ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ – રમેશ શુક્લ, 1929

From Ekatra Wiki
Jump to navigation Jump to search


28. Ramesh Shukla.jpg ૨૮
રમેશ શુક્લ
(૨૭.૧૧.૧૯૨૯ – )
સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ
 

સંસ્કૃત સાહિત્યપરંપરામાં સાત વિવેચનના લગભગ બધા પ્રકારો મળે છે. Practice preceeds principles – સંપ્રત્યયો બંધાય તે પહેલાં તેના પ્રયોગો થયા હોય છે. ભરતનું નાટ્યશાસ્ત્ર રચાયું તે પહેલાં નાટ્યસર્જનની સમૃદ્ધ પરંપરા હતી જ. તે પરંપરાના અવલોકન ઉપરથી જ તેના વિધિનિષેધો નક્કી થયા. ભરતનો અભિગમ આદેશાત્મક છે તેથી તેનું વિવેચન સૈદ્ધાંતિકથી ઉપર વૈધાનિક - Legislative પ્રકારનું છે. ભામહથી માંડી જગન્નાથ સુધીના મીમાંસકોએ જે ધોરણો ચર્ચ્યાં, સ્થાપ્યાં તે સૈદ્ધાંતિક theoratical પ્રકારના અભિગમનાં છે. આ મીમાંસામાં જ સંરચનામૂલક structural વિવેચન તાણાવાણા રૂપે ગૂંથાયું છે. રસનિષ્પત્તિની તેમ નાયકનાયિકાભેદની ચર્ચામાં મનોવૈજ્ઞાનિક સમીક્ષાની ભૂમિકા છે. મીમાંસાગ્રંથોની અભિનવગુપ્ત આદિની ટીકાઓમાં કવિ અને કૃતિઓ વિશે તુલનાત્મક comparative ચર્ચા મળે છે. વલ્લભદેવ, મલ્લિનાથ આદિની ટીકાઓમાં પૃથક્કરણાત્મક - analytical વિવેચનનો અભિગમ છે તો સમીક્ષાત્મક મુક્તકોમાં કાવ્ય અને કર્તા વિશે પ્રત્યક્ષ practical - વિવેચનનો તો ક્યારેક ક્યારેક તુલનાત્મક comparative વિવેચનનો આવિષ્કાર વંચાય છે. સંસ્કૃત વાઙ્મયમાં ઇતિહાસની ભૂમિકા પૂરતી સ્પષ્ટ ન છતાં, તુલનાત્મક વિવેચનમાં ઐતિહાસિક વિવેચનનો સ્પર્શ અવશ્ય છે. પાશ્ચાત્ય વિવેચનની કસોટીએ વિવેચનના આ સંપ્રત્યયો ન મૂલવીએ; સંસ્કૃત વિવેચનનું પોતાનું એક ધોરણ હતું, એક પરંપરા હતી; વિવિધ દિશાએથી, દૃષ્ટિએથી વાઙ્મયને સમીક્ષવાની શિસ્ત હતી. પાશ્ચાત્ય કૃતિઓને રસસિદ્ધાંતના અભિગમોથી તપાસવામાં દુષ્કરતા લાગે તેમ પૌરસ્ત્ય નાટકો એરિસ્ટોટલની ગ્રીક ટ્રેજેડીની અવધારણાની બહારનાં સમજાય. તો બીજી તરફ ભાષાકર્મ વિશે ક્યાંક ક્યાંક સમાંતર અભિગમો, વિધાનો મળે પણ છે. કુન્તક शब्दो विवक्षितार्थेकवाचकः अन्येषु सत्स्वपि – અનેક વાચક શબ્દો છતાં, વિવક્ષિત અર્થનો વાચક તો એક જ, અનન્ય જ હોય છે એમ કહે છે ત્યારે વોલ્ટર પેટર અને ફ્લોબેર તે જ અભિગમ અનુક્રમે the unique word અને one and the only word કહે છે ત્યારે દાખવે છે. કુન્તક જ્યારે कविस्वभावभेदेन मार्गभेदः કહે છે ત્યારે તે વોલ્ટર પેટરના the style is the man - ના મતનો જ પૂર્વોચ્ચાર કરે છે. અભિનવગુપ્ત કવિપ્રતિભાનો ગુણવિશેષ દર્શાવતાં रसावेश અને वैशद्य એ બે સંજ્ઞાઓ યોજે છે; તેમાં વર્ડ્ઝવર્થની કાવ્ય વિશેની વ્યાખ્યામાંનાં અનુક્રમે powerful feelings અને recollected in tranquility – લક્ષણોનો જ પૂર્વસંકેત છે. ક્યાંક સમાંતરતા મળે, ક્યાંક ન મળે છતાં, પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય કાવ્યસમીક્ષાનો હેતુ સર્જનાત્મકતાની નિરામયતા અને આહ્લાદકતા ઉત્કર્ષશીલ રહે તે વિશે જાગૃતિ કેળવવાનો છે. સંસ્કૃત સમીક્ષાવાઙ્મયને, તેના વિવિધ પ્રકારોને લક્ષમાં લઈ બે વર્ગમાં વહેંચી શકાય: પ્રયુક્ત - applied – વિવેચન અને પ્રત્યક્ષ - practical - વિવેચન. સિદ્ધાંતચર્ચામાં કાવ્યના વિવિધ સંપ્રત્યયોને સમજાવતાં આલંકારિક જે દૃષ્ટાંતો ચર્ચે તે પ્રયુક્ત વર્ગમાં આવે જ્યારે સમીક્ષામુક્તકો અને ટીકાઓ પ્રત્યક્ષ વિવેચનમાં ગણાય. અલંકારશાસ્ત્રના પ્રારંભના ગ્રંથોમાં સ્વરચિત દૃષ્ટાંતો આપવાનું વલણ વિશેષ જોવા મળે છે. કાલિદાસ કે અશ્વઘોષ જેવા વ્યુત્પન્ન કવિઓની રચનાઓ સુલભ છતાં, ભામહ, દંડી, ઉદ્ભટ સ્વરચિત દૃષ્ટાંતોથી જ પોતાના સંપ્રત્યયો સમજાવે છે. વામન અને રુદ્રટે સ્વરચિત ઉપરાંત પ્રસંગોપાત્ત અન્ય કવિઓની રચનાઓમાંથી દૃષ્ટાંતો આપ્યાં છે. આનન્દવર્ધન, અભિનવગુપ્ત, કુન્તક આદિ આચાર્યો સ્વરચિત દૃષ્ટાંતો ન આપતાં પુરોગામી કવિઓની રચનાઓમાંથી દૃષ્ટાંતો આપવાનું સમુચિત ગણે છે. જગન્નાથનો અભિગમ સ્વલક્ષી હતો. ગુણદર્શન માટે તે સ્વનિર્મિત રચના ટાંકે છે; તે રચનાનો વિશેષ દર્શાવી પોતાને જ જાણે શાબાશી આપે છે. દોષદર્શન માટે તે અન્યની રચના જ ટાંકે છે. ક્ષેમેન્દ્રનું વલણ જગન્નાથથી સામા છેડાનું છે. તે ગુણદર્શન માટે પોતાની તેમ અન્ય કવિની રચના દૃષ્ટાંતરૂપે વિવેકપૂર્વક ટાંકે છે; પરંતુ દોષદર્શન માટે અન્ય કવિઓને આગળ ધરવાને બદલે પોતાની જ રચનાઓ આપવાની ખેલદિલી દાખવે છે. પ્રયુક્ત વિવેચનમાં દૃષ્ટાંતોની પસંદગી સ્વસ્થ, વસ્તુલક્ષી રીતે સામાન્યતયા થયેલી જોવા મળે છે. તેમાં કવિ પ્રસિદ્ધ છે કે કેમ, ઊંચા કુળનો છે કે નિમ્ન વર્ણનો છે અથવા રચના કઈ ભાષામાં છે તેનો ભેદવિભેદ થતો ન હતો. ઉત્તમ કાવ્યનું દૃષ્ટાંત – निःशेषच्युतचन्दनम् – આપતાં મમ્મટે માત્ર કાવ્યને મહત્ત્વ આપ્યું છે, તેમાંનું કાવ્યત્વ કયા ગુણે – ધ્વનિગુણે – કેવું ઉત્તમ છે તે સમજાવ્યું છે; કવિની ઓળખ પણ તેણે આપી નથી. ‘કાવ્યપ્રકાશ’ના અન્ય ઉલ્લાસો તપાસતાં જણાશે કે સંસ્કૃત ભાષાનાં દૃષ્ટાંતો કરતાં પ્રાકૃતમાં રચાયેલાં દૃષ્ટાંતોની સંખ્યા ઓછી નથી. અહીં કાવ્યત્વનો આદર છે. તો જગન્નાથ જેવાનાં દૃષ્ટાંતોમાં અંગત ગમા અણગમા ક્યારેક ડોકિયાં કરી જાય છે. કાવ્યમાં અનૌચિત્યની ચર્ચા કરતાં તે જયદેવના ‘ગીતગોવિન્દ’માંના કૃષ્ણ અને ગોપીઓના શૃંગારવર્ણનમાં અનૌચિત્ય દર્શાવતાં કવિએ પોતાના પ્રબન્ધમાં મદોન્મત્ત હાથીની પેઠે ઔચિત્યનો નિયમ તોડી નાખ્યો છે; સાંપ્રત કવિઓએ તેનું અનુકરણ કરવું યોગ્ય નથી તેમ કહે છે. માતાપિતાનું પ્રેમનું વર્ણન ન થાય તેમ દેવદેવીઓના પ્રેમનું પણ વર્ણન અનુચિત છે એમ તેનો અભિપ્રાય છે. કાલિદાસના ‘કુમારસંભવ’ના આઠમા સર્ગમાંના શિવ અને ઉમાના શૃંગારના નિરૂપણના સંદર્ભમાં તે આ દોષ ચીંધી શક્યો હોત. તેમ ન કરતાં ચારેક સૈકા પહેલાના કવિ જયદેવને ટાંકવામાં કોઈ અંગત ગ્રંથિ તો કામ નથી કરી ગઈ ને? જયદેવનું ‘ગીતગોવિંદ’ અને જગન્નાથનું ‘ગંગાલહરી’ બંને ભગવદ્કૃપાના ચમત્કારનાં કાવ્યો છે, જેને કવિના અંગત જીવન સાથે સંબંધ છે. બંને કાવ્યોની ભૂમિકામાં પ્રેમજીવનનો ઉત્કર્ષ છે. જગન્નાથમાં જયદેવ પ્રતિ કોઈ સ્પર્ધાભાવ તો નહિ હોય ને? – ›¸ ¸¸›¸½— ભટ્ટોજિ દીક્ષિતના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ ઉપરની અપ્પય દીક્ષિતની વ્યાખ્યા ‘પ્રૌઢમનોરમા’નું ખંડન કરતાં તેણે આપેલું શીર્ષક ‘मनोरमाकुचमर्दन’ આ બંને દીક્ષિતબંધુઓ પરનો રોષ પ્રગટ કરે છે. રોષ એટલા માટે કે અપ્પય દીક્ષિતે લવંગીપ્રકરણના અનુસંધાનમાં તેને ‘યવન’ કહ્યો હતો.* સર્જક હમેશાં પોતાના સર્જનને સ્વીકૃતિ, માન્યતા મળે તે માટે ઉત્કંઠ હોય છે. તેનું દૃષ્ટાંત ભવભૂતિના પ્રસિદ્ધ શ્લોકમાં છે. તેની કૃતિઓની સમીક્ષાથી તેને સંતોષ ન હતો; પરંતુ તેનામાં નિરાશા ન હતી. આજે નહિ, તો ભવિષ્યમાં, અહીં નહિ તો અન્યત્ર પોતાનો સમાનધર્મા વિવેચક થશે જે તેને યોગ્ય રીતે મૂલવશે જ એવો તેને વિશ્વાસ હતો:

उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा।
कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ।।
(ને જન્મશે જ મુજ કોઈ સમાનધર્મા
છે કાલ આ નિરવધિ, વિપુલા છ પૃથ્વી)
ભવભૂતિને સમાનધર્મા વિવેચકની અપેક્ષા છે.

કાલિદાસ પ્રારંભની કૃતિ ‘માલવિકાગ્નિમિત્ર’માં આત્મવિશ્વાસ દાખવે છે. પોતાની રચના વિદ્વદ્વરોમાં આવકાર પામશે કે નહિ તે વિશે તેને કોઈ આશંકા નથી.

पुराणमित्येव न साधु सर्वम् न चाऽपि काव्यं नवमित्यवद्यम्।
सन्तः परीक्ष्यातरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ।।

– તો ‘શાકુન્તલ’ના આરંભે પોતાની કૃતિને તદ્વિદોની કસોટીએ ચડાવવાની તેને હોંશ છે: आपरितोषाद् विदूषां न साधु मन्ये प्रयोगविज्ञानम् । પ્રારંભે પડકાર છે; અહીં સફળતાથી સાંપડેલી વિનમ્રતા છે. કામસૂત્રમાં વાત્સ્યાયને નાગરિકોની દિનચર્યામાં વિદગ્ધગોષ્ઠીનો સમાવેશ કર્યો હતો. પખવાડિયે કે મહિને એક વાર સરસ્વતીમંદિરમાં વિદ્વદ્ગોષ્ઠીનું આયોજન થતું. આ પ્રકારની ગોષ્ઠીઓ અગ્રણી નાગરિક અને ગણિકાને ઘરે પણ ગોઠવાતી. તે પ્રસંગે નૃત્યનાટ્ય ઉપરાંત કાવ્ય, નાટ્યાદિ કલાઓ વિશે પરિસંવાદો થતા, સમીક્ષાઓ થતી. વાત્સ્યાયને કહ્યું છે – गोषठय़ा सहचरन् विद्वान लोके सिद्धिं नियच्छति । ચાણક્યે રાજના ધર્મોમાં કાવ્યગોષ્ઠીઓ અને કવિસમાજો યોજવાનું પણ ગણાવ્યું છે. રાજશેખરે રાજચર્યા વિશે ચર્ચા કરતાં રાજાનાં કર્તવ્યોમાં કાવ્યગોષ્ઠી યોજી કવિ/ કાવ્ય પરીક્ષાનું આયોજન પણ ગણાવ્યું છે: - स काव्यपरीक्षायै सभां कारयते् । - काव्यगोष्ठीं प्रवर्तयेत् परीक्षेत् च । આ કાવ્યગોષ્ટીઓ દરમ્યાન કૃતિ/કવિ સમીક્ષા કેન્દ્રમાં રહેતી અને તેના સંદર્ભમાં સિદ્ધાંત-ચર્ચા થતી:

अन्तरान्तरा च काव्यगोष्ठीं शास्त्रवादाननुजानीयात्-

આ કાવ્યચર્ચાઓ સુષ્ઠુ સુષ્ઠુ, પ્રશસ્તિવાચક પણ ન થવી જોઈએ, તેમાં તીખાશ પણ આવવી જોઈએ. તીખાં ચટણીઅથાણાં વિના મધુર ભોજન પણ સ્વાદુ બનતું નથી એમ રાજશેખર કહે છે ત્યાં પ્રત્યક્ષ વિવેચન કડક, કડવું, તીખુંતમતું પણ બનતું એમ સ્પષ્ટ સમજાય છે. નગરોના મહાજનો, સામંતો પણ રાજાઓનું અનુકરણ કરી બ્રહ્મસભાઓ, કવિસભાઓ યોજતા. તેમાં કાવ્યોની પરીક્ષા થતી. તેમાં ઉત્તીર્ણ થનાર કવિને બ્રહ્મરથમાં બેસાડી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવતી; તેને પદ અને પટ્ટ (ઉત્તરીય) આપવામાં આવતાં. રાજશેખરે આવી બ્રહ્મસભાઓમાં ઉત્તીર્ણ થઈ ‘નામસ્મરણયોગ્યતા’ મેળવનાર કવિઓનાં નામ પણ આપ્યાં છે. તેમાં પાણિનિ, વરરુચિ, પતંજલિ, કાલિદાસ, ભતૃમેંઠ, અમર, ભારવિ જેવાં અનેક નામો સ્મરવામાં આવ્યાં છે. શ્રીહર્ષ પોતે રાજવી હતો અને તે પોતે પણ કવિસમાજની કસોટીએ પાર ઊતર્યો હતો તેમ તેણે પોતાનાં ત્રણેય નાટકોના આરંભે નોંધ્યું છે: श्रीहर्षो निपुण: कवि परिषदप्येषा गुणग्राहिणी - એ શબ્દો તેની થયેલી/થનારી પરીક્ષાના સૂચક છે. શ્રીહર્ષની રાજસભામાં બાણ અને મયૂરનો, બનેવી અને સાળાનો કાવ્યસંઘર્ષ થયો હતો, જેનો ઉલ્લેખ પદ્મગુપ્તે ‘નવસાહસાંચરિત’માં કર્યો છે:

स चित्रवर्णविच्छित्तिं हारिणोरवनीपति:।
श्रीहर्ष इव संघट्टं चक्रे बाणमयूरयो:।।

રાજશેખરે પ્રતિભાના બે પ્રકારો ગણાવ્યા છે: કારયિત્રી અને ભાવયિત્રી. કારયિત્રી તે સર્જકતા, ભાવયિત્રી પ્રતિભા તે ભાવકતા-આસ્વાદક અને વિવેચક. આચાર્ય મંગલ, વામન, રાજશેખર આદિએ ભાવયિત્રીનાં જે લક્ષણો તારવ્યાં છે તેમાં વિવેક તત્ત્વ કેન્દ્રમાં છે. રાજશેખરે ભાવિયત્રીના ચાર પ્રકારો ગણાવ્યા છે: અરોચકી, સતૃણાભ્યવહારી, મત્સરી અને તત્ત્વાભિનિવેશી. અરોચકીને કોઈ કાવ્ય પ્રસન્ન કરી શકતું નથી. તેનું વલણ દોષૈકદૃષ્ટિનું હોય છે. સતૃણાભ્યવહારીને તો સારીનરસી બધી જ રચનાઓ હૃદ્ય લાગે છે. તે ગુણદોષનો વિવેક કરી શકતો નથી. મત્સરી પૂર્વગ્રહયુક્ત હોય છે. ઉત્તમ રચના પણ એ કોઈ પ્રતિસ્પર્ધીની હોય તો તે તેને વખોડે છે; નબળી રચના જો કોઈ સ્વજન મિત્રની હોય તો તે તેને વખાણે છે. રાજશેખરે તત્ત્વાભિનિવેશીને સાચો વિવેચક કહ્યો છે. જેમ વને વને ચંદનવૃક્ષ નથી હોતાં તેમ સાચો આલોચક હજારોમાં એક હોય છે. તેણે તત્ત્વાભિનિવેશીનું જે વિશ્લેષણ આપ્યું છે તે કેવળ આસ્વાદકનું નહિ, આલોચકનું વિશેષ છે:

शब्दानां विविनक्ति गुम्फनविधीनामोदते सुक्तिभि:
सान्द्रं लेढि रसामृतं विचिनुते तात्पर्यमुद्रां च य:-
पुण्यै: सङ्घटते विवेक्तृविरहादन्तर्मुखं ताम्यतां
केषामेव कदाचिदेव सुधियां काव्यश्रमज्ञो जन: ।।

આ ભાવક કાવ્યના રસામૃતનું તો પાન કરે જ છે, સાથે તેનો તાત્પર્યાર્થ પણ તારવે છે. તે કાવ્યના સંવિત્, શબ્દકર્મ, ગુંફનવિધિ-સંઘટના, રચનાવિધિ આદિની પણ પરીક્ષા કરે છે. અહીં, વસ્તુગત - themetic - અભિગમ ઉપરાંત, ભાષાવિષયક - linguistic, સ્વરૂપગત - formalistic ને સંઘટનાત્મક - structural અભિગમો પણ વિવેચકમાં અભિપ્રેત હતા તે સ્પષ્ટ થાય છે. સંસ્કૃત કાવ્યજ્ઞો, આલોચકોનો અભિગમ કેવળ સૌન્દર્યલક્ષી ન હતો, વૈજ્ઞાનિક પણ હતો.

પ્રત્યક્ષ વિવેચનનો મહત્ત્વનો આવિષ્કાર તો સમીક્ષા મુક્તકોનો છે. કોઈક અનામી કવિનો નીચેનો શ્લોક પ્રત્યક્ષ વિવેચનનું ઉત્તમ ઉદાહરણ છે

काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुन्तला ।
तत्राऽपिचतुर्थोऽङ्कस्तत्र श्लोकचतुष्टयम् ।।

ઐતિહાસિક, તુલનાત્મક, સ્વરૂપગત તેમજ કૃતિનિષ્ઠ વિવેચનનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. સમગ્ર કાવ્યવાઙ્મયના અભ્યાસ પછી આ વિવેચકનો મત બંધાય છે કે નાટકનું સ્વરૂપ ઉત્તમ છે. નાટકોમાં ઉત્તમ શાકુન્તલ છે. આ પર તુલનાત્મક દૃષ્ટિનો નિષ્કર્ષ છે, કૃતિમાં કયું કેન્દ્ર ઉત્તમ છે તેની તારવણી કરતાં સમીક્ષક ચોથા અંકમાંના ચાર શ્લોકોને, शुश्रुषस्व गुरुन् વગેરેને ઉત્તમ ગણે છે. આ મુક્તક ખરેખર મુક્તક રૂપે રચાયું હશે? કે વાઙ્મયચર્ચાના નિષ્કર્ષરૂપે તે કહેવાયું હશે? આ શક્યતા ઉપેક્ષાપાત્ર નથી. સમીક્ષામુક્તકોનો એક પ્રકાર પ્રશસ્તિમુક્તકોનો છે. કાલિદાસ, બાણ, ભવભૂતિ વિશે સૌથી વધુ પ્રશસ્તિમુક્તકો રચાયાં છે. કાલિદાસ વિશેની ભોજની આ ઉક્તિ લાક્ષણિક છે.

भासयत्यपि भासादौ कविवर्गे जगत्त्रयी-
केन यान्ति निबन्धार: कालिदासस्य दासताम् ।।

અન્ય કવિઓ તો કાલિદાસનું દાસત્વ કરવાની જ પાત્રતા ધરાવે છે એમ કહેતાં ભોજ ભાસ જેવા યશોજ્જ્વલ કવિઓને પણ નિબન્ધકાર તરીકે ઓળખાવે છે. સુરેશ જોષી અને તેમના સંપ્રદાયના વિવેચકો ગાંધીયુગના ઉમાશંકરાદિને પદ્યનિબંધ લખનારા જ કહેતા હતા તે અહીં સંભારવું ઘટે. હલાયુધ કાલિદાસની કવિતાને વિશ્વનું પ્રતિબિંબ ઝીલનાર દર્પણ તરીકે મૂલવે છે:

महाकवि कालिदासं वन्दे वाग्देवतागुरुम् ।
यज्जाने विश्वमाभाति दर्पणे प्रतिबिम्बितम् ।।

Literature is the mirror of life એમ પાશ્ચાત્ય વિવેચનમાં અનેકવાર કહેવાયું છે. તેનું સમાંતર વિધાન અહીં વાંચી શકાય છે. કેટલાંક સમીક્ષા અથવા પ્રશસ્તિમુક્તકોમાં અલ્પખ્યાત કવિઓની સિદ્ધિ વિશે અને વિસ્મૃત કવિઓની કૃતિઓ વિશે અણસાર મળે છે. કર્દમરાજ, કાંદબરીરામ, કુલશેખર વર્મા, કેશર, ગંગાધર, ગોનન્દન; છિત્તપ, ભર્વુ આ પ્રકારનાં મુક્તકોને કારણે જ સ્મૃતિશેષ પણ રહ્યા છે. સ્ત્રીકવિઓની સળંગ રચનાઓ તો મળી નથી; પરંતુ ધનદેવ નામનો એક અલ્પખ્યાત કવિ સ્ત્રીઓ પણ કાવ્ય રચી શકે છે તે વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમને વંદનયોગ્ય ગણાવે છે:

शीला विज्जा मारुला मोरिकाद्या
काव्यं कर्तुं सन्ति विज्ञा: स्रियोऽपि-
विद्यां वेत्तु वादिनो निविजेतुं
विश्वं वेत्तु य: प्रवीण: स वन्द्य: ।।

વિજયા, સુભદ્રા, શીલા ભટ્ટારિકા, વિકટનિતંબા આ મુક્તકો દ્વારા ચિરંજીવ છે. શીલા ભટ્ટારિકા તો પ્રગલ્ભ કવિ હતી. ‘કાવ્યપ્રકાશ’માંનો પહેલો દૃષ્ટાંતશ્લોક ‘य कौमारहर: स एव हि वर:...’ તેનો રચેલો છે. રાજશેખર તો તેને શૈલીની દૃષ્ટિએ બાણની સમકક્ષ ગણે છે:

शब्दार्थयो: समो गुम्फ: पाञ्चाली रीतिरुच्यते ।
शीलाभट्टारिकावाचि बाणोक्तिषु च सा यदि ।।

શબ્દાર્થની સમકક્ષ સંઘટના પાંચાલી રીતિનું લક્ષણ છે. બાણ અને શોલાભટ્ટારિકામાં તેનો સમાન ઉત્કર્ષ છે એમ કહીને રાજશેખરે આ સ્ત્રીકવિનું મૂલ્યાંકન કર્યું છે. નિમ્નવર્ણના કવિઓ વિશે પણ વિવેચકોમાં આદર હતો તેમ તેમને વિશેનાં કેટલાંક પ્રશસ્તિમુક્તકો કહે છે. માતંગ દિવાકર ચાંડાલકુળમાં જન્મ્યો હતો છતાં રાજશેખરે તેને શ્રીહર્ષની રાજસભાના કવિઓમાંના એક તરીકે અને બાણ તથા મયૂરના સમકક્ષ લેખે વધાવ્યો હતો:

अहो प्रभावो वाग्देव्या: यन्मातंगदिवाकर: ।
श्रीहर्षस्याऽभवत्सभ्य: समो बाणमयूरयो: ।।

આ જ રીતે મહાવત જાતિના ભર્તૃમેંઠ અને કુંભાર જાતિના દ્રોણને પણ કાવ્યજ્ઞોએ ઊંચી પ્રતિભાના કવિઓ તરીકે ઓળખાવ્યા છે. સંસ્કૃત વાઙ્મયમાં કેવળ સંસ્કૃતમાં કાવ્ય રચનાર કવિઓનો જ આદર થયો નથી; સંસ્કૃતેતર પ્રાકૃત, અપભ્રંશમાં ઉત્તમ રચના કરનારાઓનો પણ સમાદર થયો છે. ભામહે કાવ્યના ગદ્ય અને પદ્ય એમ બે પ્રભેદો ગણાવી દરેકના સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ભાષાગત પ્રકારો પણ દર્શાવ્યા છે. પ્રવરસેન, વાક્પતિરાજ, શાલિવાહન-હાલ જેવા કવિઓ રાજસભાના કવિઓ હતા અને તેમનું મૂલ્યાંકન સમીક્ષા-મુક્તકોમાં સંસ્કૃત કવિઓની સાથે, કેવળ કાવ્યત્વની દૃષ્ટિએ જ થયું છે. કૃતિનિષ્ઠ સિદ્ધાંતચર્ચા પ્રત્યક્ષ વિવેચનનો મહત્ત્વનો પ્રકાર છે. આનન્દવર્ધનના નિરૂપણમાં આ અભિગમ પ્રથમવાર સ્પષ્ટ થયો છે. તે કેવળ સિદ્ધાંતના, લક્ષણના અભ્યાસને પર્યાપ્ત ગણતો નથી. તેણે લક્ષ્ય ગ્રંથો, પ્રત્યક્ષ કૃતિના પરિશીલન પર ભાર મૂક્યો છે. વિભાવાદિના ઔચિત્યની ચર્ચા કરતાં તે, મહાકવિઓના પ્રબન્ધોની આલોચનાને અનિવાર્ય ગણે છે. અભિનવગુપ્ત પણ તેની લોચન ટીકામાં ‘લક્ષણજ્ઞત્વ’-લક્ષણોના જ્ઞાન ઉપરાંત લક્ષ્યપરિશીલનને કવિપ્રતિભાના ઉત્કર્ષ માટે અનિવાર્ય ગણે છે. પ્રત્યક્ષ વિવેચનની એક કસોટી એ છે કે કૃતિને સમગ્રપણે અથવા તેના રસ, વસ્તુ, પાત્ર જેવા મહત્ત્વના ઘટકોની સમીક્ષા કરવી. મહાભારતના પ્રધાન રસની આનંદવર્ધને કરેલી ચર્ચા આનું ઉજ્જ્વલ દૃષ્ટાંત છે. તે કહે છે કે રામાયણના પ્રધાન રસ વિશે તો કોઈ મતભેદ નથી. કવિએ સ્પષ્ટ કરી દીધું છે કે રામાયણમાં તેમનો શોક શ્લોકત્વ પામ્યો છે. પ્રબન્ધના અંતે સીતાના ઉત્કટ વિયોગનું આલેખન કરી કવિએ ઠેઠ સુધી કરણનું નિર્વહણ કર્યું છે. પરંતુ મહાભારત નિતાંત કાવ્ય નથી. તે શાસ્ત્ર પણ છે. વ્યાસે રચનાને અંતે યાદવો અને પાંડવોનો અંત આલેખી નિર્વેદનું નિરૂપણ કર્યુ છે. એમ કરવામાં ગ્રંથનું તાત્પર્ય વૈરાગ્યનું છે. તેથી આનંદવર્ધન તારવે છે કે મહાભારતકારને શાસ્ત્રના સંદર્ભમાં મોક્ષ પુરુષાર્થ અને કાવ્યના સંદર્ભમાં શાંત રસ વિવક્ષિત છે. આ જ રીતે કુન્તકે લક્ષણની ચર્ચા કરતાં, કૃતિ અને કૃતિના અંશોની વિગતે સમીક્ષા કરી છે. વસ્તુત: તે લક્ષજ્ઞને આધારે લક્ષ્યને પામવા તાકતો નથી; લક્ષ્યના આલંબને તે લક્ષણને સમજવાનો ક્રમ ગોઠવે છે. અભિનવગુપ્તની નાટ્યશાસ્ત્ર અને ધ્વન્યાલોક ઉપરની ટીકાઓમાં પ્રત્યક્ષ વિવેચનનું, કૃતિસમીક્ષાનું તેમ તુલનાત્મક સમીક્ષાનું વલણ સ્પષ્ટ વરતાય છે. ધનંજયના ‘દશરૂપક’ ઉપરની તેના અનુજ ધનિકે લખેલી ‘અવલોક’ ટીકામાં પણ કૃતિસમીક્ષા દ્વારા સિદ્ધાંતને સમજવાનું વલણ છે. સંસ્કૃત જ્ઞાનાત્મક અને સર્જનાત્મક ગ્રંથોની સાથે ભાષ્ય અને ટીકા પ્રકારના સાહિત્યનો વિકાસ થયો. જ્યારે શ્રુતિગત પરંપરાનો અને હસ્તલિખિત પ્રતોને આધારે જ જ્ઞાનમૂલક અને સર્જનમૂલક કૃતિઓનો પ્રચાર હતો, પ્રત્યક્ષબોધકતાની પ્રણાલિકા ગુરુકુલો પૂરતી મર્યાદિત હતી ત્યારે ગ્રંથોનું વિશદીકરણ ભાષ્યો અને ટીકાઓ દ્વારા થતું. કારિકા અને વૃત્તિ પણ આ સંદર્ભમાં સમજી શકાય. ટીકા લખનારા સમીક્ષકો પોતાની ટીકાને વિશિષ્ટ નામથી ઓળખાવતા. મલ્લિનાથ કાલિદાસનાં રઘુવંશાદિ ત્રણ કાવ્યોની ટીકાને ‘સંજીવિની’ કહે છે. તેનું કારણ તે એ આપે છે કે પૂર્વની ટીકાઓની દુર્વ્યાખ્યા રૂપી ઝેરથી કાલિદાસની કવિતા લગભગ મૂચ્છિતા થઈ ગઈ હતી. મારી ટીકાની સંજીવિનીથી તે ફરી ચેતનવંત થશે. ‘સંજીવિની’માં તેણે રચનાના ભાવપક્ષને વિશેષ મહત્ત્વ આપી, તેની આસ્વાદમૂલક ચર્ચા કરી છે. ‘શિશુપાલવધ’ની ટીકામાં તેણે ભાષાપક્ષને વિશેષ તપાસ્યો છે અને તેના રૂપતંત્ર તથા વાક્યતંત્રની સંઘટના પર વિશેષ ધ્યાન આપ્યું છે. એક પારેખની જેમ તેણે આ કાવ્યને સર્વ રીતે કસોટીએ ચડાવ્યું છે માટે તે તેને ‘સર્વંકષા’ કહે છે. ‘કિરાતાર્જુનીય’ પરની ટીકાને તે ‘ઘંટાપથ’ નામ આપે છે. આ રચનાની રીતિ નારિકેલપાકની, દુષ્કરપ્રવેશની છે. તેમાં પ્રવેશ કરવા માટે તેણે તેની દુષ્કરતા દૂર કરી, તેના આસ્વાદતત્ત્વને નિખાર્યું છે. ઘંટાપથ એટલે રાજપથ. તેણે આ દુષ્કર કૃતિને વિશે પ્રવેશ કરવા માટે સાફસૂફી કરી વિશદ માર્ગ રચી આપ્યો છે. આ જ રીતે બીજી ટીકાઓનાં નામો પણ સમજાય છે. ટીકાઓનાં મુખ્ય ત્રણ પ્રયોજનો હતાં: 1. આસ્વાદોપકારકતા: કાલિદાસ અને ભવભૂતિ જેવા કવિઓના અપવાદ બાદ કરતાં, સંસ્કૃત કવિઓનો એક મોટો વર્ગ શાસ્ત્રનિર્ભર કવિઓનો હતો. ભટ્ટિકાવ્ય (રાવણવધ) તેનું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. કવિ તો ગૌરવ અનુભવતાં કહે છે કે તેનું કાવ્ય તો વ્યાખ્યાથી જ સુબોધ છે. તેનાથી માત્ર વિદ્વાનોને જ આનંદ મળશે; મન્દબુદ્ધિ ભાવકો તો મરેલા જ છે. ‘નૈષધીયચરિત’ પણ એવું જ કઠિન કાવ્ય છે. તેનો કવિ શ્રીહર્ષ પણ ગર્વથી નોંધે છે કે તેણે તેના ગ્રંથમાં ક્યાંક ક્યાંક એવી ગૂંચ મૂકી દીધી છે કે પોતાને વિદ્વાન સમજનારો પણ તેને આસ્વાદી શકવાનો નથી. શ્રદ્ધાપૂર્વક ગુરુના માર્ગદર્શનથી જ તે ગૂંચ ઉકેલી શકશે અને તે પછી જ તે કાવ્યની રસોર્મિમાં તરબોળ બનશે. 2. સ્વાધ્યાયોપકારકતા: સંસ્કૃત વિદગ્ધવર્ગની ભાષા હતી; બહુજનસમાજની ભાષા તો પ્રાકૃત, અપભ્રંશ હતી. એથી તે વર્ગનો ભાવક સંસ્કૃત રચનાઓ સહજતાથી આસ્વાદી શકતો ન હતો. ઉપરાંત સંસ્કૃત જાણનાર ભાવક પણ પૂર્ણ વ્યુત્પન્ન ન જ હોય, તેમને માટે ટીકાઓનો એક વિશિષ્ટ પ્રકાર વિકસ્યો. તેમાં શબ્દાર્થ આપવામાં આવતા હતા, અલંકારનાં અને છંદનાં લક્ષણો પણ અપાતાં હતાં. આ ટીકાઓમાં પ્રશ્નોત્તરની પદ્ધતિ મુખ્યત્વે યોજવામાં આવી હતી. कुत्रः कथभूंतः એ રીતે પ્રશ્નો કરી, इति भावः, इति शेषः, इत्यर्थः એ રીતે તેનું સમાધાન કરવામાં આવતું. આ શૈલી પ્રત્યક્ષબોધક પ્રકારની છે. મલ્લિનાથ આદિની ટીકાઓ આ વર્ગની છે. આ રીતિની ટીકાઓ સ્વાધ્યાયને ઉપકારક હતી, તેમ અધ્યાપન માટે પણ ઉપયોગી હતી. તેમાં માર્ગદર્શિકાનું લક્ષણ પ્રગટપણે વરતાય છે. 3. દિગ્દર્શનોપકારકતા: નાટ્ય અથવા નૃત્યના મંચન માટે આ પ્રકારની ટીકામાં માર્ગદર્શન અપાતું હતું. કાવ્યનો આસ્વાદ તો આ ટીકા સુલભ કરાવે જ છે, તે ઉપરાંત મંચનના નિર્દેશો પણ તે આપે છે. જયદેવકૃત ‘ગીતગોવિન્દ’ની કુંભનૃપતિએ લખેલી ટીકા ‘રસિકપ્રિયા’ આનું જ્વલંત દૃષ્ટાંત છે. તેમાંના નિર્દેશો વિધ્યર્થ પ્રકારના છે, જે કૃતિના ગાયન, વાદન, અભિનયન અને નર્તન માટે અનિવાર્યતયા ઉપકારક છે. – પહેલા સર્ગના પ્રથમ પ્રબન્ધની ધ્રુવપંક્તિ છે– केशव धृतमीनशरीर जय जगदीश हरे- બીજા પ્રબન્ધની પ્રથમ પંક્તિ છે गानवेलायां केशव, केशव इति द्विरक्ति: તે ગાવા માટેની સૂચના– अत्र ‘ए’ काराद्यालापो’ ज्ञेय:... ए इति एतदन्ते रागपूर्त्यै गानवेलायां प्रतिपदं एतावत्पदम्- નાયકનાયિકાના પ્રકાર વિશે પણ સૂચનો છે. પાંચમા સર્ગના પ્રથમ શ્લોક अहमिह निवसामि याहि राधा – વિશે ટીકાકાર નિર્દેશે છે: अत्राभिसारिका नायिका वर्णनीया- ચોથા સર્ગના પ્રથમ શ્લોક: यमुनातीरवानीरकुठोની વ્યાખ્યા કરતાં ટીકાકાર નિર્દેશે છે. अत्र गीते विरहोत्काण्ठिता नायिका वर्णनीया। પ્રકારો: શૈલીભેદથી ટીકાઓ મુખ્યત્વે બે પ્રકારની છે. દંડાન્વય - compact અને ખંડાન્વય - analitycal. જેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ કારકો અને છેવટે ક્રિયા એ ક્રમે અર્થબોધક અન્વય કરવામાં આવ્યો હોય તે દંડાન્વય ટીકા કહેવાય છે. મલ્લિનાથની ‘સંજીવિની’ ટીકા આ પ્રકારની છે. જેમાં કર્તા, કર્મ એ ક્રમાનુસાર અર્થાન્વય ન કરતાં, શબ્દખંડો લઈ વિવરણ કરવામાં આવ્યું હોય તે ટીકા ખંડાન્વય પ્રકારની કહેવાય છે. રાઘવભટ્ટની ટીકા આ પ્રકારની છે. ટીકાનાં અંગો: ટીકાકારોના અભિપ્રાયે કાવ્યનો આસ્વાદ કેવળ અર્થપરક ન હતો. કૃતિના તત્ત્વ ઉપરાંત તંત્ર વિશે પણ આસ્વાદગુણ હોય છે. તત્ત્વ અને તંત્ર બંનેની પરસ્પર અનુક્રિયા તે તપાસતા હતા. તેથી પદ, પર્યાય, અલંકાર, છંદ, રૂપતંત્ર, વાક્યતંત્ર, વિભાવાદિની સંયોજના તેઓ વસ્તુવિકાસ, રસનિષ્પત્તિ આદિની અનુષંગમાં વિગતે તપાસતા હતા. તેનાં કેટલાંક અંગો આ પ્રમાણે છે: કોશ: ટીકાકારો અપ્રચલિત, દુર્બોધ શબ્દોના અર્થ ઉપરાંત પર્યાયો પણ આપતા હતા. તે માટે તેઓ પ્રસ્તુત ગણાય તેવા, અમરકોશ જેવા કોશગ્રંથોનાં પ્રમાણ પણ ટાંક્યા હતા. અર્થવિસ્તાર અને ભાવાર્થબોધ: ટીકાકાર પર્યાય આપીને અર્થની વિશદતા સાધવાનો સંતોષ કેળવતો ન હતો. તે કવિને અભિપ્રેત ભાવને વિશદ કરવા અવિસ્તાર પણ કરતો. ઉદા. ‘મેઘદૂત’ના પ્રથમ શ્લોકના પ્રથમ ચરણમાં स्वधिकारत् શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે કેવળ પર્યાય પર્યાપ્ત ન જણાતાં તેનો અર્થવિસ્તાર કરી તેને स्वनियोगात् – પોતાને સોંપાયેલી ફરજ એમ સ્પષ્ટતા કરે છે. તે જ રીતે प्रमत्तનો અર્થ ‘उन्मत्त’ એવા પર્યાયથી તો અર્થબાધા થતી હોવાથી તે તેને ‚›¸¨¸¹­·¸À – અનવધાનયુક્ત એ પ્રકારે અર્થનો અતિદેશ કરે છે. પ્રાકૃત-સંસ્કૃત રૂપાંતર: સંસ્કૃત નાટકોનાં સ્ત્રીપાત્રો અને દાસપાત્રો પ્રાકૃતમાં બોલે તેવું વિધાન છે. ‘શાકુન્તલ’માં સ્ત્રીપાત્રો શૌરસેનીમાં જ બોલે છે. રાઘવભટ્ટ તે વિશે આમ નોંધે છે: अत्र नाटके कवे: प्राय: शौरसेनी भाषैवाभिमतास्ति। કેટલાક ટીકાકારો આ પ્રાકૃત ઉક્તિઓનું સંસ્કૃતમાં રૂપાંતર કરી આપે છે. સાંપ્રત સંપાદકો પણ આ સંસ્કૃત રૂપાંતરને જ સ્વીકારી તેમાં ઘટતા ફેરફાર કરી ગદ્ય હોય ત્યાં ગદ્ય રૂપે અને શ્લોક હોય ત્યાં સમશ્લોકી સંકલિત કરતા હોય છે. ગોડબોલે અને પરબના ‘શાકુન્તલ’નાં સંપાદનો આનાં ઉદાહરણો છે. તે પછીના સંપાદકો પણ એ જ પાઠ સ્વીકારીને ચાલ્યા છે. કેટલાક ટીકાકારો સંસ્કૃત રૂપાંતરો આપતા નથી. તેમાં ‘મહાવીરચરિત’નો ટીકાકાર વીરરાઘવ, ‘વિક્રમોર્વશીય’નો ટીકાકાર કાટ્યવેમ તથા ‘મુદ્રારાક્ષસ’નો ટીકાકાર ઢુંઢિરાજ મુખ્ય છે. અલંકાર શાસ્ત્રનાં પ્રમાણો: नामूलं लिख्यते किञ्चित् – એ કેવળ મલ્લિનાથનો જ નહિ, બધા જ ટીકાકારોનો આદર્શ હતો. પોતે જે નિરીક્ષણ કરે તે માટે તે શાસ્ત્રનો આધાર અવશ્ય આપે. રાઘવભટ્ટ ‘શાકુન્તલ’ના પ્રાસ્તાવિક શ્લોકની ચર્ચા આરંભતાં સમગ્ર કૃતિની રીતિ ‘સર્વગુણાશ્રયા વૈદર્ભી’ છે એમ સ્પષ્ટતા કરી, વૈદર્ભી રીતિનું વામને આપેલું લક્ષણ કારિકા સાથે ટાંકે છે, અને તેના ઓજાદિ બધા ગુણોનાં લક્ષણો પણ ક્રમશ: ગણાવી જાય છે. ‘શાકુન્તલ’માં દુષ્યન્તથી ભયગ્રસ્ત મૃગનું વર્ણન કરતા શ્લોક ग्रीवाभङ्गाभिरामम्નું રાધવભટ્ટે રસનિષ્પત્તિની પરિભાષામાં સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે: अत्र भयानको रसो व्यङ्गय:- तस्य मृगगतं भयं स्थायिभाव:- આમ વિભાવ, અનુભાવ, સંચારીભાવનાં લક્ષણ મૃગ વિશે તારવી તે પ્રત્યેક વિશે કારિકાઓનાં પ્રમાણ ટાંકે છે. ‚°¸ ž¸¡¸¸›¸ˆÅ¸½ £¬¸¸¿ ¨¡¸¿Š¡¸À એમ કહેતાં તે ધ્વનિવાદી છે એમ પણ સ્પષ્ટ થાય છે. કેટલાક ટીકાકારો શાસ્ત્રગ્રંથોમાંથી પ્રમાણો આપે છે, પરંતુ મૂળ ગ્રંથનો નામોલ્લેખ ન કરતાં, तदुक्तम् કહીને સંતોષ માને છે. પરંતુ રાઘવભટ્ટ, મલ્લિનાથ જેવા ટીકાકારો મૂળ ગ્રંથનો ઉલ્લેખ કાળજીથી કરે છે. સ્વરૂપગત ચર્ચા: ટીકાઓમાં કાવ્યના સ્વરૂપ વિશેની ચર્ચા વિશ્લેષણાત્મક અને સમગ્ર એમ બંને પ્રકારની છે. તેમાં કાવ્યનો પ્રકાર, તેના ઘટકોનું વિશ્લેષણ, રસાદિની ચર્ચા અને નાયકનાયિકાભેદ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. ઉદા. ‘માલતીમાધવ’ ‘પ્રકરણ’ પ્રકારનું રૂપક છે. કારણ તેનું વસ્તુ તથા નાયક કવિકલ્પનાનું સર્જન છે. એ પ્રકારે ટીકાકાર ત્રિપુરારિ ભરત તથા ‘દશરૂપક’ને આધારે કહે છે. ‘મહાવીરચરિત’ ‘પ્રકરણ’ નથી, ‘નાટક’ છે તેની ચર્ચા વીરરાઘવે વિશ્લેષણપૂર્વક કરી છે. તે કહે છે કે આ નાટક્નો અંગીરસ વીર અને અંગરૂપ રસ શૃંગાર તથા ભયાનક છે. નાયક મહાપુરુષ છે તેથી વસ્તુ ખ્યાત છે એ તેની ભૂમિકા છે. વ્યાકરણચર્ચા: ટીકાઓનું મહત્ત્વનું લક્ષણ એ છે કે તે શબ્દેશબ્દનું વિવરણ કરે છે. ટીકાકાર પ્રત્યેક પદનાં પ્રકૃતિ અને પ્રત્યય તથા વાક્યના સમાસોની વિગતે ચર્ચા કરે છે તેમ અનિયમિત રૂપોના ઔચિત્યની તપાસ પણ કરે છે. ઉદા. स सैन्यपरिभोगेण गजदानसुगन्धिना- (रघु. 8-45) મલ્લિનાથ सुगन्धिना પ્રયોગને દોષપૂર્ણ માને છે. પ્રાકૃતિક ગન્ધની વિવક્ષામાં પાણિનિના સૂત્ર गन्धस्येदुत् અનુસાર ઈકારનો આદેશ થવો જોઈએ. મલ્લિનાથ કાલિદાસના આ પ્રયોગને કવિસ્વાતંત્ર્ય તરીકે ઘટાવે છે – तथापि निरङ्कुशाः कवचः । મલ્લિનાથ આના સમાંતર પ્રયોગો ‘શિશુપાલવધ’ તથા ‘નૈષધીયચરિત’માંથી આપે છે. एवं यदात्थ भगवन्नामृष्टं न परै: पदम्- (कु. सं.: 2-31) અહીં ‘બોલવું’ના અર્થમાં ‘आत्थ’ પ્રયોગ ક્ષતિપૂર્ણ છે એમ મલ્લિનાથ વામનના મતને આધારે કહે છે – वामनस्तु भ्रान्तो#यं प्रयोग: इत्याहा- મલ્લિનાથે - પોતાના મતના સંદર્ભમાં પાણિનિનું સૂત્ર ટાંક્યું છે – ब्रुवः पढ्चानामादित आहो ब्रुवः । ब्रूને સ્થાને आह આદેશ થાય છે અને તેના आह आहतुः आहुः એવાં રૂપો થાય છે. વામને દૃષ્ટાંત આપ્યું છે – इत्याह भगवान् प्रभुः પાણિનિના સૂત્ર અનુસાર ‚¸­ પદ વર્તમાનકાળના અર્થમાં યોજાયું છે. ક્યાંક ક્યાંક ભૂતકાળના અર્થમાં તેનો પ્રયોગ થયો છે ત્યાં તે પછી स्मનો પ્રયોગ થયો છે. आह स्म स्मितमधुमधुराक्षरां गिरम्- વિના स्मનો પ્રયોગ અનુચિત છે એમ વામને કહ્યું છે. મલ્લિનાથ તેને આધારે આ ચર્ચા કરે છે. તુલનાત્મક ચર્ચા: ટીકાકારો અન્ય કૃતિઓ સાથે વિવેચ્ય કૃતિની તુલના પણ કરતા હોય છે. ઉદા. રઘુવંશના નવમા સર્ગમાં દશરથના બાણથી ઘવાયેલો તાપસપુત્ર દ્વિજેતર વર્ણનો છે એમ કાલિદાસે કહ્યું છે. રામાયણમાં પણ તેમ જ કહેવાયું છે એમ કહેતાં મલ્લિનાથ રામાયણમાંથી અવતરણ આપે છે – शूद्रायामस्मि वैश्येनजातोजनपदाधिप। આ પછીના જ શ્લોકમાં દશરથ તેને તેનાં વૃદ્ધ માતાપિતા પાસે લઈ જાય છે તેવું નિરૂપણ કાલિદાસે કર્યું છે, જે રામાયણથી જૂદું છે તેમ મલ્લિનાથ કહે છે. રામાયણમાં દશરથ ઘાયલ શ્રવણને નહિ, તેનાં માતાપિતાને તેની પાસે લઈ જાય છે તેમ રામાયણનું અવતરણ ટાંકી કહે છે. સિંહના પ્રભાવથી દિલીપ જડવત્ બની ગયો હતો, જેમ શંકરના પ્રભાવથી ઈન્દ્ર – એમ કાલિદાસે ‘રઘુવંશ’માં દૃષ્ટાંતપૂર્વક કહ્યું. મલ્લિનાથ શંકર-ઈન્દ્રનું ઉપમેય મહાભારતમાંથી કાલિદાસે તારવ્યું છે એમ નોંધ કરે છે. અલંકાર ચર્ચા: ટીકાકારો અલંકારો ઓળખી તેની પ્રસ્તુતતાની ચર્ચા કરે છે, તેમ અલંકારશાસ્ત્રને આધારે તેનું ઔચિત્ય પણ તપાસે છે. ‘શાકુન્તલ’માં अनाघ्रातं पुष्पम्... એ શ્લોકના ત્રીજા ચરણમાં फलमिव અને फलमपि એમ બે પાઠ મળે છે. રાધવભટ્ટ બંને પાઠની ચર્ચા કરતાં પ્રથમ પાઠમાં માલોપમા છે તો બીજી પાઠમાં માલારૂપક છે એમ સૂક્ષ્મતાથી તપાસી પોતે પ્રથમ પાઠ સ્વીકારે છે એમ નોંધે છે. છન્દચર્ચા: ટીકાકાર શ્લોકોના છંદ ઓળખાવે, તેનાં લક્ષણો આપે તેમાં કશો વિશેષ નથી. પરંતુ તેઓ છંદોભંગને પણ ચર્ચાનો વિષય બનાવતા. ‘કુમારસંભવ’માં કાલિદાસે रतिदतिपदेषु कोकिलां पधुरालापनिसर्गपिण्िठताम् (8-16)(8-16) એ પંક્તિમાં ™»·¸ú શબ્દના દીર્ઘ ·¸ú ને સ્થાને હ્રસ્વ ¹·¸ કરી છંદનો લઘુ વર્ણ સાચવી લીધો છે. મલ્લિનાથ આ છૂટને નિર્વાહ્ય ગણે છે. અન્યત્ર माष નો मष થયાનું નોંધી ટીકાકાર વલ્લભદેવે પણ આ છૂટને નિર્વાહ્ય ગણી હતી તેની પણ તે નોંધ લે છે. પાઠચર્ચા: ટીકાકારો પાઠફેરની નોંધ લઈ, તેમાંના સમુચિત પાઠ વિશે પોતાનો અભિપ્રાય પણ આપે છે. आसीनमासन्न शरीरपातस्त्रियम्यकं संयमिनं दर्दश।। (3-44) ‘કુમારસંભવ’નો त्रियम्बकम्ને સ્થાને त्रियम्बकम् પાઠ ઠીકઠીક ચર્ચાયો છે. વલ્લભદેવ છન્દમાં પાદપૂર્તિ માટે થયેલો આ પ્રયોગ દુર્લભ છે એમ નોંધે છે. અને તેને સ્થાને `महेश्वर’ વાંચવાનું સૂચવે છે. વલ્લભદેવે त्रियम्बकम्ને સ્થાને त्रिलोचन પાઠ પણ પ્રચલિત હતો તેની નોંધ લીધી છે, અને કામદહનના સંદર્ભમાં તેને પ્રસ્તુત પણ ગણ્યો છે. મલ્લિનાથ त्रियम्बकम् પ્રયોગમાં વ્યાકરણદોષ છતાં, તે પાઠ મહાકવિનો હોવાથી સ્વીકારવો તેવો અભિપ્રાય આપે છે. આ પાઠને સ્થાને કેટલાક ટીકાકારો ¹°¸¥¸¸½ ¸›¸ પાઠ સૂચવે છે તેમને તે ‘સાહસિક કહી અવગણવાનું સૂચવે છે. આનુષંગિક ઉપલબ્ધિઓ: 1. અલંકારશાસ્ત્રના ગ્રંથોના પાઠાન્તરો, ટીકાકારો યથાસંદર્ભ અલંકારશાસ્ત્રના ગ્રંથોમાંથી કારિકા અથવા વૃત્તિનાં અવતરણો આપે છે ત્યાં કેટલેક સ્થળે પ્રકાશિત વાચનાથી જુદો પાઠ પણ મળે છે. ‘શાકુન્તલ’ના आपरितोषाद – એ શ્લોકમાં પર્યાયોક્તિ અલંકાર છે. રાઘવભટ્ટ તેનું જે લક્ષણ ભામહના ‘કાવ્યાલંકાર’માંથી ટાંકે છે તેની કારિકાનો પાઠ પ્રકાશિત વાચનાથી ભિન્ન છે. 2. લુપ્ત અલંકારગ્રંથો અથવા વિસ્તૃત આલંકારિકોના ઉલ્લેખો: ભરત પહેલાં પણ અલંકારશાસ્ત્રની સમૃદ્ધ પરંપરા હતી. ટીકાઓમાં કેટલાક એવા નિર્દેશો મળે છે. ઉદા. ‘શાકુન્તલ’માં દુષ્યંત કણ્વના આશ્રમમાં પ્રવેશે છે ત્યારે વૈખાનસ તેને ચક્રવર્તી પુત્રના આશીર્વાદ આપે છે, ત્યાંથી તેના આતિથ્યની જવાબદારી સંભાળતી શકુંતલાને મળવાની ઉત્કંઠા બતાવે છે ત્યાં સુધીનું નિરૂપણ મુખસંધિના પ્રથમ અંગ ઉપક્ષેપના પ્રકારનું છે. રાઘવભટ્ટે તેનું લક્ષણ વિસ્મૃત આલંકારિક આદિભરતના વિધાનને આધારે આપ્યું છે. 3. સમયનિર્ણયમાં ઉપકારક અંશો: વિવરણ દરમ્યાન ટીકાકારોના કેટલાક નિર્દેશો સમય અને વ્યક્તિનો સંબંધ નક્કી કરવામાં ઉપકારક બને એવા છે. ‘મેઘદૂત’માં दिङ्नागानाम् पथि परिहरन्à એ શ્લોક વિશે ટીકા કરતાં દક્ષિણાવર્તનાથ બૌદ્ધ દિઙ્નાગ અને કવિ નિચૂલનો ઉલ્લેખ કરે છે, તે ઉપરથી કેટલાક વિદ્વાનોએ તે બંનેને કાલિદાસના સમકાલીન ગણ્યા છે. સર્જકો જેમ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા તેમ ટીકાકારો પણ અનેક શાસ્ત્રોમાં વ્યુત્પન્ન હતા. તેમની ટીકાઓમાં કાવ્યશાસ્ત્ર ઉપરાંત શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, દર્શન, ઇતિહાસ, જ્યોતિષ, ગણિત, કામશાસ્ત્ર, સંગીત-નૃત્યાદિ આદિ અનેક શાસ્ત્રોના ઉલ્લેખો મળે છે. તદુપરાંત ટીકાકારનું લોકવ્યવહાર અંગેનું અવલોકન પણ નોંધાતું રહ્યું હતું. આમ સંસ્કૃત વિવેચન સાહિત્ય સર્વ પ્રકારે સમૃદ્ધ હતું, તેમાં ટીકાઓનું પ્રદાન પણ અતિ મહત્ત્વનું છે.

તા. 3, 4 જાન્યુ. 2005: એચ. કે. આર્ટ્સ કૉલેજના સંસ્કૃત વિભાગના ઉપક્રમે ‘વૈચારિક ક્રાંતિના પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત સાહિત્ય’ એ વિષય પરના પરિસંવાદમાં પ્રસ્તુત વ્યાખ્યાન લેખ. [‘પરિપશ્યના’, 2009]