ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા

એઓ જાતના મુસલમાન–સૈયદ વંશના છે. એમના પિતા સૈયદ સદરૂદ્દીન નવસારીમાં એક આગેવાન નાગરિક છે અને સાહિત્ય પ્રતિ પણ અભિરુચિ ધરાવે છે. ધર્મગુરુ એટલે એ કાર્ય પ્રતિ વિશેષ લક્ષ રહે છે. એ સંસ્કાર એમના પુત્રમાં પણ આવેલા છે. એમનો જન્મ તા. ૧લી જુલાઈ ૧૯૧૧ના રોજ નવસારીમાં થયો હતો અને લગ્ન અમદાવાદમાં સન ૧૯૨૯ માં સરદાર બેગમ સાથે થયું હતું. એમની માતાનું નામ વઝીર બેગમ છે. નબળી તબિયતના સબબે તેઓ બહુ અભ્યાસ કરી શક્યા નથી; પણ ઘર આગળ વાચન ચાલુ રાખી સારો અભ્યાસ કરેલો છે. એઓએ ગુજરાતી સાહિત્યની સામાન્ય પરીક્ષા પાસ કરેલી છે; અને માસિકોમાં અવારનવાર લખતા રહે છે. એઓ જણાવે છે કે નેપોલિયન બોનાપાર્ટનું ચરિત્ર એમને બહુ પ્રિય છે અને મહાત્માજીના ઉપદેશે તો એમના જીવન પર ખૂબ અસર કરેલી છે. તે પછીથી તેઓ સાદું જીવન ગાળે છે. એઓ “ઝહીર”ની સંજ્ઞાથી લેખો લખે છે. એમને શિક્કાઓ અને સ્ટેમ્પ્સ ભેગા કરવાનો તથા ફોટોગ્રાફીનો શોખ છે તેમ પ્રજાસેવા કરવાની અભિલાષા ધરાવે છે અને નવસારી સુધરાઈમાં પ્રજા તરફથી ચુંટાઇ સેવાકાર્ય કરે છે; પરમાત્મા તે બર આણે.