતિની અનન્યતાના પર્યાયરૂપ બની રહે છે અને એ રીતે બહુધા આસ્વાદનો વિષય બનીને રહે છે. સજીવ, સેન્દ્રિય, સાયયવ ‘રૂપ’(organic form)નો ખ્યાલ પણ આની સાથે જ સંકળાયેલો છે. કૃતિના સર્વ અંશો, એક વૈયક્તિક વ્યવસ્થા રૂપે સંઘટિત થાય અને જે રૂપ અંદરથી જ સર્જાય તે સજીવ રૂપ. સાહિત્યપ્રકારના અર્થમાં પણ ‘રૂપ’ શબ્દ પ્રયોજાય છે એ આપણે હમણાં જોઈ ગયા. ત્યાં જે-તે પ્રકારનું પૂર્વનિર્ણીત અને બાહ્ય માળખું હોઈ એને ‘યાંત્રિક કે અમૂર્ત રૂપ’ (mechanical or abstract form) ગણવામાં આવે છે. એનાથી ભિન્ન તે આ સજીવ રૂપ, કોલરિજે યાંત્રિક રૂપને ઉપરથી લાદેલું અને સજીવ રૂપને સામગ્રીના ગુણ-ધર્મોમાંથી નીપજેલું ગણાવેલું.[1] રૂપની આ સર્વાશ્લેષી વિભાવનામાં, પછી, સામગ્રી અને રૂપનું દ્વન્દ્વ લગભગ ઓગળી જાય છે. બ્રૅડલીએ સામગ્રી અને રૂપ એક જ અખંડ કાવ્યાનુભવનાં બે પાસાંઓ છે એમ કહી ‘અર્થ’પૂર્ણ રૂપ’ (significant form)નો ખ્યાલ રજૂ કરેલો. ક્રોચેએ, આ દૃષ્ટિએ ‘રૂપ’ને જ ‘સામગ્રી’ તરીકે ઘટાવેલું અને વાલેરી જેવા તો “રૂપ સિવાય કશું નથી” (There is nothing but form) એવા મિસ્ટ્રલના વિચારનું સમર્થન કરવા સુધી ગયેલા. માલાર્મેએ વળી એમ કહેલું – “સામગ્રી હવે ‘રૂપ’નું કારણ નથી રહેતું; એ એનું એક કાર્ય – પરિણામ બની જાય છે.” શિલરની ઉક્તિ પણ આપણને આ સંદર્ભમાં યાદ આવે કે “કળા રહેલી છે રૂપ વડે દ્રવ્યને વિનષ્ટ કરવામાં.” (Art consists in the destruction of matter by form) ‘રૂપ’ને માત્ર ઘાટ કે ઢાળો નહીં, કે અંદર નિહિત યોજના નહીં, પણ સમગ્રતાના પર્યાયરૂપ મનાતું આ દૃષ્ટિબિંદુ સાવ નવું નથી, ઍરિસ્ટૉટલ જેટલું જૂનું છે એમ કહી શકાય. ઍરિસ્ટૉટલે પદાર્થના અસ્તિત્વના ચાર ઘટકો સ્વીકારેલા: બે બાહ્ય અને બે આંતરિક. બે આંતરિક ઘટકો તે દ્રવ્ય અને રૂપ. પદાર્થ જેનો બનેલો હોય તે એનું દ્રવ્ય અને પદાર્થ જે કંઈ છે તેવો તેને બનાવનાર તે એનું રૂપ. રૂપ, આ રીતે માત્ર ઘાટ નથી, ઘાટ આપનાર તત્ત્વ છે; રચના કે લાક્ષણિક ગુણધર્મ નથી, પણ રચનાનો સિદ્ધાંત છે જે પદાર્થને લાક્ષણિક ગુણધર્મો આપે છે, એટલે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ રચના તેમજ અર્થ કે વ્યંજકતા એ પણ રૂપગત અંશો છે. એ નોંધપાત્ર છે કે ઍરિસ્ટૉટલની આ વિચારણા માત્ર કલાપદાર્થ અંગેની નથી, સર્વ પદાર્થો અંગેની છે. એટલે આરંભમાં આપણે જે એક સંભવ રજૂ કરેલો કે દાર્શનિક દૃષ્ટિએ વ્યવહાર જગતના પદાર્થોમાં પણ ‘રૂપ’ને જુદો મોભો આપવાનું બની શકે તે અહીં ખરો પડતો જણાય છે. પણ જોઈ શકાશે કે એમાં ‘રૂપ’ની આ વિશિષ્ટ વિભાવના જ જવાબદાર છે. (6) છેલ્લે ‘રૂપ’નો એક વિશેષ અર્થ નોંધી લઈએ. કેનેથ બર્ક રૂપનો સંબંધ ભાવકના ચિત્તમાં અપેક્ષા જગાડવા અને સંતોષવા સાથે જોડે છે. જેટલે અંશે કોઈ ભાગ વાચકમાં બીજા ભાગની અપેક્ષા જગાડે અને પછી એ ભાગ આવતાં અપેક્ષા સંતોષાય તેટલે અંશે કૃતિમાં ‘રૂપ’ છે એમ કહી શકાય. આ રીતે કૃતિનું યોગ્ય રૂપ ભાવકની માનસપ્રક્રિયાની બરાબર છે એમ કહી શકાય. જોઈ શકાશે કે ‘રૂપ’ વિશેના આ બધા ખ્યાલા એકબીજાથી સારું એવું અંતર ધરાવે છે. મનોગતમાં રૂપતત્ત્વ માનનાર મતો એમાં છે, તેમ ઇન્દ્રિયગમ્ય અંશમાં રૂપતત્ત્વ માનનાર પણ છે; રૂપને અકિંચિત્કર માનનાર મત એમાં છે, તેમ રૂપને સર્વેસર્વા માનનાર મત પણ એમાં છે. કલાકૃતિ પોતે એક બહુલક્ષી પદાર્થ છે અને કળામીમાંસકોની મૂલ્યદૃષ્ટિમાં પણ વિભિન્નતાઓ સંભવે છે, તેથી ‘રૂપ’ની આ વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ આપણને જડે છે. કલાકૃતિના વિભિન્ન અંશોને લક્ષમાં રાખી, ‘રૂપ’નો બુદ્ધિગમ્ય ખ્યાલ સર્જી શકાય અને એની મૂલ્યવત્તા નક્કી કરી શકાય તો એ કદાચ વધારે ઉપયોગી નીવડે. એવો પ્રયત્ન કરી જોઈએ.

4

‘રૂપ’ની એક સાદી વ્યવહારુ સમજૂતી લઈને આપણે આપણી વિચારણા આરંભીએ. ‘રૂપ’ એટલે કલાકૃતિમાં માધ્યમના જે ઘટકો સમાવેશ પામેલા હોય તેમનું સંઘટન અને તેમના આંતરસંબંધ. કલાકૃતિમાં માધ્યમના જે ઘટકો સમાવેશ પામેલા હોય તેમનું સંઘટન પામતા આ ઘટકો જુદીજુદી કક્ષાના હોઈ શકે છે. કલાકૃતિનું માધ્યમ કશાક ભૌતિક દ્રવ્યનું બનેલું હોય છે, જેમકે શિલ્પમાં પથ્થર, સંગીતમાં સૂર, કવિતામાં શબ્દ વગેરે. કલાકૃતિમાં આ દ્રવ્યનું કોઈક પ્રકારનું સંઘટન હોય છે. ઉપરાંત, સાહિત્ય અને પરંપરાગત ચિત્રકલા જેવી કલામાં વિષયવસ્તુ પણ હોય છે, કેમકે આ પ્રતિનિધાનાત્મક કલાઓ છે. ચિત્રકલામાં રંગ અને રેખાઓ દ્વારા, સાહિત્યમાં શબ્દ દ્વારા જગતના પદાર્થો અને ઘટનાઓ રજૂ થાય છે. તો કલાકૃતિમાં આ વિષયવસ્તુનું પણ સંઘટન હોય. ઉપરાંત, કલાકૃતિમાંથી લાગણીઓ કે વિચારો સ્ફુરતા હોય છે, જેમકે સંગીતમાં આપણને ‘વિષાદ’નો અનુભવ થાય અને નવલકથામાંથી આપણને ‘હતાશા’નો ભાવ સ્ફુરતો લાગે. આ ધ્વનિના વ્યંજક અંશોનું સંઘટન પણ કલાકૃતિમાં હોય. દેખીતી રીતે જ, અહીં સામગ્રી અને રૂપ વચ્ચેની જે ઊભી ભેદરેખા કેટલીક વાર આપણે કરીએ છીએ તે ટકી શકે નહીં. સામગ્રી એટલે જડ તત્ત્વ, સૌન્દર્યદૃષ્ટિએ નિષ્ક્રિય તત્ત્વ અને રૂપ એટલે સૌંદર્યદૃષ્ટિએ ક્રિયાશીલ તત્ત્વ એવો ભેદ કરીને આપણે ઘણી મુશ્કેલીઓ નોતરીએ છીએ. ભૌતિક દ્રવ્ય પણ જડ નથી, સચેતન છે, એમાં પ્રાણસ્ફુરણ છે અને તેથી ઇન્દ્રિયસંતપર્કતાનો કસ કાઢવામાં, એનાં સૂચનોને અનુસરવામાં કલાકાર લાગેલો હોય છે. કલાકૃતિના ‘રૂપ’નો જે કંઈ પ્રભાવ હોય છે. એમાં દ્રવ્યના ગુણધર્મોનો પણ ફાળો હોય છે. તાજમહાલના આરસ, રાજમુગટનું સોનું કેવળ આકસ્મિક છે, અપ્રસ્તુત છે, જડ છે એમ કહી શકાશે ખરું? કાવ્યના શબ્દો તો વધારામાં કશોક અર્થ લઈને પણ – અર્થનું માળખું લઈને આવતા હોય છે અને એમ કહેવાનો વારો આવે છે કે કવિ કાવ્યની રચના કરે છે તે વાસ્તવ કે વાસ્તવના પેતાના અનુભવમાંથી નહીં, પોતાના વિચાર કે ખ્યાલામાંથી નહીં, પણ કેટલેક અંશે શબ્દોમાં જડતા અર્થોથી, કેમકે એ શબ્દોથી કવિતા બનાવે છે.[2] એ જ રીતે, સાહિત્યમાં વિષયવસ્તુ કે વિચારતંત્ર પણ કેવળ નિષ્ક્રિય કે અપ્રસ્તુત હોય છે એમ નહીં કહી શકાય. ‘પૅરડાઇઝ લોસ્ટ’માંથી એના વિચારતંત્રને કાઢી લઈએ તોપણ એની શૈલીને કારણે એ મહાન કૃતિ બની રહે એ વાત સાથે વેલેક અને વૉરન સહમત થતા નથી. વિષયવસ્તુ ઘણી વાર રૂપરચનાને દોરતું પણ હોય છે, જેમકે માનવચેતનાના આધુનિક દર્શને સાહિત્યમાં અનેક નવીનવી રચનાપ્રયુક્તિઓને જન્મ આપ્યો છે. એ વાત તો સાચી છે કે દ્રવ્ય કે સામગ્રીનું કલાકૃતિમાં જે મૂલ્ય હોય છે તે એની બહાર નથી હોતું. રૂપરચનાની પ્રક્રિયા દ્રવ્ય કે સામગ્રીને નવતા અર્પે છે. રૂપલક્ષી સૂચનો પહેલાં આવે અને એમાંથી વસ્તુ નિર્મિત થાય એવી વાલેરીએ કહેલી ઘટનાને આપણે અપવાદરૂપ ગણીએ તોયે એ વાતમાં શંકા નથી કે રૂપરચનાની પ્રક્રિયા દ્રવ્ય કે સામગ્રીને પલટાવે છે. આથી જ બ્રૅડલીને ‘subject (વિષય) અને ‘substance’ (સામગ્રી) એવો અને માર્ક શૉરરને ‘content’ (સામગ્રી) અને ‘achieved content’ (સંસિદ્ધ સામગ્રી) એવો ભેદ કરવાનો વારો આવે છે. કલાકૃતિની બહાર કાચા દ્રવ્ય રૂપે જેનું અસ્તિત્વ છે તે ‘subject’ કે ‘content’ અને કલાકૃતિમાં પક્વ સામગ્રી તરીકે જેનું અસ્તિત્વ છે તે ‘substance’ કે ‘content’. આ બન્ને વચ્ચે હાથીઘોડાનો ફેર છે. આથી જ, કોઈ વાર્તાના વિષયવસ્તુનો સાર કે વાર્તાનો ધ્વનિ એ વાર્તા નથી, જેમ વાર્તામાંની અલંકારયોજના કે વાક્યરચના એ પણ વાર્તા નથી. કલાકૃતિ તો એક અખંડ પદાર્થ છે અને જેમને આપણે સામાન્ય રીતે સામગ્રીઘટકો અને આકૃતિના ઘટકો તરીકે ઓળખાવીએ છીએ. તેમના પરસ્પરના અનુપ્રાણનવ્યાપારથી એ અસ્તિત્વમાં આવે છે. કળામાં ભિન્ન સામગ્રી સાથે એક જ રૂપ હોય એ સંભવતું નથી. રૂપભેદ સામગ્રીને પલટાવે અને સામગ્રીભેદ ભિન્ન રૂપ લાવે. સામગ્રીના ઘટકો અને આકૃતિના ઘટકો વચ્ચેના આ જટિલ સંબંધને લક્ષમાં લેતાં વેલેક અને વૉરનને સામગ્રી’ (content) અને ‘રૂપ’ (form)ની પરંપરાગત વિભાજનરેખા ધૂંધળી બની જતી લાગે છે. સામાન્ય રીતે સામગ્રીમાં સાહિત્યકૃતિમાંથી વ્યક્ત થતા વિચારો અને ભાવોનો સમાવેશ થાય છે; રૂપમાં એને વ્યક્ત કરતાં સૌ ભાષાકીય તત્ત્વોનો. પરંતુ આપણે હમણાં જોયું તેમ સામગ્રીમાં પણ કશાક રૂપગત અંશો હોય છે – જેમકે ઘટના સામગ્રીનો ભાગ ગણાય, પણ વસ્તુસંકલના એ રૂપનો ભાગ કહેવાય. બીજી બાજુથી સામાન્ય રીતે રૂપલક્ષી તત્ત્વ ગણાતી ભાષામાં પણ સૌન્દર્ય દૃષ્ટિએ નિષ્ક્રિય એવા શબ્દો અને સૌન્દર્યદૃષ્ટિએ પ્રભાવક એવી શબ્દરચના વચ્ચે ભેદ કરવો જરૂરી બની જાય છે. આથી વેલેક અને વૉરન ‘દ્રવ્યો’ અને ‘સંરચના’ એવું નવું વિભાગીકરણ સૂચવે છે. ‘દ્રવ્યો’ એટલે સૌન્દર્યદૃષ્ટિએ નિષ્ક્રિય તત્ત્વો અને ‘સંરચના’ એટલે દ્રવ્યો જેને કારણે સૌન્દર્ય સાધક અને તે રીત. આ કંઈ નવું નામકરણ નથી પણ જૂની ભેદરેખાને એ બરાબર વચ્ચેથી કાપે છે. ‘દ્રવ્યો’માં પહેલાં સામગ્રીના ભાગરૂપ ગણાયેલાં તેમજ આકૃતિના ભાગરૂપ ગણાયેલાં તત્ત્વોનો સમાવેશ થાય છે. સાહિત્યકૃતિનાં દ્રવ્યો છે એક સ્તરે શબ્દો, બીજા સ્તરે માનવવર્તનનો અનુભવ અને વળી જુદા સ્તરે માનવવિચારો અને લાગણીઓ. આ બધાં તત્ત્વો સાહિત્યકૃતિની બહાર પણ બીજી રીતે અસ્તિત્વ ધરાવતાં હોય છે. પણ એક સફળ કવિતા કે નવલકથામાં એ બધાંનું સૌન્દર્યનિર્માણના હેતુબળથી બહુલક્ષી સંબંધો રૂપે સુગ્રથન થાય છે. જે ‘જગત’ હતું તે ‘ભાષા’ બની જાય છે, તો પાત્ર, ઘટનાતંત્ર વગેરે અર્થના એકમોમાંથી વિકસે છે. કલાકૃતિને, આ રીતે, ચોક્કસ પ્રકારના સૌંદર્યલક્ષી હેતુ માટે થયેલી સંકેતોની એક અખંડ વ્યવસ્થા, સંકેતોની એક સંરચના તરીકે જોઈ શકાય.

5

વેલેક અને વૉરનના આ નિરૂપણમાં સ્તરબદ્ધ રચનાનો જે વિચાર અનુસ્યૂત છે તે આપણા સાહિત્યિક અભ્યાસના કાર્યક્ષેત્ર અંગે કેટલાક વિશિષ્ટ ફલિતાર્થો ઊભા કરે છે. વેલેક આ ફલિતાર્થો સ્પષ્ટ રીતે મૂકી આપે છે અને કહે છે કે આકૃતિવાદીઓની જેમ સાહિત્યના અભ્યાસને કેવળ ધ્વનિ, પદ્ય અને રચનાપ્રયુક્તિઓ કે પદાવલિ અને વાક્યરચનાના અભ્યાસો પૂરતો હું મર્યાદિત કરવા ન ઇચ્છું. સાહિત્ય એટલે ભાષા એવું સમીકરણ કરવા એ રાજી નથી. એમની દૃષ્ટિએ આ સર્વ ભાષાકીય તત્ત્વોમાં બે સ્તરની રચના છે: એક ધ્વનિનો સ્તર અને બીજો અર્થના એકમોનો સ્તર. એટલું જ નહીં પણ આમાંથી પરિસ્થિતિઓ, પાત્રો અને બનાવોનું એક ‘જગત’ ઊભું થાય છે જેને કોઈ એક ભાષાકીય તત્ત્વ સાથે સમરૂપ કહી શકાશે નહીં. એટલે કેવળ શૈલીગત અભ્યાસ વસ્તુરચના કે કથાપ્રપંચ, પાત્રનિરૂપણ અને એનાથી ઉદ્ભવતા ‘જગત’ની, કૃતિમાં વિલસતા અતિભૌતિક તત્ત્વની ઉપેક્ષા કરે છે. અને એટલે અંશે સમગ્ર કૃતિની સભાળ એ લેતો નથી.

6

વેલેક અને વૉરને આપેલી સાહિત્યિક રૂપરચનાની આ સમજ સાથે આપણે ‘સંરચના’ના ખ્યાલ પાસે આવી પહોંચીએ છીએ. અંગ્રેજીમાં તો ‘form’ અને ‘structure’ શબ્દો ઘણી વાર પર્યાય તરીકે જ વપરાય છે. સર્વ સાહિત્યરચનાઓનું structure એક છે કે દરેકનું આગવું structure હોય છે? ભિન્નભિન્ન સાહિત્યપ્રકારોનાં structures જુદાં હોય છે કે કેમ? – આવા પ્રશ્નો ચર્ચાય છે ત્યારે ‘structure’ શબ્દ ‘form’ના પર્યાયરૂપ બની જાય છે. બ્રુક્સ સર્વ સાહિત્યરચનાઓને structure of paradoxes તરીકે જુએ છે તેમાં પણ structureનો formની લગોલગ પહોંચતો એક વ્યાપક ખ્યાલ આપણને જોવા મળે છે. ‘Structure’ની જે વ્યાખ્યા આપવામાં આવે છે – ‘કોઈપણ સાહિત્યિક સમગ્રતાના ભાગોના એકબીજા સાથેના સંબંધોનો સરવાળો’ – તે પણ formની આપણે આગળ આપેલી એક વ્યાખ્યાની ઘણી નજીક છે. આમ છતાં ‘form’ને બીજાં ઘણાં સંકેતો અને અર્થછાયાઓનું જાળું વળગેલું છે. પ્રાગ ભાષાવર્તુળના ઝેક જૂથે ‘structuralism’ (સંરચનાવાદ)નો સિદ્ધાંત આપ્યો ત્યારે એ રશિઅન ‘formulism’ (આકૃતિવાદ)થી પ્રભાવિત હતું જ. પણ એને એમ લાગ્યું હતું કે ‘form’માં બાહ્ય હોવાપણાના સંકેતો ઘણા વજનદાર છે અને તેથી ‘structure’ શબ્દ કલાકૃતિની અખંડતાને વધારે ન્યાય કરી શકશે. એમણે જોયું હતું કે ‘રૂપ’નો અભ્યાસ કેવળ પ્રયુક્તિઓના એક સમૂહ લેખે ન થઈ શકે, તેમ રૂપ કેવળ ઇન્દ્રિયગોચર કે કેવળ ભાષાકીય પદ નથી, કેમકે એ કથાઘટકો (motifs), વિષયો, ચરિત્રો અને વસ્તુપ્રપંચોનો આક્ષેપ કરે છે. આ બધાંના અભ્યાસને અવકાશ આપે એવો ‘સંરચના’નો સંપ્રત્યય એમણે, આથી, વિકસાવ્યો. ‘સંરચના’ની વ્યાખ્યા આપણે ફરી નોંધીએ અને એનાં ફલિતો વિચારીએ. સંરચના એટલે કોઈપણ સાહિત્યિક સમગ્રતાના ભાગોના એકબીજા સાથેના સંબંધોનો સરવાળો. ‘કોઈપણ સાહિત્યિક સમગ્રતા’માં પ્રકરણ, દૃશ્ય, કડી, વાક્ય કે લીટી, વાક્યખંડ કે શબ્દનો સમાવેશ થાય. એના ભાગો આકૃતિલક્ષી કે બિનઆકૃતિલક્ષી હોઈ શકે, જેમકે લીટી જે વાક્યખંડો કે શબ્દો, ચરણો કે અક્ષરો, કે રૂપઘટકો કે ધ્વનિઘટકોમાં વિભક્ત થતી હોય તે એના આકૃતિલક્ષી ભાગો કહેવાય. મુદ્દાઓ, ઘટનાઓ, ચરિત્રરેખાઓ એ બિન-આકૃતિલક્ષી ભાગો કહેવાય. કોઈપણ કૃતિનો પ્લૉટ કે કથાસાર એ એના બિન-આકૃતિલક્ષી સંરચનાનું વર્ણન છે. શબ્દની કે કૃતિની સંકેતપરંપરાનો અભ્યાસ એ પણ બિન-આકૃતિલક્ષી સંરચનાનો અભ્યાસ છે. આવા બધા અભ્યાસો ઘણી વાર ‘શૈલી’ના નામથી પણ કરવામાં આવે છે. એટલે ‘સંરચના’ અને ‘શૈલી’ વચ્ચેની ભેદરેખા દોરવાની જરૂર ઊભી થાય છે. એ માટે એમ સૂચવવામાં આવે છે કે આકૃતિલક્ષી ભાગોના સંબંધના સરવાળા માટે ‘શૈલી’ શબ્દ રાખવો અને બિન-આકૃતિલક્ષી સંબંધોના સરવાળા માટે ‘સંરચના’ શબ્દ રાખવો. જોકે આવો વિવેક સર્વવ્યાપક થયો નથી. છેવટે, સાહિત્યકૃતિના ‘રૂપ’ને એની સમગ્રતાનું વ્યંજક આપણે માનીએ તો એ રૂપ શબ્દની, અર્થની, ઘટનાની, ચિત્રોની, પ્રતીકોની સંરચનાઓથી સિદ્ધ થાય છે એમ કહી શકાય. ‘રૂપ’ કેટલેક અંશે મનોગ્રાહ્ય રહેશે પણ સંરચનાઓનો અભ્યાસ થઈ શકશે. એ રીતે, ‘સંરચના’નો સંપ્રત્યય ‘રૂપ’ના નક્કર, આંગળી મૂકીને બતાવી શકાય એવા પાસા તરીકે આગળ આવે છે.

7

આધુનિક સંરચનાવાદ એ ભાષાવિજ્ઞાનની દેણ છે અને ભાષાવિજ્ઞાનમાંથી એ અન્ય વિદ્યાક્ષેત્રોમાં વિસ્તર્યો છે. એને સાહિત્યવિવેચન કરતાં વિશેષે તો સાહિત્યમીમાંસા સાથે સંબંધ છે, પણ એ એક અગત્યના મુદ્દા પર ભાર મૂકે છે કે સઘળી સંકેતવ્યવસ્થાઓમાં સંરચનાગત એકમોનું અસ્તિત્વ અને સત્ત્વ એમના પરસ્પરના સંબંધો ઉપર જ આધારિત હોય છે, એકમોને એનાથી સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. સાહિત્ય પણ એક સંકેતવ્યવસ્થા છે એટલે એના એકમોને અને એકમોની સંરચનાને આ રીતે જોઈ શકાય. અપ્રસ્તુતતા પણ અમુક પ્રકારની સંરચનામાં પ્રસ્તુત બને અને ચમત્કારિક ઘટના પણ અમુક સંદર્ભમાં આગંતુક ન લાગતાં અર્થસભર બને. સ્વતંત્ર રીતે જોતાં, સૌન્દર્ય કે રસની દૃષ્ટિએ ગૌણ લાગે એવાં તત્ત્વો પણ સાહિત્યિક સંરચનાના એક ભાગ તરીકે, કેન્દ્રભૂત અંશો તરફ આપણને દેરી જવા માટે, આવી શકે.

8

‘રૂપ’ શબ્દને વ્યવહારમાં પણ ઘણી વાર મૂલ્યવાચક સંજ્ઞા તરીકે આપણે વાપરીએ છીએ. ‘આમાં તો કંઈ ઘાટ જ નથી’ એમ કહીએ ત્યારે એ વસ્તુમાં ‘સારો ઘાટ’ નથી એમ કહેવાનો આશય હોય છે. કલાકૃતિના સંદર્ભમાં તો ‘રૂપ’ મૂલ્યવાચક સંજ્ઞા જ બની રહે છે. એનું મૂલ્ય છે વ્યંજકતા. દ્રવ્યની સાથે કોઈ ભાવ કે અર્થ (સંસ્કૃત પરિભાષામાં કહીએ તો ‘રસ’)ની વ્યંજના કરતું પ્રશસ્ય રૂપ જોડાય એનો જ મહિમા છે. સ્તોલ્નીઝે રૂપનાં ચાર કાર્યો દર્શાવ્યાં છે એ આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ‘રૂપ’ની સમજ વધારવામાં પણ એ કામ આવશે. 1. રૂપ વિશદતા સાધે છે. નવલકથા કે નાટક વાસ્તવિક જીવનમાંથી વ્યક્તિઓ અને ઘટનાઓને લે છે પણ એમાં પાત્ર અને પરિસ્થિતિની ક્રિયા-પ્રતિક્રિયાઓ તથા એમના આંતરસંબંધો એવી સુરેખ રીતે મુકાય છે ને નિરૂપાય છે કે માનવપ્રકૃતિની વાસ્તવજીવનમાંથી મળી શકી હોત તેના કરતાં ઘણી વધારે સમજ આપણને એમાંથી મળે છે. 2. રૂપ સમૃદ્ધિ અર્પે છે. કલાકારે પસંદ કરેલાં એનાં માધ્યમનાં તત્ત્વો એવી રીતે ગોઠવાય છે કે એમની ચારુતા અને પ્રાણશક્તિમાં ઘણો વધારો થાય છે; કૃતિના ભાવધ્વનિઓ તીવ્ર અને ઊંડા બને છે. 3. રૂપ સંકુલતાને સુગ્રથિત કરે છે, સ્વરવૈવિધ્યથી ભરી સંગીતકૃતિ કે મહાનવલની રચના અગાધપણે સમૃદ્ધ હોય છે. તોપણ રૂપ વડે એનું અનુશાસન અને વ્યવસ્થાપન પણ થયેલું હોય છે, 4. રૂપ એકત્વ સાધે છે. એ કલાકૃતિને એવી સમગ્રતા અને સ્વયંપર્યાપ્તતા આપે છે કે એને લીધે એ બાકીના અનુભવજગતથી જુદી તરી જઈ પાતાનું એક જગત રચે છે. આવાં રસવ્યંજક અને ક્રિયાશીલ રૂપ અને સંરચના આપણા સર્જકોના ઉદ્યમવિષય બની રહો.

સંદર્ભસૂચિ

  1. 1. એલિઅટે, અલબત્ત, આની સામે ‘યોગ્યતા’(fitness)નો સિદ્ધાંત રજૂ કરેલો. એમની દૃષ્ટિએ સામગ્રીના ગુણધર્મોમાંથી રૂપ નીપજે એ અશક્ય છે અને ખરી સમસ્યા સામગ્રીના ગુણધર્મોમાંથી નીપજતા રૂપની નથી, પણ રચનાગત અંશો અને અર્તો પરસ્પર પૂરેપૂરા બંધબેસતા થાય એની છે.
  2. 2 ‘Dictionary of World Literature’માં ‘form’ ઉપરની નોંધ.

1. Dictionary of World Literature, Ed. Josheph T. Shipley, 1960: ‘Form’ ઉપરની નોંધ. 2. Encyclopaedia of Poetry & Poetics, Princeton University Press, 1972: ‘Form’ અને ‘structure’ ઉપરની નોંધો. 3. Theory of Literature, Wellek & Warren, 1963. 4. Concepts of Criticism, Rene Wellek, 1963. 5. Aesthetics and Philosopohy of Art Criticism, Jerome Stolnitz, 1960. 6. Critcism in America, John Paul Pritchard, 1970. 7. Literary Criticism: A Short History, Wimsatt & Brookes, 1964. 8. ‘કાવ્યમાં શબ્દ’, હરિવલ્લભ ભાયાણી, 1968: ‘આકૃતિ કે રૂપ’ અને ‘કાવ્યની સર્જનપ્રક્રિયા’ એ લેખો.




[2 ઑક્ટો. 1976; સૂરતની સાહિત્ય-કલાસંસ્થા ‘પશ્યન્તી’ને ઉપક્રમે 3 ઑક્ટો. 1976ના રાજ વંચાયેલો નિબંધ; ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જુલાઈ-સપ્ટેમ્બર, 1977.]