ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પ્રસ્તાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રસ્તાવના
પ્રસ્તુત પ્રકાશનની પાછળ એક જ વિચાર કામ કરી રહ્યો છે અને તે એ કે “ગ્રંથ અને ગ્રંથકાર” નું પુસ્તક આપણા ગુજરાતી લેખક અને વાંચક બંધુને તેના વાચન, અભ્યાસ અને લેખનકાર્યમાં બને તેટલું ઉપયોગી અને મદદગાર થઇ પડેઃ

એ આશયથી પ્રતિ વર્ષ તેમાં કંઈને કંઈ નવું તત્ત્વ ઉમેરવા તજવીજ કરવામાં આવે છે. આ વખતે બે નવાં અંગો ઉમેર્યા છેઃ (૧) સન ૧૯૩૨ માં પ્રસિદ્ધ થયલી સુંદર કાવ્યકૃતિઓ; અને (૨) ગુજરાતી સામયિક પત્રોની સૂચી. ગ્રંથકાર ચરિત્રાવળી વિભાગમાં અર્વાચીન વિદેહીમાંના થોડાંકનાં–આરંભના કેળવણીકારોનાં–ચરિત્રો આપવાની શરૂઆત કરી છે, તે વિભાગ બને તેટલો વિશ્વસનીય અને આધારભૂત કરવા ખાસ કાળજી લેવામાં આવેલી છે. ભાવિ ચરિત્રકોષના પાયારૂપ એ સાધન થઈ પડે, એવી ઉમેદ વધુપડતી નહિ જણાય. ગુર્જર ગ્રંથકાર ચિત્રાવલિનું પુસ્તક એક સ્વતંત્ર આલ્બમરૂપે આવતા વર્ષમાં બહાર પડે એવી વકી છે; તે માટે તૈયારી થઇ રહી છે. પહેલું પુસ્તક એકસો ચિત્રોનું આપવાની યોજના કરી છે. સન ૧૯૩૨ની કવિતાની પસંદગી શ્રીયુત દેશળજી પરમારે કરી આપી છે. એ માટે એમનો હું ઋણી છું. ઘણા બંધુઓને ખબર નહિ હોય કે અમદાવાદમાં ગુજરાતી કવિતાનો એક અભ્યાસવર્ગ ચાલે છે. તેમાં આપણા કેટલાક સારા અને જાણીતા નવા કવિઓ જોડાયલા છે. કુમાર કાર્યાલય તેનું કેન્દ્ર સ્થાન છે, તેના પ્રેરક બળ શ્રીયુત બચુભાઇ રાવત છે. શ્રીયુત બચુભાઇ રાવત, વાચક બંધુના લક્ષમાં હશે જ કે ‘ગ્રંથ અને ગ્રંથકાર’ની શરૂઆતથી તેને એમનું પોતાનું એક કાર્ય સમજી તેના સંપાદન કાર્યમાં મને હમેશ મદદ કરતા રહ્યા છે; અને હરેક વખત, એમના અનેક વ્યવસાયોમાંથી સમય કાઢીને, જે કિમતી લેખ લખી મોકલે છે તેની એકલા લેખકવર્ગે જ નહિ પણ મુદ્રણકળા સાથે નિસ્બત ધરાવનારા સોએ પ્રશંસા કરેલી છે અને તે આ પુસ્તકનું વિશેષ આકર્ષણ છે, એ અભિપ્રાય સાથે, મારી ખાત્રી છે કે, સૌ કોઈ સંમત થશે. હરેક પુસ્તકમાં લેડી વિદ્યાબહેનનો હું ઉપકાર માનું છું તે કેવળ શિષ્ટાચાર નથી જ. મારા કાર્યમાં તેઓ સરળતા કરી આપે છે, એટલું જ નહિ પણ આ પ્રકાશનમાં ખાસ રસ લે છે, એ મને થોડું પ્રેત્સાહક નથી.

અમદાવાદ.
તા. ૨૫–૯–૧૯૩૩

હીરાલાલ ત્રિ. પારેખ.