ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મણિશંકર જટાશંકર કીકાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મણિશંકર જટાશંકર કીકાણી

સૌરાષ્ટ્રની સાંસ્કારિક જાગૃતિના આ પ્રસિદ્ધ પ્રવર્તકનો જન્મ જૂનાગઢની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૮૨૨ના ઑક્ટોબરની ૨૨મી તારીખે થયો હતો. તેમના પિતાનું નામ જટાશંકર નંદલાલ અને માતાનું નામ ચંદ્રકુંવર હતું ચૌદ વર્ષની વયે તેમનાં બીજી વાર લગ્ન થયાં હતાં. તેમનાં પત્નીનું નામ નર્મદાદેવી. બાળપણમાં જ માબાપને ગુમાવનાર મણિશંકર મામાની દેખરેખ નીચે ઉછર્યા હતા. છ વર્ષે તેમને જૂનાગઢના ‘અધ્યારૂ’ની ગામઠી નિશાળે બેસાડવામાં આવ્યા હતા. એકાદ બે વરસમાં ત્યાં આંક, સરવાળા, ‘એકોત્તરી’ તથા કાગળ લખવા જેટલું ભાષા-જ્ઞાન લીધા પછી પિતાની મજમુંદારીનો ભાર ઉપાડવા સારું રાજકોટના એક નાગર ગૃહસ્થ કરસનછ અમરજી પાસે તેમજ ત્યાંની ‘બ્રિટિશ કોઠી’ના દફતરદાર પાસે ૧૮૩૭ સુધી એ કામની તાલીમ લઈને તેઓ અંગ્રેજ સરકારના મજમુંદાર તરીકે ‘કાઠિયાવાડ એજન્સી’માં દાખલ થયા હતા. ૧૮૪૪માં જૂનાગઢની ગાદી સંબંધી તકરાર ઊઠતાં અંગ્રેજ સરકાર તરફથી કેપ્ટન જેકબને લશ્કર લઈને જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા તેમની સાથે અઢાર વર્ષના મણિશંકરને પણ જવાનો હુકમ થયો હતો. તે વખતે કુનેહથી તકરારનું સમાધાન કરાવીને મણિશંકરે નામના મેળવી હતી. ‘એજન્સી’માં કોષાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચીને ૧૮૭૪ના સપ્ટેંબરની ૨૩મી તારીખે તેઓ એ પદ પરથી નિવૃત્ત થયા હતા. દુર્ગારામ મહેતાજી ગુજરાતના આદિ સુધારક હતા તે મણિશંકર કીકાણી સોરઠના પહેલા સુધારક હતા. જ્ઞાનપ્રચાર અને સમાજસુધારો તેમની બહુવિધ સંસ્કાર-પ્રવૃત્તિનાં મુખ્ય અંગો હતાં. ચૌદ વર્ષની ઊગતી વયમાં જ, પોતાના લગ્ન વખતે જ્ઞાતિના ‘ચાચરિયા’ના રિવાજનો હિંમતપૂર્વક ત્યાગ કરીને મણિશંકરે પોતાની ઉદ્દામ વિચારકતા બતાવી આપી હતી. ૧૮૫૪માં તેમણે જૂનાગઢમાં ‘સુપંથપ્રવર્તકમંડળી’ કાઢી હતી. તે મંડળી દ્વારા, તેમણે નાગર જ્ઞાતિમાં ‘શય્યાધીન વરવધૂને હોળીને દિવસે ભીંજવવાની’ રૂઢિ પ્રચલિત હતી તેને ઉખેડી નાખી હતી. એ મંડળી પછી ‘સૌરાષ્ટ્ર નાગર મંડળી’ રૂપે ફેરવાઈ જઈને નાગર જ્ઞાતિમાં મણિશંકરની પ્રેરણાથી વ્યસનનિષેધ, કેળવણપ્રસાર અને સાચા બ્રાહ્મણધર્મના આચારોનો આગ્રહ-એટલા સુધારા કરી શકી હતી. મરણ પામેલ વ્યક્તિની પાછળ આખી ન્યાત જમાડવાને બદલે બાવન બ્રાહ્મણો જમાડવાની રૂઢિ મણિશંકરે પાડી હતી તેથી એમને ‘મણિશંકર બાવનિયા’નું ઉપનામ લોકો તરફથી મળ્યું હતું. મહીપતરામના વિદેશગમનના પગલાને તેમણે ટેકો આપ્યો હતો. આમ, અનેક બાબતોમાં ગુજરાતી સુધારકોની સાથે મણિશંકરે કદમ મિલાવ્યા હતા. નર્મદ, કરસનદાસ, નવલરામ, ભોળાનાથ સારાભાઈ વગેરે તેમને સૌરાષ્ટ્રના અગ્રિમ સુધારક અને કેળવણીકાર તરીકે માન આપતા હતા. સુરત-મુંબઈના સુધારકોની માફક તેમણે ‘દેશસુધારા’ વિશે ભાષણો પણ આપ્યાં હતાં. તેમ છતાં તેમના સમકાલીન ગુજરાતી ‘સુધારા’ના કરતાં મણિશંકરનો ‘સુધારો’ જુદો તરી આવે છે. ગુજરાતનો સુધારો મુખ્યત્વે ઉચ્છેદક હોવાથી લોકોની શંકાનો વિષય થઈ પડ્યો હતો. મણિશંકરે પ્રબોધેલ સુધારો આરંભથી જ સંરક્ષક હતો. લોકશ્રદ્ધાની અવગણના કર્યા વિના સમાજસુધારાનો ઉપદેશ કરવામાં તેઓ માનતા હતા. તેમણે ધર્મના પાયા પર સુધારાની માંડણી કરી હતી. કોઈ પણ રૂઢિ તોડતાં પહેલાં તેઓ તેના ઉદ્દેશને ધર્મશાસ્ત્રની કસોટીએ કસી જોતા હતા. મંત્રજંત્ર તેમજ વિવિધ સામાજિક પ્રણાલિકાઓની શાસ્ત્રઆદેશ દ્વારા કસોટી કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. વેદધર્મને તેઓ પ્રમાણભૂત ગણતા હતા, પરંતુ મૂર્તિપૂજાનો નિષેધ તેમને માન્ય નહોતો. આને અંગે તેમને સ્વામી દયાનંદ સરસ્વતી સાથે પત્રવ્યવહાર દ્વારા લાંબો વિવાદ થયો હતો. તેવી જ ચર્ચા ભોળાનાથ સારાભાઈ સાથે તેમને વિધવાવિવાહ વિશે થઈ હતી. ટૂંકમાં, મણિલાલ નભુભાઈની માફક મણિશંકરની સુધારક દૃષ્ટિ સંરક્ષક અને ધર્મમૂલક હતી એમ કહી શકાય. નવલરામ લક્ષ્મીરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, પ્રાણલાલ મથુરાંદાસ અને હરગોવિંદદાસ કાંટાવાળાની પડખે રહીને મણિશંકરે સૌરાષ્ટ્રમાં શિક્ષણ-પ્રસારનું કાર્ય કર્યું હતું. ધાર્મિક, માનસિક અને શારીરિક એમ ત્રણે પ્રકારની કેળવણીની તેઓ હિમાયત કરતા. ધર્મજ્ઞાન અર્થે સંસ્કૃત, વ્યવહાર અર્થે ગુજરાતી અને ઉન્નતિ માટે અંગ્રેજી ભાષા-સાહિત્યના અભ્યાસની જરૂર તેઓ બતાવતા. અમદાવાદમાં ‘બુદ્ધિપ્રકાશ’ રીતસર ચાલતું થયું તે પછી થોડે વખતે- ઈ.સ. ૧૮૬૪માં–મણિશંકરે જૂનાગઢમાં ‘જ્ઞાનગ્રાહક સભા’ સ્થાપીને તેના તરફથી ‘સૌરાષ્ટ્ર દર્પણ’ નામનું માસિક પત્ર પ્રગટ કર્યું હતું. હરગોવિંદદાસ કાંટાવાળાસંચાલિત ‘વિજ્ઞાનવિલાસ’ની સ્થાપનામાં પણ તેમનો મુખ્ય હિસ્સો હતો. દંતકથાઓ ને પુરાણવાર્તાઓ ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારો, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, કાવ્યશાસ્ત્ર, ભાષા અને વ્યાકરણ એમ વિવિધ વિષયો ૫૨ લેખો લખીને એ બે પત્રો ચલાવવામાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો. ‘બુદ્ધિપ્રકાશ’ ‘તત્ત્વપ્રકાશ,’ ‘કાઠિયાવાડ સમાચાર,’ ‘અમદાવાદ સમાચાર’ ‘ચાબૂક’ વગેરે બીજાં સામયિકોમાં પણ તેઓ અવારનવાર લખતા. ઈતિહાસ અને પુરાતત્ત્વ તેમને અભ્યાસના ખાસ વિષયો હતા. નાગર જ્ઞાતિ, સૌરાષ્ટ્ર પ્રાન્ત તેમજ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખવા માટેની સાધન-સામગ્રી તેમણે ફરીફરીને એકઠી કરી હતી ને તે વિશે છૂટક લેખો પણ લખ્યા હતા. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ લખવામાં ભગવાનલાલ છત્રપતિને મણિશંકરે પુષ્કળ સામગ્રી પૂરી પાડીને મદદ કરી હતી. તેમણે સ્વદેશપ્રીતિ અને સ્વદેશીવ્રત વિશે કાવ્યો લખ્યાં હતાં. ઉપરાંત, ધર્મ અને સમાજસુધારાની સાદી પણ યથાર્થ અને ઊંડી સમજ આપે તેવાં લખાણોનો ‘ધર્મમાળા’ નામનો એક ગદ્યપદ્યાત્મક સંગ્રહ તેમણે તૈયાર કર્યો હતે. સુધારાના ઉપદેશના હેતુથી રચાયેલી એમની કવિતામાં સર્જકતા નહિ જેવી છે; પણ પદ્યરચનાના નિયમોનું તે યથાર્થ પાલન કરે છે. સંગીતશાસ્ત્રનો તેમને સારો અભ્યાસ હતો. એટલે એમનાં બધાં જ ગીતો તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય એવાં છે. ૧૮૭૦માં ‘વિજ્ઞાનવિલાસ’માં પ્રગટ થયેલ ‘માનવી ભાષા’ નામના લાંબા નિબંધે મણિશંકરને ‘પ્રમાણભૂત ભાષાવિદ્’ તરીકે ખ્યાતિ અપાવી હતી. તેમણે કરેલો ‘કાઠિયાવાડી શબ્દોનો સંગ્રહ’ સોરઠી તળપદી બોલીના અભ્યાસમાં આજે પણ ઉપયોગી ઠરે તેમ છે. આમ, સાહિત્ય અને શિક્ષણપ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની સંસ્કાર-સેવા બજાવીને મણિશંકર ૧૮૮૪ના નવેંબરની ૧૦મી તારીખે અવસાન પામ્યા હતા.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક
૧. સૂતક નિર્ણય *નિબંધ *? *પોતે
૨. ધર્મમાળા *ગદ્યપદ્યાત્મક લેખોનો સંગ્રહ *૧૮૭૧ *વિજયશંકર મણિશંકર મજમુદાર
૩. ગાયનાવલિ *ગીતોનો સંગ્રહ * ? *પોતે
૪. છોટી બહેનની પાઠાવલિ ભા-૧ *ગદ્યપદ્યાત્મક પાઠોને સંગ્રહ * ? *પોતે
૫. છોટી બહેનની પાઠાવલિ ભા -૨ * ? *પોતે
૬. બાળકોનો નિત્યપાઠ *ન્હાના પાઠો * ? *પોતે
૭. કાયિક, વાચિક, માનસિક પૂજા * - * ? *પોતે
૮. મણિશંકરના લેખોનો સંગ્રહ (સં.ચમનરાય શિવશંકર વૈષ્ણવ) * - *? *વિજયશંકર મણિશંકર મજમુદાર
આ ઉપરાંત તેમના પચાસથી વધુ લેખો અપ્રગટ સ્થિતિમાં છે.

અભ્યાસ-સામગ્રી

૧. શ્રી જયસુખરામ પુ. જોષીપુરાકૃત ‘મણિશંકર કીકાણી’ (શ્રી સયાજી સાહિત્યમાળા)
૨. નર્મદકૃત ‘ધર્મવિચાર’
૩. નવલગ્રંથાવલી (તારણ: સં. નરહરિ દ્વા. પરીખ)

***