ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/રતિલાલ મોહનલાલ ત્રિવેદી
એઓ જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ છે. વતની રાણપુરના અને જન્મ એ જ સ્થળે તા. ૨૨ મી માર્ચ ૧૮૯૪ ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ મોહનલાલ લક્ષ્મીશંકર ત્રિવેદી અને માતાનું નામ માણેકબ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૦૬ માં વાંકાનેરમાં સૌ. સરસ્વતીબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે ધ્રાંગધ્રામાં મામાને ત્યાં રહીને લીધું હતું. પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયલા અને સન ૧૯૧૭ માં બી. એ.ની પરીક્ષા ઑનર્સ સહિત, સંસ્કૃત અને ઇંગ્રેજી લઈને બીજા વર્ગમાં પાસ કરી હતી. તેઓ છેલ્લાં સાત વર્ષથી શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ટ્યુટર તરીકે કામ કરે છે. એમના પ્રિય વિષયો હિન્દી સંસ્કૃતિ અને ઇતિહાસ, સંસ્કૃત, કાવ્ય અને તત્ત્વજ્ઞાન છે. અવારનવાર કૌમુદી, પ્રસ્થાન, વસન્ત વગેરેમાં એમના લેખો આવે છે. હમણાં એમનું પુસ્તક “હિન્દનાં વિદ્યાપીઠોઃ પ્રાચીન અને મધ્યકાલીન, ભા. ૧” પ્રસિદ્ધ થયું છે, એ એમનું વિશાળ વાચન, અભ્યાસ અને લેખન શૈલીનો ખ્યાલ આપશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | હિન્દનાં વિદ્યાપીઠો : પ્રાચીન અને મધ્યકાલીન ભાગ. ૧ | સન ૧૯૩૨ |