ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નરસિંહ મ્હેતા (ભક્તિની જ્વાળા અને જ્ઞાનનો જ્યોતિ)

ગૂજરાતી સાહિત્ય.

નરસિંહ મ્હેતા

(ભક્તિની જ્વાળા અને જ્ઞાનનો જ્યોતિ)

કોઇ પણ પ્રજાના સાહિત્યનું મૂલ્ય અને એની વિશિષ્ટતા શાથી બંધાય છે એનું મારાં આગલાં ભાષણોમાં મ્હેં વિવેચન કર્યું. મ્હેં જણાવ્યું તેમ કોઇ પણ પ્રજાનું સાહિત્ય મહાન ન થઈ શકે, જ્યાં સુધી એ પ્રજા મહાન ન હોય. આમ હોવાથી, આપણું ગુજરાતી સાહિત્ય હજી મહાન થયું નથી એમ કબૂલ કરવું પડશે, છતાં પણ, આ નિયમનો અર્થ એવો નથી કે પોતાના આસપાસના બન્ધુઓથી એક વ્યક્તિ ઉંચી ન હોઈ શકે; અને તેથી કોઈ કોઈ વાર એવું બને છે કે સામાન્ય પ્રજાએ જીવનમાં મહત્તા પ્રાપ્ત કરી ન હોય તો પણ કોઈ કોઈ મહાન સાહિત્યકાર એમાં ઉત્પન્ન થઇ આવે. આ કારણથી હવે આપણે વિચારવાનું એ રહ્યું કે–ભલે ગૂજરાતી સાહિત્ય હજી મહાન થયું ન હોય, છતાં એમાં કોઇ કોઇ મહાન કવિઓ થયા છે કે કેમ, જેમના પ્રભાવથી એ સાહિત્યને માન મળે છે. આવા મહાન કવિઓ સુભાગ્યે આપણા સાહિત્યમાં થયા છેઃ નરસિંહ મ્હેતા, અખો, અને પ્રેમાનન્દ. આ ત્રણ નામ હરકોઈ ગુજરાતી વાચકને સહજ સ્ફુરી આવે છે. હું એમને માટે આ માનવંતાં સ્થાનનો દાવો કરૂં છું કારણ કે બીજાં સાહિત્યની સરખામણીમાં–ઉદા. હિન્દીની સરખામણીમાં–ગૂજરાતીને ઉતારી પાડવાના યત્નો થયા છે. સર જ્યૉર્જ ગ્રીયર્સન કહે છે[1] કે ગૂજરાતી ભાષામાં હિન્દી ભાષાના તુલસીદાસ સુરદાસ અને બીજા કેટલાક કવિઓ જેવા મહાન્‌ કવિઓ થયા નથી. મને લાગે છે કે સર જ્યૉર્જ ગ્રીયર્સને નરસિંહ મ્હેતા, અખો, પ્રેમાનન્દ અને બીજા કેટલાક ગૂજરાતી કવિઓને અન્યાય કર્યો છે. તેનું કારણ એમ જણાય છે કે એ વિદ્વાનને હિન્દીનું જેવું સાક્ષાત્‌ જ્ઞાન હતું તેવું આપણી ભાષાનું ન હતું. આપણને એ જ્ઞાન હોઈ, આપણે આપણા કવિઓ માટે ઊંચા સ્થાનનો દાવો કરીશું. આમાંથી પ્રથમ હું નરસિંહ મ્હેતા અને એમનાં કાવ્યો વિષે બોલીશ. નરસિંહ મ્હેતાના જીવન વિષે અને એમની અંગત હકીકત વિષે આપણે જે કાંઇ જાણીએ છીએ તે દન્તકથાથી અને એમનાં તથા એમની પછીના કવિઓનાં કાવ્યોમાંથી. એની વીગત સહુને જાણીતી છે એટલે એમાં હું ઊતરતો નથી. આ વ્યાખ્યાન હું એમની કવિતાની કદર કરવામાં જ રોકીશ. પણ તે યથોચિત રીતે કરવા માટે કવિ અને એમના સમયનું ચિત્ર આપણી દૃષ્ટિ આગળ લાવવાની જરૂર પડશે (ચિત્ર એટલે ચિતારાની ચીતરેલી કૃતિ નહિ. એવું ચિત્ર કેટલાક સંપાદકો આપણી આગળ મૂકે છે, પણ તે યથાર્થ હોવાને લેશ પણ આધાર નથી.)

કલ્પનાથી આપણે પાંચસો વર્ષ ઉપરના જુનાગઢમાં જઇને ઊભા રહિયે. અને ત્યાં આપણે શું જોઇએ છીએ? નરસિંહ મ્હેતા કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થઇ ગયા છે, શરીર ઉપર તિલક કર્યાં છે, તુલસીની માળા પહેરી છે, અને કરતાલ વગાડી રહ્યા છે. મુખ ઉપર ધાર્મિક નમ્રતા અને સૌમ્યતાની છાપ છે—નિન્દા અને ઉપહાસથી ભરેલા લોકમતની શાન્ત અવગણના છે, નાતજાતની જડ રૂઢિનો ઉચ્ચમનોભાવવાળો ભંગ છે. કીર્તનની સમાધિમાં એ ડૂબ્યા છે. એમની આંખમાંથી કોઇ એવી અદ્‌ભુત શક્તિ નીકળી રહી છે કે જે એમનાં પદોના શૃંગારને ભક્તિરૂપ બનાવી દે છે. શૃંગારી પદોથી સામાન્ય અજ્ઞાનજનનાં મન ઉપર ખરાબ અસર થશે કે નહિ એની એમને દરકાર નથી. એમનાં ભક્તિભર્યાં નયનો એક જ અન્તિમ લક્ષ્ય દૃઢતાથી જોઇ રહ્યાં છે. વળી બીજી ક્ષણે કૃષ્ણ અને ગોપીઓ રાસ રમી રહ્યાં છે ત્યાં બળતી મશાલ લઇ એ ઉભા રહ્યા છે. અને એ રીતે “દીવટિયો” કહેવડાવવામાં એમને અભિમાન છે. ચિત્ર જરા બદલીએઃ અને જોઈએ છીએ તે નરસિંહ મ્હેતા એમની કવિતા દેવીની સમક્ષ બેઠા છે. એ દેવીના હાથમાં મુકુર છે, જેમાં કવિના હૃદયનું પ્રતિબિમ્બ પડે છે; એ હૃદયમાં એેવો તો ભક્તિનો વેગ ભર્યો છે કે અજ્ઞાન જનોના આક્ષેપ અને મહેણાં ત્યાં પ્રવેશી શકતાં નથી. એ કવિતા દેવી એક પ્રૌઢ સુન્દરીની ચાલથી ચાલતી જુસ્સાદાર ભક્તિનો સંદેશ આપી રહી છે. જરા કળ ફેરવીએ; ચિત્ર બદલાયું. એ જ કવિતાદેવી કવિ સ્હામી આવીને ઉભી છે; શૃંગારરસનાં વસ્ત્રો અને અલંકારો ત્યજી, એને ઠેકાણે વૈરાગ્યની સમાધિનો ઝભ્ભો પહેરી લીધો છે–જેમાં જ્ઞાનદર્શનને જ્યોતિ ઝગમગે છે; અત્યારની આ પરિવર્તન પામેલી કવિતાદેવી તે જાણે સાક્ષાત્‌ કોઈ યોગિની. આ ચિત્ર નિહાળી રહીને, આપણે કવિના સમય તરફ વળીએ. કારણ કે સમયની પશ્ચાદ્‌ભૂમિ સમઝ્યા વિના એ ઉપરનું મુખ્ય ચિત્ર સમઝવું કઠિન છે. આ માટે પહેલું કામ નરસિંહ મ્હેતાનો સમય નક્કી કરવાનું છે. અત્યાર સુધી વિક્રમ સંવત્‌ ૧૪૮૦ એટલે ઇ. સ. ૧૪૧૪ એ એમના જન્મનું વર્ષ મનાતું આવ્યું છે. આ માન્યતા સામે કેટલાક ટીકાકારોએ વાંધો લીધો છે. પ્રો. આનંદશંકરે આ દિશામાં પ્રથમ ચેતવણી રજૂ કરી;[2]પોતાનાં માસિકમાં પ્રગટ કરેલા સમર્થ અને દ્યોતક લેખમાં એઓ લખે છે – “નરસિંહ મહેતાએ ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ—ચન્દ્રાવલી, લલિતા, વિશાખા-નાં નામ આપ્યાં છે. આ નામ જયદેવના ‘ગીતગોવિન્દમાં આપેલાં જણાતાં નથી. પરંતુ એ નામો ‘ભવિષ્યોત્તર પુરાણ’માં જડે છે. તેમ જ એ નામે ચૈતન્યના એક શિષ્ય રૂપદેવ ગોસ્વામીએ રચેલા ‘ઉજ્જ્વલનીલમણિ’માં[3]આપેલાં છે. એ જ ગ્રન્થકારના ‘રચેલા વિદગ્ધમાધવ’ નામના નાટકમાં રાધા, વિશાખા અને લલિતાનાં પાત્રો આવે છે. હવે, રૂપદેવ ગોસ્વામી ઇ. સ. ૧૫૮૮ પછી થઇ ગયા, જ્ય્હારે નરસિંહ મહેતાનો સમય ઇ. સ. ૧૪૮૦ માં પૂરો થાય છે. આ કારણથી, પ્રો. આનંદશંકર સૂચવે છે કે, નરસિંહ મહેતાનો સમય કાંઈક મોડો લઈ જવો પડશે. ખાસ એટલા માટે કે રૂઢ માન્યતાએ ઠરાવેલો સમય માત્ર જનશ્રુતિ ઉપર તેમ જ, ઈચ્છારામ સૂર્યરામ અને હરગોવિન્દદાસ કાંટાવાળાએ જૂનાગઢના નાગરો કને કરેલી તપાસ ઉપર આધાર રાખે છે, પરંતુ તેનાં મૂળ અથવા પ્રમાણ અજ્ઞાત છે. પ્રો. આનન્દશંકર બીજી એક કલ્પના રજૂ કરે છે અને તેનો ઉત્તર આપે છે; ‘ઉજ્જવલનીલમણિ’માં કહેલી રાધાની સખીઓ ‘શાસ્ત્રપ્રસિદ્ધ’ કહી છે, અને આ વિશેષણનો અર્થ ટીકાકાર જીવગોસ્વામી આમ આપે છેઃ ‘શાસ્ત્રં ભવિષ્યોત્તર સ્કન્દાગત પ્રલ્હાદસંહિતાદિ ચ |’ તો એમ દલીલ કરાય કે નરસિંહ મહેતાને આ નામ ‘ઉજ્જવલનીલમણિ’માંથી નહિં પણ ‘ભવિષ્યોત્તરપુરાણ’માંથી પ્રાપ્ત થયાં હોય.” આ કલ્પનાના ઉત્તરમાં પ્રો. આનન્દશંકર કહે છે કેઃ –“નરસિંહ મહેતાના પૂર્વોક્ત સમય માટે જો સામાન્ય જનશ્રુતિ કરતાં બલવત્તર પ્રમાણ ન હોય તો ભવિષ્યોત્તર કે સ્કન્દપુરાણના કોઈ ખૂણામાંથી નરસિંહ મહેતાએ એ સખીઓનાં નામ લીધાં હોય તે કરતાં ચૈતન્ય સંપ્રદાયમાંથી લીધાં હોય એ વધારે સંભવિત લાગે છે. ખાસ કરી એટલા ચાટે કે ચૈતન્ય સંપ્રદાય પહેલાંના કોઈ પુસ્તકમાં એ નામ આપેલાં જાણ્યાં નથી.” [દિ. બ. કેશવલાલ ધ્રુવ (‘ગીતગોવિન્દ’ ની એમની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં પૃ. ૧૫ મે) કવિ જયદેવ ‘ગીતગોવિન્દ’ માં રાધાની બે જ સખીઓ છે તેનાં નામ કેમ નથી દેતો એનો ખુલાસો કરતાં કહે છે કે એ સખીઓ ગૌણ પાત્ર છે અને તેથી એ વીગત કવિએ આપી નથી. આ ખુલાસો બહુ સંતોષકારક નથી. તદ્દન સંભવિત છે કે સખીઓનાં નામવાળું ‘ભવિષ્યોત્તર પુરાણ’ અથવા તો આ સખીઓનાં નામ આપનારૂં એ પુરાણનું રૂપાન્તર જયદેવ પછીનું હોય.] હવે નરસિંહ મ્હેતાના સમયની બાબતમાં રા. રા. કનૈયાલાલ મુનશીનો મત સાંભળીએ; રાયસાહેબ દિનેશચન્દ્ર સેન, બી. એ. કહે છે કે ચૈતન્ય અને એમના ત્રણ સાથી ઇ. સ. ૧૫૧૧ માં જૂનાગઢ ગયા હતા અને ત્યાં મીરાંજી નામે કોઈકને ત્યાં ઉતર્યા હતા અને ‘રોસનજી’ (=રણછોડજી?) ને મન્દિરે ગયા હતા. આ હકીકત રા. સ. દિનેશચન્દ્ર સેને ચૈતન્યના એક સાથી ગોવિન્દદાસના કડચ્છા (અથવા કડકખા) માંથી લીધી છે. ચૈતન્ય કરેલી જૂનાગઢની આ યાત્રાના વર્ણનમાં નરસિંહ મહેતાનું નામ નથી. જો નરસિંહ મ્હેતા ઇ. સ. ૧૪૮૦ માં પરલોક પામ્યા હોય તો નરસિંહ જેવા સુપ્રસિદ્ધ ભક્તનું નામ ત્રણ દશકામાં જ લોપાઈ ગયું હોય એમ માનવું કઠણ છે. રા. મુનશી આ નકારાત્મક દલીલ ઉપરાંત એક બીજી દલીલ ઉપર આધાર રાખે છે, તે એ છે કે, નરસિંહ મ્હેતાની “હારમાળા” ને અન્તે જે વિ. સં. ૧૫૧૨ રચ્યા સાલ આપીને એને જોડે જે મહિનો તથા વાર આપ્યાં છે તે જ્યોતિષી પાસે ગણતરી કરાવી જોતાં વિ. સં. ૧૫૭૨ નાં માલુમ પડે છે, વિ. સં. ૧૫૧૨ નાં નહિ, અને તેથી અત્યારનાં પુસ્તકોમાં “સંવત પંદર બારોતરો ચૈત્રી સપ્તમીને સોમવાર” એમ પંક્તિ મળે છે ત્યાં રા. મુનશીના કહેવા પ્રમાણે “બારોતરો” ને ઠેકાણે “બહોતરો” વાંચવું જોઇએ. આ લીટીવાળા કડવામાં બહુ ફેરફાર થઈ ગયા છે એ “ગુજરાતી” પ્રેસના નરસિંહ મહેતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના જોતાં સ્પષ્ટ થશે. અને તેથી આ પ્રશ્ન કેટલો સંદિગ્ધ રહે છે એ જણાશે. “હારમાળા” નો કર્તા નરસિંહ કે બીજો કોઈ એ પણ પ્રશ્ન ઊઠ્યો છે. રા. મુનશી નરસિંહ મહેતાની પછી થએલા કવિઓમાં નરસિંહ મહેતા સંબંધી ઉલ્લેખના મૌન ઉપર પણ આધાર રાખે છે; અને દલીલ કરે છે કે ઇ. સ. ૧૪૯૪ થી ૧૫૭૪ નો નાકર પણ એમને વિષે કાંઈ કહેતો નથી. આ મત સામે રા. અંબાલાલ જાની વગેરેએ પ્રબળ વિરોધ ઉઠાવ્યો છે. એઓ મહમ્મદ બેગડાએ રા. માંડલિકને હરાવ્યો એ ઐતિહાસિક બીના ઉપર આધાર રાખે છે, અને એ મુનશીની કલ્પના જોડે વિરોધમાં આવે છે એમ બતાવે છે. એના પ્રત્યુત્તરમાં રા. મુનશી કહે છે કે નરસિંહ મહેતાના સમયનો રા. માંડલિક એ મહમ્મદ બેગડાએ હરાવેલા રા. માંડલિકથી જુદો હોય. “ગુજરાતી પ્રેસ” ના માલિક રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઇના સૌજન્યથી મને “પર્વતાખ્યાન” જે એમના પ્રેસમાં છપાય છે તેની એક નકલ મળી શકી છે. એના બીજા અધ્યાયમાં એક વંશવૃક્ષ આપ્યું છે એ નરસિંહ મ્હેતાના દાદા પુરુષોત્તમદાસથી શરૂ થઈ છેવટે ‘પર્વતપચીસી’ના કર્તા ત્રીકમદાસ સુધી આવે છે. એ ત્રીકમદાસનો જન્મ–વિ. સં. ૧૭૯૦ અને મરણ વર્ષ વિ. સં. ૧૮૫૫ નક્કી છે. નરસિંહ મ્હેતાના કાકા પર્વતદાસનું જન્મવર્ષ આ વંશાવલિ પ્રમાણે ઘણું કરી વિ. સં. ૧૪૩૩ છે અને નરસિંહ મહેતા વિ. સં. ૧૪૬૯ માં જન્મ્યા હતા એમ બતાવ્યું છે. ત્રીકમદાસથી પર્વતદાસ તરફ પાછા જતાં દસ પેઢીઓ થાય છે. હવે સાધારણ રીતે ગણાય છે તેમ પેઢી દીઠ ત્રીસ વર્ષ ગણીએ તો ત્રીકમદાસના જન્મવર્ષ વિ. સં. ૧૭૯૦ થી પૂર્વે જતાં વિ. સં. ૧૪૯૦ પર્વતદાસનું જન્મવર્ષ ઠરે. એટલે કે વંશવૃક્ષમાં આશરે જે જન્મવર્ષ ભર્યું છે તે કરતાં સત્તાવન વર્ષ મોડું, ૧૪૩૩ બદલે ૧૪૯૦. આ ગણતરી સ્વીકારીએ તો નરસિંહ મ્હેતાનું જન્મવર્ષ ઉપલી વંશાવલિને આધારે માન્યું છે તે કરતાં પચાસ વર્ષ મોડું માનવું પડે. પરંતુ પેઢીદીઠ ૩૦ વર્ષ ગણવાનો રિવાજ છે તે માત્ર સંભવથી ઘડાયો છે અને જેમ પેઢીઓ વધારે તેમ અકસ્માત્‌ અને અનિશ્ચિતતાના અંશનો સંભવ વધારે. [આ વંશવૃક્ષ સાચું નથી એમ હું કહેતો નથી. પણ એક જોવા જેવું છે કે એમાં પુરુષોત્તમદાસની અટક “પંડ્યા” કહી છે. પણ “પંડ્યા” અટક નાગરી ન્યાતના ‘બ્રાહ્મણ’ (વૈદિક) વર્ગમાં હોય છે, ગૃહસ્થ વર્ગમાં જાણી નથી. પરંતુ એ ખરૂં કે હાલ એ જ્ઞાતિના પેટાઓમાં જેવા ભેદ પડ્યા છે તેવા નરસિંહ મહેતાના સમયમાં નહિ હોય.] આ પ્રચંડ વિવાદના ગુણદોષના વિવેચનમાં આપણે નહિ ઉતરીએ. પણ પ્રો. આનન્દશંકરે જે સૂચના કરી છે એ સંગીન અને શાન્ત દલીલ ઉપર રચાયેલી હોઈ ડગતી નથી. પણ “નરસિંહ મહેતાના કોયડાનો વિચાર”[4]એ મથાળાનો રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ અત્યન્ત વિશદ અને સમર્થ લેખ લખ્યો છે એનો અત્રે ઉલ્લેખ કર્યા વગર ચાલશે નહિ. એ પ્રો. આનન્દશંકરથી જુદા પડે છે, અને જુદા જ પુરાવા ઉપરથી એમ સિદ્ધ કરવા યત્ન કરે છે કે નરસિંહ મ્હેતાએ રાધાની સખીઓનાં નામ ચૈતન્ય સંપ્રદાયમાંથી લીધાં છે એમ માનવાને કારણ નથી. એમનું એમ કહેવું છે કે ચૈતન્યનો સંપ્રદાય નરસિંહ મહેતાના વૈષ્ણવ પન્થને મળતો આવતો નથી. શાસ્ત્રીજીના માનવા પ્રમાણે નરસિંહ મહેતા ઉપર એમના અને એમના સમય પૂર્વેના વૈષ્ણવ સાધુઓની અસર છે. શાસ્ત્રી દુર્ગાશંકરની દલીલ વીગતવાર હું અત્રે તપાસી શકતો નથી, પરંતુ એટલું કહીશ કે હું એને હલકી ગણી બાજુ પર કાઢી શકતો નથી, તથાપિ એમાં મને કાંઈક ખામી લાગે છે અને એકદમ એ ગળે ઉતરતી નથી. હવે નરસિંહ મહેતાના સમયનું ચિત્ર દોરીએ. નરસિંહ મ્હેતા પહેલાં બહુ પૂર્વેથી હિન્દુસ્થાનમાં ધાર્મિકતાનો પ્રવાહ બે ભાગમાં વહેતો હતો. શિવ સંપ્રદાય અને કૃષ્ણ સંપ્રદાય. આરંભકાળમાં બંને સંપ્રદાય એક બીજા સાથે વિરોધ વગર વહેતા હતા. શૈવ સંપ્રદાયના રાજાઓ પોતાને “પરમ ભાગવત” કહેવડાવતા; ગમે તે કારણથી, તે પછીના વખતમાં, અને ચોક્કસ નરસિંહ મ્હેતાના સમયમાં એ બે સંપ્રદાય પરસ્પર વિરોધી થયા. નરસિંહ મ્હેતા ઉપર શૈવ સંન્યાસીઓએ જૂનાગઢના રા. માંડલિકની મદદથી જુલમ કર્યાની વાત ચાલે છે એ જો કે માત્ર દન્તકથા છે તોપણ એના મૂળમાં ઐતિહાસિક સત્ય રહેલું જણાય છે. નરસિંહ મ્હેતાના કાળમાં શ્રીકૃષ્ણે આકાશમાંથી હાર પહેરાવ્યાનું કહેવાય છે એ કૃષ્ણ સંપ્રદાયનો મહિમા ગાવા માટે છે. એક વાત નક્કી જણાય છે કે શૈવ પન્થનો વિરોધ છતાં કૃષ્ણભક્તિ એ સમયમાં પ્રચલિત હતી. સામાજિક બંધારણના વિષયમાં આપણે એ જોઇએ છીએ કે તે વખતમાં પણ ન્યાતનું જોર ઘણું હતું. ન્યાત બહાર મૂકવાનો રિવાજ આગળ પડતો જણાતો નથી. વિકટ ઉપહાસ પણ એ જ કામ કરતો. હાલમાં મામેરું, પહેરામણી, જ્ઞાતિભોજન વગેરે જે રીતો ચાલે છે તે તે સમયમાં હાલના જેવાં પુર જોસમાં હતાં કે કેમ, અથવા તે ગર્ભદશામાં હતાં કે કેમ, અને એના સંબન્ધમાં પ્રેમાનન્દ વગેરેએ જે વૃત્તાંન્ત વર્ણવ્યા છે એ ખરેખર હતા કે કવિની કલ્પનાએ આરોપેલા છે એ શોધવા લાયક વિષય છે,–ઐતિહાસિક સાધનોને અભાવે એ શક્ય હોય તો. એ સમયનું જે ચિત્ર આપણી આગળ ખડું થાય છે તેમાં તે સમયની ધાર્મિક ભાવના અને જનસમાજના રિવાજોની દૃઢતા આપણી નજર આગળ આવે છે. નરસિંહ મ્હેતા ઉપર જુલમ અને નિન્દાનો જે વરસાદ વરસેલો, અને શાન્તપણે મહેતાજીએ ન્યાતની દરકાર ન કરેલી એ આપણે જોઇએ છીએ. એ “સુરતસંગ્રામ”ના છેલ્લા પદમાં કહે છેઃ—

વસવા વાસ નહિં, સાધન પાસ નહિં, કૃષ્ણનો દાસ થઇ ઉલટે ભણવું;
નાગરવટ નહિં, કંઈ ખટખટ નહિ, એક ધરી હઠ હરિગાન કરવું.

તેમ કહે તેમાં નવાઈ નથી. તે સમયની ધાર્મિક સ્થિતિ અને કૃષ્ણભક્તિ વિષે એક બીજી વાત નોંધવી જોઇએ. વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય જેમાં પાછળથી અનીતિ દાખલ થઇ તે નરસિંહ મહેતાના સમયમાં નહોતો. કારણકે વલ્લભાચાર્ય ઇ. સ. ૧૪૭૯ માં જન્મ્યા હતા, અને તે વખતે નરસિંહ મ્હેતાનું જીવન તો પૂરૂં થયું હતું. નરસિંહ મ્હેતાની કૃષ્ણભક્તિ વલ્લભાચાર્ય પહેલાંના વિષ્ણવ સંપ્રદાયમાંથી આવેલી માનવી જોઈએ, એ સંપ્રદાય “ભાગવત સંપ્રદાય”. “પંચરાત્ર સંપ્રદાય” ઇત્યાદિ નામે જાણીતો હતો. નરસિંહ મહેતાનાં પદમાં શૃંગારી ભાગ છે તે જયદેવનાં કાવ્યમાંથી અને ભાગવત પુરાણના દશમ સ્કન્ધમાંથી આવેલો માનવો જોઇએ. નરસિંહ મહેતા અને એમના સમયનું આ ચિત્ર જોઈ હવે આપણે એમનાં કાવ્યોમાં આવીએ. પ્રસ્તાવના રૂપે એક પ્રશ્ન ચર્ચીએ, નરસિંહ મહેતા ઉપર જયદેવના કાવ્યની અસર ખરી? ખરીજ. પ્રો. આનન્દશંકર આ પ્રશ્નનો ઉત્તર કેમ ઢચુપચુ રીતે આપે છે એ હું સમઝતો નથી, જો કે થોડાં જ વાક્યો બાદ અર્ધસ્વીકારના શબ્દોમાં નરસિંહ મહેતા ઉપર જયદેવની અસર થયેલી એઓ કબૂલ કરે છે. એ લખે છેઃ– “બોપદેવથી પહેલાં પણ શ્રીમદ્‌ ભાગવત તેમજ રામાયણ મહાભારત અને હરિવંશ ગુજરાતમાં જાણીતાં હતાં, એટલુંજ નહિં પણ કૃષ્ણ અને રાધાની લીલા પણ પ્રસિદ્ધ હતી. આ બારમા શતકને આરંભે થયેલા જયદેવની અસર હોય વા ન હોય પણ બોપદેવની અસર તો નહિ જ એમાં શંકા નથી. વળી આ ઉતારા[5]ધ્યાનમાં લેતાં નરસિંહ મહેતા ઉપર સાક્ષાત્‌ જયદેવની અસર માનવાને કાંઈ કારણ રહેતું નથી; પણ જયદેવનો નરસિંહ મ્હેતાએ ખાસ ઉલ્લેખ કર્યો છે તેથી તેમ જ નરસિંહ મ્હેતાના જીવનચરિત્રમાં યાત્રાળુ સાધુઓને અસરનો નિર્દેશ જોઈએ છીએ તેથી, જયદેવની અસરનો નિષેધ કરવો અશક્ય છે.”[6] આ ઉતારામાં એમનાં વિધાન આ પ્રમાણે છેઃ–

(૧) જયદેવ જે બારમા સૈકાના આરંભમાં થયો એની નરસિંહ મહેતા ઉપર અસર હોય વા ન હોય;
(૨) નરસિહ મહેતા ઉપર જયદેવની સાક્ષાત્‌ અસર હતી એમ માનવાને કારણ નથી;
(૩) નરસિંહ મહેતાએ જયદેવનો ઉલ્લેખ કર્યો છે;
(૪) નરસિંહ મહેતા ઉપર જયદેવની અસર નહોતી જ એમ કહેવું શક્ય નથી.

આ નિર્ગમનમાં કેટલાક સ્વાભાવિક પરસ્પર વિરોધ દેખાય છે; ખાસ કરીને (૨) અને (૪) વચ્ચે-(૨) ના ‘સાક્ષાત’ શબ્દનો આશરો લઈ વિરોધનો પરિહાર કરવો હોય તો જુદી વાત. પણ મને તો એથી પણ વધારે મુંઝાવનારો બીજે વિરોધ દેખાય છે. પ્રો. આનન્દશંકરે એમના લેખના પહેલા ભાગમાં (જે આગલા માસમાં પ્રકટ થયો હતો તે ભાગમાં) જયદેવની અસર સ્થાપિત કરી હતી. આ એમના શબ્દોઃ “નરસિંહ મહેતામાં જયદેવ, કબીર, અને શંકરાચાર્યની અને કદાચ ચૈતન્યની (?) અસર નજરે પડે છે.” અને આના સમર્થનમાં એ “સુરત સંગ્રામ” માંથી એક વાક્ય ટાંકે છે–જેમ જયદેવ કૃષ્ણ અને રાધા વચ્ચે સમાધાન કરાવનાર તરીકે વર્ણવ્યો છે, અને પછી ઉમેરે છે કે નરસિંહ મહેતાનાં ઘણાં કાવ્યોનું વસ્તુ જયદેવના “ગીતગોવિન્દ” થી સૂચિત હોય એમ જણાય છે. અને એ ભાગવતથી સૂચિત ન હોય એમ વિચારશીલ ઉહાપોહ કરીને કહે છે; “એટલે નરસિંહ મહેતામાં શુદ્ધ ભાગવતની અસર માનવી તે કરતાં જયદેવની અસર માનવી એ અમને વધારે યોગ્ય લાગે છે.”[7] હવે હું એવા સ્પષ્ટ પુરાવા આપીશ કે જેથી જયદેવની નરસિંહ મ્હેતા ઉપર અસર હતી એ વિષે શંકા જ રહે. જુવોઃ –

(૧) સર્વે નીચું લહ્યું, હા ન કોઈ કહ્યું,
ઊઠિયો જયદેવો સમય જોઇ,
નરસૈયો ભણે, ઊભિયો મુદિત મને,
કૃષ્ણ ભજતાં જિણે નાર ખોઇ[8]
(સુરતસંગ્રામ, પદ ૨૩, કડી છેલ્લી)
(૨) ઊઠીને આવિયે, સર્વને લાવિયો,
વિષ્ટિયે જાવ, તમે જયદેવા,
ઉન્મત્ત આહીરડી, લાલની લાડલી,
નિકટ બહુ એહની વિષ્ટિસેવા.
(સુરતસંગ્રામ, પદ ૨૪, કડી પહેલી)

અને એજ કાવ્યમાં બીજાં સ્થળોએ. આ ઉદાહરણમાં માત્ર જયદેવના નામનો ઉલ્લેખ છે, અને તેથી કદાચ એમ કહેવાય કે એટલાથી જયદેવની અસર સિદ્ધ નથી થતી. પણ નરસિંહ મ્હેતાને જયદેવનાં કાવ્ય જાણીતાં હતાં એ નીચેના પુરાવાથી જણાશેઃ—

(૩) એક જાણો છો વ્રજની ગોપી કે રસ જયદેવે પીધો રે.
ઊગતે રસ અવની ઢળતો નરસૈયે તાનીને લીધો રે.
(શૃંગારમાળા, પદ ૭, કડી છેલ્લી)

અત્રે જયદેવના “ગીતગોવિન્દ” નો જ ઉલ્લેખ છે. અને ઉપલા ઉતારાની બીજી લીટીમાં ગૂઢ રહેલો અર્થ ખુલ્લો કરી જોઈએ તો નરસિંહ મ્હેતા કહે છે કે જયદેવના ‘ગીતગોવિન્દ’ માંથી જ પોતે એ રસ લીધો છે.

(૪) સોળ કળાનો શશિયર ઉડગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીરસમીરે જમનાતીરે ત્રિવિધ તનના તાપ શમે.
(રાસસહસ્ત્ર પદી, પદ ૯૧ મું કડી ૩ જી)

અહીં “ગીતગોવિન્દ’ ના ‘ધીરસમીરે યમુનાતીરે” શબ્દ સ્પષ્ટ તણાઈ આવ્યા છે. આ ન્હાનો સરખો પુરાવો નરસિંહ મહેતા ઉપર જયદેવની અસર સિદ્ધ કરવા માટે બસ છે. તો પણ હજી આગળ જઈએ.

(૫) કંઠે બાંહે ગ્રહી સનમુખ ગુણુ ઉચરે;
તુમસિ મમ જીવન ઇમ નાથ બોલે,
તુમસિ શૃંગાર ઉરહાર મમ ભૂષણ તુમસિ મમ મગન ચિત સંગ ડોલે”
(શૃંગારમાળા, પદ ૩૫૯, કડી ૨ જી)

અહીંઆ સ્પષ્ટ “ગીતગેવિન્દ”ના ‘ત્વમસિ મમ ભૂષણં ત્વમસિ મમ જીવનં ત્વમસિ મમ ભવ જલધિરત્નમ્‌’ નો જ પ્રતિધ્વનિ છે. હવે વધારે પુરાવાની જરૂર છે એમ હું નથી ધારતો. એ ખરું કે આ છૂટક વચનોના છુટાછવાયા દાખલા છે; છતાં પણ, એટલું સાબીત થાય છે કે નરસિંહ મહેતાને જયદેવની કવિતા સાથે નિકટ પરિચય હોવો જોઇયે અને તેથી કરીને એના ઉપર સામાન્ય રીતે અસર થયા વિના રહી નહિ જ હોય. પૂરવણીરૂપે કહીશું કે “ચાતુરીષોડશી” નો આગલો ભાગ “ગીત-ગેવિન્દ”નું દરિદ્ર અનુકરણ છેઃ “ગીતગોવિન્દ” ની પેઠે અહીં પણ કૃષ્ણ રાધાના રીસામણામાં, એના સમાધાનમાં, અને પછીથી એમની પ્રેમક્રીડામાં, કૃષ્ણ રાધા અને લલિતા ભાગ લે છે.[9] નરસિંહ મ્હેતા સંબન્ધી મ્હારા બીજા વ્યાખ્યાનમાં હું એમના જીવનના અદ્‌ભુત ચમત્કારો વિષે બોલીશ, અને તે પછી એમની કવિતાના ગુણદોષનું વિવેચન કરીશ. [વસન્ત–કાર્યાલય]

પાદટીપ

  1. જુઓ દેશી ભાષા ઉપરનો લેખઃ ઈમ્પીરિયલ ગૅઝેટીયર ઑફ ઈન્ડિયા – વૉલ્યૂમ ૩ (૧૯૦૮) પૃ. ૪૩૯–માં.
  2. ‘વસન્ત’ વિ. સ. ૧૯૧૧ ભાદ્રપદ.
  3. ‘તત્ર શાસ્ત્રપ્રસિદ્ધાસ્તુ રાધા ચન્દ્રાવલી તથા ||
    વિશાખા લલિતા શ્યામા ||’
  4. પ્રસ્થાન વિ. સં. ૧૯૮૩ વૈશાખ અને જ્યેષ્ઠ જુવો.
  5. સોશ્વમેરના ‘સુરથોત્સવ’ અને ‘કીર્તિકૌમુદી’ અને હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન’માંથી એમણે ટાંકેલા શ્લોકો.
  6. ૧૯૬૧ ના ભાદ્રપદના ‘વસન્ત’માં એમનો લેખઃ “નરસિંહ અને મીરાં”
  7. ‘વસન્ત’, શ્રાવણ ૧૯૬૧. પૃ. ૨૪૪–૨૪૫.
  8. આપણે જયદેવની પત્ની વિષે જે વાત જાણીએ છીએ તે કરતાં આ જુદી જણાય છે. અહીં કહ્યું છે તેમ જયદેવ કૃષ્ણનું કીર્તન કરતો હતો એ દરમિયાન એની પત્ની મરી ગઈ. આપણે બીજી કથા જાણીએ છીએ તે પ્રમાણે જયદેવની પત્ની જયદેવ મરણ પામ્યાની ખોટી વાત સાંભળીને મૂર્છિત થઈ પડી હતી અને મરવાની અણી ઉપર હતી એટલામાં જયદેવે વીણા લઈને અષ્ટપદી ગાઈ એથી એની પત્ની સજીવન થઈ એમ છે.
  9. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ ઉપર સૂચવેલા પોતાના ‘પ્રસ્થાન’ માંના લેખમાં જયદેવની નરસિંહ મહેતા ઉપર અસરનાં ઉદાહરણો આપ્યા જણાય છે; તેમાંના એક બે મ્હેં આપેલા ઉદાહરણો જોડે મળે છે, અને બીજાં બહુ બંધબેસતાં કદાચ નહિ લાગે, કેમકે જયદેવના ‘ગીતગોવિન્દ’ થી નિરપેક્ષ રીતે નરસિંહની કલ્પનામાં પ્રકટ થઈ શકે એવા વિચારો તેમાં છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.