ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગોવિંદભાઈ રામભાઈ અમીન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગોવિંદભાઈ રામભાઈ અમીન

મુંબઈના શેરબજારના ધાંધલિયા વાતાવરણમાં પણ લેખનશોખને અદ્યાપિ પર્યંત ટકાવી રાખનાર ચરોતરના આ પાટીદાર લેખકનો જન્મ ઈ.સ. ૧૯૦૯માં ૭મી જુલાઈએ સ્વ. મોતીભાઈ અમીન અને દરબાર શ્રી. ગોપલદાસે સંસ્કારેલા સુંદર ગામ વસોમાં થયેલો. તેમના પિતાનું નામ રામભાઈ વાઘજીભાઈ અમીન અને માતાનું નામ કાશીબહેન. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૮માં શ્રી. શાન્તાબહેન સાથે થયેલું છે. બાળપણથી જ તબિયત નાજુક હોવાને લીધે કેળવણીમાં વચ્ચે વચ્ચે તેમને અનેક અંતરાયો આવેલા, પ્રાથમિક શિક્ષણ તેમણે વસોમાં સ્વ. મોતીભાઈ અમીને પ્રથમ શરૂ કરેલ મોન્ટેસરી નવી ગુજરાતી શાળામાં લીધું હતું. ત્યારબાદ વસોમાંથી ઈ.સ. ૧૯૨૮માં તેમણે મેટ્રિક પાસ કરી ઈ.સ. ૧૯૩૬માં મુંબઈ સીડનહામ કૉલેજમાંથી બી. કોમ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારથી તે શેરદલાલના ધંધામાં પ્રવૃત્ત થયા છે. જીવનના પ્રારંભમાં નબળી તબિયતને લીધે જે માનસિક ને શારીરિક કષ્ટ તેમને સહન કરવું પડ્યું તેના પરિણામે સાંપડેલી નિરાશાઓમાંથી આશ્વાસન રૂપે તેમણે લેખકજીવન શરૂ કર્યું. અને પછી તે તેને વ્યવસ્થિત બનાવતાં રોજના અનિવાર્ય શોખ રૂપે તે બની ગયું. એમની પ્રથમ કૃતિ ‘રેડિયમ’ કૉલેજમાં એક ડૉકટરને હાથે તેમને અન્યાય થતાં ઈ.સ. ૧૯૩૧માં લખાયેલી. બીજે વર્ષે તે ‘કૌમુદી’માં પ્રકટ થઈ. ઈ.સ. ૧૯૩૮માં પ્રથમ પ્રકાશન ‘રેડિયમ’માં તેમણે તેમની નાટિકાઓનો સંગ્રહ કર્યો. પ્રકાશન બાબતમાં ગુજરાતી લેખક બિચારો દુઃખી હોય છે, એ અનુભવ ત્યારથી તેમને થયેલો, જે તેમના છેવટના પ્રકાશન સુધી ચાલુ છે. તેમને મનગમતો લેખનવિષય નાટક છે. પરંતુ એમનો પ્રિય અભ્યાસવિષય છે તત્ત્વજ્ઞાન. જન્મથી જ આધ્યાત્મિક વિષયો તરફ કુતૂહલ હોવાથી તેમનું ચિંતન તેમને નવી શ્રદ્ધા અને નવું બળ આપે છે. એથી જ એમનો ઉદ્દેશ પણ ‘શાંતિથી મરવાનો’ તેમણે દર્શાવેલો છે. તેમનાં નાટકો અને નવલોને ગુજરાતના સાક્ષરવર્ગમાંથી ઠીક ઠીક આવકાર મળ્યો છે. સાદી, નાનકડી અને સામાન્ય લાગતી એવી કેટલીય ઘટનાઓને તે નાટ્યવિષય બનાવે છે. એકાંકી નાટકો લખવાની એમની હથોટી પણ કૌશલવાળી છે. નવલોમાં ગુજરાતી જીવનને સાંપ્રત પ્રસંગો કે પ્રશ્નોને તે સરળ રીતે ગૂંથી લે છે અને વસ્તુસંકલના, જીવનભાવના, સંવાદ-આલેખન વગેરે નવલ–અંગોમાં તેમની શક્તિનો અચ્છો ૫રિચય કરાવે છે. છેલ્લી ત્રણ પેઢીઓના પલટાતા, ગુજરાતી જીવનને આલેખવાના પ્રયાસ તરીકે તેમની છેલ્લી નવલત્રિપુટી અંગ્રેજી ‘ટ્રીલોજી’ના પ્રયોગરૂપ છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. રેડિયમ *નાટિકાઓ *૧૯૩૨ *૧૯૩૮ *પોતે *મૌલિક
૨. કાળચક્ર *નાટિકા *૧૯૩૪ *૧૯૪૦ *પોતે *મૌલિક
૩. વેણુનાદ *નાટિકાઓ *૧૯૩૮ *૧૯૪૧ *પોતે *મૌલિક
૪. રંગના ચટકાં (બે આવૃત્તિઓ) *વાર્તાઓ *૧૯૩૨થી ૪૦ *૧૯૪૨ *પોતે *મૌલિક
૫. બે મિત્ર (બે આવૃત્તિઓ) *નવલકથા *૧૯૪૨ *૧૯૪૩ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૬. ત્રિપુટી *વાર્તાઓ *૧૯૪૨ *૧૯૪૬ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૭. હૃદયપલટો *નાટક *૧૯૩૨ *૧૯૪૭ *પોતે *મૌલિક
૮. માડી જાયો *નવલકથા *૧૯૪૬ *૧૯૪૭ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૯. જૂનું અને નવું *નવલકથા *૧૯૪૭ *૧૯૪૮ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૧૦. ત્રિવિધ તાપ *નવલકથા *૧૯૪૭ *૧૯૪૮ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક

અભ્યાસ-સામગ્રી

૧. પ્રૉ. રાવળકૃત ‘સાહિત્યવિહાર’માં ‘ઉત્સાહી નાટકકાર’ એ લેખ.
૨. ‘પરિભ્રમણ ભા. ૧’-સ્વ. ઝવેરચંદ મેઘાણી.
3. ‘બે મિત્રો’ કૃતિની પ્રૉ. રાવળની પ્રસ્તાવના.
૪. ‘રંગનાં ચટકાં’ કૃતિની પ્રૉ. રા. વિ. પાઠકની પ્રસ્તાવના.
૫. ‘માડી જાયો’ ‘જૂનું અને નવું,’ ‘ત્રિવિધ તાપ’ એ ત્રણે કૃતિઓમાંનો પ્રૉ. રા. વિ. પાઠકનો આમુખ.
ઉપરાંત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાઙ્મય.

***