ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પરિશિષ્ટ : પ્રેસકૉપી અને પ્રુફરીડિંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરિશિષ્ટ

પ્રેસ કૉપી અને પ્રુફ રીડિંગ

ગ્રંથલેખનની સાથોસાથ જ તેના મુદ્રણની વ્યવસ્થાનું કામ પણ સંકળાએલું છે, એમ કહીએ તો ચાલે. છતાં આપણા લેખકોનો મોટો ભાગ તેનાથી પૂર્ણ પરિચિત નહિ હોય. જે થોડોઘણો પરિચય હશે તે, એ ધંધા સાથેના સંબંધને અંગે બેળેબેળે થઈ ગયો હોય તેટલો જ. એટલે તે પણ અધકચરો હોવાનો.

એ ધંધાની આંટીઘૂંટી અને વિગતોમાં ઉતરવાની સૌને જરૂર ન હોય, પરંતુ પુસ્તકના પ્રકાશનને અંગે જે બે બાબતોમાં પોતાને તેની જોડે સંસર્ગમાં આવવાનું હોય છે તે વિષયો પૂરતું તો સારૂં જેવું જ્ઞાન પ્રત્યેક ગ્રંથકારને હોવું જોઈએ. પશ્ચિમના દેશોનો તો પ્રત્યેક ગ્રંથકાર એ બે બાબતોમાં પારંગત હોય છે. પહેલું, છાપખાના માટે પોતાના ગ્રંથની હાથ–પ્રત તૈયાર કરવાનું; બીજું તેની પ્રુફ વાંચવાનું. બંને બહુ નજીવાં દેખાતાં કામ છે; પણ ઘણીવાર બને છે તેમ, આ બે નજીવી વસ્તુઓ ઉપર જ આખા પુસ્તકના ઉદ્ભવ–ઉઠાવ, સૌંદર્ય, ભૂલરહિતતા, સુઘડતા વગેરેનો આધાર છે.

એ ખરું છે કે આપણે ત્યાં મુદ્રણકળાનો વિકાસ હજી જોઇએ તેવો થયો નથી, એટલે મનમાન્યાં પુસ્તક–પ્રકાશનો થઈ શકતાં નથી. પણ તેથી તો ગ્રંથકારો જેવા તેના સંબંધમાં આવતા સંસ્કારી વર્ગે એ ધંધા તરફ જરા વધુ કાળજી ધરાવવાની અગત્ય ઊભી થાય છે.

હાથ-પ્રત અને પ્રુફ, એ બેમાં બીજાની સરળતાનો આધાર પહેલા ઉપર બહુ અવલંબે છે. તમે જે તમારી હાથ-પ્રત બરોબર ચીવટથી, સુઘડતાથી અને બધી બાબતોની ચોકસાઈ રાખીને તૈયાર કરી હશે તો પ્રુફ વાંચવામાં જરાયે અગવડ નથી પડવાની. છેકાછેકીવાળું લખાણ, ગરબડિયા અક્ષરો, અશુદ્ધ અને ભૂલોવાળી જોડણી, ખોટાં લેખન-ચિહ્નો અને આડીઅવળી ગોઠવણવાળી પૅરેગ્રાફ વગેરેની સૂચનાઓ–આ અથવા આમાંની કોઈપણ ખામી છાપખાનામાં આપવાની હાથ-પ્રતમાં હરગીઝ ન ચાલે.

હાથ-પ્રતમાં લખાણનો પહેલો ને મુખ્ય મુદ્દો જે જોઈએ તે તો સામાન્ય રીતે સૌ જાણતા હશે, કે પ્રત્યેક લખાણ સ્વચ્છ, ઉકલે એવા સ્પષ્ટ અક્ષરે, છુટી લીટીમાં, એકધારું અને કાગળની એક જ બાજુ લખેલું હોવું જોઈએ. કેટલાકને પોતાનાં લખાણ પુસ્તકના આકારમાં બાંધેલી નોટમાં કાગળની બંને બાજુએ લખવાની ટેવ હોય છે. પોતાની અંગત સંગ્રહપ્રતને માટે એ ચાલે, પણ છાપખાનામાં આપવા માટે તો છુટાછુટા કાગળો ઉપર અને એક જ બાજુએ લખેલી પ્રત તૈયાર કરવી જોઈએ; કેમકે ત્યાં કાંઇ એક જ બીબાં ગોઠવનારને આખું પુસ્તક કંપોઝ માટે આપવામાં નથી આવતું, પણ ઝડપી નિકાલ માટે જુદાજુદા કારીગરોને આખું કામ વહેંચી નાખવું પડે છે. એટલે તમે છુટાં પાનાંની પ્રતને બદલે આખી બાંધેલી નોટ આપી હોય તો તેને ફાડીને પાનાં છુટાં કરી લેવાં પડે છે. લખાણ એક જ બાજુએ એટલા માટે હોવું જોઈએ કે તેથી સુઘડતા જળવાય છે, અને બીબાં ગોઠવનારને એમાં સુગમતા પડતી હોવાથી કામ સ્વચ્છ અને ઝડપી થાય છે. એકબીજાની પાછળ લખેલાં લખાણ ઘણીવાર આરપાર ઊઠી આવે છે, ચોમાસા જેવી ઋતુમાં તો પાછળ ફૂટી નીકળે છે અને પરિણામે હાથ-પ્રત અસ્પષ્ટ અને ગંદી બની જાય છે.

બીજો મુદ્દો તે જોડણી અને લેખન–ચિહ્નોનો. આપણે ત્યાં કેળવાએલા વર્ગમાં પણ જોડણીની અનિશ્ચિતતા અને અરાજકતા પ્રવર્તે છે ત્યાં છાપખાનાના અધકચરું ભણેલા કારીગરો પાસેથી તે બાબતની ચોકસાઈની આશા કેવળ વ્યર્થ છે. તેઓ તો સંચાની પેઠે નિર્જીવપણે તમારી હાથ-પ્રત પ્રમાણે જ બીબાં ગોઠવ્યે જાય છે. વિલાયતનાં છાપખાનાંઓમાં તો પ્રૂફરીડરો અને કારીગરો, લખાણમાં અજાણ્યે રહી ગએલી જોડણીની કે એવી ગલતીઓ આપમેળે સુધારી લે છે, એટલું જ નહિ પણ ત્યાંના પ્રુફરીડરો તો વાક્યરચનાઓ, વ્યાકરણના નિયમો, શબ્દોના હળવાભારે પ્રયોગો, તેમની અર્થછાયાઓ વગેરેના પણ ઠીક નિષ્ણાત હોય છે, એટલે ત્યાં એ બાબતની ચિંતા લેખક બહુ ન કરે તોપણ ચાલે એવું હોય છે; છતાં ત્યાં પણ હાથ- પ્રત તો સંપૂર્ણ શુદ્ધ તૈયાર કરીને પહેલેથી જ આપવાની પદ્ધતિ છે. એને મુકાબલે આપણે ત્યાં તો એ બાબતમાં અત્યંત કાળજીની જરૂર દેખીતી છે.

પોતાની જ વિશિષ્ટ જોડણી રાખવાનો જેમને આગ્રહ હોય તેમણે તો અવશ્ય તે મુજબ જ લખાણની હાથ-પ્રત તૈયાર કરવી, અને છાપખાનાવાળાને પણ તેમાં કશા સુધારાવધારા કર્યા વિના તેને ચુસ્તપણે વળગી રહેવાની પહેલેથી સૂચના આપવી. બીજાઓએ, પોતાને માન્ય હોય તેવા કોઈ પણ જોડણીકોષના નિયમોને અનુરૂપ પણ સળંગ, એકધારી ને શુદ્ધ જોડણીવાળું જ લખાણ હાથ-પ્રતમાં તૈયાર કરી આપવું જોઈએ.

ત્રીજે મુદ્દો તે લખાણમાં આવતાં અવતરણો, કાવ્યો, ફુટનોટો, કોઈ વિષયને લગતા કોઠાઓ, હાંસિયામાં લેવાનાં લખાણો, પેટા મથાળાં અથવા પૅરેગ્રાફના પડખામાં મૂકાતાં (માર્જિનલ) મથાળાં, અમુક વિષયમાં બતાવવાના ભારદર્શક કાળા અક્ષરો વગેરેની સૂચનાઓનો. આ બધાં લખાણમાં જ્યાંજ્યાં આવતાં હોય ત્યાંત્યાં બરોબર તે મુજબ જ લખીને તૈયાર કરી આપવાં જોઈએ, અને ઉપરાંત તે વિષયની સ્પષ્ટ સૂચના પણ લખાણની બાજુએ પેન્સિલથી કરવી જોઈએ. અવતરણો કે કાવ્યોના ઉતારા, ચાલુ કાવ્યોમાં આવતા છંદ, રાગ કે ઢાળનાં નામ, ફુટનોટો વગેરે પુસ્તકના ચાલુ ટાઇપ કરતાં જરા નાનાં બીબાંમાં ગોઠવવાનો રિવાજ છે. કાળજીથી હાથ-પ્રત તૈયાર કરનાર માણસ તો એ મુજબ એ બધા અક્ષરો, પોતાના ચાલુ અક્ષરોની લઢણ કરતાં નાના કરે જ. પણ તેમ ન બને તો તે નાના ટાઇપમાં લેવાની સૂચના અવશ્ય કરવી. વળી કેટલાક લેખકો અવતરણોને ચાલુ લખાણ કરતાં સાંકડા માપમાં—બંને બાજુ હાંસિયા રાખીને—પેટામાં લેવડાવે છે. તેવી ઈચ્છાવાળાઓએ તે મુજબની પણ સ્પષ્ટ સૂચના હાથ–પ્રતમાં જ કરવી જોઈએ, અને તે મુજબ લખી પણ બતાવેલું હોવું જોઈએ; કેમકે આવા બધા સુધારા પાછળથી પ્રુફ વખતે કરાવવામાં બેવડી મહેનત અને વખત લાગે છે, અને તે બદલ છાપખાનાંવાળો વધુ નાણાં પણ માગી શકે છે.

કોઈ ખાસ વિષયને લગતા કોઠાઓ હોય તો તે પોતાને જોઈએ એ મુજબ જ આબેહૂબ આંકી ગોઠવીને જ તૈયાર કરી આપવા જોઈએ, કે જેથી બીબાં ગોઠવનારને ઓછામાં ઓછી ગૂંચવણ અને મહેનત પડે, તથા પાછળથી એ કામમાં બહુ ફેરફાર કે ઉથામવાપણું ન રહે. કેમકે આવા કોઠાઓ ગોઠવવા એ બીબાં ગોઠવવામાં અઘરામાં અઘરું કામ હોય છે અને ઘણીવાર તો લાંબો કોઠો એકેક કારીગરનો અરધો કે આખો દિવસ ખાઈ જાય છે. એવા કામમાં પાછળથી તમે ઉથામણ કે ફેરફાર કરાવો તે મહેનત અને વખત બંને માગે, અને તેથી છાપખાનાવાળો તેના વધારે દામ માગે એ દેખીતું છે.

છેલ્લી વાત રહી તે સર્વસામાન્ય સુઘડતા, ઉઠાવ અને એકધારાપણા વિષેની. સામાન્ય રીતે પ્રત્યેક ગ્રંથકારે, પોતાનું પુસ્તક કેવું થવું જોઈએ તેનો કાંઈક ઝાંખો જેવો આદર્શ ઘડી રાખ્યો હોય છે, અથવા એકાદ પુસ્તકનો નમૂનો નજર સામે રાખ્યો હોય છે. એ આદર્શ અથવા નમૂનાને બને તેટલો અનુરૂપ પોતાની હાથ-પ્રતનો નમૂનો તૈયાર કર્યો હોય તો પછી જરા ઉત્સાહી છાપખાનાવાળા પાસેથી પોતાનું મનમાન્યું કામ લેતાં કશી મુશ્કેલી નથી આવતી.

સુઘડતા જાળવવામાં તો, પોતાના અક્ષરો જો સ્વચ્છ અને સ્પષ્ટ થતા હોય તો કાંઈ હરકત નથી આવતી; નહિતર કોઈ સારા અક્ષર લખનાર પાસે હાથ-પ્રત તૈયાર કરાવી લેવી એ પરિણામે ઓછું ખરચાળ નીવડે છે. ઘણાખરા શક્તિસંપન્ન તો હવે ગુજરાતી ટાઇપરાઈટર વસાવે છે.

એકધારાપણું જાળવવાને, ઉપર બતાવેલા મુદ્દાને ચીવટથી અનુલક્ષીને લખાણ તૈયાર કર્યું હોય તો બસ. કેટલાક ચીવટવાળા અને કુશળ લખનારાઓ તો પોતાના નમૂના માટે જે પુસ્તક ધાર્યું હોય તેની લીટીએ લીટી અને પાને પાના મુજબ, પહેલેથી ગણતરી કરીને લખાણ તૈયાર કરે છે. દાખલા તરીકે, છાપેલા પુસ્તકના એક પાનામાં પચીસ લીટી આવતી હોય અને એકેક લીટીમાં ત્રીસને શુમારે અક્ષરો આવતા હોય તો, બરાબર તે જ મુજબ, કાળજીપૂર્વક દરેક લીટીમાં ત્રીસ ત્રીસ (અથવા તેની આસપાસ) અક્ષરો આવે અને એવી પચીસ લીટી દરેક પાનામાં લખાય એવી રીતે આખી હાથ-પ્રત તૈયાર કરવામાં આવે તો એ નમૂનેદાર હાથ-પ્રત ગણાય. એવી હાથ-પ્રતમાં જ્યાં અવતરણો, કોઠાઓ, પેટા મથાળાં વગેરે આવતાં હોય તે તે મુજબ મૂક્યાં હોય, નવાં પ્રકરણો શરૂ થતાં હોય ત્યાં પદ્ધતિસર કોરી જગ્યા રાખીને શરૂઆત કરી હોય, પ્રકરણના પ્રથમાક્ષરો ઇચ્છા મુજબ માપસર મોટા દર્શાવ્યા હોય, લખાણમાં આવતાં વિશેષ નામો વગેરે જે કોઈના પ્રથમાક્ષરો કાળા લેવડાવવા હોય ત્યાંત્યાં નીચે લીટી દોરીને દર્શાવ્યું હોય, એટલે તે આદર્શ હાથ-પ્રત થઈ. એવી હાથ-પ્રત ઉપરથી, પહેલી જ નજરે, તમારૂં પુસ્તક કેટલાં પાનાંનું ઉતરશે તેનો નિશ્ચિત અંદાજ તમે કાઢી શકો, તેનું ખર્ચ ગણી શકો અને એ હાથ-પ્રત છાપખાનાવાળાને આશીર્વાદ રૂપ થઇ પડે. તમારું કામ હોંશેહોંશે, ઓછામાં ઓછી ભૂલોવાળું ને વધારેમાં વધારે ઝડપથી ચાલતું થાય અને એક જ વખતના સુધારાથી ઝાઝી મહેનત વિના તમને તરત સ્વચ્છ, સુઘડ અને ભૂલરહિત, તમારા મનમાન્યા નમૂના મુજબનું કામ મળે.

Granth ane granthkar pustak 1 Image-1.jpg

હાથ-પ્રતની સાથે પોતાની કલ્પના મુજબનો, પુસ્તકના રૂપ ઉઠાવ તથા પાનાંની ગોઠવણનો નમૂનો છાપખાનાવાળાને કેમ કરી આપવો તેની ઢબ આ ઉપર બતાવી છે. કરકરિયાળી લાઈનથી દરેક પાનાનું માપ બતાવ્યું છે. મથાળાનું પહેલું ચિત્ર, પુસ્તકના પૂઠાનો નમૂનો બ્લૉક વગેરેના સ્કેચ સાથે કેમ કરી આપવો તે દર્શાવે છે. પછીના ચિત્રમાં નવું પ્રકરણ કેવી ઢબથી શરૂ કરવું તે દર્શાવ્યું છે. શણગારનો બ્લૉક તથા પ્રકરણના અંક અને ટાઇપની રચના કરીને મથાળું કેમ બાંધવું, પાનાને મથાળે તથા પ્રકરણના નામ અને લખાણ વચ્ચે કેટલી જગ્યા કોરી મૂકવી, પ્રકરણનો પ્રથમાક્ષર કેવડો મોટો લઈને તેના પેટામાં બરોબર લખાણની બે જ લીટી સપ્રમાણ કેમ સમાવવી અને સમરત પૃષ્ઠની પ્રમાણબદ્ધ રચના કેમ કરવી તેનો એ નમૂનો છે.

પુસ્તકનાં બાકીનાં ચાલુ પાનાંઓની રચના કેમ કરવી તેનું સૂચન નીચલા નમૂનામાં કર્યું છે. પુસ્તકનાં સામસામાં આવતાં બેકી તથા એકી ક્રમનાં પૃષ્ઠ ઉપર, રૂલ લાઇન મૂકીને પુસ્તકનું નામ તથા પ્રકરણનું નામ કેમ ગોઠવવું, પાનાંના ક્રમના અંક કયાં ગોઠવવા, કયા અક્ષરો ઘાટાઘેરા તથા કયા ચાલુ બીબામાં લેવા, દરેક પૃષ્ઠમાં કેટલી લીટીઓ લેવી, પૅરેગ્રાફો કેટલી જગ્યાથી શરૂ કરવા, વચ્ચે કવિતા કે અવતરણ આવે તો સાંકડા માપમાં કેમ ગોઠવવાં વગેરે બધી બાબતોનો તેમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત, આખા પુસ્તકનો ઉઠાવ દીપી નીકળે તે માટે, પુસ્તકની મથાળાની બાજુ તથા અંદરની બાંધણીની બાજુએ સાંકડા માર્જિન અને પડખેની તથા નીચેની (ઘસારો લાગવાની) બંને બાજુએ પહોળી જગ્યાના મોટા માર્જિન છોડીને, પુસ્તક છાપવા માટે મશિન પર ચડાવતી વખતે તેનાં પાનાં ત્યાં કેવી રીતે ગોઠવવાં તેની સૂચના પણ સાથોસાથ એ નીચલા નમૂનામાં આવી જાય છે.

ઉપર જણાવ્યું તેમ, પુસ્તકના કદનો વિચાર પણ હાથ-પ્રતની સાથોસાથ જ કરવો જોઈએ અને બને તો પોતાના ધારેલા નમૂનાના પુસ્તકના પાન પ્રમાણે જ હાથ-પ્રત તૈયાર કરવી જોઇએ. પુસ્તકોનાં જે જુદાંજુદાં કદ હોય છે તેની ઝાઝી ઝીણવટમાં અહીં નહિ ઉતરીએ, પણ તે બધાંની જાત વાર ઓળખ મેળવવા સારૂ તેમનાં નામ અને નમૂના જાણી લઇશું એટલે સમજમાં આવી જશે.

પુસ્તકોનાં જે જુદાંજુદાં કદ કહેવાય છે તે ખરી રીતે તે કાગળોનાં જુદાંજુદાં માપનાં નામ છે. તે તે માપના કાગળને ચોવડો, આઠવડો, સોળવડો કે બત્રીસવડો વાળતાં જે કદ આવે તે કદ અને માપનું એ પુસ્તક કહેવાય. અત્યારે ડેમી, ક્રાઉન, રોયલ, સુપર રોયલ અને ફુલ્સકેપ એ પાંચ માપ પ્રચલિત છે. ‘સાહિત્ય’, ‘વસંત’, ‘બુદ્ધિપ્રકાશ’ વગેરે માસિકો છપાય છે તે રૉયલ આઠ પેજી સાઇઝ, –એટલેકે રૉયલ માપના કાગળને આઠવડો વાળીએ ને આવે તે કદ. તેને બેવડું વાળતાં તેનાથી અરધી બને તે રૉયલ સોળ પેજી. કવિ ખબરદારની ‘સંદેશિકા’, “કાવ્યમાધુર્ય” વગેરે એ કદનાં પુસ્તકો છે. એ કદ પુસ્તકો માટે પહેલાં પ્રચલિત હતું; પણ આજકાલ તો ક્રાઉન સોળ પેજી કદ જ ‘સ્ટૅન્ડર્ડ’ ગણાય છે. ‘ધૂમકેતુ’ના ‘તણખા’, નવજીવન પ્રકાશન મંદિરનાં પુસ્તકો એ તે કદનાં. એનાથી બમણું મોટું—એટલેકે ક્રાઉન આઠ પેજી—કદ તે ‘કુમાર’, ‘નવચેતન’ વગેરે માસિકોનું. રૉયલ જાતમાં પુસ્તકો માટે એક ત્રીજું કદ રૉયલ બાર પેજી. ‘ગુજરાતી’ પત્રની બધી ભેટો એ કદમાં છે. આ પુસ્તકનું કદ ડેમી આઠ પેજી છે; અને તેનાથી બમણું તે ડેમી ચાર પેજી: ‘બે ઘડી મોજ’ વગેરે અઠવાડિકોનું, ‘નવજીવન’, ‘સૌરાષ્ટ્ર’ વગેરેનાં કદ ફુલ્સકેપ ચાર પેજી, અને ‘બાલમિત્ર’, ‘શિક્ષણ પત્રિકા’ વગેરે તેનાથી અરધાં તે ફુલ્સકેપ આઠ પેજી. તેનાથી યે અરધા ફુલ્સકેપ સોળ પેજી તે ‘પૂર્વાલાપ’ વગેરે કદનાં પુસ્તકો. એવાં નાનાં કદમાં દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરની ‘બાળસાહિત્યમાળા’ તે ડેમી સોળ પેજી, ‘આશ્રમભજનાવલિ’ તે ક્રાઉન બત્રીસ પેજી અને ગીતાના ગુટકા આવે છે તે રૉયલ બત્રીસ પેજી.

પુસ્તકના કદના પરિચયની સાથેસાથે છાપવાનાં બીબાંની જુદીજુદી જાતિની ઓળખ પણ કરી લઈએ એટલે એ પ્રદેશનું પ્રાથમિક જ્ઞાન પૂરું થયું. યૂરોપ–અમેરિકામાં તો મુદ્રણકળાની પ્રગતિ હમણાંહમણાં એટલી ઝડપથી થાય છે કે દર વર્ષે એકબે નવી ઢબનાં બીબાં ઢળ્યાં જ હોય છે. એટએટલું વૈવિધ્ય, સૌંદર્ય અને નવીનતા એમાં હોય છે કે છક થઈ જઈએ. આપણે ત્યાં તો આ ધંધો જ ખૂણે પડેલો છે, એટલે ગુજરાતી બીબાંમાં શરૂઆતથી જે થોડીક વિવિધતાઓ ચાલતી આવી છે તે ને તે હજી કાયમ રહી છે. આ નીચે એ બીબાંના નામની લીટીઓ, તે તે જાતનાં બીબાંમાં ગોઠવીને જ આપી છે, એટલે વાચકને તેનાં નામ અને પ્રકાર બંનેનું જ્ઞાન એકીસાથે થઈ જશે.

Granth ane granthkar pustak 1 Image-2.jpg
Granth ane granthkar pustak 1 Image-3.jpg

આ પુસ્તક જે ટાઇપમાં છપાયું છે તેનું નામ પાઈકા. સામાન્ય રીતે બધાં પુસ્તકો, માસિકો વગેરે સામાન્ય વાચન એ જ ટાઇપમાં છાપવાનો રિવાજ છે. એ જ માપમાં વધારે કાળા લેવાના અક્ષરો તે પાઈકા બ્લૅક. સ્મૉલ ટાઈપ અવતરણો, ફુટનોટો વગેરેમાં વપરાય છે. વર્તમાનપત્રોમાં ઓછા અગત્યના લેખો, સમાચારો વગેરે પણ જગ્યા બચાવવા માટે એ સ્મૉલ પાઈકા ટાઈપમાં છપાય છે. એ જાતના ઘાટા ઉઠાવનાર ટાઈપ તે સ્મૉલ બ્લૅક. પેટા મથાળાં વગેરે જેવાં કામ માટે તે ઠીક ઉપયોગનો.

આમવર્ગ માટેનાં પુસ્તકો, ભજનના ગુટકા, બાળવાચનનાં પુસ્તકો વગેરે માટે ઇંગ્લિશ પાઈકા અથવા ગ્રેટ પ્રાઇમર વપરાય છે. વાંચનમાળા જેવાં બાળકોનાં પ્રાથમિક વાચન માટેનાં પુસ્તકો ગ્રેટ બ્લૅકમાં પણ છપાય છે. ૧૮ પૉઇન્ટ ગુજરાતી સુંદર મરોડનો મધ્યમસરની મોટાઇનો ટાઇપ છે. નાનકડાં પુસ્તકોનાં પ્રકરણોનાં મથાળાં માટે તે અથવા ઇંગ્લિશ બ્લૅક ઠીક દીપી નીકળે. તે સિવાય મથાળાં માટે સામાન્ય રીતે ટુ લાઇન જાત પ્રચલિત છે. ‘નવજીવન’નાં સુઘડ અને પ્રમાણશુદ્ધ લાગતાં મથાળાં એ ટાઈપમાં આવે છે. પછીના મોટા ટાઇપો તે વર્તમાનપત્રોનાં મથાળાં અને જાહેરખબરો ગોઠવવા માટે જ ઘણાખરા ખપના છે. પુસ્તકોમાં તે માત્ર શરૂઆતના અગ્રપુષ્ટ (ટાઇટલ પેજ) માટે કે પૂઠા માટે વાપરી શકાય, અને પ્રકરણોની શરૂઆતમાં પ્રથમાક્ષર તરીકે ખપમાં આવે.

હવે છેલ્લી રહી તે પ્રુફ સુધારવાની બાબત. શરૂઆતમાં કહ્યું તેમ હાથ-પ્રત જો બધા અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે તે પાછળથી પ્રુફનું કામ ઘણું જ આસાન બની જાય છે; છતાં એ સુધારવાનાં તો આવે જ, એટલે તે વિષેનું સામાન્ય જ્ઞાન સૌને માટે આવશ્યક છે.

પ્રુફ વાંચતી વખતે ખાસ ધ્યાન લખાણના વિષય તરફ ન રાખતાં છાપની વિગતો અને શુદ્ધિની ઝીણવટ તરફ આપવું જોઈએ. સૌથી પહેલાં બરોબર મન પરોવીને કાળજીથી છાપભૂલો સુધારી જવી, અને તેમાં જોડણી, લેખન-ચિહ્નો, જગ્યાની સુયોગ્ય વહેંચણી, યોગ્ય પૅરેગ્રાફો વગેરે બરાબર થયાં છે કે નહિ તે તપાસી જવું. વિષય બહુ અટપટો ન હોય તો હાથ-પ્રત કોઈને વાંચવાનું કહેવું અને તે ધીમેથી, સ્પષ્ટપણે, વિરામચિહ્નો વગેરે દર્શાવતો વાંચતો જાય તે મુજબ તમારે પ્રુફ સુધારતા જવાં. આમ મૂળ હાથ-પ્રત સાથે લખાણ મેળવવાની ખાસ જરૂર જ હોય છે, કેમકે ઘણીવાર કાચો કારીગર કે શિખાઉ બીબાં ગોઠવનાર ઉતાવળમાં વચ્ચે એકાદ શબ્દ કે ઘણી વાર સરખા શબ્દોથી શરૂ થતી વચ્ચેની આખી લીટી જ ભૂલી જાય છે. એક વાર આમ મેળવીને ઝીણવટથી લખાણની ભૂલો તપાસી લીધા પછી જરૂર લાગે તો લખાણના વિષયની દૃષ્ટિએ ફરીથી પ્રુફ વાંચી જવાં. આ વખતે ઝીણી વિગતોમાંથી મન છૂટું થએલું હોવાથી તમે નિરાંતે વિષયમાં મન પરોવી શકશો અને ઘટતા સુધારાવધારા કરી શકશો.

પ્રુફના સુધારાઓની બાબતમાં એટલું ધ્યાનમાં રાખજો કે મૂળ હાથ-પ્રતમાં ન હોય એવા મોટા ઉમેરા કે સુધારા તમે પાછળથી કરો તે કરવા છાપખાનાવાળાને ભારે પડી જાય છે અને તેને માટે એ વધારાના પૈસા માગવાને હકદાર છે, કેમકે તેમાં એને મહેનત વધારે પડે છે. દાખલા તરીકે પચીસ લીટીના એક પેરેગ્રાફમાં તમે ચોથી લીટીમાં ત્રણ નવા શબ્દો ઉમેરાવ્યા. એ તો સામાન્ય રીતે સમજાય એવું છે કે ગોઠવાએલી લીટીમાં એ ત્રણ શબ્દો સમાવવા જેટલી ખાલી જગ્યા તો હોતી જ નથી; એટલે કંપોઝિટરને એની જગ્યા કરવા માટે એ ચોથી પછીની બીજી એકવીસે ય લીટીઓના શબ્દો ઠેલતા જઈને બધી લીટીઓ ફરીથી ગોઠવવી પડે. આ પ્રકારના આઠદસ સુધારા તમારા લખાણમાં આવે એટલે સુધારનાર કારીગરને સારો જેવો વખત નાહકનો બગડે. માટે સલામત માર્ગ એ છે કે હાથ-પ્રત જ પહેલેથી એવી ચોકસાઈથી તૈયાર કરવી કે પાછળથી આવા કોઈ ઉમેરાને અવકાશ ન રહે. અને સંજોગવશાત્ જો ક્યાંક એવા સુધારાની અનિવાર્ય જરૂરત ઊભી થાય તો પોતાનું ચાલે ત્યાં સુધી એવી રીતે સુધારા કરવા કે ઝાઝી ફેરવણી ન થાય. ત્રણ નવા અગત્યના શબ્દો ઉમેરવા હોય તો બીજા ઓછા ઉપયોગના કોઈ શબ્દો કમી કરીને અથવા વાક્યરચનાને જરા સંકોચીને કે ટૂંકાવીને તેની જગ્યા કરવી.

પ્રુફ સામાન્ય રીતે બે વખત મળે. પહેલાં ગૅલી પ્રુફ અને બીજાં પેઈજ પ્રુફ. ગૅલી પ્રુફ એટલે લખાણ પહેલવહેલું એકસામટું કંપોઝ કરી નાખ્યું હોય તેનાં સળંગ પ્રુફ. તે તમે વાંચી આપો એટલે તે મુજબ સુધારા કરી લઈ, તેને પાનાંના રૂપમાં છૂટા ભાગલા પાડી, ઉપર પાનાંના ક્રમ તથા વિષય–મથાળાં વગેરે ગોઠવીને છેવટનાં તૈયાર કરે અને તમને વાંચવા આપે. આ પેઇજ પ્રુફ. તમારે જે કાંઈ મોટા સુધારા કરવા હોય, નવા પૅરેગાફ પાડવા હોય, વધારાના શબ્દો કાઢી નાખવા હોય કે ક્યાંક ઉમેરવા હોય વગેરે બધું પહેલી વખતનાં ગૅલી પ્રુફ વખતે જ પતાવી લેવું. પેઇજ પ્રુફમાં એકાદ ઠેકાણે પણ આવો ફેરફાર કરાવો એટલે કારીગરને તે પછીનાં બધાં પાનાં ફેરવવાં પડે. કોઈવાર ગૅલી પ્રુફમાં આવા મોટા સુધારા ઘણા થયા હોય તો સલામતી ખાતર તેનાં બીજી વારનાં ગૅલી પ્રુફ માગવાં સારાં. તેમાં ચોકસાઇથી સુધારા તપાસી લઇને પછી જ આગળ પાનાં પાડવાની સૂચના આપવી.

પ્રુફ પોતાને ત્યાં મળ્યા પછી બને તેટલી ઝડપથી—બને ત્યાં સુધી તે ને તે જ દહાડે વાંચી સુધારીને પાછાં મોકલી દેવાં; કેમકે છાપખાનાંવાળાઓ પાસે બીબાનો ભારે મોટો જથ્થો નથી હોતો, અને તેથી તમે પ્રુફ વાંચીને ન મોકલો ત્યાં સુધી તમારા કામમાં એના જે બીબાં રોકાઈ રહે તેટલા પૂરતું તેટલો વખત એનું બીજું કામ થતું અટકે.

પ્રુફ વાંચવામાં ભૂલોના સુધારા દર્શાવવા માટે પદ્ધતિપૂર્વકનાં અમુક ચિહ્નો ઠરેલાં છે. સર્વત્ર એ સામાન્ય હોવાથી તમે એટલાં યાદ રાખી લો એટલે ગમે ત્યાં તમારું કામ ચલાવી શકો. તેને બદલે તમે તમારી પોતાની ઉપજાવેલી મનફાવતી રીતે સુધારા કરો તો તમારી એ પદ્ધતિ બીબાં સુધારનારને સમજવી પડે, તેમાં વખત લાગે, ગોટાળા થાય, ભૂલો રહી જાય ને ફરી સુધારા કરવા પડે. આ બધી મુશ્કેલી ઊભી કરવા કરતાં સર્વમાન્ય પદ્ધતિ જાણી લેવી હિતાવહ છે. અને તેનાં ચિહ્નો યાદ રાખી લેવાં જરા યે મુશ્કેલ નથી. આ નીચે તેની સમજણ આપી છે.

Granth ane granthkar pustak 1 Image-4.jpg

ગુજરાતી લખાણમાં ચાલુમાં કોઇ અક્ષરો વચ્ચે કાળા લેવડાવવા હોય તો તેની નીચે લીટી દોરી પડખે ‘બ્લૅક’ લખવું, એટલે તે જ જાતના ઘેરા ઘાટા ટાઈપ મૂકાશે. અંગ્રેજીમાં આવા બ્લૅક ઉપરાંત કૅપિટલ, સ્મૉલ કૅપિટલ, ઈટાલિક એમ જુદીજુદી જાતો મૂકાવવાની સૂચનાઓ લખાય છે.

પ્રુફ વાંચતી વખતે લીટીમાં જે સ્થળે ભૂલ આવે ત્યાં તે મુજબનો છેકે મારીને અથવા તેનો સુધારો દર્શાવતું ચિહ્ન મૂકીને પછી બહાર બાજુની કોરી જગ્યામાં તે મુજબનો સુધારો અથવા ચિહ્ન મૂકી એક નાની ઊભી લીટી દોરવી, તે એમ દર્શાવવા કે તે સુધારો ત્યાં પૂરો થયો. પછી બીજો સુધારો એ જ લીટીમાં આવે, ત્યાં તેનું ચિહ્ન કરી, બહાર પહેલા સુધારા પછી તે દર્શાવવો અને ફરી ઊભી લીટી દોરવી. આમ જે તે લીટીની અંદર આવતા સુધારાના ક્રમમાં જ બહારની બાજુએ તે તે સુધારા દર્શાવવા. આ નીચે એવા સુધારા દર્શાવતો ફકરો, તથા પછી તે મુજબ સુધારા થએલી પ્રુફ કેવી હોય તે ફકરો, એક પછી એક ગોઠવીને બતાવ્યાં છે.

Granth ane granthkar pustak 1 Image-5.jpg

ઉપરના સુધારા કરીને શુદ્ધ કરી ગોઠવેલું લખાણઃ

ત્યારે ‘સાહિત્ય’ એટલે શું?

માણસના આત્મામાં રહેલા ભાવોની ઉપર વર્ણવી તે તે બધી સંસ્થિતિઓ રસાનુભવ ઉર્ફે સંતર્પણની સ્થિતિઓ છે. તેવી સ્થિતિ, ભાવ અને રસના તેવા અનુભવ, માણસમાત્રને સર્વસામાન્ય હોવાથી તે સર્વનું પ્રત્યક્ષીકરણ વા આલેખન જેમાં હોય તેવી રચના – કાવ્ય કે નાટક, નવલ નવલિકા કે રસભર નિબંધ, –પ્રત્યેક માણસને માણસ તરીકે, રસ હરકોઈ રૂપમાં જેનું જીવિત છે તેવા બુદ્ધિમાન લાગણીવાન સ્મૃતિભોગી કલ્પનાશીલ પ્રાણી તરીકે, આકર્ષે છે અને વશ કરે છે; તેના આત્માને સૂક્ષ્મતમ અલૌકિક સંતૃપ્તિનો અધિકારી ઠરાવે છે. એવાં આકર્ષણ ને વશીકરણ કરનાર હરેક રચના તે ‘સાહિત્ય’ અને તેનો રચનાર તે જ સાહિત્યકાર અને બીજો નહિ.

એવા સાહિત્યકારને તો સિસૃક્ષા* એ જ સાચું ને ઉત્કૃષ્ટ જીવન છે. કોઈ સ્થૂળ પદાર્થ કે દૃશ્ય, અથવા ઊંડી અણધારી અકળ અંતઃપ્રેરણા જ્યારેજ્યારે એ સિસૃક્ષાને જાગૃત કરે છે ત્યારેત્યારે સાહિત્યકારને હાથે એવું ધન્ય ને અમર સર્જન થઈ જાય છે જે ‘સાહિત્ય’ સંજ્ઞાને પાત્ર ઠરે છે. વિજયરાય કલ્યાણરાય

___________________________________________________________________ * સિસૃક્ષા એટલે અહર્નિશ કૈં ને કૈં સરજ્યા કરવાની માનવસહજ અનિવાર્ય એષણા.

ઉપરના બંને નમૂના સુધારા કરવાની પદ્ધતિનો ઠીક ખ્યાલ આપી રહેશે. ચિહ્નો બરોબર યાદ રહી જાય એટલે પ્રુફ સુધારવાં એ બહુ સહેલું કામ બની જાય છે. માત્ર ઝડપ આવતાં થોડી વાર લાગે છે, તે મહાવરાથી આવી જાય છે.

બચુભાઈ રાવત