ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાપુની મીઠાની ગાંગડીનું ગીત — હરીશ મીનાશ્રુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાપુની મીઠાની ગાંગડીનું ગીત

હરીશ મીનાશ્રુ

પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
વેઠની ઉપાડી પેલી ગાંસડી

બેય નર્યાં સાંઠીકડાં: સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી

માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
જૂતિયાં કહું કે પવનપાવડી?

વાયકા છે:અમૃતની ટોયલીને કાજ મથી નાખ્યો'તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પેલ્લો અગરિયો

ચપટી મીઠાને હારુ દુનિયાના
બાદછાની હારે બાંધી છે એણે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી

અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બૂંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું

આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
આંસુભીંજેલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
આવડીક મીઠાની ગાંગડી

-હરીશ મીનાશ્રુ

ધરતીનું લૂણ

બારમી માર્ચ,૧૯૩૦ ના પરોઢિયે ગાંધી સાબરમતી આશ્રમથી નીકળ્યા ત્યારે લોર્ડ ઇર્વિને દાંડીકૂચને હસી કાઢેલી: ગાંધી પાસે હતું શું? સિવાય કે અઠોતેર ‘સાચના સિપાહી.' હથિયારમાં ય હતું શું? સિવાય કે તકલી (કાંતવાનું ઓજાર) અને ત્રાકડી (રેંટિયાનો સોયો.) ગાંધી બસો ચાલીસ માઇલની યાત્રા થકી વિશ્વભરમાં ઘૂમી વળ્યા, કારણ કે તેમને પક્ષે સત્ય હતું. નર્મદનું શૌર્યગીત છે:

‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
સમજીને તો પગલું મૂકવું,મૂકીને ના બીવું;
જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.'

ગાંધીના પહેલા ડગલે જ વીર નર્મદ તેમને પોરસાવી રહ્યો છે. મીરાંનું પદ છે:

‘ઉપાડી ગાંસડી વેઠની રે,
કેમ નાખી દેવાય?
એ છે શામળશા શેઠની રે.
કેમ નાખી દેવાય?'

કવિ મીરાંને સ્મરે છે, કારણ કે ગાંધીએ ઈશ્વરચીંધ્યું કામ ઉપાડી લીધું છે. આ વૈતરું ખરું, પણ વહાલનું વૈતરું. કવિ બહુશ્રુત છે, આવા સાહિત્યિક સંદર્ભો (ઇન્ટર- ટેક્સચ્યુઆલિટી) તેમના કાવ્યમાં કંતાઈ જાય છે.

સાંઠીકડું એટલે તુવેરની સોટી. ગાંધીની કાયા લાકડી જેવી હતી. ‘સાંઠી, સાઠી, કાઠી,લાઠી'નો પ્રાસવિલાસ કવિના વાગ્વૈભવનો પરચો આપે છે. રામજી શ્યામવર્ણા હતા, ગાંધી ‘ઘઉંવર્ણા રામજી' છે. (ગાંધી માનવ ખરા પણ મુઠ્ઠી ઊંચેરા માનવ, એવો ભાવ ગીતમાં સળંગ આવે છે.) ગાંધીના રુદિયે રામ વસ્યા છે. રામજીએ ‘વજ્જર પલાંઠી' વાળી છે. ધ્યાનમુદ્રામાં વજ્રાસનનો મહિમા છે, વળી ‘વજ્ર જેવી કઠોર' એવો અર્થ પણ ખરો.

દરિદ્રનારાયણની દશા જોઈ ગાંધીએ પાઘડી ત્યજીને ઉઘાડમથ્થા રહેવાનું ઠેરવેલું એટલે કહે છે કે માથે ફાટેલું આભ ટેકવ્યું છે. કૂચ બારમી માર્ચથી પાંચમી એપ્રિલ ચાલી હતી, ઉનાળામાં તો આભ ફાટેલું જ હોય. આભને પણ જેનો ટેકો લેવો પડે તે માનવ નહિ પણ મહામાનવ હોય. દાંડીકૂચમાં ગાંધી વાયુવેગે ચાલતા, કવિ કલ્પે છે કે પવનપાવડી પહેરી હશે. સાધારણ માણસ પહેરે તે જૂતિયાં (વહ દિન કહાં કે મિયાં કે પાંવમેં જૂતિયાં?) પણ ગાંધી પહેરે તે પવનપાવડી. મારગ પર ધૂળ નથી ઊડતી પણ ગાંધી ઊડે છે. નેવુ વર્ષ પહેલાનો પ્રસંગ હોવાથી માઇલ કે કિલોમીટર નહિ પણ જોજનવા કહ્યું છે.

ગાંધીએ દરિયામાંથી મીઠું પકવ્યું તેની સામે દેવદાનવોએ દરિયામાંથી મેળવેલું અમૃત તુચ્છ ગણાય એ દર્શાવવા અમૃતકુંભને ટોલિયો (લોટી) કહીને કવિ હસી નાખે છે. ગાંધી દરિયો ‘નાથવા' માગે છે. ક્રિયાપદની વરણી સહેતુક છે. કૃષ્ણે કાળિનાગ ‘નાથ્યો' હતો. માર્ગ ન આપતા સાગરને ‘નાથવા' રામજીએ બાણ ચડાવ્યું હતું. આપણામાં ‘ફર્સ્ટ લેડી' જેવા શબ્દપ્રયોગ છે. ગાંધી સત્તાના નહિ પણ જનસત્તાના પ્રતીક હોવાથી કવિ તેમને ‘પ્હેલ્લો અગરિયો' કહે છે. ત્રીસીમાં અંગ્રેજોનું વિશાળ સામ્રાજ્ય હતું. ગાંધી તેમની સાથે બાખડી પડ્યા. ગીતો બહુધા શિષ્ટ ભાષામાં નહિ પણ લોકબોલીમાં રચાતાં હોવાથી કવિ પંચમ જ્યોર્જને બાદશાહ નહિ પણ બાદછા કહે છે.લંડનના બીગ બેનના વિશ્વ આખામાં ડંકા વાગે પણ ગાંધીની કેડ-ઘડિયાળ સામે તે મૂગુંમંતર થઈ જાય.

પાંચમી એપ્રિલના પરોઢે સાડા છ વાગે ગાંધીએ પહેલવહેલી મીઠાની ગાંગડી ઊંચકી. મીઠાનો રંગ શ્યામધવલ હતો, તે વેળાના આકાશ જેવો. હિંદમાં પણ કાળીધોળી ચામડી વચ્ચે, સદ્-અસદ્ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પરભાતના કૂકડાએ જાણે બૂંગિયો (શૂરાતન ચડાવવા વગાડાતો ઢોલ) ફૂંક્યો. પરોઢે ઝાકળ જામે. કવિ તેને મલકનાં આંસુ કહે છે. (ધારાસણાના મીઠાના સત્યાગ્રહનો હ્રદયદ્રાવક અહેવાલ અમેરિકાના ખબરપત્રીઓએ આપ્યો હતો.)

ગાંધીએ ‘નીચે નમીને પછી' મીઠાની ગાંગડી ઉપાડી. અહીં સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં ગાંધીએ લોર્ડ ઇર્વિનને વિનવણીઓ કરી હતી તેનો નિર્દેશ છે. ‘આવડીક મીઠાની ગાંગડી' કહેતામાં તો ગાંધી આપણી આંખો સામે સવિનય કાનૂનભંગ કરતા દેખાય છે.

બાઈબલના ગિરિપ્રવચનમાં ઈસુ ઉત્તમ માનવીઓને ‘સોલ્ટ ઓફ ધ અર્થ' કહે છે. સત્યાગ્રહ દ્વારા ગાંધીએ આપણને ધરતીના લૂણ સમાન વ્યક્તિઓ આપી.

***