ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

એઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર છે. એમનું મૂળ વતન જામનગર અને એમનો જન્મ સં. ૧૯૩૮ના માઘ શુદ પાંચમના રોજ કાઠિયાવાડમાં આવેલા અમરેલી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ કેવળરામ લીલાધર શાસ્ત્રી અને માતાનું નામ જયકુમારી છે. એમના પિતા ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય અધ્યાપક હતા; એટલે ઘણોખરો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે ગોંડલમાં કરેલો. પણ ન્હાનપણમાં એમનું શરીર નબળું રહેતું અને એમનામાં ઝાઝી સ્ફૂર્તિ જણાતી નહિ, તેથી એમના અભ્યાસ પાછળ વિશેષ ધ્યાન અપાયેલું નહિ. સં. ૧૯૫૭માં ઇંગ્રેજી છઠ્ઠા ધોરણમાંથી અભ્યાસ છોડી દઇ, તેઓ રાજકોટમાં લક્ષ્મણ મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં દાખલ થયા; અને ત્યાં લગભગ અઢાર વર્ષ અભ્યાસ કરી, પ્રેકટીકલ ફાર્મેસીસ્ટ તરીકે પાસ થયા.

પિતાની પાસે એમણે કેટલુંક સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું હતું અને લેબોરેટરીમાં રહ્યા તે અરસામાં તે અભ્યાસ, ખાસ કરીને સાહિત્ય અને વેદાંતનો, ખૂબ વધાર્યો હતો.

સન ૧૯૦૪માં તેઓ પહેલ પ્રથમ મુંબાઇ આવ્યા હતા; જે વર્ષે ત્યાં ઇડિયન નેશનલ કોન્ગ્રેસ અને તેના અંગે એક ભવ્ય સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન ભરાયું હતું.

પ્રેકટીકલ ફાર્મેસીસ્ટ થયા પછી એકદમ નોકરી મળેલી નહિ અને એ બધો સમય એમણે આપણા પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને ધર્મના વાચન અને અભ્યાસમાં વ્યતિત કર્યો, જેનું સુંદર પરિણામ આપણે એમના અનેકવિધ વિદ્વત્તાપૂર્ણ લેખોમાં પ્રત્યક્ષ નિહાળીએ–અનુભવીએ છીએ.

સન ૧૯૧૦માં ઝંડુ ફાર્મસ્યુટીકલ વર્કસમાં એમની નિમણુંક થઇ; ત્યારથી એઓ એ લાઇનમાં, જે માટે પોતે પ્રથમથી લાયકાત પ્રાપ્ત કરી હતી, તેમાં ચાલુ રહી, આયુર્વેદના જ્ઞાનપ્રચાર અને સંશોધન અર્થે સતત પ્રયત્ન કરતા રહ્યા છે; અને એ પ્રવૃત્તિના અંગે ‘આયુર્વેદ વિજ્ઞાન’ નામનું એક માસિક એડિટ કરે છે, જે આયુર્વેદમાં રસ લેનારાઓ માટે કિંમતી વાચનસાહિત્ય, વધુ વિચાર, ચર્ચા અને અભ્યાસ અર્થે રજુ કરે છે.

વૈદકની લાઇનમાં પડેલા હોવાથી એ વિષયમાં એમની હુંશિયારી અને વિદ્વત્તા દેખાઈ આવે એ સમજાય એમ છે; પણ વૈદકની લાઈનની પેઠે આપણા પ્રાચીન ઇતિહાસ અને સાહિત્યના વિષયોમાં પણ એમણે નિપુણતા અને વિદ્વતા દાખવ્યાં છે, એમ એમના લેખો વાચનાર કોઈ પણ કહી શકશે.

ડૉ. ભાંડારકરના શૈવધર્મ અને વૈષ્ણવ ધર્મ વિષેના પુસ્તકનો અનુવાદ એમણે કર્યો છે; પણ તે પુસ્તક માત્ર અનુવાદ નથી; તેમાં ઘટતા ફેરફાર અને જરૂરી સુધારાવધારા કરીને કેટલીક વિશિષ્ટતા આણી છે, તેથી તે મૂળ પુસ્તક સાથે લાઇબ્રેરીમાં ભેગું રાખવુંજ પડે. ગુજરાતમાં એ ધર્મના પ્રચાર અને વિસ્તાર અર્થે એમણે એક તદ્દન નવીન પ્રકરણ તેમાં ઉમેરેલું છે, તે બતાવી આપે છે કે એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને એમનો અભ્યાસ કેટલો ઝીણો અને માર્મિક છે.

ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓ છેક બીજી સાહિત્ય પરિષદથી રસ લેતા આવ્યા છે; અને છેલ્લી પાંચેક પરિષદોમાં, એવી એક્કે નહિ મળી આવે કે જેમાં એમનો લેખ આવ્યો હોય નહિ.

સાહિત્ય પરિષદની પેઠે વૈદક પરિષદમાં પણ તેઓ ખૂબ રસ ધરાવે છે અને જૂદે જૂદે સ્થળોએ ભરાયેલી પરિષદોમાં હાજરી આપી, તેના કાર્યને વ્યવસ્થિત અને ઉપયોગી બનાવવા જરૂરી હિસ્સો આપતા રહ્યા છે.

એમને સાહિત્યનો સંસ્કાર–રસ સ્વ. મણિશંકર રત્નજીએ લગાડેલો; અને એમની પ્રેરણા અને સૂચનાથી ઋગ્વેદના ચાલીસેક સૂક્તને ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યો હતો.

તે પછી એમના સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસમાં સ્વ. રણજીતરામે વિશેષ રંગ લગાડેલો; અને એમના આગ્રહથી ‘નવજીવન અને સત્ય’માં કેટલાક લેખો લખી આપેલા.

એ લેખોમાં પછી દિન પ્રતિદિન વધારો થતો ગયો છે; અને ગુજરાતી ઉંચી કોટિના એવાં થોડાં માસિકો માલુમ પડશે, જેમાં એમના એક વા અન્ય વિષય પર એકથી વધુ નિબંધો પ્રકટ થયા નહિ હોય.

“વૈદ્યકલ્પતરૂ” માટે એમણે ‘બાળકોનો વૈદ્ય’ એ નામનું એક ભેટનું પુસ્તક લખી આપેલું; તેમ પંડિત નારાયણ મૂળજી બુકસેલર માટે ‘માધવ નિદાન’ની નવી આવૃત્તિ સુધારા વધારા અને નવા પરિશિષ્ટો સાથે તૈયાર કરી આપી છે. ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર પણ ચરિત્ર ગ્રંથોમાં વિશેષ ઉમેરો કરે છે. એમનું ‘ગુજરાતનાં તીર્થસ્થાનો’ એ પુસ્તક ઇતિહાસપ્રેમીઓએ તેમજ યાત્રાળુઓએ અવશ્ય વાચવા વિચારવાં જેવું છે. તેમાં આપણાં પ્રાચીન ઇતિહાસનું ઉડું નિરીક્ષણ અને અભ્યાસ નજરે પડે છે, તેથી તે વિશેષ મૂલ્યવાન થયું છે.

ગુ. વ. સોસાઇટીએ તેમને ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ–ચાવડા અને સોલંકી વંશનો–તેમજ આયુર્વેદનો ઇતિહાસ એ બે પુસ્તકો લખવા સોંપ્યાં છે; અને ફૉર્બસ સભા તરફથી તેઓ ‘પ્રબંધ ચિંતામણિ’ નામનો જુનો ઐતિહાસિક ગ્રંથ એડિટ કરે છે.

એમના ઐતિહાસિક નિબંધોનો એક સંગ્રહ ‘પુરાણ વિવેચન’ એ નામથી ગુ. વ. સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થનાર છે.

આ પરથી સ્પષ્ટ થશે કે ગુજરાતમાં અત્યારે આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસના જે ગણ્યાગાંઠયા અભ્યાસી અને વિવેચકો છે તેમાં એમનું સ્થાન છે; અને એમના લેખો વિશ્વસનીય અને અભ્યાસ યોગ્ય જણાયા છે.

એમના ગ્રંથોની યાદીઃ

૧ વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ સં. ૧૯૭૩
૨ બાળકોનો વૈદ્ય સં. ૧૯૭૪
૩ માધવ નિદાન સં. ૧૯૭૫
૪ ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર સં. ૧૯૭૬
૫ શિવધર્મને સં. ૧૯૭૭
૬ ગુજરાતનાં તીર્થસ્થાનો સં. ૧૯૮૫