ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/લેડી વિદ્યાગવરી રમણભાઈ નીલકંઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લેડી વિદ્યાગવરી રમણભાઈ નીલકંઠ

એમનો જન્મ અમદાવાદમાં તા. ૧લી જુન, ૧૮૭૬ના રોજ થયો હતો. એમના માતુશ્રીનું નામ બાળાબ્હેન, જેઓ સરદાર ભોળાનાથ સારાભાઈના પુત્રી થાય. એમના પિતા ગોપીલાલ મણિલાલ ધ્રુવ, એ પણ અમદાવાદના વતની હતા અને તેઓ સરકારી જ્યુડિશિયલ ખાતામાં નાઝરના મોટા હોદ્દા સુધી પહોંચ્યા હતા. એમણે પોતાની છોકરીઓને, જે વખતે સ્ત્રી કેળવણી જેવું કંઈ નહોતું અને તે સામે સખ્ત વિરોધ થતો હતો એ જમાનામાં, ઘણો શ્રમ અને ખર્ચ વેઠીને, માત્ર પ્રાથમિક અને માધ્યમિકજ નહિં પણ ઘણો લોકાપવાદ સહન કરીને કોલેજીએટ શિક્ષણ સુદ્ધાંત–લેવાને સગવડ કરી આપી હતી, એ એમની હિમ્મત અને અડગ નિશ્ચય માટે માન પેદા કરે છે.

લેડી વિદ્યાબ્હેને કેળવણીની શરૂઆત રા. બા. મગનભાઈ કન્યાશાળામાંથી કરેલી, જે સંસ્થાના તેઓ અત્યારે લાંબી મુદતથી ઑનરરી સેક્રેટરી છે; અને ઇંગ્રેજી હાઈસ્કુલનું શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં લીધેલું; તે પછી સન ૧૮૯૧માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. દરમિયાન સન ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ સાથે થયું હતું; પણ લગ્ન સંબંધ થયા છતાં એમના અભ્યાસમાં અડચણ આવી નહિ. એઓ અને એમના નાના બ્હેન સૌ. શારદાબ્હેને ગુજરાત કૉલેજમાં દાખલ થઈ, કૉલેજનું શિક્ષણ લઈને સ્ત્રીઓ માટે માર્ગ મોકળો કર્યો. એઓ બંને બ્હેનોએ સાંસારિક કર્ત્તવ્ય અદા કરવાની સાથે સન ૧૯૦૧માં બી. એ.,ની પરીક્ષા પાસ કરી. ગુજરાતીમાં બી. એ.ની પદવી મેળવનાર એ બંને બ્હેનો પ્રથમ જ હતા; અને અમદાવાદના શિક્ષિત વર્ગે, એ પ્રસંગને, એમને માનપત્રો અર્પીને, ઐતિહાસિક કર્યો છે.

તે પછી એક ઉત્તમ ગૃહિણી તરીકે પોતાનું કર્તવ્ય કરવાની સાથે જાહેર જીવનમાં પણ એમણે પોતાનો ફાળો આપવાનું ચાલુ રાખેલું છે; અને અત્યારે તેઓ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે સેક્રેટરી, પ્રમુખ કે મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે સંબંધ ધરાવતા હશે.

જાહેર કાર્યોમાં ભાગ લેવાની સાથે–અને એ કાર્યની જવાબદારી થોડી વા ઓછી નથી, –એમનો લેખન વ્યવસાય અને અભ્યાસ પણ ચાલુ છે.

સન ૧૮૯૬થી એમણે ‘જ્ઞાન સુધા’માં લેખો લખવાનું શરૂ કરેલું. સન ૧૯૦૭માં રમેશ દત્તની વાર્ત્તા Lake of the Palmsનો “સુધાહાસિની” નામથી અનુવાદ કરેલો અને તે પછી સન ૧૯૧૫માં વડોદરાના મહારાણીશ્રીએ Position of Women in India એ નામનું પુસ્તક ઇંગ્રેજીમાં લખેલું તેનું ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ એ નામથી તરજુમો કર્યો હતો; અને વળી એમના છૂટક લેખોનો ‘હાસ્ય મંદિર’માં સમાવેશ કરવામાં આવેલ છે.

એમની એ સાહિત્ય પ્રતિની અભિરુચિ અને જ્ઞાનના કારણે તેમજ એ કુટુંબનો સોસાઇટી સાથેનો લાંબો સંબંધ વિચારીને સર રમણભાઈ, જેઓ ગુ. વ. સોસાઇટીના ઓન. સેક્રેટરી હતા, એમની માંદગી દરમિયાન, એ જગોએ એમની પસંદગી કમિટીએ કરી હતી, જે સેવાકાર્ય તેઓ અદ્યાપિ સારી રીતે કરી રહ્યા છે. વળી તેઓ અમદાવાદ મ્યુનિસિપાલેટીના સરકાર નિયુક્ત સભાસદ અને સ્કુલબોર્ડના વાઇસ ચેરમેન છે.

એમના સાર્વજનિક કાર્યોની કદર બુજી સરકાર તરફથી એમને બે વાર ઈલ્કાબો મળેલા છે, સન ૧૯૧૮માં એમ. બી.ઈનો અને સન ૧૯૨૬માં કૈસરે હિન્દ (સેકન્ડ કલાસ)નો; અને એઓ કેટલા બધા જનતામાં લોકપ્રિય અને માનીતા છે, તેની પ્રતીતિ એટલા પરથી થશે કે એ બંને પ્રસંગોએ એમને મળેલાં એ માનની ખુશાલીમાં જાહેર મેળાવડાઓ થઈ, માનપત્રો આપવામાં આવ્યાં હતાં.

એમના ગ્રંથોની યાદી:

સુધાહાસિની (Lake of Palmsનો અનુવાદ) સન ૧૯૦૭
હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન
(Position of Women in Indiaનો અનુવાદ.) ૧૯૧૫