ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/રવિશંકર મહાશંકર જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રવિશંકર મહાશંકર જોષી

પ્રૉ. રવિશંકર જોષીનો જન્મ ઈ. ૧૮૯૭ના સપ્ટેમ્બર માસની ૧લી તારીએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં રાજૂલા ગામમાં થયેલો. તેમનું મૂળ વતન બોટાદ; તેમના પિતાનું નામ મહાશંકર બહેચરભાઈ અને માતાનું નામ શ્રી. અંબાબહેન. તેમનું લગ્ન ઈ. ૧૯૧૪માં શ્રી. નર્મદાબહેન સાથે થયેલું છે. શિહોર પ્રાંતમાં આવેલા રાજૂલા ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી શિહોર મિડલ સ્કૂલમાંથી તેઓ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ઈ. ૧૯૨૪માં તેઓ એમ. એ. પાસ થયા અને મુખ્ય વિષય ગુજરાતીમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર તેમણે મેળવ્યો. ત્યારથી તેઓ શામળદાસ કૉલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. જીવનના જુદા જુદા તબકકે વિધવિધ પ્રકારનાં પુસ્તકો અને પુરુષોએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. તેમની બાલ્યાવસ્થામાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ચંદ્રકાન્ત’- એ બે પુસ્તકોની, તેમના કૉલેજજીવનમાં લા’ મિઝરેબ્લ’, ‘બ્રધર્સ કારમાસ્ત્રોવ’ અને ૧૯મા સૈકાના અંગ્રેજી કવિઓનાં કાવ્યપુસ્તકોની, અને ઉત્તરાવસ્થામાં ‘લીડ બીટર’, ‘ગીતા’ અને ‘ઉપનિષદો’ની તેમજ પ્રિન્સિપાલ શાહાણી, સર પ્રભાશંકર પટ્ટણી અને શ્રી. ઈશ્વરલાલ મહેતાના વ્યક્તિત્વની અસર તેમણે ઝીલી છે. તેમના પ્રિય લેખકો પણ એ જ પ્રમાણે બદલાતા રહ્યા છે. ૧૨થી ૨૫ વર્ષની વય સુધી કાલિદાસ અને શેક્સપિયર, ૨૫થી ૩૩ સુધી વિકટર હ્યુગો, ડૉસ્ટેવસ્કી અને ટાગોર, ૩૩થી ૪૦ સુધી ‘ગીતા’ થીઓસોફી તેમજ રહસ્યવાદને લગતાં પુસ્તકો, ૪૦થી ૪૮ સુધી ‘ઉપનિષદો’ અને પછીથી ‘યોગવસિષ્ઠ’ અનુક્રમે તેમના પ્રિય ગ્રંથકારે અને ગ્રંથો બનેલ છે. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ પરમાત્માનો અનુભવ ને તે દ્વારા તેની પ્રાપ્તિ કરવાનો છે. સાહિત્યને તેમના આ લક્ષ્યના એક સાધનરૂપ તેઓ માને છે. કૉલેજમાં અધ્યાપક તરીકેના શાંત જીવનથી અને તે દરમિયાન તેમને થયેલા કેટલાક આધ્યાત્મિક અનુભવોથી તેમનો જીવનવિકાસ થયો હોવાનું તેઓ કહે છે. તેમણે જીવનમાં લખવાની શરૂઆત પંદરમા વર્ષથી કરેલી અને કેટલાંક કાવ્યો, નવલિકાઓ અને લેખો તેમણે સામયિકમાં છપાવેલાં પણ તે દિશામાં તેમણે ઝાઝી પ્રવૃત્તિ પછીથી ચાલુ રાખી હોય એમ જણાતું નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યના એક સમર્થ અધ્યાપક તરીકે, ગુજરાતના એક બહુશ્રુત વિદ્વાન તરીકે અને શાંત જીવન જીવનાર એક સહૃદયી સરળ માનવ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. વિવેચનસાહિત્યમાં તેમનો ફાળો ઘણો ઓછો છે તો પણ તેમાં જેટલું તેમણે લખ્યું છે તેટલું તેમની સમર્થ શક્તિનો પરિચય કરાવે છે. તેમણે લખેલા ‘કાન્તની કાવ્યકલા’, ‘વલ્લભનાં આખ્યાનોની કૃત્રિમતાનો પ્રશ્ન’, ‘શામળ એક સમસ્યા’. ‘શ્રી મુનશીની સ્ત્રીત્વની ભાવના,’ ‘સાહિત્યમાં જીવનદર્શન, ‘કાવ્યાંગના’, ‘રસિકના કાવ્યો’ વગેરે પુસ્તકોની પ્રસ્તાવનાઓ ઇત્યાદિ લેખો તેમની કોમળ ભાષા, મધુર વિવેચનશૈલી અને કૃતિનું સાંગોપાંગ રસદર્શન કરાવવાની તેમની કુશળતાના પરિપાકરૂપ છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. અનુભવબિન્દુ *કાવ્ય *૧૯૩૩ *૧૯૪૬ *પોતે *સંપાદન
૨. ગુ. સા. સભાની ઈ. ૧૯૪૦-૪૧ની કાર્યવહી *સમીક્ષા *૧૯૪૦ *૧૯૪૧ *ગુ.સા.સભા, અમદાવાદ *મૌલિક

***