ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ

એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ અને મૂળવતની મહેમદાવાદના છે. જન્મ પંચમહાલ જીલ્લામાં ગોધરા ગામે સં. ૧૯૧૯ના કાર્તિક સુદ બીજના દિવસે થયો હતો. એમના પિતાનું નામ ગોવર્ધનપ્રસાદ પરસેતમરાય અને માતાનું નામ ગંગાબા હતું. એઓ બંને પુરા ચુસ્ત વૈષ્ણવ હતા; અને પુત્રને ન્હાનો મૂકીને પરલોક પામ્યા હતા એટલે તેના પાલન–ઉછેરનો ભાર એમના બે મ્હોટા ભાઇઓપર આવી પડ્યો હતો. એમનું લગ્ન સન ૧૮૯૮માં ધંધુકા તાલુકાના પોલારપુર ગામે શિહાણીના પુષ્પાદરા આચારજ રેવાશંકર માધવજીની દિકરી મણિગૌરી સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે પંચમહાલ-ગોધરામાં લીધી હતી. ઈંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પણ ત્યાંની મિડલ સ્કુલમાં કરેલો. પછી પંચમહાલ લોકલ ફંડની માસિક રૂ. ૭)ની સ્કોલરશીપ મેળવી તેઓ અમદાવાદ હાઇસ્કુલમાં જોડાયલા. અહિંથી તેઓ સન ૧૮૮૩માં મેટ્રીકની પરીક્ષામાં પાસ થયા હતા. તે વખતે અમદાવાદ સેન્ટર ખાતે સ્વર્ગસ્થ સર રમણભાઈ પરીક્ષામાં પ્રથમ નંબરે અને એઓ બીજા નંબરે આવ્યા હતા. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓ સાહિત્યવિષયક અને સંસ્કારપોષક પ્રવૃત્તિમાં પડેલા. સ્વ. અનંતપ્રસાદ ત્રીકમલાલ વૈષ્ણવની આગેવાની નીચે પટણી નાગરો તરફથી બાલજ્ઞાનવર્ધક નામની સંસ્થા ચાલતી તેમાં તેઓ આગળપડતો ભાગ લેતા એટલું જ નહિ પણ પાછળથી સભા તરફથી બાલજ્ઞાનવર્ધક નામનું એક ચોપાનિયું કાઢવામાં આવેલું તેમાં લખવા માંડેલું. તે પછી ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિજ્ઞાનવિલાસ’ વગેરે માસિકોમાં તેઓ લેખો મોકલી આપતા હતા. “મૂલતવી રાખવાનાં માઠાં ફળ” એ નામનું પુસ્તક કટકે કટકે “બુદ્ધિપ્રકાશ”માં પ્રથમ છપાયું હતું અને “લંગડો જરવાસ”ની શરૂઆત ‘વિજ્ઞાનવિલાસ’માં થયલી. તે પછી એમણે “માબાપ તેવાં છેકરાં’ એ નામનું એક ન્હાનું પુસ્તક પ્રકટ કરેલું અને ગુ. વ. સોસાઈટીને “યુવાનોને બોધવચન’ એ નામનું પુસ્તક લખી આપેલું. એમનું પ્રસિદ્ધ અને સંગીન કાર્ય તો એમણે યોજેલી ઇંગ્રેજી ગુજરાતી ડિક્ષનેરી છે, જેની ત્રણ જાતની જુદી જુદી એડીશનોની અનેક આવૃત્તિઓ થઇ ગઈ છે અને લગભગ ઘણે સ્થળે તે વપરાય છે. એ પુસ્તક એમણે રા. રા. શંકરભાઇ ગલાભાઇ પટેલને સાથે રાખી તૈયાર કરેલું. તે વખતે માત્ર સ્વ. દી. બા. અંબાલાલની ડિક્ષનેરી હતી; પણ તે છેક સન ૧૮૭૫ માં રચાઇ હતી. આ પરથી તેનું મૂલ્ય સમજાશે. અત્યારે તેઓ મીલ સ્ટોર્સનો ધંધો કરે છે પણ તે પહેલાં ઘોડાસરના કારભારી અને માણસાના ન્યાયાધિશ તરીકે ફતેહમંદ રીતે વહિવટ કરેલા. એમના જીવનમાં શ્રીમન્નૃસિંહાચાર્યે પરિવર્તન કર્યું હતું. એમના જમાનામાં જડવાદનું જોર દિન પ્રતિદિન વધતું જતું હતું; અને જુના આચારવિચાર વિરૂદ્ધ બંડ થતું. તે અરસામાં ધાર્મિક વિચારના પોષણ ઉત્તેજનાર્થે આર્યસમાજ, થિઓસોફી, શ્રી શ્રેયઃસાધક અધિકારીવર્ગ વગેરે સંસ્થા–સંપ્રદાયદ્વારા ઘણું સરસ કાર્ય થતું અને ચાલુ પ્રવાહનો અવરોધ કરવા પ્રયત્ન થતા. શ્રીમન્નૃસિંહાચાર્યના સમાગમથી ત્રણ વર્ષ સુધી એમનો ઉપદેશ ગ્રહણ કર્યો. તે પછી તેમની પાસેથી દીક્ષા લીધી હતી. તેમના જીવનમાં આ એક મહત્વનો પ્રસંગ હતો. ધાર્મિક ગ્રંથોનું વાચન એ એમનો પ્રિય વિષય છે અને થોડા સમયથી બીજી પ્રવૃત્તિ ઓછી કરી નાંખી ઈશ્વર ભજન અને ચિંતનમાં તેઓ વધુ સમય ગાળે છે.

: : એમના ગ્રંથો : :

૧. મૂલત્વી રાખવાનાં માઠાં ફળ સન ૧૮૮૫
૨. માબાપ તેવાં છોકરાં  ”  ૧૮૮૭
૩. ધી સ્ટાન્ડર્ડ ઇંગ્લીશ ગુજરાતી ડિક્ષનેરી  ”  ૧૮૯૪
૪. ધી સ્ટુડન્ટસ સ્ટાન્ડર્ડ ઇંગ્લીશ ગુજરાતી ડિક્ષનેરી  ”  ૧૮૯૬
૫. લંગડો જરવાસ
૬. યુવાનોને બેધવચન+  ”  ૧૮૯૭
૭. ધી કોન્ડેન્સ્ડ ઈંગ્લીશ ગુજરાતી ડિક્ષનેરી  ”  ૧૯૧૧
૮. ધી પોકેટ ઇંગ્લીશ ગુજરાતી ડિક્ષનેરી

+ ‘Advice to Youngmen’ નું ભાષાંતર