ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નૃસિંહદાસ ભગવાનદાસ વિભાકર
યૌવનમૂર્તિ વિભાકરનો જન્મ તેમના વતન જૂનાગઢમાં તા. ૨૫-૨-૧૮૮૮ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ સોરઠી વણિક હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક અભ્યાસ વતનમાં જ પૂરો કરીને ત્યાંની શાળામાંથી તેઓ ૧૯૦૩માં પહેલે નંબરે મેટ્રિક પાસ થયા અને બહાઉદ્દિન કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી એકાદ વર્ષ બાદ મુંબઈ જઈને સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ૧૯૦૮માં તેઓ બી. એ. પાસ થયા અને ૧૯૧૦માં એલએલ. બી. થયા. ૧૯૧૧માં વિભાકર બેરિસ્ટર થવા વિલાયત ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. ૧૯૧૩માં વિલાયતથી પાછા આવીને તેઓ મુંબઈની સિડનહામ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. પછી એકાદ વરસે તેમણે વકીલાત શરૂ કરી હતી. વિભાકર બી. એ.માં હતા ત્યારથી જ તેઓ દેશની રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા થયા હતા. ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન ભરાયું તે વેળા તેમણે ટીળક મહારાજ, અરવિંદ ઘોષ, સરદાર અછતસિંહ અને ખાપર્ડે જેવા ક્રાન્તિકારીઓની પડખે ઊભા રહીને બાલાજીને ટેકરો ગજવી મૂક્યો હતો. હોમરૂલ લીગની હીલચાલને ગુજરાતમાં વેગ આપવામાં વિભાકર મોખરે હતા. વિભાકરના વ્યક્તિત્વ-વિકાસમાં તેમના વિદ્યાગુરુ કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા અને તેમના વડીલ બંધુ ડૉ. કાલિદાસ વિભાકરનો નોંધપાત્ર ફાળો હતો. ગુજરાતી રંગભૂમિનો સર્વાંગીણ ઉત્કર્ષ સાધવો એ વિભાકરના જીવનની મુખ્ય નેમ હતી. નાટકશાળાઓને વિલાસ-સ્થાને ગણવાને બદલે જાહેર શિક્ષણ-કેન્દ્રો તરીકે પ્રતિષ્ઠા અપાવવાની તેમની અભિલાષા હતી, એટલે સાહિત્ય અને કલાની દૃષ્ટિએ ગુજરાતી રંગભૂમિમાં સુધારા કરવાની હિમાયત તેમણે જોરશોરથી શરૂ કરી. ઈ.સ. ૧૯૦૯માં રાજકોટ ખાતે ભરેલી ત્રીજી સાહિત્ય પરિષદમાં તેમણે ‘નૂતન ગુજરાતને હવે કેવા સાહિત્યની અપેક્ષા છે?’ એ વિષય પર છટાદાર શૈલીમાં નિબંધ વાંચ્યો હતો. તેમાં તેમણે ગુજરાતી નાટકસાહિત્યની દરિદ્રતા અને ગુજરાતી રંગભૂમિની અધોગતિ વિશે કડક ટીકા કરી હતી. ‘સૃષ્ટિલીલાનાં આબેહૂબ ચિત્ર, હૃદયના અકૃત્રિમ ભાવોનો ચિત્તાકર્ષક વિલાસ તથા સંપત્તિની જ્યોતિમાં, આપત્તિના અંધકારમાં અને બંન્નેની મિશ્ર છાયામાં અથડાતાં મનુષ્યની આશાઓ અને નિરાશાઓ તથા એમનાં અધઃપતન અને ઉદ્ગમનનું હૃદયહારક આલેખન’ ગુજરાતી નાટકોમાં જોવા મળતાં નથી એવી તેમણે ફરિયાદ કરી હતી. ટૂંકમાં, ગુજરાતી નાટકમાં સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકી બંન્નેના સુમેળની ખોટ જે આજ સુધી સાલી રહી છે તેના તરફ શ્રી વિભાકરે સાહિત્યકારનું ધ્યાન ખેંચ્યું હતું. નાટક અને રંગભૂમિના ઉત્કર્ષની જવાબદારી બિનકેળવાયેલા લોકો પર છોડવાને બદલે સાહિત્યકારોએ પોતે ઉપાડવી જેઈએ એમ તેમણે એ વખતે ભારપૂર્વક કહ્યું હતું. ૫છી એ દિશામાં સક્રિય કાર્ય કરવા સારું વિભાકરે ગુજરાતી રંગભૂમિનાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે પોતે ભજવવા લાયક નાટકો લખવા માંડ્યાં. ઈ.સ. ૧૯૧૨-૧૩ના અરસામાં તેમણે “સિદ્ધાર્થ બુદ્ધ’ નામનું નાટક રચ્યું. ૧૯૧૪ની આસપાસ મુંબઈની આર્ય નાટક મંડળીએ*[1] તે નાટક ભજવ્યું હતું. ૧૯૧૭માં તે પુસ્તકાકારે પ્રગટ થયું હતું. સ્વ. રણજિતરામ મહેતાએ તેને ગુજરાતી સાહિત્યમાં આવકાર આપ્યો હતો.+[2] પછીનાં ચાર વર્ષમાં વિભાકરે નવયુગની સામાજિક મહત્ત્વકાંક્ષાએ અને સ્વદેશભાવનાને મૂર્ત કરતાં ચાર નાટકો આપ્યાં. સ્ત્રીના અધિકારનો પ્રશ્ન ચર્ચાતા ‘સ્નેહ-સરિતા’ નાટકે એ વખતે મુંબઈના સંસ્કારી સમાજને સારી પેઠે આકર્ષ્યો હતો. ‘વીસમી સદી’, ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’, ‘હિંદુસ્થાન’, ‘સમાલોચક’ આદિ સામયિકમાં એનાં વિવેચનો પ્રસિદ્ધ થયાં હતાં. વિભાકરને તેમજ તેના નાટકનો તખ્તા–પ્રયોગ કરનાર મુંબઈ ગુજરાતી નાટક મંડળીને એનાથી સારી પ્રસિદ્ધિ મળી. બાકીનાં ત્રણ તે સ્વરાજ્યની ભાવનાને રજૂ કરતું નાટક ‘સુધાચંદ્ર’, હોમરૂલ લીગની ચળવળને અનુલક્ષતું ‘મધુબંસરી’ અને મજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘમાલિની.’ આ અરસામાં વિભાકર ગુજરાતી રંગભૂમિના ઉત્તમ અદાકારો શ્રી જયશંકર (સુંદરી), શ્રી. બાપુભાઈ નાયક અને શ્રી. મૂળચંદ (મામા)ના સંપર્કમાં આવ્યા હતા. શ્રી જયશંકર ‘મુંબઈ ગુજરાતી’માંથી છૂટા થઈને ૧૯૨૨માં લક્ષ્મીકાંત નાટક સમાજમાં જોડાયા હતા. મૂળચંદ (મામા) તેમાં દિગ્દર્શક તરીકે નિમાયા હતા.. શ્રી જયશંકરને વિભાકર માટે અતુલ માન અને અનુરાગ. એટલે નવી નાટક કંપનીમાં જોડાતાં જ તેમણે સંકલ્પ કરેલો કે વિભાકરની જ કૃતિ દ્વારા આ નવી રંગભૂમિ ઉપરથી શ્રોતાગણને વંદન કરવું! પરિણામે, વિભાકરે શ્રી જયશંકરના પાત્રને લક્ષમાં રાખીને ‘અબ્જોનાં બંધન’ નામનું નવું નાટક લખ્યું. એમાં ‘મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓનો નિર્દેશ કરીને’ ભારતમુક્તિની ભાવના સમજાવેલી છે. તા. ૨-૧૨-૨૨ના રોજ વિકટોરિયા થિયેટરમાં આ નાટક ભજવાયું હતું. વિભાકરનાં આ છ નાટકોમાંથી પાંચ નાટક કંપનીને ભજવવા સારુ આપી દીધેલાં એટલે એમાંથી. એકે પ્રસિદ્ધ થઈ શકેલ નહિ. એથી આજે એ નાટકો પ્રાપ્ય નથી એ દુર્ભાગ્યની વાત છે. એ કૃતિઓ અપ્રાગતિક દશામાં સબડતી ગુજરાતી રંગભૂમિને નવી ચેતનદાયી હવામાં લાવી મૂકવાના તેના લેખકના સમર્થ પ્રયત્નરૂપ હતી, નવીન દેશભાવનાના ઉદયનો એ યુગ હતો. ગુજરાતી રંગભૂમિ ઉપર નવીન પ્રગતિશીલ વિચારશ્રેણીવાળાં નાટકો સૌથી પ્રથમ વિભાકરે આપ્યાં છે અને એ પ્રકારનાં નાટકોને સૌથી પ્રથમ ભજવવાનું માન મુંબઈ ગુજરાતી નાટક મંડળીને મળે છે એમ કહીએ તો ખોટું નથી. નવીન વિષયોને નાટકમાં વણવા ઉપરાંત, સંસ્કારી ભાષામાં જોસીલા સંવાદો રચીને શ્રી વિભાકર ધારી અસર ઉપજાવી શકતા હતા. રંગભૂમિના ઉદ્ધારના ઉત્સાહમાં તેમણે ‘રંગભૂમિ’ ‘નામનું ત્રૈમાસિક સંવત ૧૯૭૯ના કારતક મહિનામાં કાઢ્યું હતું. પણ કેવળ રંગભૂમિના પ્રશ્નોની વિચારણા અને તખ્તાલાયક નાટકોનો ફાલ આપવાને બદલે તેનું ક્ષેત્ર વ્યાપક બનાવવા જતાં મૂળ ઉદ્દેશ સધાયો નહિ. એક વર્ષ બાદ એ ‘નવચેતન’ સાથે જોડાઈને લુપ્ત થઈ ગયું. ઈ.સ. ૧૯૦૯ થી ૧૯૨૪ના ગાળામાં વિભાકરે સાહિત્ય, સમાજ, અર્થશાસ્ત્ર અને રાજકારણને લગતા હળવા તેમજ ગંભીર લેખો મુંબઈનાં જુદાં જુદાં સમયિકોમાં લખ્યા હતા. તેનો ‘આત્મનિવેદન’ નામે દળદાર સંગ્રહ પાછળથી તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ ઉલ્લાસ અને સ્ફૂર્તિથી તરવરતું હતું. અભિમાનની હદે પહોંચે તેટલી સ્વગૌરવ અને સ્વમાનની વૃત્તિ તેમનામાં હતી. આત્મશ્લાઘાની ગંધ આપે એટલો આત્મવિશ્વાસ તેમનાં ભાષણો અને લેખોમાં પ્રતીત થાય છે. ‘મહત્ત્વાકાંક્ષા તેમની રગેરગમાં રક્ત સાથે મળેલી હતી.’ સાહિત્યપ્રેમ, રાષ્ટ્રભાવના અને રંગભૂમિના ઉત્કર્ષની ઝંખના તેમની પ્રવૃત્તિનાં મુખ્ય ચાલક બળો હતાં. વિભાકર સારા વક્તા પણ હતા*[3] ‘નાયગ્રાના ધોધ જેવી વેગવંત તેમની વાણી હતી.’ તેમનાં લખાણો તેમના સ્ફૂર્તિમંત વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પાડે તેવી તેજસ્વી શૈલીથી અંક્તિ છે. અનેક ઉચ્ચ અભિલાષોનું ઉચ્ચારણ કરનાર આ આશાસ્પદ લેખક તેમને સિદ્ધ કરી બતાવે તે પહેલાં તો-૩૭ વર્ષની ભરજુવાન વયે પાંડુરોગનો ભોગ બનીને તા. ૨૮-૫-૧૯૨૫ના રોજ આ દુનિયા તજીને ચાલ્યો ગયો.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન સાલ *પ્રકાશક
૧. સિદ્ધાર્થ બુદ્ધ *નાટક *૧૯૧૭ *પોતે
૨. આત્મનિવેદન *લેખસંગ્રહ *૧૯૨૪ *પોતે
૩, નિપુણચંદ્ર *નવલકથા ? ?
અપ્રગટ નાટકો
નામ. *રચ્યા સાલ *ભજવ્યા તારીખ *ભજવનાર કંપની
૧. સ્નેહ-સરિતા *૧૯૧૫ *૧૫-૯-’૧૫ *મુંબઈ ગુજરાતી નાટકમંડળી
૨. સુધાચંદ્ર *૧૯૧૬ *૫-૮-૧૬ *મુંબઈ ગુજરાતી નાટકમંડળી
૩. મધુબંસરી *૧૯૧૭ *૫-૮-’૧૬ *મુંબઈ ગુજરાતી નાટકમંડળી
૪. મેઘમાલિની *૧૯૧૮ *૨૩-૧૧-૧૮ *મુંબઈ ગુજરાતી નાટકમંડળી
૫. અબ્જોનાં બંધન *૧૯૨૨ *૨-૧૨-’૨૨ *લક્ષ્મીકાંત નાટક સમાજ
અભ્યાસ–સામગ્રી
૧. ‘આત્મનિવેદન’ની પ્રસ્તાવના (કૌ. વિ. મહેતા)
૨. ‘નવચેતન અને રંગમૂમિ’, સપ્ટેંબર ૧૯૨૫; સ્વ. વિભાકરઃ રંગભૂમિની દૃષ્ટિએ’ (વજતેરવાળા મનહર) અને ‘અધિપતિની નોંધ.’
૩. ‘જૂઈ અને કેતકી’ (વિ. ક. વૈદ્ય): ‘પત્રકારનું નિવેદન’
૪. આપણાં સાક્ષરરત્નો (ન્હાનાલાલ કવિ) : ભાગ ૨; પૃ. ૫૪
સંદર્ભ
- ↑ * મૂળ આર્યનીતિ નાટક મંડળી નકુભાઈ શાહ અને મોતિરામ બેચર ચલાવતા હતા. તે બંને છૂટા પડતાં નકુભાઇએ આર્યનૈતિક નાટક મંડળી અને મોતીરામ બેચરે આર્ય નાટક મંડળી કાઢી હતી.
- ↑ + એ નાટક વિશે તેમનો આ અભિપ્રાય વિભાકરની નાટ્યકલાનું યથાર્થ મૂલ્યાંકન કરે છે : “બુદ્ધના જન્મ અને જીવનથી ઇતિહાસ અને અધ્યાત્મની લાગણીઓ ભવ્ય સ્વરૂપમાં પ્રજ્વલિત થવી જોઈએ તેવી લેખકમાં થઈ નથી છતાં સુસંસ્કારી બુદ્ધિ જેવા ભાવ અનુભવી શકે તેનું આમાં સચોટ અને હૃદયસ્પર્શી આલેખન છે. બુદ્ધના મહાભિનિષ્ક્રમણ પછી કરુણ રસ એવો જામે છે કે સહૃદયો અશ્રુબદ્ધ થયા વિના રહેતા નથી. શુંગારની મસ્તી નથી પણ મર્યાદામાં રહેતો વિશુદ્ધ આનંદી મર્માળો સુખી શુંગાર છે. પ્રગાઢ હૃદયમંથન નથી, સ્નેહના ઊંડા ભાવો નથી, પણ જે છે તે સંસ્કાર અને રસથી એવું પૂર્ણ છે કે સચોટ છાપ પાડ્યા વિના રહેતું નથી.”
- ↑ • કવિ ન્હાનાલાલનું નીચેનું વાક્ય સંભારો : ‘ગુજરાતી વક્તૃત્વકલાનો જેષ્ટ (? જ્યેષ્ઠ) પુત્ર મણિશંકર રત્નજી ભટ્ટ: ને બીજો પુત્ર નૃસિંહ વિભાકર.’ (‘આપણાં સાક્ષરરત્નો ભા. ૨, પૃ. ૫૯)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
***