ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગોપાળરાવ ગજાનન વિદ્વાંસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોપાળરાવ ગજાનન વિદ્વાંસ

તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના આંજર્લા ગામમાં ઈ.સ. ૧૮૯૬માં ૨૬મી નવેમ્બરે થયેલો. તેમનું મૂળ વતન તે કોંકણ પ્રાંત પણ છેલ્લાં ૭૫ વર્ષોથી વિદ્વાંસ કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસેલું છે. તેમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ; માતાનું નામ સરસ્વતીબાઈ; જ્ઞાતિએ તેઓ ચિત્પાવન મહારાષ્ટ્રી બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૨માં શ્રી. સુમતિબાઈ સાથે થયેલું છે. પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રણ ધેારણોનું શિક્ષણ તેમણે વલ્લભીપુરમાં (વળામાં) અને ત્યારબાદ મેટ્રિક સુધીનો અભ્યાસ શ્રી. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ખાસ વર્ગમાં કર્યો હતો. ઈ. સં. ૧૯૧૭માં ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાંથી બહારના વિદ્યાર્થી તરીકે મેટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાંની શામળદાસ કૉલેજમાં તે દાખલ થયા. ત્યાં પ્રથમ વર્ષમાં ગણિતમાં પ્રથમ આવવા બદલ પ્રિ. સંજાણા પારિતોષિક તેમને મળ્યું હતું. ઈ.સ. ૧૯૨૧માં પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી મુખ્ય વિષય ગણિત લઈને બી. એ. ની ઉપાધિ માનસહિત તેમણે પ્રાપ્ત કરી હતી. પછી તરત જ શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષણકાર્યમાં જોડાવા તે સંસ્થાના તેઓ આજીવન સભ્ય બન્યા. તેમનો મુખ્ય વ્યવસાય શિક્ષકનો તેઓ ગણાવે છે: કેટલાંક વર્ષો સુધી સંસ્થાની જરૂરતોને અંગે પ્રકાશન વિભાગનું સંચાલન તેમણે કર્યું હતું. સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય સ્થપાયું તે અરસામાં થોડો વખત સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના મુખ્ય અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. હાલ તેઓ મુંબઈની આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનું વ્યવસ્થાકાર્ય સંભાળી રહ્યા છે. તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત ઈ.સ. ૧૯૩૭માં શિક્ષણવિષયક સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવાના હેતુથી કરી અને ડો. ગજાનન શ્રીપત ખેરના ‘પાશ્ચિમાત્ય શિક્ષણપ્રણાલી’ નામના મરાઠી પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ બે ભાગમાં પ્રકટ કર્યો. છેક નાનપણથી સ્વ. ગિજુભાઈ શ્રી. નાનાભાઈ ભટ્ટ, ગોખલેજી તેમજ ગાંધીજીનાં જીવનની અસર તેમણે ઝીલેલી છે. ઈ.સ. ૧૯૨૧ બાદ ગાંધીજીના હિંદ આગમન પછી તો ગાંધીજીની વિચારસરણી અને દક્ષિણમૂર્તિના શિક્ષણ ને સંસ્કારવિષયક વાતાવરણ વડે તેમનું સમગ્ર જીવન રંગાઈ ગયેલું છે. શ્રી. દક્ષિણામૂર્તિમાં તેઓ શિક્ષક હતા ત્યાં સુધી લેખનકાર્યમાં ઝુકાવવાની વૃત્તિ તેમને થયેલી નહિ. પણ ઈ.સ. ૧૯૨૮માં શ્રી. દક્ષિણામૂર્તિ સંસ્થાને અંગે પ્રકાશન અંગેનું કાર્ય સંભાળવાની જે જવાબદારી આવી પડી તેને અંગે જીવનનિર્વાહમાં સહાયક થઈ શકે તેવા ઉદ્દેશથી અને તે દ્વારા મરાઠી ભાષાનાં ઉત્તમ ગણાય તે પુસ્તકોનો પરિચય ગુજરાતને થાય એ હેતુથી સમાજને તંદુરસ્ત રાખે તેવાં પુસ્તકોનો અનુવાદ કરવાનું કાર્ય તેમણે ઉપાડ્યું. મૂળ પુસ્તકોના ભાવ, વક્તવ્ય કે નિરૂપણશૈલીને જરા પણ કલુષિત કર્યા વિના તેમનો સરળ ને પ્રવાહી ગુજરાતીમાં શિષ્ટ અનુવાદ કરવામાં તેમણે સફળતા મેળવી. સારા શહેરી તરીકે પ્રામાણિક જીવનનિર્વાહ કરવાનો તેમજ ઉચ્ચ ચારિત્ર્યથી સમાજને ઉપકારક પ્રવૃત્તિ ચલાવવાનો તેમનો જીવનહેતુ છે. તેમના પ્રિય લેખક મરાઠી નવલકથાકાર શ્રી. ખાંડેકર છે. ટિળકનું ‘ગીતારહસ્ય’ અને કાકાસાહેબનાં પુસ્તકો તેમના પ્રિય ગ્રંથો છે. બાલ-કિશોર સાહિત્ય પણ તેમને પ્રિય છે. ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો અભ્યાસ કરવો તેમને ખૂબ ગમે છે. મરાઠી લેખક શ્રી. વિ. સ.ખાંડેકરે તેમનાં તમામ પુસ્તકોના ગુજરાતી અનુવાદ કરવાની કુલમુખત્યારી તેમને સોંપી છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧ ૫શ્ચિમના દેશોની કેળવણી ખંડ ૧-૨ *પ્રબંધ *૧૯૩૮ *૧૯૩૮ *શ્રી. દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર ભાવનગર *મરાઠીમાંથી અનુવાદ
૨ ક્રૌન્ચવધ *નવલકથા *૧૯૪૪ *૧૯૪૪ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *મરાઠીમાંથી અનુવાદ
3 ઉલ્કા *નવલકથા *૧૯૪૫ *૧૯૪૫ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *મરાઠીમાંથી અનુવાદ
૪. સુલભા *નવલકથા *૧૯૪૭ *૧૯૪૭ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *મરાઠીમાંથી અનુવાદ
૫ દાઝેલાં હૈયાં *નવલકથા *૧૯૪૭ *૧૯૪૭ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *મરાઠીમાંથી અનુવાદ
૬ સૂનાં મંદિર *નવલકથા *૧૯૪૭ *૧૯૪૭ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *મરાઠીમાંથી અનુવાદ

***