ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/વલ્લભજી ભાણજી મહેતા

વલ્લભજી ભાણજી મહેતા

એઓ જ્ઞાતે મોઢ વણિક અને મોરબીના વતની છે. એમના પિતાનું નામ ભાણજી દયાળજી મહેતા અને માતાનું નામ ધોળીબાઈ વાઘજી છે. એમનો જન્મ સં. ૧૯૪૨માં મોરબીમાં થયેલો; અને લગ્ન સં. ૧૯૬૦ માં ૧૮ મે વર્ષે સૌ વિજયાલક્ષ્મી સાથે થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ પાંચ ચોપડીઓનું લઇ, ઇંગ્રેજીનો માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે; અને તે શિક્ષણ એમણે મોરબીમાં લીધું હતું. એમના જીવન પર શિઘ્ર કવિ શંકરલાલે, જેઓ મોરબીના હતા તેમણે અસર કરી હતી. તેમજ મહાકવિશ્રી ન્હાનાભાઈની મનોહર મુગ્ધ અગેય શૈલીની અસર પણ થઈ છે. તત્વજ્ઞાન એમનો પ્રિય વિષય છે. એમની રચેલી કવિતાનું પ્રથમ પુસ્તક વલ્લભ કાવ્ય સન ૧૯૦૬ માં છપાયું હતું; તે પછી એ પ્રવૃત્તિ જારી રહી છે અને તે અનેકરંગી અને સમયાનુકૂળ જણાશે.

: : એમની કૃતિઓ : :

૧. વલ્લભ કાવ્ય (બે આવૃત્તિ) સન ૧૯૦૬
૨. હિન્દુ સંસારચિત્ર (પાંચ આવૃત્તિ)  ”  ૧૯૦૮
૩. હૃદય બંસી  ”  ૧૯૧૪
૪. દંપતી વિદ્યાવિનોદ  ”  ૧૯૧૮
૫. સ્ત્રીબોધિની (બે આવૃત્તિ)  ”  ૧૯૧૬
૬. વસંત વિલાસિની  ”  ૧૯૨૧
૭. ભારત કીર્તન  ”  ૧૯૨૩
૮. ભગવદ્‌ગીતા ભાષાન્તર (સમશ્લોકી)  ”  ૧૯૨૭
૯. અંતરના અમી  ”  ૧૯૨૮
૧૦. વાદળી  ”
૧૧ વિભુની વાટે  ”  ૧૯૨૯
૧૨. ભાવનાના ભરત  ”  ૧૯૩૦
૧૩. કુંજવેણ  ”