ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રવિશંકર મહાશંકર રાવળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રવિશંકર મહાશંકર રાવળ

એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. એમનું વતન ભાવનગર અને જન્મ પણ ત્યાં જ તા. ૧લી આગષ્ટ ૧૮૯૨ ના રોજ થયો હતો. પિતાનું નામ મહાશંકર છગનલાલ રાવળ, જેમને સાચી કામગીરી બદલ સરકાર તરફથી રાવ સાહેબનો ઇલ્કાબ મળ્યો હતો; અને માતાનું નામ શ્રી. ઉજમબાઇ છે. એમનું લગ્ન સન ૧૯૦૯ માં સૌ. રમાબ્હેન સાથે થયું હતું. એઓએ લગભગ બધું પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું. સન ૧૯૧૦ માં મેટ્રિક પાસ થયલા; તે પછી મુંબાઇની આર્ટ સોસાઇટીમાં ચિત્રકળાનો અભ્યાસ કરવા દાખલ થયલા. ત્યાં પાંચ વર્ષના અભ્યાસના અંતે તેઓ એ સંસ્થાનો ગુણાતિશયતાનો મેયો મૅડલ તેમ બીજે વર્ષે મુંબાઈની આર્ટ સોસાઇટીનો સર્વશ્રેષ્ઠ ચિત્ર માટે સુવર્ણચંદ્રક મેળવવાને ભાગ્યશાળી થયા હતા. આ પ્રમાણે એ સંસ્થાનો સુવર્ણચંદ્રક મેળવનાર ગુજરાતીઓમાં એઓ પહેલા જ હતા. આપણા પ્રાંતમાં ચિત્રકળા અને સ્થાપત્ય પ્રતિ અભિરુચિ નહિ જેવી છે. છેલ્લા એક દાયકાથી તેમાં ફેરફાર થતો નજરે પડે છે, તે દેશમાં પ્રવર્તી રહેલા નવીન વાતાવરણનું તેમ કેટલીક સમર્થ વ્યક્તિઓ, જેવી કે હેવેલ, રવિન્દ્રનાથ ટાગોર, કુમારસ્વામિ, ગંગુલી વગેરેના પ્રયાસનું શુભ પરિણામ છે. એ વાતાવરણને પોષવામાં તેમ ખીલવવામાં ગુજરાતમાં કોઇ એક વ્યક્તિનો નિર્દેશ કરવામાં આવે તો તેમાં શ્રીયુત રાવળનું નામ મોખરે આવે છે. અભ્યાસમાંથી છૂટા થયા પછી એમણે ઇચ્છ્યું હોત તો ચિત્રકળાના ધંધામાં તેઓ સારી રીતે પૈસા પ્રાપ્ત કરી શક્યા હોત. પણ તેમની અંતિમ ભાવના દેશમાં કળાનું વાતાવરણ ઉભું કરવાની અને તેનો પ્રચાર કરવાની હતી. વળી અત્યારે આપણે અહિ કળાના વિષયમાં જે કાંઈ પ્રગતિ નજરે પડે છે અને તે માટે મમત્વ ધરાવા લાગ્યું છે, તેનો યશ “કુમાર કાર્યાલય”ને આપવો ઘટે છે. ગુજરાતમાં જે થોડી ઘણી જાણીતી વ્યક્તિઓ-સંસ્થારૂપ નિવડી છે; તેમાં ઉપર નિર્દેશ કરેલ કુમાર કાર્યાલય,-વસ્તુતઃ ભાઇ રવિશંકર-નું સ્થાન છે. તે સંસ્થા માત્ર કળાના વિકાસ વા ઉત્તેજન પુરતું કાર્ય કરતી નથી; પણ તેનો હેતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજ્જવળ અને દીપ્તિમાન કરવાનો છે અને તેની તમામ પ્રવૃત્તિ એ દૃષ્ટિબિન્દુપર અવલંબી રહે છે. મુંબાઈમાં પોતાની લાઇનની શરૂઆત કરતાં તેઓ સ્વ. હાજીમહમદ અલારખીઆના સંસર્ગમાં આવ્યા હતા અને તેમના અજબ પ્રોત્સાહન અને ઉત્તેજનથી તેમને એમના કાર્યમાં ઘણી સરળતા તેમ અનુકૂળતા મળ્યાં હતાં. સ્વર્ગસ્થ પ્રત્યેનો સ્નેહ અને આભારનું ઋણ એમણે હાજી મહમદ સ્મારક ગ્રંથ સંપાદન કરી અદા કર્યું હતું. ગુજરાત સાહિત્યમાં એ જાતની તે પ્રથમ જ કૃતિ હતી. નવગુજરાતને ઉંચે લઈ જવા અને તેનું જીવન સંસ્કારી, સમૃદ્ધ, ભાવનામય તેમ જ્ઞાનવાળું કરવા તેઓ મોટા મનોરથો સેવે છે; અને તેમાં તેઓ કેટલે દરજ્જે ફતેહમંદ થયા છે, તેની કસોટી-નિર્ણય વાચક “કુમારની” ફાઇલ તપાસી કરી શકશે. એટલે કે શ્રીયુત રવિશંકર ફક્ત એક ચિત્રકાર કે કળાકાર નથી રહ્યા; પણ એમણે એમનું જીવન ગુજરાતી સંસ્કારિતાને તેજસ્વી કરવામાં અને તેની અસ્મિતાને પોષવામાં આપ્યું છે. વળી આનંદ પામવા જેવું એ છે કે એમના કાર્યની કદર રણજીતરામ સ્મારક સમિતિએ સન ૧૯૩૦ નો રણજીતરામ સુવર્ણચંદ્રક એમને આપીને કરી છે.

: : એમની કૃતિ : :

સોળ સુંદર ચિત્ર સન ૧૯૨૫