ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જગત્નાં સાહિત્યમાં એનું સ્થાન
૨. (જગત્નાં સાહિત્યમાં એનું સ્થાન.)
મ્હારા ગયા વ્યાખ્યાનને અન્તે મ્હેં કહ્યું હતું તેમ હવે આ વિચાર કરીએ કે જગત્નાં સાહિત્યમાં ગૂજરાતી સાહિત્યનું સ્થાન ક્યાં છે?
જગત્નાં સઘળાં સાહિત્યની બલ્કે એમાંનાં મુખ્ય મુખ્યની પણ ચર્ચા ઉપાડવી એ બહુ ભારે પડતી કહેવાય. તેથી આપણે પશ્ચિમના સાહિત્યના પ્રતિનિધિ તરીકે અંગ્રેજીને અને પ્રાચીન પૂર્વના સાહિત્યના પ્રતિનિધિ તરીકે સંસ્કૃતને લઈને વિચાર ચલાવીશું, આ કરવું બીજી રીતે પણ સગવડભર્યું છે; કારણ કે ગયા ભાષણમાં બતાવ્યું તેમ આ બે સાહિત્યે વર્તમાનકાળમાં ગૂજરાતી સાહિત્ય ઉપર પ્રબળ અસર કરી છે. પુનરુક્તિનો દોષ વ્હોરીને પણ હું તમને સ્મરણ આપું છું કે પ્રજાનું સાહિત્ય એ એની સંસ્કૃતિ સાથે બહુ સંબન્ધ ધરાવે છે, સામાજિક, રાજ્યપ્રકરણી અને આધ્યાત્મિક વિષયની સંસ્કૃતિ સાથે : તેથી સામાન્ય રીતે સાહિત્ય એ જીવનનું પ્રતિબિમ્બ ઝીલે છે એમ કહી શકાય. આથી એમ સમઝવું નહિ કે પ્રજાના કવિઓ, નવલકથાકારો, ઉપદેશકો વગેરે પ્રજાના હાથથી હલાવાતાં માત્ર પુતળાં છે, જેઓએ પ્રજાના મુખ માત્ર બનવું જોઈએ, અર્થાત્ એના જ વિચાર, એની જ ભાવના, એના જ અભિલાષ પ્રકટ કરવા જોઇએ, અને જાણે એમને પ્રજાના ધોરણથી ઊંચે જવાનો અધિકાર જ ન હોય. શક્તિ અને કલ્પકતાવાળા એવા પુરુષો ઉત્પન્ન થશે જ કે જે એમના ઉચ્ચ દર્શનથી પ્રજાની બુદ્ધિને દોરશે, એમનાથી દોરાશે નહિ. કેઈ પણ સાહિત્યકાર એના જમાનાથી આગળ હોઈ શકે નહિ, એ ભ્રાન્તિ છે. આ સંબન્ધમાં હૅમ્લેટનું અવલોકન કરતાં જર્વાઈનસે કહેલું યાદ કરવા જેવું છે. એ કહે છેઃ
“In this anticipation there lies on the side of the poet a true greatness; there is no doubt that in this deep sensibility, as well as in the high intelligence with which he invested Hamlet very few of his con- temporaries could follow him. The honor of being in advance of the age is in most cases only equivocal. A man should belong to his age and the work which lies nearest he should advance according to his ability. Anticipating time, moreover, is too often the incapa- bility of idealistic enthusiasts to bear the actual. It is only when a man, such as Shakespeare, entirely and fully belongs first to his age and its cultivation and business in every essential direction, and also by his power of mind anticipates the method of thought and feeling in generations to come, that we can respect this advanced position as the token of a true and great superiority.”
(Commentaries on Shakespeare: Hamlet; p. ૫૭૪).
અર્થાત્—
આમ પોતાના જગત્ કરતાં આગળ રહેવામાં કવિનો ખરો મહિમા રહેલો છે. આમ ઊંડી લાગણીમાં તેમજ ઊંચી બુદ્ધિ હેમ્લેટને અર્પવામાં શેક્સપિયરે જે પગલું ભર્યું છે એમાં એના સમકાલીન જનોમાંથી થોડાક જ એને અનુસરી શક્યા હશે. પોતાના સમયથી આગળ હોવાનું માન બે અર્થનું છે : માણસે પોતાના સમયના હોવું જોઈએ અને પોતાની સમક્ષ જે કાર્ય પડ્યું હોય તે પોતાની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. પોતાના સમયની આગળ ધસવું એ ઘણી વાર ભાવનાને આધીન થઇ પડેલા ઉત્સાહી જનોની અશક્તિનું ચિહ્ન હોય છે. શેક્સપિયરની પેઠે જે પ્રથમ પોતાના સમયનો થઈ પોતાના સમયને સારી રીતે ખેડે છે, અને તે સાથે પોતાની બુદ્ધિશક્તિથી ભવિષ્યના જમાનાના વિચાર અને લાગણીને પણ વર્તમાનમાં ખેંચવાની શક્તિ ધરાવે છે–તેવા મનુષ્યનું પોતાના સમયથી આગળ હોવું એ મહત્તાનું લક્ષણ છે એમ સમજી એને માન આપી શકીએ છીએ.
અહીં જર્વાઇનસ બે પક્ષ વચ્ચે સમતા ધારણ કરે છે. તેમાં એક પક્ષ એવો કે સાહિત્યકારે એના સમય સાથે ચાલવું જોઇએ, અને બીજો એવો કે સમયથી આગળ ચાલવામાં જ એની મહત્તા છે. અને આ બીજાની બાબતમાં પણ જર્વાઇનસ માગે છે કે એણે જમાનાની આગળ જવા છતાં પણ એણે એક પગ વર્તમાનમાં રાખવો જોઇએ, જેમ શેક્સપિયર કરી શક્યો હતો.
આ વિચારની સામે, છેક સામે નહિ પણ એને મુકાબલે, કાર્લાઇલ શું કહે છે એ પણ સાંભળીએ. એ કહે છે :–
“I liken common languid times, with their unbe- lief, distress, perplexity, + + +
impotently crumbling down into even worst distress towards ruin: all this I liken to dry dead fuel, waiting for the lightning out of heaven that shall kindle it. The great man with his free force direct out of God’s own hand, is the lightning. x x Those are critics of small vision, I think, who cry: see is it not the sticks that made the fire?”
(Heroes and Hero-Worship: P. ૧૩
The World’s Classics Series).
ભાવાર્થ–સામાન્ય અને નબળા સમયો, જેમાં અશ્રદ્ધા, દુઃખ, મૂંઝવણ પ્રવર્તે છે અને જે નિર્બળતાથી વિનાશને વશ થાય છે એને હું સૂકા મુવા કાષ્ઠ સાથે સરખાવું છું–જે કાષ્ઠમાં આકાશમાંથી એક વીજળી ઊતરે તો એને સળગાવે, મહાન પુરુષ કે જે પરમાત્માના પોતાના હાથમાંથી નીકળેલી એક સ્વતન્ત્ર શક્તિ છે; એ વીજળી સમાન છે. તેઓ ટૂંકી દૃષ્ટિના છે, જેઓ એમ કહે છે કે જુવો આ કાષ્ઠે જ શું અગ્નિ પેદા નથી કર્યો?” અહીં કાર્લાઇલ મહાન પુરુષો તે એમના જમાનાનો ફલપાક છે એમ માનનારા ટૂંકી દૃષ્ટિવાળા વિવેચકોનું હિંમતભેર ખંડન કરે છે.
આ બે વિચાર, જર્વાઈનિસનો અને કાર્લાઇલનો, પરસ્પર વિરુદ્ધ જ છે એમ નથી. વસ્તુતઃ એ એકબીજાની પૂર્તિ કરે છે. બેશક, કેટલાક એવા છે કે જેઓ અપૂર્વ કલ્પકતાનો દાવો કરે છે, જો કે વસ્તુતઃ એમનામાં સ્વચ્છન્દી આડાઈ વિના બીજું કાંઈ જ હોતું નથી. આવા જનોને માટે જર્વાઈનસ સારી ટીકા કરે છે. જે માણસ એમ ઢોંગ કરે કે મ્હારાથી તો ગાયકગણ સાથે ગવાશે નહિ, હું તો ગરબો ઉપાડીશ અને બીજાએ એ ઝીલવો જ જોઈએ, એ માણસ બેસુરૂં જ ગાતો હશે એમ ખાતરી રાખવી. આવા માણસો માટે જર્વાઈનસનું કહેવું સંપૂર્ણ રીતે સત્ય છે. અને કાર્લાઇલ જે ખરા મહાન પુરુષોનો પક્ષ લઇ કહે છે કે એઓ આકાશમાંથી ઊતરતાં તેજ છે અને તેથી તેમને આ ભૂમિની પેદાશ માનવી એ ભ્રાન્તિ છે એ એનું કહેવું પણ એ જાતના મહાન પુરુષો પુરતું સાચું છે. આવા પુરુષો સામાન્ય મનુષ્યોની પંક્તિમાં ભળી જાય અને એમની રીતે નબળે સ્વરે ગાય એ ન બને. નવા સૂર કાઢવા એ એ મહાન પુરુષોનો અધિકાર છે. જેઓ એમનું ગાન ઝીલી શકે તે ઝીલે, ન ઝીલી શકે તે આઘા રહે. આવા મહાન પુરુષો પ્રાકૃત પ્રજાજનના ગુલામ થઈને નજ રહે. અર્થાત એ એમની પરિસ્થતિનાં પાંજરામાં કદી પુરાવાના નહિંજ.
કોઇ પણ પ્રજાના સાહિત્યનો વિચાર કરવામાં આ દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખી આપણે જોવાનું એ કે એવા મહાન સાહિત્યકારો એ પ્રજામાં થયા છે કે કેમ?–આ માટે પ્રજાના જીવનનું અવલોકન કરવું જરૂરનું છે. પરંતુ આપણા ગૂજરાતી સાહિત્યને આ કેસેટી લાગુ કરતા પહેલાં સાહિત્ય તે પ્રજાની સંસ્કૃતિના ઇતિહાસની પૂર્વાપેક્ષા રાખે છે એ સિદ્ધાન્ત તરફ એકવાર ફરીથી વળિયે; અને એ હેતુથી આપણા પ્રાન્તના ઇતિહાસ ઉપર, આપણા પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યના ઉપર એ પ્રકાશ નાંખે છે તે મુખ્યત્વે જોવા માટે, ઝડપથી નજર નાંખી જવાની જરૂર છે; જેથી કરીને પશ્ચિમમાં અંગ્રેજી સાહિત્ય અને આપણા દેશમાં સંસ્કૃત સાહિત્ય વડે પ્રતિબિમ્બિત થનારા દુનિયાંના સાહિત્યમાં આપણા સાહિત્યને તુલનાદૃષ્ટિથી ખરૂં સ્થાન આપી સકિયે. પણ આ કરતા પહેલાં આપણે પ્રથમ તો મૂળપાયો અર્થાત્ પ્રજાનો ઇતિહાસ તપાસીએ. આપણા લોકના ઇતિહાસનું જીવતું ચિત્ર આપણા મનોનયન આગળ ઊભું કરવા માટે આપણી પાસે પુરતાં સાધનો નથી. આ વિષયમાં આપણે બહુ દરિદ્ર છીએ. ઐતિહાસિક દૃષ્ટિ આપણી પ્રજામાં પ્રાચીન તેમજ અર્વાચીન કાળમાં, નહોતી એમ કહીએ તો ચાલે : અને તેથી છૂટાછવાયાં સાધનો અને સામગ્રીની મદદથી ઇતિહાસ આપણે ઊભો કરવો પડે છે. આ સાધનો અને સામગ્રીમાં બધા જ સરખી કિંમતનાં નથી. ઇંગ્લંડના ઇતિહાસ પરત્વે પણ ઇંગ્લંડના એક મહાન ઇતિહાસકારે સાધનની ખોટ માટે ખેદ દર્શાવ્યો છે. “ફ્રાન્સના રાજ્યપરિવર્તનો ઇતિહાસ” લખતા કાર્લાઈલ કહે છે :
“The oak grows silently, in the forest a thousand years; only in the thousandth year when the woodman arrives; with his axe, is there heard an echoing through the solitudes, and the oak announces itself when with far-sounding crash, it falls. How silent too was the planting of the acorn, scattered from the lap of some wandering wind! Nay, when our oak flowered or put on its leaves (its glad events), what shout of proclamation could there be? Hardly from the most observant a word of recognition. These things be-fell not; they were slowly slowly done: not in an hour but through the flight of days. What has to be said of it? This hour seemed altogether as the last was, as the next would be.”
ભાવાર્થ—એક વૃક્ષ વનમાં નિઃશબ્દ ઊગ્યે જાય છે. હજાર વર્ષ પછી જ્યારે કઠીઆરો એને કુહાડો મારે છે ત્યારે એ નિર્જન વનમાં પ્રથમ શબ્દ ઉદ્ભવે છે, અને દૂર સુધી સંભળાતા અવાજ સાથે એ જ્યારે પડે છે ત્યારે એ પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે. એનું બીજ વવાય છે તે પણ કોઇ આગન્તુક પવનની લહેરના ખોળામાંથી આવીને નિઃશબ્દ રીતે વવાય છે, એ વૃક્ષને ફુલ આવ્યાં અને પલ્લવ પાંગર્યા-ત્યારે એનો શો ડંકો વાગ્યો હતો? કશોજ નહિ. એ વસ્તુઓ થઈ નથી, ધીમે ધીમે કરાઇ છેઃ એક ઘડીમાં નહિ, પણ બહુ દિવસે. જેવી એની ગઇ ઘડી હતી અને જેવી ભવિષ્યની ઘડી આવવાની છે તેવી જ વર્તમાન પણ દેખાય છે.
આમાં અર્ધ સત્ય છે, પણ જે છે તેના ઉપર આપણે લક્ષ ઠેરવવાની જરૂર છે. ઇંગ્લંડના ઇતિહાસમાં માત્ર મહાન બનાવ બન્યો એટલીજ નોંધ કરીને ઇતિહાસકારો બેસી રહ્યા નથી, પણ એ વૃક્ષ કેવી રીતે ઉગ્યું એનું વર્ણન પણ તેઓ આપી શકે છે. પણ પ્રજાના જીવનનાં ઊંડાણો સમઝવાની કાર્લાઇલને જરૂર જણાઇ–એ અપેક્ષા પાછળના લેખકોએ ઘણે ભાગે પુરી છે, તો પણ જો ઇંગ્લાંડ અને ફ્રાન્સ જેવા દેશ કે જ્યાં ઐતિહાસિક દૃષ્ટિ બહુ ખીલેલી છે ત્યાં પણ જો આ મુશ્કેલી લાગી તે આપણા પ્રાન્ત માટે તો શું જ કહેવું?
આ દૃષ્ટિએ જોતાં રા. ગોવર્ધનરામ ત્રિપાઠીનો “The Classical Poets of Gujarat”-યાને “ગૂજરાતના શિષ્ટ કવિઓ” ઉપર લખેલો નિબન્ધ અણમોલો છે. એમાં ગમે તેટલી ખામી છે તોપણ ગૂજરાતી સાહિત્યનો ઉપર કહ્યો તેવો પ્રજાના જીવનની દૃષ્ટિએ ઇતિહાસ અવલોકવાનો એ પ્રથમ પ્રયત્ન છે. થોડી સામગ્રીના પાયા ઉપર મોટી ઇમારત રચવાના પ્રયત્નને લીધે, તેમજ એમણે કલ્પનાને જે છૂટથી ઉડવા દીધી છે તે કારણથી, એમાં દોષો આવ્યા છે. છતાં હું એને કિમતી લેખું છું.
પ્રજા મહાન હોયા વગર એનું સાહિત્ય કદી મહાન થઇ શકતું નથી. આ સત્ય ઘણીવાર ભૂલાઈ જાય છે. પ્રજા એક વખત મહાન હતી એટલું બસ નથી. એની મહત્તા અવિચ્છિન્ન ચાલતી રહેલી હોવી જોઇએ. ભૂતકાળની મહત્તાનાં કિરણો એ સજીવ મહત્તાના પ્રકાશ આગળ અન્ધકાર જેવાં લાગે. તેથી પોષિત રાષ્ટ્રિય જીવન અને અભિલાષથી એ પુરાણો પ્રકાશ જો સતત ન રખાય તો એ દીવો ડોલતો ડોલતો જરૂર અસ્ત થઈ જશે. આ વાત ધ્યાનમાં રાખીશું તો પશ્ચિમનું તથા જૂનું સંસ્કૃત સાહિત્ય અને આપણા દેશનું વર્તમાન સાહિત્ય એ બે વચ્ચે આટલો બધો ગુણનો તફાવત કેમ છે એ સમઝાશે. અંગ્રેજી સાહિત્ય હજાર વર્ષથી અવિચ્છિન્ન વધતું આવ્યું છે. રાજ્ય, વહેપાર, હુન્નર-ઉદ્યોગ, ધર્મ, સમાજસંસ્થા, ભૌતિક વિજ્ઞાન, દૂર દેશની મુસાફરી, ટૂંકામાં, વિશાળ સ્વરૂપની સંસ્કારિતા રચવામાં જે જે સામગ્રી આવે છે તે સર્વથી એનું જીવન અને તેથી એનું સાહિત્ય સમૃદ્ધ થયું છે. તો એથી સ્હામે પક્ષે આપણી પ્રાચીન સંસ્કૃતિ જો કે અનેક શતકો ઉપર જ્ઞાન, કલા, ઉદ્યોગ તથા પ્રજાવિકાસ આદિ અનેક વિષયોમાં અદ્વિતીય હતી, તથાપિ તે પ્રતિકૂળ વાતાવારણને લીધે સૂકાઇ ગઇ, અને યદ્યપિ થોડાંક શતક આગળ સૂધી એ સંસ્કૃતિ છૂટાં છવાયાં વ્હેણમાં એ વહી ખરી, તોપણ આપણું ગૂજરાતી ભાષાનું સાહિત્ય આપણે નવું જ ઉત્પન્ન કરવાનું છે એમ કહીએ તો ચાલે. ભૂતકાળનો એનો વારસો બહુ થોડો છે, અને વળી એકદેશી છે; અને એ ઉતરતાં ઊતરતાં બગડી પણ બહુ ગયો છે. રાષ્ટ્રિય જીવન ઘણા સૈકા સુધી સુકાઈ જવાથી આપણા સાહિત્યજીવનને નવેસરથી ઉભું કરવાનું હોય એમાં આશ્ચર્ય નથી. આથી જો કે આપણી પ્રાચીન સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ કરતાં પહેલાંની છે તો પણ તે અવિચ્છિન્ન નથી રહી તે કારણથી આપણું સાહિત્ય અવિચ્છિન્ન જીવનવાળા અંગ્રેજ સાહિત્યથી પછાત પડી ગયું છે.
હવે આપણે જોઇ સકીશું કે–આપણું જૂનું ગૂજરાતી સાહિત્ય એકદેશી કેમ છે. એમાં અમુકજ ઢબનું ધાર્મિક સાહિત્ય, અને માત્ર પ્રાચીન મહાભારત–રામાયણ અને પુરાણમાંથી લીધેલાં આખ્યાનો જ જોવામાં આવે છે. અપૂર્વ કથા-વાર્તા અપવાદરૂપ અને બહુ થોડી છે. હું આ નિન્દા કે નિરાશાના ભાવથી નથી કહેતો, પણ વસ્તુસ્થિતિ છે તેવીજ નોંધવી જોઇએ. પરંતુ તે સાથે અત્યારે જે આનન્દદાયી ચિહ્નો દેખાય છે તે પણ નોંધવા જોઇએ–જો કે આપણું સાહિત્ય જગત્ના સાહિત્યની હરીફાઇમાં ઉભું રહી શકે એ સમય આવવાને હજી બહુ વાર છે. તત્ત્વજ્ઞાન, ભૌતિક વિદ્યા, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ વર્તમાન પશ્ચિમની વિદ્યાનાં શાસ્ત્રો હજી આપણા સાહિત્યને અજાણ્યાં છે. જે છે તે માત્ર અનુવાદ અને તારવેલા સાર છે, પણ હજી અપૂર્વ ગ્રન્થો એ વિષયમાં રચાયા નથી એમ મ્હારૂં કહેવાનું તાત્પર્ય છે. પણ પશ્ચિમના સાહિત્યનો સંપર્ક, સંસ્કૃતના અભ્યાસનો પુનરુદ્ધાર, અને તે સાથે સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રજાના નવા અભિલાષો એ સહુ મળીને અત્યારે આપણી સાહિત્યપદ્ધતિ ઉપર અસર કરવા લાગ્યાં છે. આ જોતાં આપણે નિરાશાના ગર્તમાં ડૂબવાનું કારણ નથી. એથી ઊંચા પ્રયત્ન કરવા માટે, અત્યાર સુધી થયા છે તેથી વધારે વૈવિધ્યયુક્ત તથા સતત પ્રયત્નો કરવા માટે, આપણું પ્રેરણાબળ આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણા આદર્શ, આપણા અભિલાષ આપણે હમેશાં ઊંચા જ રાખીશું.
મ્હોટાં ન્હાનાં વધુ મ્હોટામાં, તે ન્હાનાં પણ મ્હોટાં;
વ્યોમદીપ રવિ નભબિન્દુ તો ઘર દીવડાં નહિ ખોટાં.
–એેવો દરિદ્ર આત્મસંતોષ ન સેવતાં ઉચ્ચપદ પ્રાપ્ત કરવાનો દૃઢ નિશ્ચય આદરવાની જરૂર છે. જ્યાં સુધી જીવન ઉચ્ચ ન થાય ત્યાં સુધી સાહિત્ય ઉચ્ચ ન થાય એ મ્હારા કહેવા સામે એમ કહેવામાં આવશે કે આપણા સામાન્ય જનનું જીવન પણ તત્ત્વજ્ઞાનનાં મહાન અને ભવ્ય સત્યોથી એવું તો ભરપુર છે કે જેવું એ છે તેવું બીજા દેશોમાં મળવું કઠણ, હું આ સ્વીકારૂં છું. પણ તેથી કરીને મ્હારી દલીલ કલુષિત થતી નથી; અને સાથે બીજી એટલી જ મહત્ત્વની વસ્તુસ્થિતિ સ્વીકારવાની છે. એ કહ્યા વિના ચાલતું નથી કે આ મહાન સત્યો દૂર દૂરના ભૂતકાળમાંથી ઊતરી આવતાં ઝાંખાં પડી ગયાં છે અને તેથી એની ભવ્યતા ભાગ્યે જ અનુભવગોચર થાય છે. અને તેથી એ સત્યો પણ લગભગ અર્થહીન શબ્દ માત્ર થઈ ગયાં છે. એક સમય ઉપર દીપ્તિવાળાં વસ્ત્ર, પૂર્વજો કનેથી વારસામાં ઉતરી આવેલા જીર્ણ છિન્નભિન્ન થયેલાં, પેઢીદરપેઢી ચાલતાં આવે હેવો આ પ્રકાર છે. આથી આપણી પ્રાચીન કવિતામાં જે વેદાન્તનાં સત્યો અને સિદ્ધાન્તો આપણે જોઈએ છીએ તેમાં જીવતો અગ્નિ અને પ્રકાશ નથી–અને તેથી એ પિષ્ટપેષણરૂપ શબ્દાવલિ જ થઈ રહે છે; ખરા કવિત્વમાંથી પ્રકટેલાં જીવન્ત સત્યનાં દર્શન એમાં થતાં નથી. બેશક, જુના કવિઓમાં આના અપવાદ પણ છે. પણ ક્વચિત્ જણાતા આ અપવાદ ઉત્સર્ગને સ્થાપે છે. આવો એક અપવાદ નરસિંહ મહેતાની નીચેની પંક્તિમાં દેખાય છે :
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે;
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
અને છતાં–છતાં (કહેતાં વાણી ધ્રુજે છે પણ કહેવું પડે છે કે) આ પંક્તિઓમાં પણ ખરા કવિત્વની મને ખામી લાગે છે. હવે જગત્નાં સાહિત્યમાં આપણું સાહિત્યનું સ્થાન ક્યાં છે એ યોગ્ય કસોટીથી નક્કી કરવાનો પ્રયત્ન કરીએ. ઉપર કહ્યું તેમ આપણા સાહિત્યના મ્હોટા ભાગનો વિષય ધર્મ છે. આ ધાર્મિક સાહિત્યના બે પેટા વિભાગ પાડી શકાય; એક Ascetic યાને વૈરાગ્યપરાયણ, અને બીજે Passionate યાને ભક્તિ અને પ્રેમના વેગથી ભરેલું. જેમાં શૃંગાર અને માતાના પ્રેમનો પણ સમાવેશ થાય છે. આ વર્ગનાં કાવ્યોને કેટલે દરજ્જે કાવ્યનું ખરૂં લક્ષણ લાગુ પડે છે એ મ્હોટો પ્રશ્ન છે એમાં ઉતારવાનું અહીં બની શકે એમ નથી. પણ સામાન્ય રીતે હું એટલું કહીશ કે શાન્ત રસ કે જેને રસનું સ્થાન રસશાસ્ત્રીઓએ સંકોચ સાથે આપ્યું છે એની જમાવટ કોઇ કોઇ કાવ્યમાં ઠીક થઇ છે, પણ ઘણાંખરાં આ ધર્મનાં કાવ્યો હલકી પ્રતિનાં છે. બીજો વર્ગ જે ભક્તિ કાવ્યોનો એના પણ બે પેટાભાગ પાડી શકાય. એક સાચા હૃદયના વેગનાં કાવ્યો અને બીજો દુષ્ટ શૃંગારનાં કાવ્યો. ગોવર્ધનરામ એમના “Classical Poets of Gujarat” નિબન્ધમાં આ ભાવિક પ્રશ્નનો ઉત્તર ખોળવા પ્રયત્ન કરે છે; કૃષ્ણને મધ્યમૂર્તિરૂપ સ્થાપનારાં ઉત્કટ શૃંગારરસનાં કાવ્યો વાંધાભરેલાં નથી ગણાતાં, અને નિત્ય જીવનમાં જે બાબતો સ્વપ્નમાં પણ ના આવે અને બોલી ના સકાય તે બાબતો કૃષ્ણના દેવજીવનના પ્રસંગ બનતાં તે કાવ્યો માબાપ અને પતિયોની સમક્ષ રસભેર ગવાય છે, તેનું શું કારણ? ગોવર્ધનરામનાં કહેવા પ્રમાણે, કૃષ્ણનાં ચરિત્ર જનસમાજની સામાન્ય નીતિને ધોરણે તપાસવાનાં નથી, અને સામાન્ય નીતિનું ધોરણ કૃષ્ણના ચરિત્રમાંથી નહિ, પણ કૃષ્ણના ઉપદેશમાંથી ગ્રહણ કરવાનું છે. કૃષ્ણના ભક્તને ભક્તિરસ એ જ એનું સર્વસ્વ હતું, અને ધર્મ એ નીતિ અને રૂઢિના નિયમોથી પાર હતો. આમ ઉત્તર આપવામાં ગોવર્ધનરામે જે ખાસ વકીલાત ચલાવી છે તેના ઉપર ટીકા કરવાની જરૂર નથી. પણ એમણે આપેલો ખુલાસો મર્યાદિત સ્વરૂપમાં સ્વીકારીને પૂર્તિરૂપે હું એક સૂચના કરૂં. આપણે યાદ રાખવું કે કૃષ્ણના ભક્તને કૃષ્ણ એ પૂજ્ય અને ભક્તિવિષય વ્યક્તિ છે; તેથી જેમ માતાપિતાની પ્રેમચેષ્ટાઓ પુત્રાદિકના મનમાં આઘાત અને જુગુપ્સા ઉત્પન્ન કરે તેમ જ એ વ્યક્તિને વિશેના શૃંગારરસનું દર્શન ભક્તહૃદયને પણ આઘાત કરે. તો, રાધા અને અન્ય ગોપીઓ તથા કૃષ્ણની પ્રેમચેષ્ટાઓ કૃષ્ણભક્ત હો કે ના હો તેવા ગુજરાતી વાચકની લજ્જાબુદ્ધિને ક્ષોભ નથી આપતી૧[1] તેે તેમાં એવું કંઈક એવું તટસ્થતાપૂરક તત્ત્વ હોવું જોઇયે, એવું ભાવનારૂપ આપનારૂં તત્ત્વ હોવું જોઇયે, જેથી એ સમગ્ર વ્યાપારનું સ્વરૂપ જ ફેરવી દે છે, કાવ્યનાયકનાં હૃદયભાવ અને આચરણોને અંગત કક્ષામાંથી ઊપાડી લઈને વ્યક્તિરૂપથી અબાધિત પ્રદેશપર લઇ જાય છે. મને લાગે છે કે રસશાસ્ત્રીઓએ રસનું વિવેચન કરતાં કવિતાની જે વિશિષ્ટતા બતાવી છે કે એ સઘળા ભાવને સાધારણ યાને imper-sonal-કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ ન ધરાવતા એવા–બનાવે છે એ દૃષ્ટિએ મુશ્કેલીનો ખુલાસો શોધવાનો છે. નીતિ બલ્કે નીતિ વિરુદ્ધ તત્ત્વને પણ રસમાં પરિણત કરવાની જે ક્રિયા, એથી આનો ખુલાસો થાય છે. (“It is the aestheticizing of the ethical or rather anti-ethical element in these poems that partly explains the position.”) એક ઉદાહરણ લઇએ;
હું શું જાણું વ્હાલે મુજમાં શું દીઠું ?
વારે વારે સ્હામું ભાળે મુખ લાગે મીઠું; હું શું.
જાઉં જળ ભરવા ત્ય્હાં પૂંઠે પૂંઠે આવે,
વગર બોલાવ્યે વ્હાલો બેડલું ચઢાવે. હું શું.
બીજું–
“જળ જાતાં આજ ઘૂંઘટડામાં મોહનજીનું મુખ દીઠું રે,
અમૃત રસ પણ એ થકી ફીકો બાઈ એહવું લાગ્યું છે મુને મીઠું રે.
એહને પણ કાંઈ નથીરે અજાણ્યું મુને સાન કરી સમઝાવી રે,
ચાંપી રુદે કરી હેત જણાવ્યું મુને સ્હામાં તે નેન નચાવી રે.
શું કહું સુખડું તે જ સમાનું શર સ્નેહ તણા ઉર વાગ્યા રે,
મનમાં આવે તે મુખે ક્યમ કહેવું? પેલા દુરિજન દૈત્યશા લાગ્યા રે.
રસિયો રૂપાળો ચતુર કો એવો નથી અવર મેં નિશ્ચે ભાળ્યું રે,
ધન ભાગ્ય જેણે દયાના પ્રીતમ સંગ મનગમતું સુખ મહાલ્યું રે.
અહીં નાયક–નાયિકા એ કોઈ વ્યક્તિ વિશેષ નથી પણ સાધારણરૂપે નાયક-નાયિકા છે, અને આમાં જે કૃષ્ણનું નામ આવે છે તે રૂઢ સંપ્રદાયને અનુસરીને; કોઈ વ્યક્તિ સાથે એનો સંબંધ નથી. આમ છતાં, કાવ્યની શૃંગાર રસની શાખા સંબંધમાં આટલું કહ્યા પછી, સ્વીકાર્યા પછી એ કરતાં જે અધિક બચાવ કરવામાં આવે છે એ હું સ્વીકારી શકતો નથી. કારણ કે ગમે તે કહો પણ આ જાતની કવિતામાં બે દોષ છે; એક તો આવે સ્થળે કવિ પોતાના જ નીતિવિરુદ્ધ એવા શૃંગારી ભાવને પ્રકટ કરતો હોય છે, અને કૃષ્ણનું નામ તો માત્ર ઓઠા તરીકે જ હોય છે; અને બીજું આ જાતનાં કાવ્યોની અસર જનસમાજની નીતિ ઉપર અનિષ્ટ થયા વિના રહેતી નથી. દયારામના ડભોઈના જીવનચરિત્રનો બચાવ કરવા એમના ઉપાસકોએ જે યત્ન કર્યો છે એ મિથ્યા છે. એક બીજા દૃષ્ટિબિન્દુથી પણ આ જાતના શૃંગાર રસના ઉદ્ગારનો ખુલાસો થઈ શકે. કલ્પનાશક્તિના સાહિત્ય સામે પ્લેટોની એક એ ફરિયાદ હતી કે મનુષ્યની વૃત્તિના વેગને એ વધારે છે, અને બુદ્ધિના તેજને ઘટાડે છે. આ આક્ષેપનો પરિહાર કરતાં ઍરિસ્ટોટલ વૈદ્યક શાસ્ત્રની એક ઉપમાનો પ્રયોગ કરે છે, અને કહે છે કે કાવ્યો ઉદ્દીપક નથી, પણ રોચક છે, અર્થાત્ વૃત્તિઓને ઉછાળતાં નથી પણ એને આત્મામાંથી બહાર કાઢી નાંખે છે અને એ રીતે આત્માને સ્વચ્છ કરે છે. પરંતુ આ બચાવનો દુરુપયોગ થવાનો પૂરો સંભવ છે. આટલી ચેતવણી સાથે, આ પ્રકારની શૃંગાર કવિતાના સંભવ માટે ખુલાસો અથવા બચાવ સ્વીકારી સકાશે. પણ આ જાતની કવિતાનો એક બીજો બચાવ ઘણો જ ખરાબ છે; તે એ કે કૃષ્ણ અને ગોપીઓના શૃંગારનો વેગ એ જીવાત્માના પરમાત્મા પ્રતિના ભક્તિના વેગના દૃષ્ટાન્તરૂપે લેવાનો છે.[2] જ્ઞાન વૈરાગ્યનાં કાવ્યોથી પણ આપણું ગૂજરાતી સાહિત્ય ભરપૂર છે. નરસિંહના એ વર્ગનાં કાવ્યમાં કોઈ કોઈ વાર તત્ત્વજ્ઞાનના ગિરિશૃંગનો સ્પર્શ થાય છે. ઉદા.
“નિરખ એ ગગનમાં કોણ ઘૂમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે.”
પણ આ જાતનાં બીજાં કાવ્યોમાંનાં ઘણાંખરાં છેક સાધારણ છે. નરસિંહ મહેતા પછી લાંબો વખત આ જાતની કવિતાનું વલણ ચાલ્યું. શૃંગાર (ભક્તિ?) રસની કવિતાની સાથે સાથે આ જ્ઞાન વૈરાગ્યની કવિતા રચવાની રૂઢિ ઉત્પન્ન થઈ. છેક દયારામે પણ શૃંગારરસનો પૂરેપૂરો સ્વાદ લઇ અન્તે આ જાતની કવિતા રચી છે. જુવોઃ
“હાવાં તો શ્રી હરિને ભજો રે મનઃહાવાં.
ચાવીને કૂચો કર્યો તે સંસાર સુખ
હાવાં હેમાં નથી રે મઝો રે મઝો;
શાહી જઈને સફેદી આવી જુઓ.
કાંક તો લાલાઈથી લજોરે લજોરે.મન.
તે જ પ્રમાણે નરસિંહ મહેતાના લગભગ સમકાલીન એવા ભાલણમાં પણ શૃંગાર અને નીતિ-ભક્તિનું દ્વન્દ્વ નજરે પડે છે. આપણા સાહિત્યમાં બોધપરાયણ પદ્યોનો મોટે ભંડાર છે; તેમાં કવિત્વવસ્તુ જ નથી.
આપણા સાહિત્યમાં એક પ્રકાર આખ્યાનોનો છે. એનો પરમ આચાર્ય પ્રેમાનન્દ છે. પ્રેમાનન્દે એના પૂર્વજ નાકર વગેરેમાંથી બહુ લીધું છે તો પણ એને એનાં આખ્યાનોમાં વિવિધતા અને શક્તિ પુષ્કળ દાખવ્યાં છે. એની સાથે પુરાણની ઢબની કથાત્મક કવિતા પણ જોવામાં આવે છે, ભાગ્યે જ સાંસારિક આખ્યાનો નજરે પડે છે. જે થોડાં જોવામાં આવે છે તે–માધવાનલ કામક્ન્દલા દોગ્ધક પ્રબંધ વગેરે જ. તે પછીના સમયમાં સામળે વાર્તાના સાહિત્યમાં પુષ્કળ વધારો કર્યો છે–જેમાં જનસમાજને લગતી તથા નાયક નાયિકાના અદ્ભુત પ્રેમની કથાઓ આવે છે. પણ કાવ્ય તરીકે એ સર્વની કિંમત બહુ જ થોડી છે.
આ સર્વ પ્રકારના સાહિત્યના મૂળમાં કયી જાતની ભૂમિ હતી, જેમાં એ વવાતું હતું? આ પ્રશ્નનો ઉત્તર ગૂજરાતના રાજકીય ઇતિહાસમાં અને એની ધાર્મિક સ્થિતિમાં મળે છે. રાજકીય અંધાધુંધી ને પરતન્ત્રતા, નિર્જીવતા, વેદાન્તાભાસથી ઉત્પન્ન થતો ધાર્મિક નિર્વેદ, અને સાંપ્રદાયિક ભક્તિ–આ સહુ મળીને આપણા સાહિત્યનું સ્વરૂપ ઘડે છે.
અંગ્રેજો આવ્યા અને તે પછી આપણા દેશનો અને એના સાહિત્યનો નવો યુગ જન્મ્યો, એના સંપર્કથી નવાં સાહિત્યનાં કિરણો ફુટવા લાગ્યાં છે, જે ક્રમે ક્રમે વધતાં જાય છે. યદ્યપિ હજી સૂર્ય મધ્યાન્હે નથી પહોંચ્યો તો પણ ધીમે, ધીમે, એ આકાશમાં ચઢે છે એમાં સંશય નથી, આ પશ્ચિમની અસરની શરૂઆત આપણે દલપતરામ અને નર્મદાશંકરમાં પણ થએલી જોઇએ છીએ. એઓ નવીન તત્ત્વ લેવાની સાથે હજી જૂના સાંપ્રદાયિક કવિતાના સ્વરૂપને વળગી રહ્યા હતા તેથી નવી ઢબનાં કાવ્યો સાથે જૂની પદ્ધતિનાં નીતિ ભક્તિનાં કાવ્યો પણ તેઓએ રચ્યાં છે. એમની નવી કવિતા પણ તદ્દન નવી નથી, પણ જૂના ભાવથી રંગાએલી છે.
યુનિવર્સિટિના અભ્યાસક્રમ સાથે આપણું સાહિત્યમાં નવું રૂપ આવ્યું, પશ્ચિમનું સાહિત્ય આપણા આગળ ખુલ્લું મૂક્યું અને સંસ્કૃતનો અભ્યાસ પણ દાખલ કર્યો, આના આરંભ કાળની કવિતા હરિલાલ ધ્રુવ અને ભીમરાવ ભોળાનાથમાં જોવામાં આવે છે, અને તે પછી સ્પષ્ટ નવી અસરની કવિતા નરસિંહરાવ ભોળાનાથ, ગોવર્ધનરામ ત્રિપાઠી, દોલતરામ કૃપારામ, મણિલાલ દ્વિવેદી, બળવંતરાય ઠાકોર, મણિશંકર ભટ્ટ, કલાપી, ન્હાનાલાલ કવિ, બોટાદકર, ખબરદાર, ડાહ્યાભાઇ દેરાસરી વગેરેની છે. ગદ્ય સાહિત્યમાં, નવલકથાનો આરંભ નન્દશંકર તુળજાશંકરથી થાય છે અને તે પછી સર્વજ્ઞાનસંગ્રહરૂપ ‘સરસ્વતીચન્દ્ર’ આવે છે. અને હાલમાં રા. કનૈયાલાલ મુનશીની ચમકતી કૃતિઓથી ગુજરાતી સાહિત્ય વિભૂષિત થયું છે, ન્હાના લેખકોને હું પડતા મૂકું છું. નાટક વિભાગમાં કેટલાક વિશિષ્ટ ગુણવાળી કૃતિઓ રચાઇ છે–જેમકે ‘રાઈનો પર્વત,’ ‘જયા જયન્ત’ વગેરે. પરંતુ તે સિવાયની બીજીમાં બહુ દમ નથી, અવલોકનના સાહિત્યને પણ મારે ખાસ સ્થાન આપવું જોઈએ. એમાં નવલરામ અને રમણભાઈથી શરૂઆત થઈ છે. આ દિશામાં નરસિંહરાવના પ્રયત્નો હજી તાજા છે. અને સમય જતાં જ એની કિંમત આંકી શકાશે. હાસ્યરસનાં પુસ્તકો થોડાં છે. એમાં ‘ભદ્રંભદ્ર’ નું સ્થાન નોખું જ છે, એના અનન્ય ગુણ અને ઉત્તમતાને લીધે નોંખું છે. ફારસી સાહિત્યની અસરથી ઉત્પન્ન થએલા ગુજરાતી સાહિત્યને મેં ઉવેખ્યું છે કારણ કે એ મર્યાદિત છે અને ઉપરછલ્લું છે, તથા ખોટા સુફીવાદની એની ઉપર છાપ છે જેને હું અસ્વાભાવિક અને વિદેશીય માનું છું.
આ આપણા જૂના અને નવા સાહિત્યનું ભંડોળ.
હવે આપણી ખામીઓ ગણાવીએ; તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સાયન્સ (ભૌતિક વિજ્ઞાન શાસ્ત્ર), અર્થશાસ્ત્ર, જીવનચરિત્ર, વીરચરિતકાવ્ય અને બીજી અનેક સાહિત્યની શાખા–જે પશ્ચિમની લક્ષણભૂત છે–એમાં આપણે હજી કાંઈ જ નથી કર્યું. આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પણ વિષયની વિવિધતાવાળું, કલ્પનાની અપૂર્વતાવાળું અને સંગીન ગુણવાળું ઘણું છે. આ બે મહાન સાહિત્યો સાથે ઊભું રહી શકે એવું આપણું ગુજરાતી સાહિત્ય નથી. એમને પડખે તદ્દન વેંતીઆ માણસ જેવું દેખાય છે. અને છતાં આગળ કહ્યું તેમ આપણે નિરાશ થવાનું કારણ નથી. આપણા અન્તરંગ દોષો દૂર કરીએ અને આપણી ન્યૂનતાઓ પૂરવાનો યત્ન કરીએ તો આપણી આગળ ઊજળું ભવિષ્ય પડ્યું છે.[3]
[વસન્ત કાર્યાલય.]
પાદટીપ
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.