ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કલ્યાણરાય નથુભાઈ જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલ્યાણરાય નથુભાઈ જોષી

(બી. એ.,)

એઓ બેટ–દ્વારકાના વતની છે. એમનો જન્મ ઓખામંડળના બેટ શંખોદ્વારમાં તા. ૧૨મી જુલાઈ, ૧૮૮૫ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ ઓધવજી અને માતાનું નામ દિવાળીબા છે. એઓ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના છે. એમણે માધ્યમિક શાળાના ઉપરના બે ધોરણોનું અને ઊંચું શિક્ષણ બધું મુંબઈમાં જ લીધું હતું. સન ૧૯૦૪માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા, વિજ્ઞાનમાં ઉપલે નંબરે આવી પસાર કરી હતી અને તે બદલ એમને ઉત્તમરામ મેમોરિયલ સ્કોલરશીપ મળી હતી. તે પછી ચાર વર્ષ એમણે એલ્ફીન્સટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો; અને સન ૧૯૦૮માં બી. એ.,ની પરીક્ષા વિજ્ઞાનના ઐચ્છિક વિષય સાથે, બીજા વર્ગમાં પાસ કરી હતી. વળી કાંગા પ્રાછઝ અને કૉલેજ સ્કોલરશીપ મેળવ્યાં હતાં. તે પછી એઓ વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા અને અત્યારે તેઓ પાટણની હાઇસ્કુલમાં હેડમાસ્તર છે. એમના પ્રિય વિષયો વિજ્ઞાન અને પુરાતત્ત્વ છે. એઓ વડોદરા હતા તે અરસામાં જાણીતું ‘કેળવણી’ માસિક બંધ પડવાની તૈયારીમાં હતું તેની જવાબદારી અને તંત્રીપદ એમણે સ્વીકારી, સન ૧૯૧૬થી ૧૯૨૦ સુધી તે સફળતાપૂર્વક ચલાવ્યું હતું. સન ૧૯૧૨માં વાચનમાળામાંના વિજ્ઞાનના પાઠો શિખવવામાં મદદગાર થાય એવી માર્ગોપદેશિકાના ત્રણ ખંડો બહાર પાડ્યા હતા. એક લેખક તરીકે એમનો હિસ્સો ગુજરાતી સાહિત્યમાં થોડો નથી, તે એમના ગ્રંથોની સૂચિ છેવટે નોંધી છે, તે પરથી ઝટ ખ્યાલમાં આવશે. નોકરીના અંગે જ્યાં જ્યાં એમનું જવાનું થાય છે, ત્યાં ત્યાં એઓ જન સેવા અને કેળવણી પ્રચારના કાર્યમાં આગળ પડતો ભાગ લે છે અને ત્યાંની પ્રવૃત્તિ વ્યવસ્થિત અને નિયમિત કરવાનો પ્રયત્ન કરે છે, એ એમની વડોદરામાંની, દ્વારિકામાંની અને પાટણમાંની પ્રવૃત્તિ પરથી જોઈ શકાશે. વળી એમની નજર નીચે વડોદરા રાજ્ય તરફથી ઓખામંડળમાં ઐતિહાસિક ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું; અને તે હજુ જારી છે. તેમાંથી સ્કંદગુપ્ત પૂર્વેનાં અવશેષો મળી આવેલાં છે; પણ ચોક્કસ પરિણામ પર, તે કાર્ય પૂરું થયે, આવી શકાય. અત્યારે માત્ર તર્ક જ કરવો રહ્યો. એમના લખેલાં ગ્રંથો અનેક છે અને તે એકજ ક્ષેત્રમાં નહિ પણ વિવિધ વિષયો પર છે; તે એમની કાર્યશકિત, બુદ્ધિ અને જ્ઞાન કેટલાં વિકસેલાં છે, તેનું ભાન કરાવે છે.

એમના ગ્રંથોની યાદી:

વાચનમાળાના વિજ્ઞાનના સન ૧૯૧૧–૧૨
પાઠો શિખવવાની માર્ગદર્શિકા–પ્રથમ ખંડ
–દ્વિતીય ખંડ
–તૃતીય ખંડ સન ૧૯૧૨
હિંદુસ્તાનનું ભૂગોળ શાસ્ત્ર સન ૧૯૧૩
દેશ દેશની રસમય વાતો   ૧૯૧૪
દેશ દેશની માર્મિક વાતો
સજીવ અને નિર્જીવ સૃષ્ટિ ભા. ૧ ”   ૧૯૧૪
ભા. ૨
ઇન્દ્રિય વિજ્ઞાન અને સૃષ્ટિશાસ્ત્ર
માનવ દેહ ધર્મ વિદ્યા–આરોગ્યવિજ્ઞાન ”   ૧૯૧૫
વિજ્ઞાનની વાતો ”   ૧૯૧૬
સૃષ્ટિની ઉત્પત્તિ ”   ૧૯૧૭
આરોગ્ય વિજ્ઞાનની વાતો ”   ૧૯૧૭
ભૂપૃષ્ટ વિચાર
રાષ્ટ્રીય પડઘા
સ્નેહ ગીતા ”   ૧૯૧૯
શરીરનો સંચો
સ્નેહ જ્યોત (સ્નેહ ગીતાનો બીજો ભાગ) ”   ૧૯૨૦
સમાજ શાસ્ત્ર પ્રવેશિકા
એશિયાની ઓળખાણ ભા. ૧ લો ”   ૧૯૨૨
ભા. ૨ જો ”   ૧૯૨૩
પાણીના પરાક્રમ ભા. ૧ ”   ૧૯૨૫
ભા. ૨
ઈંગ્લાંડનું વહાણવટું ”   ૧૯૨૬
હરિલાલ દેસાઈના સંસ્મરણો ”   ૧૯૨૮
સૃષ્ટિની બાલ્યાવસ્થા ”   ૧૯૨૮
આર્યોની ઓળખાણ ”   ૧૯૨૯