ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કિસનસિંહ ગોવિંદ ચાવડા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કિસનસિંહ ગોવિંદસિંહ ચાવડા

એઓ જાતે રજપુત-ક્ષત્રિય છે. એમના પિતાનું નામ ગોવિંદસિંહ અને માતાનું નામ નર્મદા છે. મૂળ વતની વડોદરાના; અને જન્મ પણ વડોદરામાં તા. ૨૭ મી નવેમ્બર ૧૯૦૪ ના રોજ થયો હતો. એમનું લગ્ન મધ્ય પ્રાંતમાં આવેલા ધાર ગામમાં સૌ. સરસ્વતી સાથે સન ૧૯૧૭માં થયું હતું. પ્રાથમિક અભ્યાસ વડોદરામાં જ કરેલો; વડોદરા રાજ્યમાં લેવાતી છઠ્ઠા ધોરણની પરીક્ષામાં તેઓ પહેલે નંબરે આવ્યા હતા. માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધેલું; અને અસહકારની ચળવળ વખતે તેઓ ગુજરાત મહાવિદ્યાલયમાં જોડાયલા. આમ તેમણે જે ઉંચી કેળવણી મેળવી છે તે સતત અભ્યાસથી વધારી છે. એમના જીવન પર શ્રી અરવિંદ ઘોષની પ્રબળ અસર થયલી છે. પોન્ડિચેરી આશ્રમ સાથે એમનો નિકટ સંબંધ સન ૧૯૨૫ થી શરૂ થાય છે અને સન ૧૯૨૭-૨૮, એ બે વર્ષ દરમિયાન એઓ ત્યાં જઈ વસ્યા હતા, એ પરથી એમની શ્રી અરવિંદ બાબુ પ્રતિ કેટલી ગાઢ ભક્તિ છે તે સહજ લક્ષમાં આવશે. જાતિની ઉન્નતિ અર્થે તેઓ આગળ પડતો ભાગ લે છે. પોતે “ક્ષત્રિય” પત્ર આઠ વર્ષથી તંત્રી તરીકે ચલાવે છે. તેમણેજ ક્ષત્રિય મુદ્રણાલયને પણ સુસ્થિતિમાં આણી મૂક્યું હતું. હમણા તેઓ “નવ ગુજરાત”ના સહ તંત્રી છે. એમનો પ્રિય વિષય તત્ત્વજ્ઞાન છે. તેઓ બંગાળી, મરાઠી અને હિંદીનું સારૂં જ્ઞાન ધરાવે છે; પ્રો. કર્વેનું જીવનવૃત્તાંત, હિંદી સાહિત્યનો ઇતિહાસ વગેરે કૃતિઓ એના દૃષ્ટાંતરૂપે નોંધી શકાય. હાલમાં તેઓ શરદ બાબુના ‘સંસાર’નો અનુવાદ કરી રહ્યા છે, જે પુસ્તક સન ૧૯૩૧ વર્ષની “નવ ગુજરાત”ની ભેટ તરીકે અપાનારૂં છે.

: : એમના ગ્રંથો : :

૧. શ્રી ધોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર સન ૧૯૨૭
૨. ગરીબની હાય (પ્રેમચંદ્રની નવલિકાઓ)  ”  ૧૯૩૦
૩. હિંદી સાહિત્યનો ઇતિહાસ*  ”
૪. જીવનનાં દર્દ (પ્રેમચંદજીની નવલિકાઓ)  ”

* મૌલિક કૃતિ. બાકીનાં અનુવાદ કરેલાં પુસ્તકો છે.