ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/દલપતરામ ડાહ્યાભાઈ કવિ
દલપતરામનો જન્મ ઈ.સ. ૧૮૨૦ના જાન્યુઆરિની ૨૪મી તારીખે તેમના વતન વઢવાણ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામની મૂળ અટક ત્રિવેદી. પણ જેમ કવિના ધંધાને કારણે દલપતરામ ‘કવીશ્વર’ કહેવાયા હતા તેમ તેમના પિતા કર્મકાંડના વ્યવસાયને લીધે ‘ડાહ્યા વેદિયા’ તરીકે વઢવાણમાં જાણીતા હતા. બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરી હતી. એક પાટલા પર છાણ-માટી લીંપીને ડાહ્યાભાઈએ મૂળાક્ષરો કોતરી આપ્યા અને અગ્નિહોત્રના સાન્નિધ્યમાં જ આઠ વર્ષના દલપતરામે દેવનાગરી મૂળાક્ષરો ને બારાખડી શીખીને સંસ્કૃત શ્લોક મુખે કરી લીધા. નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં ‘કક્કો કેવડિયો ને ખખ્ખો ખારેકિયો’ જેવી પદ્યાત્મક શૈલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા. ‘ડાહ્યા વેદિયા’ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની ડોશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસનો કિશોર દલપત પણ બેસતો. વાર્તા ઉપરાંત એકબીજાને વરત-ઉખાણાં પૂછવાંનો પણ રિવાજ હતો એક જણ વરત નાખે: ‘આવડી શી દડી, દિવસે ખોવાણી ને રાતે જડી!’ ને એનો તરત ઉત્તર મળેઃ ‘તારા’. બીજું કોઈ પૂછેઃ ‘હાથી પાટે બાંધી આપો.’ લાગલો જ જવાબ મળે: ‘રાજા બેઠો ખાટે ને હાથી બાંધ્યો પાટે.’ દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે. એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણાં જાતે રચીને પણ એ પૂછતા. બાર વરસનો દલપત ઉખાણા પરથી હડૂલા જોડવા તરફ વળ્યો. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂર્તિ એટલે હડૂલા.×[1] દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જોડ્યું કે
છાયાં એટલાં છાપરાં ને માળ્યાં એટલાં ઘર;
ભોજો ભગત તો એમ ભણે જે વાંઢા એટલા વર.
પછી તો એમને પ્રસંગ પરથી પ્રાસયુક્ત રચના જોડી કાઢવાની જાણે કે ટેવ પડી ગઈ! એકવાર દલપતરામના પત્ની દળતાં હતાં. બહાર લોક પાણી ખૂંદતાં હતાં. સામે છાપરે કાગડો બેઠો હતો ને કવિ પોતે માંચી પર બેઠા હતા. તેના પરથી તેમણે જોડી કાઢ્યું :
સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી;
બંદા બેઠા માંચીએ ને દુનિયા ડહોળે પાણી.
આમ કરતાં કરતાં આ ઉછરતા કવિને શામળની વાર્તાઓ વાંચવા મળી. તેર વર્ષના દલપતરામ પર શામળની સ્ત્રીચાતુર્યની વાર્તાઓએ એવા દૃઢ સંરકાર પાડ્યા કે ‘હીરાદંતી’ અને ‘કમળલોચની’ નામની બે પદ્યવાર્તાઓ તેમણે દોહરા-ચોપાઈમાં તત્કાળ રચી કાઢી. વઢવાણમાં ન્હાનાભાઈ નામનો વાણીઓ દલપતરામને પોતાની દુકાને બોલાવીને તેમની પાસે વાર્તા કહેવડાવતો ત્યારે દુકાન આગળ શ્રોતાજનોનું ટોળું એકઠું થતું. પણ દલપતરામ શામળને ચીલે ચાલે તે પહેલાં તેમને સુનીતિ અને સદાચારનાં અમિશ્ર પ્રેરણાજળ પાનાર સ્વામીનારાયણનો સત્સંગ થઈ ગયો! સહજાનંદ-દર્શન એ કદાચ દલપત-જીવનનો સૌથી મહાન પ્રસંગ ગણાય. જમણવાર પ્રસંગે મોસાળ ગઢડામાં આવેલા દલપતરામને સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં. ચૌદેક વર્ષના એ મુગ્ધ બ્રાહ્મણપુત્ર ઉપર સ્વામીની મૂર્તિ એવો અદ્ભુત પ્રભાવ પાડે છે કે સં. ૧૮૯૦ની વસંત પંચમી ઉપર ‘મારે સ્વામીપંથી થવું નથી’ એવા નિશ્ચય સાથે મામાની જોડે મૂળી ગયેલા દલપતરામ સ્વામીનારાયણ પંથની દીક્ષા લઈને ત્યાંથી પાછા ફરે છે! ઈશ્વરના અવતારની આવશ્યકતા તથા પ્રાચીન ધર્મશાસ્ત્રની ઉપયોગિતા પરત્વે દલપતરામના મનનું સમાધાન કરીને સ્વામી ભૂમાનંદે તેમને ગૃહસ્થીના પંચ વર્તમાનની દીક્ષા આપી. ભૂમાનંદ સ્વામીએ દલપતરામને ધર્મ-દીક્ષા આપી તો દેવાનંદ સ્વામીએ તેમને કાવ્ય-શિક્ષા આપી હતી. આજ સુધી દલપતરામ મોજને ખાતર જોડકણાં જોડતા હતા. તેની પાછળ ઊંડો અભ્યાસ કે ગંભીર વિચારણા નહોતી. સં. ૧૮૯૦ અને ૧૮૯૭ના ગાળામાં કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાના ગ્રંથોનો સંગીન અભ્યાસ કર્યો, એ વખતે દેશભરની મુખ્ય સાહિત્ય-ભાષા વ્રજ ભાષા હતી. ગુજરાતીમાં થોડાંક જોડકણાં અને કીર્તનો લખ્યા બાદ દલપતરામને વ્રજ ભાષામાં કવિતા લખવાના કોડ જાગ્યા. ગુરુકૃપાથી તેમજ જાતમહેનતને બળે તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘કાવ્યચાતુરી’ નામના બે ગ્રંથો વ્રજ ભાષામાં રચ્યા હતા. સ્વામીનારાયણ પંથના તે વખતના આચાર્ય શ્રી આયોધ્યાપ્રસાદની આજ્ઞાથી વીસ વર્ષના જુવાન દલપતરામે શ્રીજી મહારાજની જુદી જુદી ચેષ્ટાઓ પર વ્રજ ભાષામાં ચમત્કૃતિજનક શીઘ્ર કવિતા પણ રચી હતી. પણ હજુ દલપતરામની કવિતાની ખરી પરખ થઈ નહોતી. તેની ખરી કસોટી તો મૂળીના સમૈયામાં એક ફૂલજી ગઢવી ઉર્ફે કુસુમ કવિની સામે તેમને સંપ્રદાયવાળા સ્પર્ધામાં ઉતારે છે ત્યારે થાય છે. ફૂલજી કવિને પોતાની કવિત્વશક્તિ વિશે અભિમાન હતું. એક વાર સ્વામીનારાયણના મંદિરમાં આવીને તેણે કટાક્ષ કર્યો કે સત્સંગ કવિસૂનો છે. તેના જવાબરૂપે જન્માષ્ટમીના સમૈયામાં આચાર્ય અયોધ્યાપ્રસાદના અધ્યક્ષપદે ભરાયેલી બે હજાર સાધુઓની મેદની વચ્ચે દલપતરામને ગઢવીની સામે સંપ્રદાયના કવિ તરીકે ઊભા કરવામાં આવ્યા: ગઢવીએ દલપતરામને અભ્યાસ, ગુરુ આદિ વિશે પૂછ્યા બાદ પ્રશ્ન કર્યો કે આચાર્યજીની કવિતા કરી છે? દલપતરામે કહ્યું: ‘ના; શ્રીજી મહારાજ વિશે કરી છે.’ ત્યારે, ગઢવીએ આચાર્ય અયોધ્યાપ્રસાદ વિશે તત્કાળ છપ્પો જોડીને લલકાર્યો :
ઉદધિ ઉદકભર અમિત, અમિત મતિ અવધ ઉદધમેં,
તિહિ નિધિ મધિ જલતરંગ, તરંગ મતિતરંગ અવધમેં;
સિન્ધુ મહીં શીશ મોતી, અનુ અવધ બચન મુખ,
નદી સંગમ નિધિ મિલત, મિલત મુનિમતિ અતિ કરસુખ;
નવ પ્રણત બનત નવરત્નસમ રત્ન રહત જલાંધ જ મુહિં;
કરજોરી કુસુમ કવિ યું કહે, અષ્ટમ ઉદધિ અવધ ! તું હીં.
છપ્પો બે વાર લલકારીને ગઢવીએ અધ્યાપ્રસાદને કહ્યું : ‘બાપ, તું તો આઠમો દરિયાવ છે.’ આખી સભા ગઢવીની કવિતાથી પ્રસન્ન થઈ ગઈ. સૌને એમ થયું કે દલપતરામ આની સામે શી રીતે ટકી શકશે? દલપતરામે શાંતિથી ગઢવીને પૂછયું: ‘આ કિયો અલંકાર, ગઢવી?’ ગઢવી કરડાકીમાં બોલ્યા : “લ્યો સાંભળો, ભાઈઓ. આ કહે છે કે હું ‘ભાષાભૂષણ’ શીખ્યો છું ને અલંકારનું તો મને પૂછે છે ! એ રૂપકાલંકાર રૂપકા.” દલપતરામે કહ્યું: ‘ગઢવી, એ રૂપકાલંકાર ન હોય’ ‘ત્યારે?’ ‘એ તો વ્યાજસ્તુતિ છે. તમે આચાર્યજીને આઠમા દરિયાવ કહીને સ્તુતિને બહાને તેમની નિંદા કરી છે.’ ગઢવીનો મિજાજ ગયો. એ તાડૂક્યાઃ ‘શી રીતે?’ ઉત્તરમાં દલપતરામે નીચેનો છપ્પો ફેંક્યો:
ઉદધિ ઉદક અતિ ક્ષાર સાત મતિ મધુરી અવધમેં,
અવધ સુધામય અમલ, સમલ વિખ વસત ઉદધિમેં;
જડ જલધિ જલગવન, પવનવશ, પ્રતિત ન લાયક,
અવધમતિ પ્રતિત ધરત, સકલવિધિ જનસુખદાયક.
લહિ અંજલિ ઉદધિ અગસ્ત્ય મુનિ પાન કરી પીંડમેં લહે;
મતિ અકલ અવધ ! દલપતિ તુંહી, કો કવિ નિધિકે સમ કહે?
આખા છપ્પાનો અર્થ સમજાવીને દલપતરામે ગઢવીને ઠાવકી રીતે કહ્યું: ‘ગઢવી, સાગર તમારે મન મોટો. મુનિઓને મન નહિ. અગસ્ત્ય મુનિ અંજલિ ભરી સાગર પી ગયા હતા. પણ આચાર્યજીની બુદ્ધિનો કોઈ તાગ લઈ શકે તેમ નથી. એટલે કયો કવિ તેને ખારા ખાબોચિયાની ઉપમા આપી શકે?’ ગઢવીનો ગર્વ ભરી સભામાં ઊતર્યો અને તે દિવસથી દલપતરામ સંપ્રદાયમાં કવિ તરીકે સ્વીકાર પામ્યા. આ વખતે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી.*[2] દલપતરામને વ્યાપક લોકપ્રિયતા અપાવવામાં ફૉર્બ્સનો હિસ્સો નોંધપાત્ર છે. ફૉર્બ્સને ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ કરાવે તેવા શિક્ષકની જરૂર હતી. સંવત્ ૧૯૦૪ના નવરાત્રમાં ભોળાનાથ સારાભાઈની ભલામણથી ભોળાનાથની જ મારફતે તેમણે દલપતરામને વઢવાણથી તેડાવ્યા. ભોળાનાથની ચિઠ્ઠી વાંચીને દલપત વેદિયા ચંદની પડવાને દિવસે મનમાં અનેક તર્કવિતર્ક કરતા વઢવાણથી અમદાવાદ જવા પગપાળા નીકળ્યા. આ વખતે તેમની સ્થિતિ સુદામાં જેવી હતી. પાસે વાટખર્ચી માટે એક પાઈ પણ નહોતી. રસ્તામાં એક એાળખીતા કનેથી થોડાક આના ઉછીના લઈને, લીંબડી-ધોળકા-ધંધુકા થઈને અથડાતા કૂટાતા એ અમદાવાદ આવ્યા અને શિષ્ય ભોળાનાથને ત્યાં ઊતર્યાં. ભદ્રના કિલ્લામાં ચાંદા સૂરજના મહેલમાં ફૉર્બ્સ રહેતાં હતા. જ્ઞાનપંચમીને દિવસે ભોળાનાથ દલપતરામને ફૉર્બ્સની મુલાકાતે લાવ્યા. ફૉર્બ્સે દલપતરામનું પ્રેમથી સન્માન કર્યું. શિષ્ટાચાર પત્યા બાદ ફૉર્બ્સે ચીપી ચીપીને હિન્દીમાં કહ્યું: ‘ભોળાનાથભાઈ કહે છે, તમે કવિતા સારી કરો છો. કાંઈક સંભળાવશો?’ દલપતરામે તરત જ નારદજીના ટીંખળની વાત કહી અને મુગ્ધ વિદેશી ગૃહસ્થને રીઝવ્યા. પછી ફૉર્બ્સે કવિને નાણવા માટે તૈયાર કરેલી પ્રશ્નાવલિ પૂછી. દલપતરામે તેના એવા સરસ જવાબ આપ્યા કે ફૉર્બ્સે પ્રસન્ન થઇને એ જ વખતે તેમને ‘કવીશ્વર’નું બિરુદ આપ્યું અને તેમને માસિક વીસ રૂપિયાના પગારથી પોતાની પાસે રાખ્યા. દલપતરામના-તેમ ગુજરાતી ભાષા-સાહિત્યના–ઉદયનો એ શુભ દિવસ હતો. દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી ફરીને ફૉર્બ્સને માટે ઈતિહાસકથાઓ, લેખો, હસ્તપ્રતો દસ્તાવેજો ઈ. એકઠાં કરીને ‘રાસમાળા’ની રચનામાં સક્રિય મદદ કરી હતી. વળી દલપતરામની સહાયથી ફૉર્બ્સે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુર સોસાયટી (હવે ગુજરાત વિદ્યા સભા)ની સ્થાપના કરી હતી. ફૉર્બ્સની પ્રેરણાથી દલપતરામે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ઈ.સ. ૧૮૪૯ના જૂન માસમાં ગુ.વ.સો.એ ભૂત વિશે ઈનામી નિબંધની જાહેરાત કરી. ફૉર્બ્સે દલપતરામને મહેનત કરીને નિબંધ તૈયાર કરવાની સલાહ આપી. દલપતરામના નિબંધને, હરીફાઈમાં સર્વશ્રેષ્ઠ ઠરતાં, દોઢસો રૂપિયાનું ઈનામ મળ્યું. દલપતરામનો એ પહેલો ગદ્ય લેખ. ઈ.સ. ૧૮૫૦માં ફૉર્બ્સની સાથે દલપતરામ સુરત ગયા. ત્યાં તેમણે મિ. કર્ટિસના પ્રમુખપદે એન્દ્રૂસ લાઈબ્રેરીમાં ‘હુન્નરખાનની ચઢાઈ’ વિશે કવિતામાં ભાષણ આપ્યું. ‘હુન્નરખાનની ચઢાઈ’ અર્વાચીન ગુજરાતનું પહેલું દેશભક્તિનું કાવ્ય છે. નવીન દેશકાળને ઝીલીને ગુજરાતી કવિતાને નવો વળાંક આપવાની શરૂઆત એનાથી થઈ છે. મહીપતરામ અને દુર્ગારામની સાથે નર્મદ એ પદ્ય વ્યાખ્યાન સાંભળવા ગયો હતો, પણ હજુ તેણે કવિતા લખવાની શરૂઆત કરી નહોતી. સુરતની પ્રજા દલપતરામના વ્યાખ્યાન પર વારી ગઈ. ત્યાં ને ત્યાં પછી તેમણે મદ્યપાનનિષેધનું ‘જાદવાસ્થળી’ નામનું ભાષણ કવિતામાં કર્યું, જે આજે દારૂબંધીના પ્રચાર સારુ કામ લાગે તેવું છે. સુરતવાસીઓએ દલપતરામને માનપત્ર આપ્યું. તેના જવાબમાં તેમણે ‘સંપલક્ષ્મી સંવાદ’ ગાઈ સંભળાવ્યો. આમ, ગુજરાતમાં કવિ તરીકે દલપતરામની પ્રતિષ્ઠા બંધાતી જતી હતી. ફૉર્બ્સની બદલી ઘોઘે થતાં દલપતરામ સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં ભાવનગરના મહારાજા વજેસંગને કવિએ પોતાની કવિતા-ચાતુરીથી એવા પ્રસન્ન કરી દીધા કે તેમણે દલપતરામને ભાવનગરના રાજ-કવિ તરીકે સ્વીકારીને શાલ-પાઘનો શિરપાવ આપ્યો અને વર્ષાસન બાંધી આપ્યું. ભાવનગરથી ઈડર અને સુરતથી દાંતા સુધી પ્રવાસ કરીને દલપતરામે ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાને પોતાની સરળ, ઠાવકી ને વિનોદી કાવ્યવાણીમાં સુધારાનો, શિક્ષણનો, ધર્મનો, નીતિનો, ઉદ્યમનો અને દેશભક્તિનો બોધ કર્યો. ફૉર્બ્સે આપેલો ‘કવીશ્વર’નો ઈલકાબ જનતાએ વજ્રલેપ કરીને કવિને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. અનેક રાજવીઓએ વર્ષાસનો તથા શિરપાવ આપીને કવિનું બહુમાન કર્યું. ઈ.સ. ૧૮૫૪ના માર્ચ મહિનામાં ફૉર્બ્સ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને સાદરામાં રેવન્યુ ખાતામાં ગોઠવતા ગયા. વખત જતાં દલપતરામ મામલતદાર સુધી ૫હોંચે એવી આ નોકરી હતી. નોકરીની સ્થિર આવકને શાંતિમય જીવન તેમને ગમી ગયાં. પણ તેમને માટે સરકારી નોકરી નિર્મિત નહોતી. ઈ.સ. ૧૮૫૫માં ગુ. વ. સો.નું નાવ અસ્થિર હતું. તેના મંત્રી મિ. કર્ટિસે દલપતરામને સરકારી નોકરી છોડી દઈને સોસાયટીમાં જોડાવા કહેણ મોકલ્યું. પહેલાં તો તેમણે જવાબ આપ્યો કે
દિલમાં હેત સ્વદેશ પર, પણ તૃષ્ણા ન તજાય!
સરકારી અધિકાર તે એમ કેમ મૂકાય?
પણ તેમના દિલમાં મંથન ચાલતું હતું. દરમિયાનમાં મિ. કર્ટિસે ફૉર્બ્સને કવિ પર દબાણ કરવા લખ્યું. ફૉર્બ્સે કવિને કૈંક આ મતલબનું લખ્યું:
ફિકર તમારી આખી ઉંમરની હું ધરીશ,
ધીરજ તે માટે તમે અંતરમાં ધારજો.
સ્વદેશનું હિત જો સદા હૃદય ધરો દિનરાત,
તો આ વચનો વાંચીને કબુલ કરજે વાત.
તેની પોતાના પર થયેલી અસર વર્ણવતાં કવિ કહે છે:
વચનો એવાં વાંચીને ને કહી કેમ શકાય?
પાકું બંધન પ્રેમનું તે નવ તોડ્યું જાય.
લક્ષ્મી અને અધિકારની તૃષ્ણા તજીને આખરે દલપતરામે વિદ્યાવૃદ્ધિ અર્થે સોસાયટીનું મંત્રીપદ સ્વીકાર્યું. તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ને વ્યવસ્થિત કર્યું. પછી સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય અંગે ભંડોળ એકઠું કરવા કવિ ધનિકો અને રાજાઓને મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનરંજન કરીને તેમણે ૫રમાર્થ કાજે શ્રીમંતો પાસેથી સારી રકમ એકઠી કરી. ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉદ્ધારની એમને પછી તો એવી લગની લાગી કે રાત અને દિવસ તેઓ એ જ કામમાં મગ્ન રહેવા લાગ્યા. દલપતરામના આ શુભ પ્રયાસથી સોસાયટીની સ્થિતિ થોડા વખતમાં જ એવી સદ્ધર થઈ ગઈ કે આજે પણ એનું કાર્ય એકધારું સુંદર ચાલી રહ્યું છે. દલપતરામનો ગુજરાત ઉપર બીજો મોટો ઉપકાર તે એમણે હોય વાચનમાળા માટે કાવ્યો રચીને ગુજરાતની બેત્રણ પેઢીઓને રમતાં રમતાં સાંસ્કારિક ઉછેર સાધ્યો તે છે. ગઈ પેઢીનાં વૃદ્ધજન આજે પણ હોંશે હોંશે દલપતરામનાં મીઠાં સુબોધક ૫દ્યવચનો યાદ કરીને ગાઈ સંભળાવે છે. દલપતરામ શાંત, સરળ, વિનોદી, સૌમ્ય પ્રકૃતિના સજ્જન હતા. ‘સૌનો સાળો, સૌનો સસરો છે દ્વિજ દલપતરામ’ કહેવા જેટલી નમ્રતા અને સાત્ત્વિકતા તેમનામાં હતી. તેમના અણીશુદ્ધ ચારિત્ર્યની અસર તેમના સંપર્કમાં આવનાર સૌ કોઈ પર થયા વિના રહેતી નહીં. તેઓ પ્રજાનું હિત હૈયે રાખનાર સ્વદેશભક્ત હતા, તેમ ‘ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર’ ગાનાર રાજભક્ત પણ હતા. તેમનું આ વલણ ટીકાપાત્ર ગણાયું છે. પરંતુ તેમને ન્યાય આપવા ખાતર કહેવું ૫ડશે કે તેમનામાં આંધળી રાજભક્તિ નહોતી. તેમના ‘ફૉર્બ્સ વિલાસ’ કાવ્યમાં આગળનાં રાજ્યો કરતાં આ રાજ્ય સારું છે, પણ કેટલીક બાબતમાં તેમાં અન્ધેર છે એમ કહીને દેશળ ગઢવી નામના પાત્ર દ્વારા એ પોતાના મનની વાત બેધડક કહે છે :
લાંચીયાનું ગયું રાજ તોય નથી ગઈ લાંચ;
જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.
લાકડાંનાં ગાડાં મૂલ થોડું આપી લુંટી લે છે;
કેર કરનારું રાજ્ય જતાં કાળો કેર છે.
નિરખનું નામ લઈ દામ નથી દેતા પુરા;
લુંટારા પીંઢારા જતાં લૂંટ ઠેર ઠેર છે.
કહે દલપત દીનાનાથ ! તેં આ દેશમાંથી જ
આંધળો અમલ કાઢ્યો તથાપિ અન્ધેર છે.
આટલી સ્પષ્ટ ભાષામાં રાજય-અમલની ટીકા કરનાર દલપતને મહારાણી વિકટોરિયાના દરબારમાં શાલ-પાઘનો શિરપાવ મળે છે, સી. આઈ. ઈ. નો ઈલકાબ મળે છે અને સોસાયટીની ત્રીસ-બત્રીસ વર્ષ સુધી સેવા કર્યા બાદ નિવૃત્તિ લેતાં પ્રજા તરફથી રૂપિયા બાર હજારની થેલી ભેટ મળે છે તે તેમના રાજા અને પ્રજા તરફના એકસરખા સન્નિષ્ઠ સદ્ભાવનું જ ફળ છે.*[3] ઇ. સ. ૧૮૯૮માં કવિ દલપતરામ અક્ષરધામ ગયા ત્યારે તેમના જુવાન પુત્ર ન્હાનાલાલે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીને પિતાના જીવનકાર્યને પોતાની રીતે ઉપાડી લઈને ચાલુ રાખ્યું હતું. અઠ્ઠોતેર વર્ષના આયુષમાં છેલ્લા બે દાયકા કવિને આંખે અંધાપો હતો. છતાં તેમનો લેખન-વ્યવસાય તો ચાલુ હતો જ. છેલ્લાં વરસોમાં તેમણે વડતાલમાં રહીને સ્વામીનારાયણનું જીવનચરિત્ર પદ્યમાં ઉતારવાનું કામ કર્યું હતું. સંપ્રદાયના આચાર્ય વિહારીદાસે એકઠી કરેલી સામગ્રીને ચમત્કારિક પ્રાસ અને છંદોબંધમાં વહેતી કરનાર દલપતરામની પ્રૌઢ પદ્યશૈલી એ દળદાર ગ્રંથનો થોડોક ભાગ વાંચનારને પણ પ્રતીત થાય તેમ છે. ઇ. સ. ૧૮૯૦ અને ૧૮૯૭ ની વચમાં આ મહાગ્રંથ રચાયો હોવાનો સંભવ છે. વડતાલના સ્વામીનારાયણ મંદિર તરફથી આ ‘હરિલીલામૃત’ ગ્રંથ ઈ.સ. ૧૯૦૭માં બે ભાગમાં પ્રગટ થયો હતો. સંપ્રદાયની રીત મુજબ રચનાર તરીકે તેના પર નામ આચાર્ય શ્રી વિહારીદાસજીનું છે અને દલપતરામનો આખા ગ્રંથમાં કોઈ સ્થળે ઉલ્લેખ નથી. પણ સંપ્રદાયની પરંપરા અને ગ્રંથની અંદરની પદ્યરચના આજે પણ દલપતરામના કર્તૃત્વના સબળ પુરાવારૂપે ઉપલબ્ધ છે. દલપતરામની કવિતા જૂની પદ્ધતિની ગણાઈ છે. વ્રજ ભાષાની કવિતાના પરિશીલનથી દલપતરામનો કાવ્યાદર્શ ઘડાયો હતો, એટલે ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. વળી, નીતિશુદ્ધ (Puritan) વિચારશ્રેણી એ દલપત-કાવ્યનું બીજું લક્ષણ છે. ધર્મ, નીતિ, સ્વદેશોદ્ધાર અને વ્યવહાર-ચાતુર્યની ઠાવકી વાતો એ તેમની કવિતાનો પ્રધાન વિષય બને છે. નર્મદની માફક-બલકે નર્મદના કરતાં વિશેષ સફળતાપૂર્વક દલપતરામે સુધારા, શિક્ષણ અને પ્રગતિની વાતો કહી છે. નર્મદના કરતાં દલપતરામનું સમાજદર્શન ને વિવેચન વિવિધ ને સંગીન હતું. પણ તેમના સ્વભાવમાં આવેશ કરતાં ઠાવકાઈ અને પ્રણાલિકા-ભંજનના કરતાં નીતિ અને સદાચારની મર્યાદામાં રહીને ‘ધીમે ધીમે સુધારાનો સાર’ સમજાવવાનું વલણ હતું. તેથી એ જૂનવાણી ગણાયા ને નર્મદની ઉદ્ધતાઈ અને સાહસિકતા પ્રાગતિક્તામાં ખપી! શૃંગારરસ દલપતરામને વર્જ્ય હતો તે એટલે સુધી કે ઊગતી વયમાં લખેલી શામળશૈલીની સ્ત્રી-ચતુરાઈની વાતોને તેમણે ‘સત્સંગ’માં ભળ્યા પછી બાળી નાંખી હતી. આમ, સભારંજની ચતુરાઈ અને બોધપરાયણતાએ દલપતરામને તેમના જમાનામાં સર્વોપરિ પ્રસિદ્ધિ અપાવી તો તે જ ગુણો સાહિત્યના ઈતિહાસમાં તેમની ઉપેક્ષાના નિમિત્તરૂપ પણ બન્યા. દલપતરામની કવિતાને મોટો ગુણ તેનું આકાર-સૌષ્ઠવ છે. ભાષાની સફાઈ અને છંદની શુદ્ધિ તેમના જેટલી બીજા કોઈ કવિમાં જવલ્લે જ જેવા મળશે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકવત્ હતાં. ‘દલપતપિંગળ’ ૧૮૫૫માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયું ત્યારથી આજ સુધી કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ ઈચ્છનારની પ્રવેશ-પોથી બને રહેલ છે.*[4] છંદ અને પ્રાસની ચતુરાઈભરી રમત એ દલપતરામની કવિતાનો બહુ જાણીતો ચમત્કાર છે. તેમણે છંદો ઉપરાંત ગરબીના ઢાળમાં પણ સોથી વધારે સુગેય પદ્યો રચ્યાં છે. લગ્નનાં ધોળ અને ગરબીની તેમની રચનાઓ ખૂબ લોકપ્રિય નીવડી હતી. (તેની ટીકારૂપે ‘ગરબીભટ્ટ’નું ઉપનામ પણ તેમને મળ્યું હતું.) આમ, દલપતરામની કવિતાનું પદ્ય સ્વરૂપ-પછી તે છંદોબદ્ધ હોય કે દેશી ઢાળમાં હોય-હમેશાં સ્વચ્છ અને સુઘડ આકૃતિવાળું રહ્યું છે. તેમની મોટા ભાગની કવિતા બ્રાહ્ય પ્રસંગ કે સંજોગને અનુલક્ષીને રચાયેલી હોવાથી તેમાં સમકાલીન જમાનાનું પ્રતિબિંબ ઝિલાયું છે. ‘વેનચરિત્ર’ અને ‘હુન્નરખાનની ચઢાઈ’ તેનાં ઉત્તમ ઉદાહરણો છે. આ બોધલક્ષી કવિતા આજના કાવ્યધોરણે કલાતત્ત્વ વિનાની લાગે; પણ તેમાં શુષ્કતા નથી. કવિએ તેમાં જનસ્વભાવનું ઊંડું અવલોકન કરીને મીઠી અને મર્માળી કાવ્ય-બાનીમાં વાચકના હૃદયને સ્પર્શ કરવાનો કીમિયો અખત્યાર કરી બતાવ્યો છે. વીરનો ગાયક નર્મદ છે તો હાસ્યનો દલપત છે. વીરમાં નમદ જેટલી વિવિધતા ને રસવત્તા સાધી શક્યો નથી તેટલી દલપત હાસ્યમાં સાધી શક્યો છે તે એને વિપુલ કાવ્યજથ્થો બારીકીથી વાંચનારને સમજાયા વગર નહિ રહે. વર્ણનાત્મક કાવ્યોમાં નર્મદના કરતાં દલપત પ્રસંગચિત્ર, પાત્રાલેખન અને કથનરીતિ પરત્વે વિશેષ સિદ્ધિ દાખવી શકે છે. બાળકોના કવિ તરીકે પણ દલપતરામનું સ્થાન ઊંચું છે. નિર્દોષ, ઠાવકું હાસ્ય ને સરળ અને પ્રાસાદિક શૈલી દલપતરામને સહજસિદ્ધ હતી. બાળકોની ઊઘડતી સ્મરણશક્તિને ખીલવે અને રંજન સાથે નિર્મળ સંસ્કાર-વિતરણ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામના જેટલી સંખ્યામાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. તેમનો શિષ્ય-સમુદાય વિશાળ હતો. તેમની પછી પણ તેમના શિષ્યોએ દલપતકવિતાને તેની શૈલીના પ્રયોગ દ્વારા જીવતી રાખવાના પ્રયત્નો કર્યા છે. છેક ગઈ પેઢી સુધીના ગુજરાતી કવિઓમાં જેણે દલપતશૈલીના પ્રયોગથી કાવ્ય-રચનાની શરૂઆત ન કરી હોય એવો કોઈ મળે વિરલ જ. કાન્ત, મણિલાલ, નરસિંહરાવ, બાળાશંકર, બોટાદકર, ખબરદાર, વગેરેએ કવિતા લખવાના શ્રીગણેશ દલપતશૈલીના પ્રયોગથી માંડ્યા હતા. ગુજરાતી કવિતા-સાહિત્યના ઈતિહાસનું અવલોકન કરનારને અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમયપટ પર દલપતશૈલીની અસર વિસ્તરેલી માલૂમ પડશે. આજે ભુલાઈ ગયેલ હોવા છતાં ગુજરાતી કવિતાના ખેડાણમાં આમ અનેક રીતે દલપતરામનો ફાળો સ્મરણીય ઠરે છે. દલપતરામે ફૉર્બ્સ સિવાય પણ અનેક શ્રીમંતો રાજવીઓ અને મિત્રેાની ફરમાશથી કાવ્યો લખ્યાં હતાં. કેટલાંક તેમણે અમુક ગૃહસ્થો કે સંસ્થાઓ તરફથી બહાર પડેલી ઈનામી જાહેરખબરોના જવાબ રૂપે લખ્યાં હતાં, તો કેટલાંક અમુક પ્રસંગે તત્કાળ ફરમાશથી રચી કાઢેલાં હતાં. *[5] આ બધી રચનાઓ બદલ તેમને જે તે વ્યક્તિ કે સંસ્થા તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. ‘દલપતકાવ્ય’ ભા. ૧-૨ ના દળદાર ગ્રંથોમાં આ ફૂટકળ રચનાઓને સંગૃહિત કરેલી છે એટલે અહીં દરેકનો છૂટો ઉલ્લેખ કરવો જરૂરી નથી. ‘વેનચરિત્ર’, ‘श्रवणाख्यान’, ‘ફાર્બસવિલાસ’, ‘ફાર્બસ-વિરહ’, ‘હુન્નરખાનની ચઢાઈ’, ‘શેરસટ્ટાની ગરબીઓ’, ‘વિજયક્ષમા’, ‘હંસકાવ્યશતક’ તેમજ વાચનમાળામાંની કવિતા ને માંગલિક ગીતાવળીનો ‘દલપતકાવ્ય’માં સમાવેશ થયેલો છે.
કૃતિઓ
કૃતિનું નામ *વિષય કે પ્રકાર *પ્રકાશનસાલ- *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ *મૂળ ભાષા, કર્તા કે કૃતિનુંનામ.
૧. દલપતકાવ્ય ભા.૧ *કવિતા *આ. ૧: ૧૮૭૯ આ. ૨: ૧૮૮૫ આ. ૫: ૧૯૨૬ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ
૨. દલપતકાવ્ય ભા.ર *કવિતા *આ. ૧:૧૮૮૫ આ. ૪:૧૯૨૪ ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક કાવ્ય-કૃતિઓનો સંગ્રહ
૩, દલપત-પિંગળ *છંદશાસ્ત્ર *આ.૧, ૧૮૬૨ *પોતે
આ. ૯.થી ૨૨- ૧૮૯૩થી ૧૯૨૨ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ
૪. કાવ્ય-દોહન પુ.૨ *કવિતા *૧૮૬૦ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
૫. કાવ્ય-દોહન પુ.૫ *કવિતા *૧૮૬૩ *મુંબઈ સરકાર *જૂની અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યકૃતિઓના સંચયનું સંપાદન
૬. શામળ-સતશઈ *કવિતા આ.૫:૧૯૨૨ *ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *શામળના ૬૮ ગ્રંથેામાંથી પસંદ કરેલા ૭૦૦ નીતિબોધક દોહાનું સંપાદન
૭. કથન-સપ્તશતી *કવિતા *૧૮૫૨ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ ૭૦૦ નીતિવચનોનો સંગ્રહ
૮. લક્ષ્મી-નાટક *નાટક *૧૮૫૧ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *મૌલિક
૯. મિથ્યાભિમાન-નાટક *નાટક આ.૧:૧૮૭૧, આ.૧૯:૧૯૩૫ *ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ *ગ્રીક નાટક પરથી સૂચિત
૧૦. ભૂત-નિબંધ *નિબંધ *૧૮૪૯ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
૧૧. જ્ઞાતિ-નિબંધ *નિબંધ ૧૮૫૧ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
૧૨. બાળવિવાહ નિબંધ *નિબંધ *૧૮૫૪ * ગુજરાત વિદ્યાસભા *મૌલિક
૧૩-૧૪ હરિલીલામૃત ભા.૧-૨ પદ્યાત્મક ચરિત્ર આ.૧ ૧૯૦૭, આ.૨ ૧૯૨૮;૧૯૩૫ *સ્વામીનારાયણ મંદિર વડતાલ
અભ્યાસ-સામગ્રી
૧. કવિશ્વર દલપતરામ: ભાગ પહેલો અને બીજો (પૂર્વાધ-ઉત્તરાર્ધ સહિત): (ન્હાનાલાલ દલપતરામ કવિ.)
૨. અર્વાચીન કવિતા; પૃ. ૪-૨૯ (સુંદરમ્)
૩. Studies in Gujarati Literature, Lecture III. (J. E. Sanjana)
૪. દલપતરામ (શ્રી સયાજી સાહિત્યમાળા; કાશીશંકર મૂળશંકર દવે)
૫. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પ્રકરણ ૧૭ મું. (વિજયરાય ક. વૈદ્ય)
૬. સાહિત્ય-સમીક્ષાઃ ‘દલપતની છબી’ (વિશ્વનાથ મ. ભટ્ટ)
૭. વિવેચના : ‘ક, દ. ડા.’ (વિ. ૨. ત્રિવેદી)
૮. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનો ઇતિહાસ, વિભાગ ૫હેલો, પ્રકરણ ૨૦; (હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ)
૯. નવલગ્રંથાવલિઃ ‘નર્મકવિતાની પ્રસ્તાવના.’ (તારણ– સં. નરહરિ દ્વા. પરીખ)
સંદર્ભ
- ↑ x કવિશ્રી ન્હાનાલાલે દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા ‘હડુડુડુ ગોળાની માફક છૂટે એટલે હડૂલા’ એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!
- ↑ * કવિશ્રી ન્હાનાલાલચિત ‘કવીશ્વર દલપતરામ’ને આધારે
- ↑ * આના સમર્થનમાં શ્રી જેહાંગીર એરચ સંજાનાએ પોતાના ‘Studies in Gujarati Literature’ના ત્રીજા વ્યાખ્યાનમાં દલપતરામ વિશે આપેલી ગુણગ્રાહક દલીલો લક્ષમાં રાખવા જેવી છે.
- ↑ * આજ સુધીમાં એની ૯૧૦૦૦ નકલો ખપી છે.
- ↑ * આ બધી કૃતિઓ કોણે કેટલો પુરસ્કાર આપીને ક્યારે લખાવી તેની યાદી કાશીશંકર મૂ. દવેકૃત ‘દલપતરામ’ (શ્રી સયાજી સાહિત્યમાળા)ના પૃ. ૪૪ -૪૭ પર છે અને ‘દલપતકાવ્ય’ ભાગ ૧લા ના પૃ. ૮-૯ પર પણ છે. સ્થળ-સંકોચને લીધે એ યાદી અહીં ઉતારી નથી.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
***