ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગ્રંથ પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગ્રંથ પરિચય.

ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી ગ્રંથ અને ગ્રંથકારનું પ્રથમ પુસ્તક ગયે વર્ષે બહાર પડ્યું હતું. એ પુસ્તકને સમસ્ત ગુજરાતી વાચકવર્ગ તરફથી વધાવી લેવામાં આવ્યું હતું. આથી આ પુસ્તકની યોજનાનો આરંભ કરવા બદલ સોસાઈટીના કાર્યકર્તાઓને ઘણો સંતોષ થયો છે. તેમની એ લાગણી અત્રે જાહેર રીતે પ્રદર્શિત કરવાની આ તક લઉં છું. પ્રથમ પુસ્તક પ્રકટ થયા પછી એક વર્ષ પછી આ બીજું પુસ્તક પ્રકટ કરવા સોસાઈટી શક્તિમાન થઇ છે તે માટે તેમાં સહકાર આપનાર સર્વ લેખકબન્ધુઓ અને બહેનોનો આભાર માનવો ઘટે છે. આ યોજનાને વિશેષ ઉપયોગી બનાવવી એ તેમના જ હાથમાં છે. હજી ઘણા ગ્રંથકારોનાં ચરિત્રો વગેરે આપવાનાં બાકી છે તેઓને પોતાની જાત હકીકત તેમ જ ગ્રંથ સંબંધી માહિતી મોકલી આપવાની વિનંતિ છે કે જેથી આ ગ્રંથ અને ગ્રંથકારનું ત્રીજું પુસ્તક બહાર પાડવાની સરલતા થાય. રા. હીરાલાલે સને ૧૯૩૦ નું સિંહાવલોકન આ પુસ્તકના આરંભમાં લખ્યું છે તે ખરેખર એ વર્ષની પ્રવૃત્તિનું સાચું પ્રતિબિંબ છે એમ સર્વ કોઈ સ્વીકારશે. ૧૯૩૦ નું વર્ષ સાહિત્યની શાંત પ્રગતિનું નહોતું પરંતુ સમસ્ત હિંદવાસીઓનાં જીવનને માત્ર એક રંગમાં–રાજકીય વાતાવરણમાં–તરબોળ કરી નાંખનાર હતું એ તો તાજી સ્મૃતિની વાત છે. દરેક પ્રવૃત્તિની કસોટી એ ધોરણે જ થઈ હતી અને રાજકીય વાતાવરણનું પ્રાબલ્ય એટલું ઉત્કટ હતું કે જાણે દેશમાં બીજી કોઈ પ્રવૃત્તિને સ્થાન કે અવકાશ નહોતો. વિવિધ માનસિક પ્રવૃત્તિ ધરાવનાર, ત્રીશ કરોડ માણસની એક જ મનોદશા રચનાર અને તેને તીવ્ર સ્વરૂપમાં એકતાર કરનાર સંજોગોએ પ્રજામાં જે અવર્ણનીય સામર્થ્ય આણ્યું હતું તેની સરખામણી કશા સાથે થઈ શકે એમ નથી. યુરોપના મહાન યુદ્ધ વખતે હિંદમાં પણ આપણે તે ચાર વર્ષ હરદમ યુદ્ધને જ સંભારતાં, એની જ વાતો કરતાં અને એ જ આપણી ચર્ચાઓનું કેન્દ્ર બનતું. એ યુદ્ધના સમયમાં દેશના વેપારને ભારે અસર થઈ હતી. પરદેશથી આવતો માલ બંધ થયો હતો એટલે રોજના ઉપયોગની અનેક ચીજોની અછત અને મોંઘવારી વડે એ યુદ્ધની ખબર દેશના નાનામાં નાના ગામડામાં તેમ જ અજ્ઞાનમાં અજ્ઞાન મનુષ્યને હતી. પરંતુ યુદ્ધ સાથેનો આપણો આંતરિક સંબંધ જુદો જ હતો. કદાચ યુરોપવાસીઓની લાગણી તે પ્રસંગે એથી ભિન્ન હશે પરંતુ તેમની લાગણીની કલ્પના લંબાવતાં પણ આપણી મનોદશા સાથે તુલના થાય તેમ નથી. કારણ કે યુરોપીય યુદ્ધનો હેતુ અને સાધન જૂદાં જ હતાં. એ યુદ્ધ તરફ આજ પાછી નજર ફેરવીએ છીએ તો એમ લાગે છે કે યુરોપે કે જગતે એ લાખો માણસની હત્યા અને કરોડો રૂપીઆની બરબાદીથી કાંઇ જ પ્રાપ્ત કર્યું નથી. યુદ્ધ વખતે સહુ કોઇને એમ આશા હતી કે જગત્‌માં કાંઇ અવનવા ફેરફાર યુદ્ધને પરિણામે થશે. રાજ્યવ્યવસ્થાઓ, સમાજવ્યવસ્થા અને મનુષ્યજીવનના ક્રમને કોઈ અપૂર્વ ઉચ્ચ લક્ષ્ય સ્થળે એ યુદ્ધ પહોંચાડશે. પરંતુ એમાંનું કાંઇ થયું નથી; એ આપણે જોઈ ચૂક્યાં છીએ. આવા નાહકના ભોગ અફળ જાય છે, એ સત્ય ઉપર ગયા વર્ષની રાજકીય લડતનું આલંબન હતું; અને તેના કાર્યક્રમની અસર જાદુઇ હતી એમ કહીએ તો અતિશયોક્તિ નથી. આબાલવૃદ્ધ તેમાં રસ લેતાં હતાં અને દેશનો કોઇપણ ખુણો એવો નહોતો કે જેમાં તે સંબંધી અજાણપણું હોય. આવા ભારે ઉશ્કેરણીના વર્ષ દરમિયાન અને ખાસકરીને ગુજરાતમાં તેનું પ્રમાણ ભારે હોવા છતાં પણ આપણા સાહિત્યે વિવિધ દિશામાં કાર્ય કર્યું છે તે આ પુસ્તકના સિંહાવલોકનમાં તેમ જ તેમાં આપેલા પુસ્તકોની યાદી તેમ જ માસિકો વગેરેમાં આવેલા મહત્ત્વના લેખોની ટીપ જોતાં જણાશે. ગુજરાતમાં પ્રતિભાશાળી લેખકો વિદ્યમાન છે એ સ્વીકારવું જ જોઇએ. લેખમાં રહેલા ચમત્કારથી, સામાન્ય બાબતોને અસાધારણ સ્વરૂપમાં દર્શાવવાની સર્જકશક્તિથી એ લેખકો કોઇપણ દેશમાં ઉચ્ચ સ્થાન મેળવે તેવી કોટિના છે. તેમની કૃતિઓ વડે ગુર્જર સાહિત્ય ગૌરવાન્વિત થયું છે એ નિઃસંશય છે. તે ઉપરાંત દેશપ્રીતથી છલોછલ ભરેલા હૃદયની પ્રેરણા વડે પણ અનેક ઉત્તમ કૃતિઓ આ વર્ષ દરમિયાન રચાઇ છે અને તેનો કાંઈક નિર્દેશ સિંહાવલોકનમાંથી મળશે. એ પરથી સમજાય છે કે આપણે અનુભવેલી ઉશ્કેરણી તે માત્ર ઉપલકીઓ આવેશ ન હતો પરંતુ બાહ્ય ગડબડાટની પાછળ સર્જનાત્મક શક્તિઓ કામ કરી રહી હતી. છતાં એ કહ્યા વિના ચાલે તેમ નથી કે અમુક દિશામાં આપણા સાહિત્યની પ્રગતિ જોઈએ તેટલી થઇ નથી. ઇતિહાસ, જીવનચરિત્ર, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરે સંબંધીના ગુજરાતી ભાષાના ગ્રંથોનું પ્રમાણ ઘણું થોડું જોવામાં આવે છે. એને માટે જોઈતી સામગ્રી અને પરિસ્થિતિનો અભાવ એ એક કારણ છે અને સાથે તે માટે લેવી પડતી મહેનત, તેમાં જોઇતી ખંત અને ધીરજની ખામી આપણા જમાનામાં જોવામાં આવે છે. જગત્‌ પણ એટલા વેગથી આગળ ધપે છે કે ઉંડા અભ્યાસીઓ માટે જાણે વાટ જોવાની તેને પરવા નથી. ગહન વિષયોનો અભ્યાસ કરનાર થોડા હોય અને તેમના ગ્રંથોની કદર કરનાર પણ ઓછા હોય એ તો સર્વત્ર જોવામાં આવે છે. પરંતુ તેથી તેમનું મૂલ્ય ઓછું થતું નથી કે તેમની અગત્ય પણ ઘટતી નથી; અને એ તરફ દુર્લક્ષ થાય એ પણ ઇષ્ટ નથી. આપણા સાહિત્યની જે દિશામાં ઉન્નતિ થઇ હોય તે સાનંદ અને સગર્વ સ્વીકારવા સાથે તેની ઉણપો તરફ નજર ન કરીએ તો યથાયોગ્ય ન કહેવાય. થોડાથી સંતોષ ન માનવો એ જ આગળ વધવાનો માર્ગ છે. માટે અસંતુષ્ટ રહેવામાં કઈ હાનિ નથી. ઉલટો લાભ છે, અને તે માટે વિજ્ઞાનની શોધખોળ કરનારના જીવનકાર્યનો દાખલો લેવો જરૂરનો છે. એક જ કણ અથવા એક જ જંતુ પાછળ આખું જીવન વ્યતીત કરનાર શોધકો પશ્ચિમના દેશોમાં છે. આખું જીવન વ્યતીત કર્યા છતાં પણ શોધ અધુરી રહે અને જ્યાંથી અધુરી રહે ત્યાંથી બીજો ઉપાડી લે એટલે કે મહેનત અને ખંત તો જાણે અખુટ હોય એ પ્રમાણે એ શોધો થાય છે. તે જ મુજબ સાહિત્યના કેટલાક વિભાગો માટે અથાગ મહેનત અને અનહદ ખંતવાળા અભ્યાસીઓની જરૂર છે. તેવા અભ્યાસીઓની સંખ્યા વધશે ત્યારે આપણા સાહિત્યના તે વિભાગો પરિપૂર્ણ થશે. આપણે જાગ્રત થયા છીએ અને શું કર્યું છે ને શું કરવાનું છે એનું આપણને ભાન થયું છે એટલે અવશ્ય આપણી એ ખામીઓ નજીકના ભવિષ્યમાં દૂર થશે, એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. જોઇન્ટ સ્ટૉક કંપનીઓના ડાયરેક્ટરો ઘણી વાર જણાવે છે કે આ વર્ષ સારૂંં નહોતું, વેપારમાં મંદી હતી, વિરોધી સંજોગો હતા છતાં તમારા ડાયરેક્ટરોને જણાવવા ખુશી ઉત્પન્ન થાય છે કે કંપનીએ આટલો નફો કર્યો છે. તે મુજબ આ ગ્રંથના પ્રકાશન સાથે અમારે સરવૈયામાં કહેવું જોઇએ કે પ્રજાનાં મન અસ્થિર હતાં, ગુજરાતી લેખક સમૂહમાંથી કેટલાએ લડતમાં જોડાયા હતા અને જેલમાં પણ હતા, કોઇને પણ લડત સિવાય બીજા કશાની ચિંતા ન હતી કે વિચાર કરવાની દરકાર ન હતી, તેવા સંજોગોમાં પણ સાહિત્યનો પરિપાક ઘણો સારો ઉતર્યો છે એ ગુજરાત અને ગુજરાતી ભાષાનું સુભાગ્ય છે.

માસિકોમાં આવેલા મહત્ત્વના લેખોની યાદી આ બીજા પુસ્તકમાં આપી છે તેથી ‘રેફરન્સ’ તરીકે એની ઉપયોગિતા વધશે એવી આશા છે, પુસ્તકોની વર્ગીકૃત યાદીમાં માત્ર નામ અને કર્તાનું નામ આપ્યું છે. તેને સટીક બનાવી શકાઈ નથી. બધાં પુસ્તકો જોઇ વાંચી તેના સંબંધી ટીકા લખવી લગભગ અશક્ય છે માટે સંપાદકને મારી એ સૂચના છે કે ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત માસિકોમાં આવતી નોંધોમાંથી યોગ્ય લાગે તે સાચવી, આવતા પુસ્તકમાં યાદી સાથે રજુ કરવી, જેથી આ પુસ્તકના વાંચનારને ઘણી સહાયતા મળશે. લેખકોની છબીઓ આપવાનું આ પુસ્તકમાં પણ બન્યું નથી એ દર્શાવતાં ખેદ થાય છે. જેઓ છબીઓ મોકલે તેમની આપવી અને ન મોકલે તેમની ન આપવી એ ધોરણ અમને રૂચતું નથી. જેમની છબીઓ નથી મળી તેમની મેળવવી એ પણ મુશ્કેલ થઇ પડ્યું છે. બધાની મળે તો જ છબીઓ આપવી એ ધોરણ યોગ્ય છે કે નહીં તેની પણ અમારી ખાતરી નથી અને આ બાબતમાં કયો માર્ગ ગ્રહણ કરવો તે ખરેખર અમારી મુંઝવણ છે. આ પુસ્તકની સુંદરતા જ નહીં પણ મહત્તા માટે પણ છબીઓ આવશ્યક છે અને છબીઓ વગર તે એક રીતે અપૂર્ણ લાગે છે. ત્રીજું પુસ્તક પ્રસિદ્ધ થતા સુધીમાં કાંઈ માર્ગ પ્રાપ્ત થશે એમ માની, છે તેવો ગ્રંથ પ્રજા સમક્ષ મૂક્યો છે. આ પુસ્તકમાં રા. નરસિંહરાવનાં ઠક્કર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે તેથી વાચકવર્ગને આ વિદ્વત્તાપૂર્ણ લેખમાળા એક સ્થાને પ્રાપ્ત કરવાનું સાધન મળશે. આ વ્યાખ્યાનો આમાં પ્રકટ થવાથી પુસ્તકનું મૂલ્ય વધ્યું છે, એ નિઃસંશય છે. બચુભાઈ રાવતનો મુદ્રણકળાનો લેખ મનનીય હોઇ સહુને ગમશે જ. ગ્રંથ અને ગ્રંથકારના પુસ્તક માટે જે લેખકભાઇઓ અને બહેનોએ પોતાના સંબંધી ન લખી મોકલ્યું હોય તેમને તે ત્રીજા પુસ્તક સારૂ મોકલવા ફરીથી જાહેર વિનંતિ કરવામાં આવે છે.

અમદાવાદ.
તા. ૧૨-૧૦-૧૯૩૧

વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ.