ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સૌ. લીલાવતી મુનશી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૌ. લીલાવતી મુનશી

એઓ મૂળ અમદાવાદના વતની અને સુપ્રસિદ્ધ સ્વ. શેઠ વીરચંદ દીપચંદના દોહિત્રી થાય. એમનો જન્મ સન ૧૮૯૯–સંવત્‌ ૧૯૫૫ના વૈશાખ સુદ ૧૩ ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ મોતીબાઇ છે. ગુજરાતી ચાર ધોરણનો અભ્યાસ શાળામાં કર્યો હતો; અંગ્રેજી અને સંસ્કૃત અભ્યાસ ઘર આગળ કર્યો હતો અને સીનીયર કેમ્બ્રીજને માટે તૈયારી કરી હતી પણ પરીક્ષા આપી શકાઇ નહોતી. તે પછી લગ્ન સન ૧૯૧૩ માં થયા હતા. ન્હાનપણથી લેખન વાચનના સંસ્કાર પડેલા અને એક સંસ્કારી સમૃદ્ધ કુટુંબમાં ઉછરેલા; એટલે ઘણોખરો સમય વાચન અને અભ્યાસમાં વ્યતીત થતો. એ રીતે ગુજરાતી ઇંગ્રેજી સાહિત્ય પુષ્કળ વાંચી કાઢેલું. આવા સુશિક્ષિત અને સંસ્કારી વિદુષી જીવનવિકાસ માટે તલસે; સ્ત્રીસ્વાતંત્ર્ય માટે ઝઝુમે અને સ્ત્રીના સમાન હક્ક અને સન્માન માટે બંડ ઉઠાવે, એ સ્વાભાવિક છે. હિન્દુસમાજમાં સામાન્ય રીતે બને છે તેમ શેઠ લાલભાઇ ત્રીકમલાલના પત્ની મૃત્યુ પામતાં, તેમની સાથે એમનું લગ્ન, બંનેની વચ્ચે એકલી ઉમરનું જ નહિ પણ સંસ્કારનો મોટો અંતરાય છતાં, ગોઠવી દેવાયું હતું. એમને ત્યાં વૈભવ અને સાહિબીનો તોટો નહોતો; પણ જીવનની ભૂખ –સંપત્તિ અને સમૃદ્ધિથી ભાંગતી નથી. વાચન, લેખન અને પ્રવાસ હિંદના જૂદા જૂદા સ્થળે ફરી –દ્વારા કંઈક જીવનવિકાસ સાધવાને તેમ મન સંતોષવાને વલખાં મારેલાં; પણ કવિવર શેલી, કિટ્‌સના ગ્રંથોનાં વાચનથી પોષણ પામેલા આત્માને એથી તૃપ્તિ ન જ વળે; પણ એક પ્રકારની મનોવ્યથા અને અસંતોષ રહ્યા જ કરે. તેથી શ્રીયુત મુનશી સાથેનું એમનું પુનર્લગ્ન અમે આવકારદાયક લેખીએ છીએ; એકલી એમની દૃષ્ટિએ જ નહિ પણ ઉભયના હિતની દૃષ્ટિએ. આવો સુયોગ થયાથી, સાહિત્ય અને સમાજને જે નવીન બળ અને જુસ્સો મળ્યો છે, તેની તુલના કરવાનો સમય હજુ દૂર છે; પણ એમના સાહિત્યગ્રંથોથી તેમ ચાલુ રાષ્ટ્રીય લડતમાં એ જોડાએ-યુગલે, જે અસાધારણ શૂરાતન દાખવ્યું છે અને તે પાછળ પોતાનું સર્વસ્વ હોમ્યું છે, તે તો હમેશ માનની લાગણીથી જોવાશે. એમને મન તે લાંબા સમયથી જે ભાવનાના આદર્શો તેઓ રચી રહ્યા હતા તે સિદ્ધ કરવાનો એ અવસર હતો, પણ તેની અસર જનતાપર બહુ ઉંડી થઈ હતી અને શ્રીમતી લીલાબ્હેને જે વીરતા બતાવી છે, તેની એકલા મુંબાઇ નગરે નહિ પરંતુ સમગ્ર દેશે મુક્તકંઠે પ્રશંસા કરેલી છે. ભાવના અને વિચારને આચારમાં મુકવાને તેઓ સતત પ્રયત્ન કરતા રહ્યા છે; અને તે જ જીવન ભાગ્યશાળી કે જેમ વિચારે તેમ વર્તે.

: : એમની કૃતિઓ : :

૧. રેખાચિત્રો અને બીજા લેખો સન ૧૯૨૫
૨. કુમાર દેવી.  ”  ૧૯૨૯