ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ

શ્રી પ્રાણશંકર શાસ્ત્રીનો જન્મ વિ. સં.૧૯૧૭માં તેમના વતન જામનગરમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર હતા. આ૫ણા પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્દ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી તેમના ભાણેજ થાય. પ્રાણશંકરભાઈએ ગુજરાતી છ ધોરણો પૂરાં કરીને સંસ્કૃતનો પદ્ધતિસર અભ્યાસ જામનગરમાં કેશવજી શાસ્ત્રી પાસે કર્યો હતો. તેમનામાં ‘સંસ્કૃત ગ્રંથોનો મર્મ સમજવાની’ ‘સારી શક્તિ’ હતી. તેમ છતાં તેમણે લેખન-કાર્ય ગુજરાતીમાં જ કર્યું છે. તેમના ગુજરાતી અક્ષરો સ્વચ્છ અને સુવાચ્ય હતા. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી મામાના અક્ષરોનો મરોડ પોતાના અક્ષરોમાં ઉંમર વધતાં ઊતર્યો હોવાનું પોતાના ‘અક્ષરજીવનનાં સ્મરણો’માં નોંધે છે. પ્રાણશંકરભાઈ સત્તર-અઢાર વર્ષના હતા ત્યારથી તેમને પદ્યરચનાનો શૉખ લાગ્યો હતો. તેમના તરુણ વયના કાવ્યપ્રયોગોના સાથી ‘કાન્ત’, પ્રભાશંકર પટ્ટણી અને કવિ દુર્લભ શ્યામ ધ્રુવ વગેરે તેમના જ્ઞાતિબંધુઓ હતા. તેમના કાવ્યસંગ્રહ ‘કાવ્યકુસુમ’માં તેમના આ સાહિત્યમિત્રોની પાદપૂર્તિઓ પણ સંઘરાયેલી છે. આ સંગ્રહમાં સંસ્કૃત મુક્તકોના અનુવાદો ને તે પદ્ધતિનાં ગુજરાતી મુક્તકો તેમજ બોધક ને સ્તુતિરૂપ રચનાઓનો સમાવેશ થાય છે. એમાંનાં ‘કેટલાંક કાવ્યો સારા સંસ્કારવાળાં અને પ્રાસાદિક છે, જે ઉપરથી કર્તામાં સારી કાવ્યપ્રતિભાનાં બીજ છે’ એમ મણિલાલ નભુભાઈએ તેનું અવલોકન કરતાં અભિપ્રાય આપ્યો હતો. પદ્યરચનાનો શૉખ પ્રાણશંકરભાઈએ છેવટ લગી જાળવી રાખ્યો હતો. તેમણે ગદ્ય પણ ઠીક પ્રમાણમાં લખ્યું છે. સંપ, બ્રહ્મચર્ય અને બ્રાહ્મણવર્ગની ઉન્નતિ દ્વારા સામાજિક ઉન્નતિ એ તેમના બોધક નિબંધોના મુખ્ય વિષયો છે. તેઓ શ્રી ઝંડુ ભટ્ટજીના સંસર્ગમાં હતા. વૈદ્યક તેમના અભ્યાસનો પ્રિય વિષય હતો. ‘વૈદ્ય કલ્પતરુ’ અને ‘આયુર્વેદ વિજ્ઞાન’માં તેઓ વૈદ્યક વિશે છૂટક લેખો લખતા. વિ. સં.૧૯૭૪માં ૫૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક *ભાષાંતર હોય તો મૂળ કૃતિનું નામ.
૧. કાવ્યકુસુમ *કાવ્યસંગ્રહ *ઈ.સ. ૧૮૯૪ *પોતે * -
૨. અદ્વૈત-સિદ્ધિ નિબંધ? *નિબંધ *ઈ.સ ૧૮૯૪ *પોતે * -
૩. બ્રહ્મચર્યનો ઉ૫દેશ? *નિબંધ *ઈ.સ ૧૮૯૪ *પોતે * -
૪. આપણો ઉદય કેમ થાય? *નિબંધ *૧૮૯૬ *પોતે * -
૫. વૈધ-વિદ્યાનું તાત્પર્ય *નિબંધ *૧૮૯૭ *શંકરપ્રસાદ વિ. કરુણાશંકર, જામનગર * -
૬. અષ્ટાંગહૃદય *વૈધકવિષયક ગ્રંથ *૧૯૧૩ *ભાવનગરના મહારાજા ભાવસિંહજી *સંસ્કૃતનું ભાષાંતર

અભ્યાસ-સામગ્રી

૧. ‘એક સરસ્વતીભક્તના અક્ષરજીવનનાં સ્મરણો’ (દુ. કે. શાસ્ત્રી) ‘માનસી’, સપ્ટેંબર, ૧૯૪૪; પૃ. ૨૭૧-૨૭૩
૨. સુદર્શન ગદ્યાવલિ (મ. ન. દ્વિવેદી): પૃ. ૮૯૫, ૯૪૯, ૯૭૫

***