ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ)
‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી વાર્તાઓ લખતા શ્રી. બાલાભાઈ દેસાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ તાલુકાના વીંછિયા ગામમાં વિ.સં. ૧૯૬૪ના જેઠ વદી ૧૩ ને દિવસે વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબહેન. તેમનું મૂળ વતન સાયલા, તેમનાં લગ્ન શ્રી. જયાબહેન સાથે ઈ.સ. ૧૯૩૦માં થયેલાં છે, પ્રાથમિક શિક્ષણ ઉત્તર ગુજરાતમાં આવેલા વીજાપુર ગામમાં લઈ તેમણે ત્રણ અંગ્રેજી સુધીનો અભ્યાસ અમદાવાદમાં શેઠ લલ્લુભાઈ રાયજીની બૉડિંગમાં રહીને કર્યો. ત્યારબાદ મુંબઈ જઈ શ્રી. વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામની જૈન સંસ્થામાં અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યનો તેમણે અભ્યાસ કર્યો. ત્યાંથી કાશી અને આગ્રામાં કેટલોક વખત રહ્યા બાદ તેમણે ગ્વાલિયરમાં આવેલા શિવપુરીના ગુરુકુળમાં સંસ્કૃત ન્યાયશાસ્ત્ર અને જૈન આગમોનો અભ્યાસ કર્યો અને કલકત્તા સંસ્કૃત એસોસીએશનની ઉપાધિ ‘ન્યાયતીર્થ’ અને ગુરુકુળની ઉપાધિ ‘તર્કભૂષણ’ તેમણે પ્રાપ્ત કરી. આ વખતે દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો. હાલ તેઓ અમદાવાદના શારદા મુદ્રણાલયનું સંચાલન કરે છે ગ્વાલિયરના ગુરુકુળનું વાતાવરણ, ત્યાં પ્રાપ્ત કરેલ જૈન ધર્મના ઉપદેશક તરીકેનો શિક્ષણાનુભવ, યુરોપીય વિદ્વાન ડૉ. ક્રાઉઝ સાથેનો સંપર્ક અને અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્યનો પરિચય તેમને વ્યક્તિત્વને ઘડનારાં પ્રેરક બળો છે. એ ઉપરાંત તેમના વ્યક્તિત્વ ઉપર સ્વ.ગોવર્ધનરામે તેમની કૃતિ ‘સરસ્વતીચંદ્ર’ દ્વારા સારી અસર કરી છે. તેમને ગ્રંથકાર તરીકે બહાર લાવવાનો યશ ‘રવિવાર’ સાપ્તાહિકને ફાળે જાય છે. ‘પંતુજી’નો ધંધો નહિ રુચવાથી અને અંતરની આકસ્મિક પ્રેરણાથી પોતાનાં મંતવ્યોને રજૂ કરવાના સુંદર વાહન તરીકે લેખન ઈષ્ટપ્રવૃત્તિ હોવાથી તે પ્રવૃત્તિને તેમણે ધંધા તરીકે અપનાવી છે. તેમના લેખનનો મુખ્ય આશય સાંપ્રદાયિક તેને વિશાળ માનવતામાં લઈ જઈને ચર્ચવાનો હોય છે; તેમણે ‘વિક્રમાદિત્ય હેમૂ’માં મુસ્લિમ ધર્મ, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મ, ‘ઋષભદેવ’માં માનવધર્મ અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈનધર્મ અંગેની ચર્ચાઓમાં આ હેતુને તેમણે સુંદર રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે. જીવનમાં મળેલ વિશિષ્ટ ખાસિયતોવાળાં માનવોને સાહિત્યમાં સાકાર કરવાનું તેમને બહુ ગમે છે. જીવનમાં એમને થયેલ નેકી, વફાદારી અને પારદર્શક સહૃદયતાના અનુભવને ચીતરતાં તેમનું સર્જક માનસ સોળે કળાએ ખીલી ઊઠે છે. જુવાનોને મસ્ત જીવનરસ પાય અને કિશોરોને સાહસિક પરાક્રમો કરવા પ્રેરે તેવી સત્ત્વપૂર્ણ વાર્તાઓ રચીને પ્રેરક નવલકથાકાર તરીકેનું કર્તવ્ય તેમણે પ્રશસ્ય રીતે બજાવ્યું છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, કે સંપાદન?
૧. વિદ્યાર્થી વચનમાળા-૨૦૦ પુસ્તિકાઓ *બાલસાહિત્ય *૧૯૩૩થી ૧૯૩૯ ધીરજલાલ ટો. શાહ, વડોદરા ૭૦ પુસ્તિકાઓ મૌલિક; બાકીનીનું સંપાદન
૨. ભાગ્યવિધાતા *નવલકથા *૧૯૩૬ *“રવિવાર” કાર્યાલય મુંબઈ *મૌલિક
૩. શ્રી. ચારિત્રવિજય *ચરિત્ર *૧૯૩૬ * ચરિત્ર સ્મારક ગ્રંથમાળા વિરમગામ *મૌલિક
૪. કામવિજેતા સ્થૂલિભદ્ર * નવલકથા *૧૯૪૨ * સારાભાઈ નવાબ, અમદાવાદ *મૌલિક
બી.આ. *૧૯૪૭
૫. મહર્ષિં મેતારજ * - *૧૯૪૨ * સારાભાઈ નવાબ, અમદાવાદ *મૌલિક
બી.આ. ૧૯૪૭
૬. ભગવાન ઋષભદેવ * - *૧૯૪૭ *યશોવિજય જૈન ગ્રંથમાળા, અમદાવાદ *મૌલિક
૭. પ્રેમભક્ત કવિ જયદેવ *નવલકથા *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૮. ઉપવન *નવલિકાઓ *૧૯૪૪ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૯. પારકા ઘરની લક્ષ્મી *નવલિકાઓ *૧૯૪૬ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૦. બેઠો બળવો *નવલિકાઓ *૧૯૩૮ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
બી.આ. ૧૯૪૪
૧૧. મગધરાજ *નવલકથા *૧૯૩૮ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
બી. આ.૧૯૪૪
૧૨. ઝાંસીની રાણી *ચરિત્ર *૧૯૪૬ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૩. કસ્તુરબા *ચરિત્ર *૧૯૪૬ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૪. વીરધર્મની વાતો ભાગ ૧-૨ *જૈન કથાઓ *૧૯૪૭-૧૯૪૯ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૬. જવાંમર્દ *સાહસ કથા *૧૯૩૯ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
બી.આ. ૧૯૪૬
૧૭. એક કદમ આગે *સાહસ કથા *૧૯૪૬ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૮. હિંમતે મર્દા *સાહસ કથા *૧૯૪૮ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૧૯, ગઈ ગુજરી *સાહસકથા *૧૯૪૯ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૨૦. વિક્રમાદિત્ય હેમૂ *નવલકથા *૧૯૪૮ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
બી.આ. ૧૯૪૮
૨૧. ભાગ્યનિર્માણ *નવલકથા *૧૯૪૯ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૨૨. મત્સ્ય-ગલાગલ *નવલકથા *૧૯૫૦ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૨૩. માદરે વતન *નવલિકાઓ *૧૯૫૦ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
૨૪. બુદ્ધિસાગર *ચરિત્ર *૧૯૫૦ *ગુર્જર ગ્રંથરત્ન કા. અમદાવાદ *મૌલિક
અભ્યાસ-સામગ્રી
- તેમની હરેક કૃતિના અવલોકન માટે તે તે શાલનાં પ્રગટ થયેલાં ગુજરાત સાહિત્ય સભાનાં ગ્રંથસ્થ વાઙ્મયો જોવાં.
***