ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/વિદ્યાશંકર કરૂણાશંકર આચાર્ય
એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ અને પાટણના વતની છે. જન્મ શંખારીમાં (તા. પાટણ) સં. ૧૯૧૪ના ભાદરવા વદ ૬-કપીલ છઠ્ઠ–ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કરૂણાશંકર જયશંકર અને માતાનું નામ માણેકબા હતું. એમની માતા ન્હાનપણમાં જ ગુજરી ગયલા. એમનું લગ્ન પંદરમા વર્ષે સુરતમાં ચીમનગૌરી ઉર્ફે મહાલક્ષ્મીબાઇ સાથે થયું હતું. સાત ચોપડીઓ સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી એમણે થોડું ઇંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું હતું; અને વડોદરા રાજ્યની વકીલાતની પરીક્ષા પાસ કરી હતી. પાટણમાં તેઓ એક અગ્રેસર કાર્યકર્તા તરીકે પ્રસિદ્ધ છે; અને શહેરના વિકાસમાં એમનો ફાળો થોડો નથી. વળી વડોદરા ધારાસભામાં તેઓ લોકનિયુક્ત સભ્ય તરીકે છ વર્ષ સુધી બે વખત ચુંટાયા હતા; અને પાટણમાં સુધરાઇ ખાતાના પ્રમુખનો હોદ્દો તેમ પ્રાંત પંચાયતના ઉપાધ્યક્ષનો હોદ્દો એમણે ભોગવ્યો છે. શહેરની સેવાઓની સાથે તેઓ જ્ઞાતિસેવા પણ વિસર્યા નથી અને જ્ઞાતિબંધુઓએ તેની કદર કરી ભારત વર્ષ ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે દ્વારકા માટે ચુંટ્યા હતા અને તે હજુ પણ કાયમ છે; હાલમાં તેઓ કડી પ્રાંત પુસ્તકાલય પરિષદના પ્રમુખ ચુંટાયા છે. તેઓ એક સુધારક છે અને તેમના વખતમાં પરદેશગમનનો સવાલ પક્ષપાતની નજરે જોવાતો તોપણ તેમણે પોતાના પુત્રને વિલાયત મોકલેલો, જે અત્યારે પેરિસમાં ઝવેરીને ધંધો કરે છે. તેઓ સનાતની છે. શ્રી શંકરાચાર્ય મહારાજે તેમને ધર્મકાર્યધુરંધરની પદવી બક્ષી છે. વર્તમાનપત્રમાં લખવાનો શોખ વિશેષ; અને એમણે બે નવલકથાનાં પુસ્તકો આજથી ઘણાં વર્ષો પૂર્વે લખ્યાં હતાં.
: : એમના ગ્રન્થો : :
| ૧. | પરગજુ પારસીઓ | સન ૧૮૯૮ |
| ૨. | નેકલેશની નવલકથા | ” ૧૮૯૯ |