ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/શાંતિલાલ સોમેશ્વર ઠાકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શાંતિલાલ સોમેશ્વર ઠાકર

શ્રી. શાંતિલાલ ઠાકરનો જન્મ ઇ. ૧૯૦૪ના સપ્ટેમ્બર માસની ૧૫ મી તારીખે બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમના મૂળ વતન નડિયાદમાં થયેલો. તેમના પિતાનું નામ સોમેશ્વર અચરતલાલ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન ઈ. ૧૯૧૬માં શ્રી. સવિતાબહેને વેરે થયેલું છે. થરાદની ગુજરાતી શાળામાં પ્રાથમિક ત્રણ ધેારણોનું શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. ઈ. ૧૯૨૨માં મેટ્રિક થયા બાદ ગુજરાત કૉલેજમાંથી ઈ. ૧૯૨૪માં ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી કૉલેજની શિષ્યવૃત્તિ તેમજ યુનિવર્સિટીની પાટિલ સંસ્કૃત શિષ્યવૃત્તિ તેમણે મેળવી હતી. ઈ. ૧૯૨૬માં સંસ્કૃત-અર્ધમાગધી ઐચ્છિક વિષયો લઈ બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પણ કૉલેજમાં પ્રથમ નંબરે પાસ કરતાં તેમને ગુજરાત કૉલેજની દક્ષિણ ફૅલોશિપ મળી હતી. ઈ. ૧૯૨૮માં સંસ્કૃત અર્ધમાગધી ઐચ્છિક વિષયો લઈ તેઓ એમ. એ થયા. ત્યારબાદ ઈ. ૧૯૩૮માં તેઓ મુંબઈની એસ.ટી.ટી. કૉલેજમાંથી બી. ટી. પણ પાસ થયા હતા. તેમનો વ્યવસાય શિક્ષકનો છે. કેટલોક સમય ખેડાની અને નડિયાદની હાઈસ્કૂલોમાં આચાર્યનું કામ કરીને હાલ તેઓ બોરસદની હાઈસ્કૂલમાં આચાર્યપદે છે. કૉલેજકાળ દરમિયાન સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, શ્રી. રામકૃષ્ણ પરમહંસ અને શ્રી. અરવિંદ ઘોષ જેવા યોગીઓનાં ચરિત્રો અને લખાણોએ તેમજ સાધનાકાળ દરમિયાન સ્વામી શ્રી. પ્રકાશાનંદ (ગોદડિયા મહારાજ) અને અરવિંદાશ્રમવાળાં શ્રી. માતાજીના પ્રત્યક્ષ પરિચયે તેમના વ્યક્તિત્વ ઉપર ઘણી મોટી છાપ પાડી છે. ‘ગીતા’ અને ‘ઉપનિષદો’ જેવા તત્ત્વદર્શનના ગ્રંથોએ તેમના જીવનને ઘડ્યું છે. પ્રભુ નિમિત્તે કાર્ય કરી આંતરવિકાસ સાધવાનો તેમનો જીવન-ઉદ્દેશ છે. રવિબાબુ તેમના પ્રિય સાહિત્યકાર છે. ‘ગીતા’ તેમનો પ્રિય ગ્રંથ છે; નિબંધ તેમનો માનીતો સાહિત્યપ્રકાર છે. તેમના મનગમતા લેખન ને અભ્યાસવિષયો ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન છે, ઈ. ૧૯૨૭ થી કૉલેજ સામયિકોમાં અને નડિયાદની સાર્વજનિક વ્યાયામશાળા તરફથી ચાલતા ‘નારાયણ’ માસિકમાં તેમણે લેખો લખવાની શરૂઆત કરી હતી. પછી તો અનેક સામયિકોના પ્રોત્સાહનથી તેમનું લેખનકાર્ય ઉત્તરોત્તર મહોરતું ગયું. તેમનું પ્રથમ પુસ્તક ‘સંવાદમાલા’, યુનિવર્સલ પ્રેસ, નડિયાદ તરફથી ઈ.સ. ૧૯૩૪માં પ્રગટ થયું હતું. તેઓ ગુજરાતના એક કુશળ વક્તા તરીકે જાણીતા છે. ઈ.સ. ૧૯૩૮માં મુંબઈ ઈલાકાની આંતર કૉલેજ વકતૃત્વકળાની હરીફાઈ જીતીને તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. નિબંધલેખક તરીકે પણ તેમણે સારી ગુણવત્તા બતાવી છે. ‘મહાત્મા ગાંધીજીનું રાજકારણ અને હિંદી તત્ત્વજ્ઞાન’ એ વિષય પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ અમદાવાદની હિંદી તત્ત્વજ્ઞાન સમિતિ તરફથી ઈ.સ. ૧૯૪૭માં તેમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ‘પુસ્તકાલય’ પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ કપડવંજની સાર્વજનિક પુસ્તકાલય રજતમહોત્સવ સમિતિ તરફથી તેમને શ્રી. વિનોબા ભાવેને હાથે પારિતોષિક આપવામાં આવેલું. તે ઉપરાંત ‘શ્રી કૃષ્ણતત્ત્વ’ અને ‘લગ્નની લાયકાત’ એ બે નિબંધો લખીને તેમણે પ્રથમ પારિતોષિક મેળવેલાં. શ્રી. ઠાકર એક સારા વિચારક પણ છે. તેમના વિચારો પર શ્રી. અરવિંદની અને ચિંતનપદ્ધતિ ઉપર શ્રી. અંબાલાલ પુરાણીની સારી અસર પડેલી છે. તેમના નિબંધોના વિષયો પણ ઘણુંખરું ભક્તિ, તત્ત્વજ્ઞાન કે અગમ્યવાદને લગતા જ હોય છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. સંવાદમાલા *સંવાદો *૧૯૩૩ *૧૯૩૪ *યુનિવર્સલ પ્રેસ, નડિયાદ *અનુવાદ
૨. સાધન સૂક્તાવલિ *ગદ્ય *૧૯૩૫ *૧૯૩૬ *હિંદુ અનાથાશ્રમ પ્રેસ, નડિયાદ *અનુવાદ
૩. સ્કુલ્લિંગ ભા. ૧ *નિબંધો *૧૯૪૨ *૧૯૪૪ ભક્તિમાર્ગ કાર્યાલય, અમદાવાદ *મૌલિક
૪. ભક્ત મીરાં *નિબંધ *૧૯૪૪ *૧૯૪૮ *ભક્તિમાર્ગ કાર્યાલય અમદાવાદ *મૌલિક
૫. સ્કુલ્લિંગ ભા. ૨ *નિબંધો *૧૯૪૬ *૧૯૪૮ *ભક્તિમાર્ગ કાર્યાલય અમદાવાદ *મૌલિક
૬. નીતિશતક *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ *અનુવાદ
૭. વૈરાગ્યશતક *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ *અનુવાદ
૮. તુલસીદાસની સાખીઓ *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ *અનુવાદ
૯. કહેવતો *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ *સમ્પાદન
૧૦. મૃત્યુંજય *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *મહાગુજરાત પબ્લિશિંગ કું. મુંબઈ *અનુવાદ
૧૧. દશકુમારચરિત *ગદ્ય *૧૯૪૮ *૧૯૪૮ *મહાગુજરાત પબ્લિશિંગ કું. મુંબઈ *અનુવાદ
૧૨. નડિયાદને ઇતિહાસ *ગદ્ય *૧૯૪૯ *૧૯૪૮ *ભક્તિમાર્ગ કાર્યાલય અમદાવાદ મૌલિક

***