ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રામપ્રસાદ મોહનલાલ શુક્લ
એઓ જ્ઞાતે ઉદિચ્ય બ્રાહ્મણ અને વઢવાણ શહેરના રહીશ છે. એમનો જન્મ ચુડા (કાઠિયાવાડ) માં તા. ૨૨ મી જુન ૧૯૦૭ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ મોહનલાલ જીવરામ શુક્લ અને માતુશ્રીનું નામ દુર્ગાબ્હેન દેવશંકર દવે છે. એઓ હજુ અપરિણીત છે. પ્રાથમિક શિક્ષણ એમણે જામ-ખંભાલીઆમાં અને માધ્યમિક ત્રીજા ધોરણથી મેટ્રિક સુધીનું વઢવાણ શહેરમાં લીધું હતું. કૉલેજ અભ્યાસના પ્રથમ બે વર્ષ તેમણે બહાઉદ્દીન કૉલેજ–જુનાગઢમાં ગાળેલાં; અને સન ૧૯૨૮ મા બી. એ. ની પરીક્ષા સંસ્કૃત ઑનર્સ સહિત ગુજરાત કૉલેજમાથી પાસ કરી હતી. કવિતા, કાવ્યવિવેચના, ખગોળશાસ્ત્ર, ફિલ્સુફી વગેરે એમના પ્રિય વિષયો છે. રામતીર્થ, વિવેકાનંદ, ગાંધીજીની અને ખાસકરીને કબીર, મીરાંબાઈ અને બીજા સંતોનાં ભજનોની એમના જીવનપર ઉંડી અસર થયેલી તેઓ જણાવે છે. ઈંગ્રેજી કવિતાના પુસ્તકોમાં પાલગ્રેવનું ‘Golden Treasury’ અને વર્ડઝવર્થનાં કાવ્યોએ એમનું શરૂઆતનું કાવ્યમાનસ ઘડવામાં સારો ભાગ ભજવેલો, એમનાં છુટક કાવ્યો ‘પ્રસ્થાન’, ‘કૌમુદી,’ ‘કુમાર’ વગેરેમાં પ્રસિદ્ધ થયલાં છે; અને તે આખો સંગ્રહ પ્રસિદ્ધ થયે, એમની કવિતાની પરીક્ષા અને તુલના કરવાનું સુગમ થશે.