ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેશવલાલ હર્ષદરાય ધ્રુવ બી. એ., (દીવાન બહાદુર)

એમનો જન્મ સંવત ૧૯૮૫ના આશ્વિન વદિ ૬ (તા. ૧૭મી ઑકટોબર ૧૮૫૯)ને સોમવારને દિને ગાયકવાડી રાજ્યના દહેગામ પરગણાના બહિયલ ગામમાં થયો હતો. તેઓ ઋગ્વેદની શાખાયની શાખાના છે. તેમના ગોત્રનું નામ ભારદ્વાજ છે. અંગિરા, બૃહસ્પતિ તથા ભરદ્વાજ એ ત્રિપ્રવર છે. તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર છે. તેમના કુટુંબમાં નાગજીભાઈ એ નામે પરમ વૈષ્ણવ પૂર્વે થઈ ગયા છે, જેઓ બસોબાવન ભક્તોમાંના એક હતા. કેશવલાલની અવટંક ‘ધ્રુવ’ છે, જેનો અર્થ ‘જકાત વસુલ કરનાર અમલદાર’ (Custom Officer) એવો થાય છે. તેમના કુટુંબમાં મજમુદારી, દેશાઇગીરી અને ધ્રુવગીરી એ ત્રણે પૂર્વે એક વાર હતાં. તેમના પિતાશ્રીનું નામ હર્ષદરાય ને માતુશ્રીનું નામ રેવાબાઈ હતું. ‘ચન્દ્ર’ પત્રના તંત્રી તથા ‘કુંજ વિહાર’ના કર્તા સદ્ગત શ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવ તેમના મોટા ભાઈ થાય. તેમનો વિદ્યાભ્યાસ અમદાવાદમાં ખાડિયામાં મયા મહેતાની ગામઠી નિશાળે શરૂ થયો હતો. ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ’ એ સૂત્રમાં શ્રદ્ધાવાળા મયા મહેતાથી છોકરાઓ બહુ જ ત્રાસતા. તે નિશાળે ભણી રહ્યા પછી પહેલા નંબરની ગુજરાતી નિશાળમાં કેશવલાલ દાખલ થયા. ત્યાં ગુજરાતી ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. હાઇસ્કુલમાં તેઓ હતા ત્યારે જે શિક્ષકોએ એમના પર ઉંડી છાપ પાડી હતી તેમાં ત્રણ ગૃહસ્થોનાં નામો જાણવા જેવા છે. (૧) સ્વ. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ; (૨) દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ; અને (૩) કવિ દલપતરામ. કવિ દલપતરામના સંસર્ગથી એમને ગુજરાતી કવિતા અને પિંગળ પ્રતિ વિશેષ રુચિ થયેલી. અંબાલાલભાઇએ એમના સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપેલું અને લલ્લુભાઈએ સારા ગદ્ય નિબંધલેખન માટે એમની વૃત્તિ કેળવેલી, જે બધા અંશો એમનામાં પાછળથી સારી રીતે ખીલી, દીપી ઉઠ્યા છે. વળી એમના સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ વાત છે કે તેમના મોટા ભાઈ સદ્ગત સાક્ષરશ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવની તેમના ઉપર ઘણી અસર થઈ છે. “કેશવ–હરિનું જોડલું” આપણા સાહિત્યના ઇતિહાસ ગગનમાં સર્વદા જ્વલંત જ્યોતિથી પ્રકાશશે એ નિઃસંશય છે. એમણે એક વખત વાતચિતમાં કહ્યું હતું, કે ‘મ્હારામાં જો કાંઈ ગુણ હોય તો તે મ્હારા ભાઈને લીધે જ છે મૂળથી જ કાંઇ સ્વયં વિચાર કે અપૂર્વ બુદ્ધિ (originality) મ્હારામાં નહિ–હું તો માત્ર અનુકરણ કરવામાં કે કોઈ બતાવે તે કરવામાં સમજું. મ્હારા ભાઈ સર્વ બાબતમાં મ્હારા પ્રોત્સાહક અને માર્ગદર્શક હતા. હું તો એમની પાછળ ખેંચાતો જાઉં એટલું જ.” અતિશય ઉત્સાહ અને ત્વરા એ હરિલાલનાં પ્રધાન લક્ષણ હતાં અને એ ઉભયના સહગામી તથા અનુગામી ગુણ અને દોષ બંને તેમનામાં હતાં. તેમણે પોતાના ઉત્સાહી યુવકમિત્રોના સહાયથી “સત્ય માર્ગદર્શક સભા” એ નામનું એક મંડળ સ્થાપ્યું હતું. વળી તેમના નાનકડા મિત્રમંડળ તરફથી મુખપાઠને માટે માંહોમાંહે ઇનામ અપાતાં, ને તેમાં કેશવલાલ પણ હરિફાઈ કરતા. મુખપાઠ કરવાની પદ્ધતિને લીધે તેમની સ્મરણ શક્તિને બહુજ સારી કેળવણી મળી અને તેને માટે તેઓ તેમના ભાઈને આભારી છે. તે મિત્રમંડળ તરફથી કોઈ કોઈ વખત નાટક પણ ભજવાતાં. એક વખતે તેઓએ ‘શકુન્તલા’ નાટકનો પ્રયોગ કર્યો હતો. સંક્ષેપમાં, તેમના મોટાભાઈની અનેક દેશીય પ્રવૃત્તિઓથી તેમના ઉપર બહુ અસર થઈ હતી. કુમળી વયમાંથી વિદ્યા તથા સાહિત્યના વાતાવરણમાં ઉછરેલ બાળકને તે વિષયો ઉપર અભિરુચિ અને આસક્તિ થાય તેમાં શું આશ્ચર્ય? તેમના ભાઈની અનેક પ્રકારની ઉંડી અસર ઉપરાંત અન્ય મહાન પુરુષોની તથા સંસ્થાઓની પણ તેમના ઉપર અસર થઈ હતી. પોતાના ભાઈનું જોઈને સંસ્કૃત સાહિત્ય ઉપર તથા પ્રાચીન શોધખોળ ઉપર અભિરુચિ તો થઇ જ હતી; તે અભિરુચિમાં આર્યસમાજના આદ્યપુરુષ સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીનાં ઉત્સાહમય વ્યાખ્યાનોથી અત્યંત વૃદ્ધિ થઈ. તેઓ જ્યારે અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સ્વામીશ્રી અમદાવાદમાં પધાર્યા હતા અને ત્યાં તેમનાં જુસ્સાદાર વ્યાખ્યાનોએ ઘણો જ ખળભળાટ કરી મૂક્યો હતો. કેશવલાલ પણ તેમનાં વ્યાખ્યાન સાંભળવા નિત્ય જતા. સ્વામીશ્રીના તે વ્યાખ્યાનોથી કેશવલાલભાઈ ઉપર દેશભક્તિની બાબતમાં તથા ધર્મવિચારની બાબતમાં સ્થાયી અસર થઇ હતી. આ ઉપરાંત તેઓનું વિદ્યાર્થીજીવન અત્યંત ઉજ્જવલ હતું ને તેઓ દર વર્ષે પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થવાથી તેમને ઇનામો તથા ‘સ્કોલરશિપ’ મળતાં. મેટ્રિક્યુલેશનની પરીક્ષા ૧૮૭૬ની સાલમાં પાસ કરી તેઓ મુંબાઇની એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. તે વખતે એલ્ફીન્સ્ટન કૉલેજનું મકાન ભાયખળે હતું. તેઓ ત્યાં ‘રેસિડન્સી’માં રહેતા. તેમના સહાધ્યાયીઓમાં રા. મણિભાઈ નભુભાઇ દ્વિવેદી, રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ, રા. છગનલાલ હરિલાલ પંડ્યા, રા. છગનલાલ ઠાકોરદાસ મોદી, મી. કરીમઅલ્લી નાનજીઆણી, સ્વ. શ્રીધર રામકૃષ્ણ ભાંડારકર વગેરે હતા. તે મંડળમાંથી રા. મણિલાલ સર્વે કરતાં વધારે વાંચતા. તેમની અભ્યાસપદ્ધતિ વ્યવસ્થિત તથા નિયમસર હતી. જે વિષય ચાલતો હોય તે સંબંધી અનેક પુસ્તકો વાંચી, તેમાંથી ઉતારા વગેરે કરી, તેઓ પોતે હાથે જ ‘નોટસ’ કહાડતા અને તે એવી ઉત્તમ ગણાતી કે સર્વ વિદ્યાર્થીઓ તે વાંચવાને માગી લેતા. અહિં કૉલેજમાં કેશવલાલને સંસ્કૃતનો સારો અભ્યાસ કરવાની વિશેષ તક મળી, તે સમયે અભ્યાસકાળ ત્રણ વર્ષનો હતો અને પરીક્ષાઓ બે હતી–એક એફ. ઇ. એ. (ફર્સ્ટ એકઝામિનેશન ઇન આર્ટ્સ) અને બીજી બી. એ., એફ. ઇ. એ. માં ૧૮૭૮ની સાલમાં બીજા વર્ગમાં તેઓ પાસ થયા. ૧૮૮૦ની સાલમાં તેઓને બી. એ;ની પરીક્ષામાં જવાનું થાત પરંતુ મંદવાડને લીધે જઇ શક્યા નહિ. ૧૮૮૧ની સાલમાં સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર તથા શ્રીયુત ચિમનલાલ હરિલાલ સેતલવાડ વગેરે તેમના સહાધ્યાયીઓ થયા. શ્રીયુત કેશવલાલનું સંસ્કૃત જ્ઞાન બહુ સારું હોવાથી તે બે જણા તેમની સાથે સંસ્કૃત વાંચતા. નવાઈની વાત એ છે કે સાહિત્યમાં અત્યંત પ્રીતિવાળા હોવા છતાં કેશવલાલે પોતાના ઐચ્છિક વિષય તરીકે ગણિતશાસ્ત્ર લીધું હતું. બી. એ.માં તેમની પાસે કાદંબરીનું છાપેલું પુસ્તક ન હોવાથી પોતાના મોટાભાઈવાળું હસ્તલિખિત પુસ્તક (manuscript) તેઓ વાપરતા, જેનો ઉપયોગ પછીથી પીટર્સને પોતાની કાદંબરી છપાવવામાં કર્યો હતો. પ્રો. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરની કેશવલાલ ઉપર બહુ પ્રીતિ હતી અને તેમના સંસર્ગથી કેશવલાલને સંસ્કૃત ઉપર અત્યંત આસક્તિ થઈ. તેમના સમયમાં પ્રો. દસ્તુર તથા જસ્ટિસ ચન્દાવરકર કૉલેજમાં દક્ષિણા ફેલો હતા, અને બેરેટ સાહેબ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા. પ્રો. બેરેટને કેશવલાલનો Patriotism (દેશભક્તિ) ઉપરનો અંગ્રેજી નિબંધ બહુ પસંદ પડ્યો હતો, અને તે માટે તેમણે વર્ગમાં કેશવલાલની પ્રશંસા કરી હતી. અંતે ૧૮૮૨ની સાલમાં તેઓ બી. એ; ની પરીક્ષામાં બીજા વર્ગમાં પાસ થયા, અને એક દૃષ્ટિએ જોતાં તેમનું વિદ્યાર્થીજીવન પૂરું થયું.

૧૮૮૨ની સાલમાં ડૉ. ભાંડારકરના પ્રમાણપત્રને લીધે તેઓ અમદાવાદની ‘મેલ ટ્રેનિંગ કોલેજ’માં સંસ્કૃતના શિક્ષક તરીકે નીમાયા. તે વખતે રા. સા. મહીપતરામ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ હતા. આ સમયમાં ગુજરાતીમાં પ્રાચીન કાવ્યમાળા તથા સંસ્કૃતમાં કાવ્યમાળા બહાર પડવા માંડી, અને તે બંનેને કેશવલાલ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા. વળી “મુગ્ધાવબોધ ઔકિતક” નામનું સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક તેમના ભાઈ હરિલાલે પ્રકટ કર્યું હતું તેના ઉપર સમાલોચના લખી કેશવલાલે પ્રકટ કરી. ટ્રેનિંગ કૉલેજમાં હતા ત્યારે બીમ્સનું “કેમ્પેરેટિવ ગ્રામર ઑવ ધિ મૉડન આર્યન લૅંગ્વેજિસ્ ઑવ્ ઇન્ડિઆ” એ નામનું અંગ્રેજી પુસ્તક તેમની પાસે આવ્યું, અને તેથી શબ્દશાસ્ત્ર અથવા ભાષાશાસ્ત્ર (Philology) પ્રતિ તેમનું લક્ષ વિશેષ ખેંચાયું, તેમજ તેને લીધે તુલનાત્મક પદ્ધતિથી (comparative method) અભ્યાસ કરવાના સંસ્કાર તેમનામાં દૃઢ થયા. આ ઉપરાંત ‘ઈંડિઅન્ ઍન્ટિકવૅરી’ નામના અંગ્રેજી માસિકમાં “ધી એજ ઓફ વિશોખદત્ત”, અર્થાત “મુદ્રા રાક્ષસના કર્તા વિશાખદત્તનો સમય” એ વિષય ઉપર અંગ્રેજી લેખ પ્રકટ કર્યો હતો. આ બધું સને ૧૮૮૨થી ૧૮૮૭ સુધીમાં થયું હતું. આ પાંચ વર્ષનો સમય તેમણે ટ્રેનિંગ કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતીના શિક્ષક તરીકે ગાળ્યો હતો.

સન ૧૮૮૭માં કેશવલાલ ટુંકા વખતને માટે ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે કચ્છમાં ગયા, અને ત્યાંથી ૧૮૮૮ના જુલાઈમાં અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં પોતાની મૂળની જગ્યાએ પાછા આવ્યા. પરંતુ જે અલ્પ સમય તેઓ કચ્છમાં પહેલી વાર રહ્યા તે સમય તેમણે નકામો ગાળ્યો ન હતો. હેડમાસ્તર તરીકેનાં પોતાનાં કર્તવ્યો ઉપરાંત પોતાનો અભ્યાસ તો તેમણે જારી જ રાખ્યો હતો. એક તો તેમણે “જૂની ગુજરાતીના નમુના” પ્રકટ કર્યાં, તે નમુનાનો હેતુ એવો હતો કે કવિ દલપતરામે તથા રા. બા. હરગોવિન્દદાસ કાંટાવાળાએ જે એમ જણાવ્યું હતું કે “ગુજરાતી ભાષા હાલમાં છે એવીને એવીજ પહેલાં હતી, અને તેમાં કાંઈ ફેરફાર થયો નથી” તે વાત ખરી નથી એમ દાખલા આપીને સિદ્ધ કરવું. નમુના તરીકે ૧૫૦૭માં લખાયેલા “વસન્ત વિલાસ”માંથી તથા ૧૪૫૦માં લખાયેલા “ગદ્યકથાસંગ્રહ”માંથી ઉતારા અપાયા હતા. આ અરસામાં જ મુદ્રારાક્ષસના ભાષાંતરની પ્રથમાવૃત્તિ છપાતી હતી, જે ૧૮૮૯માં બહાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત એક બીજી બાબત પણ જાણવા જેવી છે. કેશવલાલ જ્યારે કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે “ગીત ગોવિન્દ”નું દેશી રાગોમાં ગુજરાતી ભાષાંતર કરવા માંડ્યું હતું.

પોતે જે દોઢેક વર્ષની મુદત માટે ભુજમાં ગયા હતા તે મુદત પૂરી થવાથી ૧૮૮૧ના જુલાઈ માસમાં તેઓ પોતાની પહેલાંની જગ્યા ઉપર અમદાવાદ પાછા આવ્યા. ૧૮૯૨ની સાલમાં નડિયાદ નિવાસી સ્વ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆના “કૃષ્ણ મહોદય”માં ગીત ગોવિંદનું ભાષાંતર છપાયું. તે પછી “અમરુશતક”નું સમશ્લોકી ભાષાંતર કેશવલાલે કરવા માંડ્યું, અને તેની પ્રથમાવૃત્તિ ૧૮૯૪માં બહાર પડી. "અમરુશતક”નો અનુવાદ કેશવલાલની રસજ્ઞતાનો તેમજ તેમની વિદ્વત્તાનો એક ઉંચા પ્રકારનો નમુનો છે.

સન ૧૮૯૪માં વળી પાછા તેઓ કચ્છમાં ગયા, પરંતુ આ વખતે તેમનો હોદો તેનો તે ન હતો. આ વેળાએ તો તેમનું કામ મહારાજ રાવસાહેબનાં કુંવર કુંવરીને શીખવવાનું હતું, અને તેથી તેઓ ‘ટયુટર ટુ મહારાજ કુમાર’ કહેવાતા. ૧૮૯૫ની સાલમાં તેમના ઉપર બે મોટા ઘા આવી પડ્યા. એક તો તેમનાં પ્રથમ પત્ની અ. સૌ. ચતુરલક્ષ્મી સૂતિકાજવરથી મરણ પામ્યાં, તેમજ તેમના માર્ગદર્શક તથા પ્રોત્સાહક ભ્રાતા હરિલાલ પણ તેજ વર્ષમાં ગુજરી ગયા. આ કૌટુમ્બિક વિપત્તિઓથી ઉદ્વેગ પામતા પોતાના ચિત્તને તેમણે સંસ્કૃત સાહિત્યના અભ્યાસમાં પરોવ્યું, અને તેઓ જેટલો વખત કચ્છમાં રહ્યા તેટલામાં સંસ્કૃત તથા ગુજરાતી સાહિત્યનો ઘણો ભાગ તેમણે વાંચી નાંખ્યો. ૧૮૮૮માં સ્ફુરેલા વિચાર પ્રમાણે મૂળ સંસ્કૃતના રાગોમાં જ “ગીત ગોવિન્દ”નું ગુજરાતી ભાષાંતર ફરી કરી ૧૮૯૬ની સાલમાં તેની પ્રથમાવૃતિ બહાર પાડી, ને ૧૮૯૭માં “અમરુશતક”ની બીજી આવૃત્તિ પ્રકટ કરી. ૧૮૯૮માં તેમનાં બીજા પત્ની પણ સૂતિકાજ્વરથી ગુજરી ગયાં. ૧૮૯૮થી ૧૯૦૦ સુધીનાં ત્રણ વર્ષ મુદ્રારાક્ષસનું મૂળ સંસ્કૃત અને તે ઉપર અંગ્રેજી નોટસ્ તથા ઊપોદઘાત તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં, અને પોતાની અગાધ વિદ્વત્તા તથા અથાગ શ્રમના પરિણામરૂપે સંસ્કૃત મુદ્રારાક્ષસ તેમણે ૧૯૦૦ની સાલમાં બહાર પાડ્યું. તેમના આ પુસ્તકની જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન જેકોબી અને હિલ્ડાબ્રાન્ટે ખૂબ પ્રશંસા કરી હતી અને ત્યારથી તેમના સાથે પત્રવ્યવહારનો સંબંધ ચાલુ થયો.

સન ૧૯૦૨માં અમદાવાદ હાઇસ્કુલના ‘ફર્સ્ટ ઍસિસ્ટંટ ટીચર’ તરીકે તેઓ કચ્છથી પાછા આવ્યા, અને તેજ હાઈસ્કુલમાં ઍપ્રિલ મહિનામાં ‘ઍકિંટગ હેડમાસ્તર’ તરીકે નીમાયા. ત્યાંથી મે માસમાં ભરૂચમાં ઍકિટંગ હેડમાસ્તર તરીકે ગયા. ૧૯૦૩ના નવેમ્બર મહિનામાં તેઓ ખેડા જીલ્લામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે નીમાયા, અને તે જગા ઉપર તેમણે આઠ મહિના સુધી કામ કર્યું. ૧૯૦૨થી એમ. એ., પરીક્ષાના ક્રમમાં ગુજરાતી ભાષા દાખલ થઈને તે માટે સ્વ. ગોવર્ધનરામ તથા કેશવલાલ એ બે પરીક્ષકો નીમાયા. હજી પણ કેશવલાલભાઈ એમ. એ.,માં ગુજરાતીના પરીક્ષક તરીકે નીમાય છે. ૧૯૦૪માં તેઓ નડિયાદ હાઇસ્કુલના હેડમાસ્તર તરીકે નિમાઈ આવ્યા તેથી ગોવર્ધનરામના સંસર્ગમાં વધારે ને વધારે આવવા લાગ્યા, અને તેને પરિણામે તેઓ બંને વચ્ચેનો સંબંધ વધારે ને વધારે નિકટ બનતો ગયો.

૧૯૦૫માં અમદાવાદમાં ભરાયેલી પ્રથમ સાહિત્ય પરિષદ વખતે તેમણે “વાઞ્વ્યાપાર” ઉપર લેખ વાંચ્યો હતો, અને તે છૂટો છપાયો છે. અમદાવાદની “ગુજરાત સાહિત્ય સભા” સમક્ષ ત્યાર પછી તેમણે “પ્રેમાનંદ” ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.

૧૯૦૭ના સપ્ટેમ્બરમાં મુંબાઇમાં સાહિત્ય પરિષદની બીજી બેઠક થઈ હતી, અને તે સમયે પ્રમુખસ્થાને કેશવલાલ વિરાજ્યા હતા. તેમનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ વખણાયું હતું. એ ઉપરાંત પદ્યરચના સંબંધી લેખ પણ તેમણે લખ્યો હતો, જે ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયો હતો.

સન ૧૯૦૮ની શરૂઆતમાં તેમની બદલી અમદાવાદ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે થયેલી અને ત્યાંથીજ હેડમાસ્તરના હોદ્દા પરથી સન ૧૯૧૫માં નિવૃત્ત થયલા; અને એમના સેવાકાર્યની કદર કરી પાછળથી સરકારે તેમને રાવબહાદુરનો ઇલ્કાબ બક્ષ્યો હતો.

પેન્શન લીધા પછી પણ સાહિત્યના અભ્યાસ અને પ્રકાશનનું કાર્ય ચાલુ હતું. ભાલણની કાદંબરી, ભાસનાં નાટકો વગેરે ગ્રંથોનું કાર્ય ચાલતું હતું, એવામાં ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપકની જગ્યા નવી નિકળતાં તેમને એ સ્થાન પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેટલોક સમય કામ કર્યા બાદ પેન્શન સંબંધમાં મતભેદ પડતાં, પોતે એ જગ્યાનું રાજીનામું મોકલી, બીજીવારના નિવૃત્ત થયા; પણ પાછળથી દબાણ થતાં, એ જગ્યા ફરી સ્વીકારી છે અને અદ્યાપિ તે પદ પર છે. ઉપરોક્ત રાજીનામું આપ્યા પછી એમની વિદ્વત્તાની કદર બુજી સરકારે તેમને દીવાન બહાદુરનો ઈલ્કાબ બક્ષ્યો હતો; અને હમણાં આપણી મુંબાઇ યુનિવર્સિટીએ એમને ઠક્કર વસનજી માધવજી લેકચર્સ (૧૯૩૦-૩૧) આપવાને નિયોજ્યા છે.

સન ૧૯૨૦ થી તેઓ ગુ. વ. સોસાઇટીના પ્રમુખ દર વર્ષે ચૂંટાય છે અને તે પહેલાં પણ સોસાઇટી સાથેનો તેમનો સંબંધ બહુ ગાઢ, સક્રિય અને લાંબો છે; અને એ પદનું કર્ત્તવ્ય–જવાબદારી લક્ષમાં લઈને એમણે સન ૧૯૨૧માં સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થયેલા ગુજરાતી કોષનું નવું સંસ્કરણ, શાસ્ત્રીય અને ઐતિહાસિક પદ્ધતિએ તૈયાર કરવાનું સૌનો સહકાર મળશે એવી આશાથી આરંભેલું; પરંતુ મદદના અભાવે અને માત્ર એકલે હાથે કામ કરવાનું માથે પડવાથી ફક્ત प કાર અને अ, आ, એમ ત્રણ અક્ષરો જ સળંગ નવેસર તૈયાર થઈ શક્યા છે, જે એ વિષયમાં કાર્ય કર્તાઓને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થશે.

એવી જ કર્ત્તવ્યનિષ્ટાથી એમણે પ્રાચીન ગુર્જર કાવ્યોની નવી આવૃત્તિઓ, બને તેટલી શુદ્ધ અને શાસ્ત્રીય રીતે તૈયાર કરવાની યોજના હાથમાં લીધેલી છે. આજદિન સુધીમાં એ માળાના ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને બીજા ગ્રંથોનું સંશોધન કાર્ય આગળ ચાલુ છે અને તેનું એડિટિંગ કાર્ય જૂદે જૂદે હાથે વહેંચી નાંખેલું છે.

વળી સન ૧૯૨૫માં અમદાવાદમાં ભરાયેલા કળા–પ્રદર્શનના અંગે થયેલા નાટ્ય સંમેલન પ્રસંગે એમણે આપેલું પ્રાચીન નાટ્યશાસ્ત્ર વિષેનું વ્યાખ્યાન એમનો સંસ્કૃત સાહિત્યનો ઉંડો અભ્યાસ અને સંશોધનનો ઉત્તમ નમુનો રજુ કરે છે.

સન ૧૯૨૮માં એમણે દયારામ વિષે વ્યાખ્યાન આપેલું જે એમના “પ્રેમાનંદ” વિષેના લેખની પેઠે પ્રમાણભૂત થશે. સન ૧૯૨૯માં મુંબાઇમાં મળેલી કવિ પરિષદમાં પ્રમુખપદેથી આપેલું એમનું વ્યાખ્યાન પણ કાવ્યસાહિત્યના વાચકને એટલુંજ ઉપકારક જણાશે.

આ પરથી જોઈ શકાશે કે એમનાં સંખ્યાબંધ પ્રકીર્ણ લેખોનો સંગ્રહ પણ એમની અન્ય કૃતિઓની પેઠે એટલો જ મહત્વનો અને કિંમતી છે.

એમના પુસ્તકો અને લેખોની યાદી:

મેળની મુદ્રિકા ૧૮૮૯
અમરુશતક ૧૮૯૨
ગીત ગોવિંદ ૧૮૯૫
મુદ્રારાક્ષસ (સં.) ૧૯૦૦
છાયાઘટકર્પર ૧૯૦૨
પ્રધાનની પ્રતિજ્ઞા ૧૯૧૫
વિંધ્યવનની કન્યકા ૧૯૧૫
ભાલણ કૃત કાદંબરી–પૂર્વ ભાગ ૧૯૧૬
સ્વપ્નની સુંદરી ૧૯૧૬
મધ્યમ નાટક ૧૯૨૦
પદ્યપાઠ {{right|૧૯૨૨
લઘુ ગીત ગોવિંદ ૧૯૨૪
પ્રાચીન ગુર્જર કાવ્ય ૧૯૨૭
રત્નદાસકૃત હરિશ્ચંદ્રાખ્યાન ૧૯૨૭
પ્રતિમા {{right|૧૯૨૮
The Malayas of the Mudrarakshasa 1882
[Indian Antiquary.]
The Age of Visakhadatta 1882
[Vieana Oriental Journal.]
મુદ્રારાક્ષસ ૧૮૮૨ [બુદ્ધિપ્રકાશ.]
મુગ્ધાવબોધ ઔકિતક ઉપર વાત્તિક ૧૮૮૨ [ ”” ]
પદ્યરચનાના પ્રકાર ૧૯૦૭ [ ”” ]
સંસ્કૃત નાટકની પ્રાચીનતા ૧૯૨૫ [ ”” ]
સમુદ્રગુપ્તનો ઉત્તરાધિકારી...... ૧૯૨૮ [ ”” ]
દયારામ વિષે કંઇક ૧૯૨૯ [ ”” ]
પોલકા પચીસી ૧૯૨૯ [ ”” ]
ચક્રવર્તી હર્ષને નામે ચડેલાં બે બૌદ્ધ સ્તોત્રો – ૧૯૧૮[નવજીવન અને સત્ય]
ગીત ગોવિંદ ૧૮૯૨ [કૃષ્ણ મહોદય]
પવનદૂતનો કર્ત્તા ધોયી [પુરાતત્ત્વ પુ. ૧, અં. ૧]
ગીવાર્ણ કવિ જયદેવના સત્કર્તા ૧૯૨૪ [બુદ્ધિપ્રકાશ]
સ્વપ્નવાસવદત્ત ઉપર નવો પ્રકાશ. [વસંત]
મૃચ્છકટિકમાં સંદ્દિચ્છેદનો અંક [સમાલોચક]
લલિતેંદુ ગુફાનો લેખ [ ”” ]
ઉત્તરરામ ચરિત્રમાંથી ચિત્રદર્શન [ ”” ]
વૃત્તોના વપરાટની કસોટી [સાબરમતી]
જોઈએ છિએ કે જોઈએ છે? ૧૯૦૮ [સાહિત્ય અને વાર્તા]
વાઞ્વ્યાપાર ૧૯૦૫ [પહેલી સાહિત્ય પરિષદનો રીપોર્ટ]
બીજી પરિષદનું ભાષણ ૧૯૦૭ [બીજી સા. પ.નો રીપોર્ટ]
વનવેલી. ૧૯૨૦ [છઠ્ઠી ગુ. સા. પરિષદનો રીપોર્ટ]
જૂની ગુજરાતીના નમૂના ૧૮૮૭ [ગુજરાત શાળાપત્ર]
પ્રેમાનંદ ૧૯૦૫ [વસંત]
યુગપુરાણનાં ઐતિહાસિક તત્ત્વ [ગુજરાતી સાહિત્ય સભા રજત મહોત્સવ]