ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

સ્વ. ઝવેરીલાલભાઈનો જન્મ તેમના વતન નડિયાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૩૬ના એપ્રિલ માસમાં થયો હતો. તેમના પિતા ઉમિયાશંકર સરકારી નોકરીમાં સ્વબુદ્ધિબળથી કારકૂનની પાયરીથી મામલતદારની પદવી સુધી પહોંચ્યા હતા. ઝવેરીલાલે અભ્યાસની શરૂઆત તેમના મોસાળ અમદાવાદમાં ગામઠી નિશાળમાં કરી હતી. પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કરીને પછી તેઓ અમદાવાદની અંગ્રેજી શાળામાં દાખલ થયા, જ્યાં તે વખતના સુપ્રસિદ્ધ શિક્ષક ભોગીલાલ પ્રાણવલ્લભદાસની પાસે ભણવાનો તેમને લાભ મળ્યો હતો. સત્તર વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ અભ્યાસ સારુ મુંબઈ ગયા અને ત્યાં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ થયા. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરે વિષયો તેમણે અગાઉથી જ તૈયાર કરેલા હોવાથી તેમને કેન્ટિડેટ કલાસમાં પ્રવેશ મળ્યો. અહીં પણ અભ્યાસમાં તેમણે એવી સુંદર શક્તિ બતાવી કે એ સંસ્થાની વેસ્ટ અને નોર્મલ સ્કૉલરશીપો તેમને મળી. એ વખતે તેમના સહાધ્યાયીઓમાં પ્રૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, દાદાભાઈ નવરોજજી અને બાળ મંગેશ વાગલે જેવી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ હતી. ઈ.સ. ૧૮૫૬માં ઝવેરીલાલને એલિફ. ઇન્સ્ટિ.માં શિક્ષકની જગા મળી, પણ શિક્ષકનો ધંધો તેમને રૂચતો નહિ હોવાથી મુંબઈની જ્યૉગ્રોફિકલ સોસાયટીના સેક્રેટરી અને “બૉમ્બે ટાઈમ્સ” પત્રના અધિપતિ ડૉક્ટર બ્યુસટ પરના તેમના શિક્ષક અરદેશર ફરામજી મૂસના ભલામણ પત્ર દ્વારા તેને ત્યાં તેઓ ચાળીસ રૂપિયાના માસિક પગારથી કારકૂન તરીકે રહ્યા. એટલામાં ઍલ્ફિ. ઈન્સ્ટિ.માં દેશી ભાષાઓમાંથી અંગ્રેજીનો તરજૂમો કરવાનું શિક્ષણ બરાબર અપાતું નથી એમ સરકારને લાગવાથી એ સંસ્થામાં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તરજૂમો કરવાનું શીખવવા સારુ ઝવેરીલાલભાઈની અને મરાઠી સારુ ડૉ. ભાંડારકરની સરકારે નિમણૂંક કરી. ૫છી ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેની પહેલી જ મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં ઝવેરીલાલ બેઠા અને તેમાં પાસ થયા. થોડો વખત શિક્ષકની નોકરી કર્યા પછી ઝવેરીલાલે કાપડ તથા રૂનો વેપાર કર્યો; તેમાં તેમને સારી કમાણી થઈ; પછી સટ્ટામાં નુકસાન પણ વેઠવું પડ્યું. પછીનો ઘણોખરો વખત તેમણે જુદાં જુદાં દેશી રાજ્યોના એજન્ટ તરીકે મુંબઈમાં કામ કર્યું હતું. એ જમાનામાં મુંબઈ શહેરના શેરીફ તરીકે, યુનિવર્સિટીના ફેલો તરીકે, મુંબઈ સરકારની કાઉન્સિલના સભ્ય તરીકે અને મહેસૂલી ખાતાના નિષ્ણાત તરીકે ઝવેરીલાલભાઈએ નોંધપાત્ર લોકસેવા બજાવી હતી. સાહિત્યક્ષેત્રે તેમણે ‘મનુસ્મૃતિ’ તથા ‘શાકુંતલ’ના પ્રથમપહેલા ગુજરાતી અનુવાદો આપીને પોતાનો ફાળો નોંધાવ્યો છે. મનઃસુખરામ ત્રિપાઠી અને તેમની સંસ્કૃતમય શૈલીના ઝવેરીલાલ વિરોધી હતા. તેમણે કરેલું ‘અભિજ્ઞાન શાકુંતલ’નું ભાષાંતર અનેક ભૂલોવાળું હોવા છતાં એકંદરે સરળ અને રસગ્રાહી છે. તરજૂમાની સાથે છંદની સમજૂતી, રસાદિવિષયક ટીકા અને અઘરા શબ્દોના અર્થ જોડીને તેમણે સામાન્ય વાચકને માટે ભાષાંતરને ઉપયોગી બનાવવાનો હેતુ ઠીક પાર પાડ્યો છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજી તથા તે વખતે સંન્યસ્તાશ્રમમાં રહેલા ભાવનગરના બાહોશ દિવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનાં જીવન-ચરિત્ર તેમણે અંગ્રેજીમાં લખ્યાં છે. તેમણે એમાં આપેલી માહિતીનો ઉપયોગ પાછળથી ગૌરીશંકર ઓઝાનું મોટું ચરિત્ર લખવામાં થયો હતો, એટલું જ નહિ, પોતે ઉપયોગ નહિ કરી શકેલ જીવનસામગ્રીને વ્યવસ્થિત કરવામાં તેમણે એમના પુત્રોને પણ કીમતી મદદ કરી હતી.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાશનસાલ *પ્રકાશક *અનુવાદ કે મૌલિક?
૧. અભિજ્ઞાન શાકુંતલ *૧૮૬૭ *નાનાભાઈ રુસ્તમજી રાણીના: યુનિયન પ્રેસ, મુંબઈ * સંસ્કૃતનો અનુવાદ
૨. મનુસ્મૃતિ -? -? – *સંસ્કૃતનો અનુવાદ
3. Gaorishanker Udayashanker C. S. I. *૧૮૯૯ *એજ્યુકેશન સેસાયટી પ્રેસ, મુંબઈ *મૌલિક
४. Pandit Bhagawanlal Indraji *?- ? *મૌલિક
ઉપરાંત, નાનાભાઈ રુસ્તમજી રાણીના તથા અરદેશર ફરામજી મૂસે તૈયાર કરેલા અંગ્રેજી-ગુજરાતી કોશની બીજી આવૃત્તિ તૈયાર કરવામાં તેમણે મદદ કરી હતી.

અભ્યાસ-સામગ્રી

૧. મહાજન-મંડળ; પૃ. ૯૭૦-૯૭૨.
૨. ‘સત્યવક્તા’ની ગુર્જર અગ્રેસર ચિત્રાવલિ; ક્રમાંક ૧૨.
૩. ‘સ્મરણમુકુર (ન. ભો. દીવેટિયા); પૃ. ૧૪૩-૧૪૭.
૪. ‘કાવ્યતત્ત્વવિચાર’ (આ. બા. ધ્રુવ); પૃ. ૧૬૭–૧૭૭

***