ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક

એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. નડિયાદના વતની છે અને જન્મ પણ એ જ ગામમાં તા. ૩૧મી જાન્યુઆરી ૧૮૮૬ને રોજ થયો હતો. એમના પિતાનું નામ માણેકલાલ ઉમિયાશંકર યાજ્ઞિક અને માતુશ્રીનું નામ અતિલક્ષ્મી ધનસુખરામ પંડ્યા (અમદાવાદના) છે. એમનું પ્રથમ લગ્ન ૧૩ મા વર્ષે સૌ. મહાવિદ્યા ઉદ્યમરામ પંડ્યા સાથે અને તેમનું અવસાન થયા બાદ બીજું લગ્ન ૩૫ વર્ષની ઉમ્મરે નડિયાદમાં શ્રીમતી વીરેન્દ્રબાળા આણંદજી પંડ્યા સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે નડિયાદમાં કર્યો હતો અને કૉલેજની કેળવણી એક જ ટર્મ જુનાગઢમાં બાઉદ્દીન કૉલેજમાં અને પછી વડોદરા કૉલેજમાં લીધી હતી. હાલમાં તેઓ રાજકીય સંસ્કૃત મહાવિદ્યાલય–વડોદરામાં પ્રિન્સિપાલના પદે છે. સંસ્કૃત સાહિત્ય, વેદ, વેદાન્ત, પુરાણો, ધર્મશાસ્ત્રો વગેરે એમના પ્રિય વિષયો છે; પણ સંસ્કૃત નાટક માટે તેઓ ખાસ પ્રીતિ ધરાવે છે. સ્વ. તનસુખરામભાઈ ત્રિપાઠી અને સ્વ. તર્કવાચસ્પતિ મહામહોપાધ્યાય બદરીનાથ શાસ્ત્રીજીની સાથે લાંબા વખત સુધી સહવાસમાં રહેલા હોવાથી એમના જીવનપર તે બે વ્યક્તિઓની અસર થયાનું તેઓ જણાવે છે. શરૂઆતમાં તેઓ ઇન્ડિયન સ્પીસી બેંકમાં એજન્ટ તરીકે રહેલા; પણ તે બંધ થતાં સન ૧૯૨૪માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા હતા. એમનાં નીચે જણાવેલા પુસ્તકોપરથી જોઈ શકાશે કે સાહિત્યવાચન લેખન માટે તેમને કેવો અનુરાગ છે.

: : એમની કૃતિઓ : :

સત્યધર્મ પ્રકાશ (ગુજરાતી મૂળ સંસ્કૃત શ્લોકો સાથે) સન ૧૯૧૨
વિજયાલહરી (સંસ્કૃત ખંડકાવ્ય)  ”  ૧૯૧૬
વિષ્ણુપુરાણની કથાઓ (સંસ્કૃત)  ”  ૧૯૧૭
તુલનાત્મક ધર્મ વિચાર (ગુજરાતી)  ”  ૧૯૧૯
આપણું પ્રાચીન રાજ્યતંત્ર ( ,, )  ”  ૧૯૨૮
સંયોગિતા સ્વયંવર (સંસ્કૃત નાટક)  ”
છત્રપતિ સામ્રાજ્ય (સંસ્કૃત નાટક)  ”  ૧૯૨૯
સૂર્યચંદ્રવંશી રાજાઓની વંશાવલી તથા જંબુદ્વિપ અને સપ્તદ્વિપના નકશાઓ.  ”  ૧૯૩૦
પ્રતાપ વિજય (સંસ્કૃત નાટક)  ”  ૧૯૩૧