ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કાન્તિલાલ છગનલાલ પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાન્તિલાલ છગનલાલ પંડ્યા

[એમ. એ; પીએચ.ડી.]

જ્ઞાતિએ એઓ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૪મી ઑગસ્ટે નડિયાદમાં થયો હતો. એમના માતા અ. સૌ. સમર્થલક્ષ્મી, ગોવર્ધનરામનાં ન્હાનાં બ્હેન, જેમને “સરસ્વતીચન્દ્ર”ના ત્રીજા ભાગની આરંભની “નિવાપાંજલિ” અર્પિત થઈ છે. એમના પિતા શ્રીયુત છગનલાલ હરિલાલ પંડ્યા એક જાણીતા ગુજરાતી સાક્ષર છે અને એમની સંસ્કારિતા અને ગુણજ્ઞતા એમનામાં પણ ઉતરી આવેલી છે. તેમનાં લગ્ન પણ તેવા જ બીજા એક સંસ્કારી કુટુંબમાં સ્વ. તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીના જ્યેષ્ઠ પુત્રી સૌ. ઉમાંગલક્ષ્મી સાથે થયું હતું, જે લગ્ન એમના જીવનની સુખવૃદ્ધિ અને ઉન્નતિ સાધવામાં બહુ મદદગાર થઈ પડ્યું હતું. ખેદ એ થાય છે કે એ બ્હેન લાંબુ જીવ્યા નહિ અને સન. ૧૯૨૬ના જાન્યુવારીમાં એમનું અવસાન થયું. સન ૧૯૦૭માં તેમણે બી.એ; ની અને સન ૧૯૧૦માં એમ. એ.ની પરીક્ષાઓ પાસ કરી હતી. વિજ્ઞાનનો–ખાસ કરીને રસાયનનો–અભ્યાસ–મુંબાઇમાં પ્રો. ગજ્જરની લેબોરેટરીમાં અને કેટલોક સમય બેંગલોરમાં આવેલા તાતાએ સ્થાપેલા “ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑવ સાયન્સ”માં કર્યો હતો. તે પછી સન ૧૯૧૩માં તેઓ આગ્રાની સેન્ટ જૉન્સ કૉલેજમાં રસાયનશાસ્ત્રના અધ્યાપક નિમાયા હતાં; અને હાલમાં ત્યાં જ કામ કરે છે. વચ્ચે (સન ૧૯૨૦–૨૩) થોડાંક વર્ષ ઈંગ્લાંડ જઈ ડૉકટોરેટની ડીગ્રી લઈ આવેલા; અને યુરોપ અમેરિકાદિ દેશોમાં વધુ જ્ઞાન અર્થે પ્રવાસ કરેલો, જેનો રસિક અહેવાલ એમણે પોતે “સમાલોચક” માસિકમાં પત્રો દ્વારા આપેલ છે. સન ૧૯૨૪માં સાતમી ગુ. સાહિત્ય પરિષદ ભાવનગરમાં મળેલી ત્યારે તેઓ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. અત્યારે ગુજરાતીઓમાં વિજ્ઞાનના વિષયમાં રસપૂર્વક અગ્ર ભાગ લેતા એમના જેવા જૂજ મળી આવશે. ખાસ ખુશી થવા જેવું એ છે કે તેઓ આગ્રા યુનિવર્સિટીના ધી ફેકલ્ટી ઓફ સાયન્સના ડિન નિમાયેલા છે તેમજ હિન્દી યુનિવર્સિટી બનારસના સાયન્સ ફેકલ્ટીના એક સભ્ય છે. ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય ઉભું કરવાને તેઓ તીવ્ર ઉત્કંઠા ધરાવે છે અને તક મળે, એક પણ પ્રસંગ, એક વા બીજા માસિકમાં કે વર્તમાનપત્રમાં વિજ્ઞાન વિષે કંઈને કંઈ ઉપયોગી કે જાણવા જેવી માહિતી આપવાનું ચૂકતા નથી. દૂર પ્રાંતમાં વસવા છતાં, ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિથી પૂરતા વાકેફ રહેવા તેઓ પ્રયત્ન કરે છે, એ તે પ્રતિ એમનો તીવ્ર અનુરાગ દાખવે છે. સ્વ. ગોવર્ધનરામનું જીવનચરિત્ર આલેખી, ગુજરાતી સાહિત્યમાં એક લેખક તરીકે તેમણે સારી કીર્તિ સંપાદન કરી હતી. માસિકોમાં એમના લેખો, ઉપર લખ્યું તેમ અવારનવાર પ્રસિદ્ધ થતાં જ રહે છે; અને તેનો જો સંગ્રહ કરવામાં આવે તો બે ત્રણ વૉલ્યુમ થાય એટલું લખાણ મળી આવે.

એમના ગ્રંથોની યાદી:

ગોવર્ધનરામનું જીવન ચરિત્ર. સન ૧૯૧૦.