ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પ્રસ્તાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રસ્તાવના

સાહિત્યરસિકવાચકબંધુને “ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૨” સાદર કરતા આનંદ થાય છે. તેની સંકલના પૂર્વવત્‌ ચાલુ છે. ચરિત્રાવળી વિભાગ સંપાદન કરવામાં એટલો બધો સમય વ્યતીત થાય છે કે તેમાંના બીજા વિભાગો પ્રતિ પુરતું લક્ષ આપી શકાતું નથી; તેમ છતાં એ વિભાગ અધુરો રહે છે. હજી ઘણા ગ્રંથકારોનાં ચરિત્રો તેમાં લેવાના બાકી છે. કદાચ આવતે વર્ષે એ ખંડ પૂરો થઇ અર્વાચીન વિદેહી ગ્રંથકારોની ચરિત્રાવળી શરૂ કરવાનું બની આવે. વર્ગીકૃત પુસ્તકોની સૂચી સટીક આપવાની ધારણા હતી; પણ તે બધાં પુસ્તકો જોવા તપાસવાનું સુલભ ન હોેવાથી તે કાર્ય થઈ શક્યું નથી. હવેથી પુનરાવૃત્તિઓ, શાળોપયોગી પુસ્તકો અને પરચુરણ પુસ્તકોનાં નામે યાદીમાંથી કમી કરી ફક્ત નવાં પુસ્તકોની નામાવલિ વિવરણ સહિત આપવાની ઉમેદ છે. માસિકોમાં આવેલા જાણવા વિચારવા જેવા મહત્ત્વના લેખોની યાદી આ વખતે નવી ઉમેરી છે. એમાંના મૌલિક અને અગત્યના લેખો, અભ્યાસ અને સંશોધન કાર્ય સારૂ મેળવવાનું સવડભર્યું થાય તે માટે, ફરી પ્રકટ કરવા વિષે પુસ્તક ૧ માં ઉલ્લેખ કર્યો હતો; તદ્‌નુસાર શ્રીયુત નરસિંહરાવભાઈએ મુંબઇ યુનિવર્સિટિ તરફથી વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્યપર ઈંગ્રેજીમાં આપ્યાં હતાં અને જેનો અનુવાદ “વસન્ત” માં છપાયો હતો તે અહિં એકત્ર આપવામાં આવ્યાં છે. સોસાઇટી તરફથી અપાતું વાર્ષિક વ્યાખ્યાન “બુદ્ધિપ્રકાશ”માં આવી ગયા પછી પાછું છાપવું એ ઉચિત જણાયું નથી; પણ એ ખામી દૂર કરવા હવેથી પ્રસ્તુત ગ્રંથ જુલાઈ ઑગષ્ટમાં પ્રકટ કરી, તેના આરંભમાં એ વ્યાખ્યાન આપી શકાય એવી વ્યવસ્થા કરવા તજવીજ થશે. ગયે વર્ષે “પ્રુફ રીડીંગ” વિષે એક લેખ છાપ્યો હતો તે ઘણાને પસંદ પડ્યો હતો; તેથી આ વખતે શ્રીયુત બચુભાઈને ‘પુસ્તકનું છાપકામ અને ચિત્રકામ’ વિષે લખી આપવા આગ્રહ કર્યો હતો. એમનો એ નિબંધ પુસ્તક છપાવનાર હરકોઇને કિંમતી અને સહાયક જાણાશે; અને કહેવાની જરૂર નથી કે તે ગ્રંથની ઉપયોગિતામાં ઉમેરો કરે છે. હરેકને હાથમાં ધરેલું કાર્ય સરસ કરવાનો અભિલાષ હોય છે; પણ આવાં શ્રમસાધ્ય સંપાદનો અન્યનો સહકાર માંગી લેછે. અને એવી સહાયતા અને સાથ મળેથી તેમાં નવીનતા અને વિવિધતા આવે અને તે સર્વાંગ ઉપયોગી અને સુંદર બને. વાસ્તે આમાંના દોષ અને અપૂર્ણતા તરફ લક્ષ ન આપતાં, તેને સુધારવા, વિસ્તૃત કરવા અને સ્થાયી રેફરન્સ ગ્રંથ બનાવવા વાચકબંધુને તે સંબંધી જે કાંઈ સૂચના કરવી યોગ્ય લાગે તે, લખી જણાવવા મારી નમ્ર વિનંતિ છે. આ સંપાદન કાર્યમાં ઘણા બંધુઓ તરફથી સહાયતા મળેલી છે, તેનો સ્વીકાર ન કરૂં તો હું કૃતઘ્ની જ થાઉં; ખાસ કરીને શ્રીયુત બચુભાઇ રાવતે કિંમતી સૂચનાઓ કરીને તેમ લેખ લખી આપીને અને શ્રીયુત નરસિંહરાવભાઈ અને ‘વસન્ત’ના તંત્રીશ્રી આનન્દશંકરભાઇએ “વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનો” ફરી છાપવાની પરવાનગી આપીને મારા પર વિશેષ ઉપકાર કર્યો છે. અને શ્રીમતી લેડી વિદ્યાબ્હેન મારા કાર્યમાં હમેશ સરળતા કરી આપી, મદદ આપતા રહે છે તે બદલ હું તેમનો સદા ઓશિંગણ રહીશ.

અમદાવાદ.
તા. ૨૮-૯-૧૯૩૧

હીરાલાલ ત્રિ. પારેખ.
સંપાદક