ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/જટાશંકર જયચંદભાઇ આદીલશાહ
એઓ જ્ઞાતે ઝારોળા વણિક દશા વિભાગના અને જુનાગઢના વતની છે. એમના પિતાનું નામ જયચંદભાઈ અને માતુશ્રીનું નામ મોતીબાઈ છે. એમનો જન્મ જુનાગઢમાં સન ૧૮૭૪–સંવત્ ૧૯૩૦, જેઠ વદ ૧ ને સોમવારના રોજ થયો હતો. એમનું પહેલી વારનું લગ્ન સંવત્ ૧૯૪૮ માં અને બીજી વારનું લગ્ન સન ૧૯૩૦ માં શ્રીમતી હેમકોર સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે જુનાગઢમાં કર્યો હતો. તેમણે મુંબાઇ સેકન્ડરી ટીચર્સ કૉલેજની એસ.ટી. સી. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. તેઓ હમણાંજ મુંબાઇ પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે. પોલીસ ખાતા જેવા દોડાદોડના અને નિવૃત્તિ વિનાના ધંધામાં હોવા છતાં તેમણે લેખન વાચન પ્રવૃત્તિ સારી રીતે કેળવી હતી. કાવ્ય, ધર્મ અને સમાજશાસ્ત્ર એ એમના પ્રિય વિષયો છે. સાહિત્ય પ્રતિ એટલી બધી મમતા છે કે એઓ એમની કેટલીક મિલ્કત કોઈ જાહેર સંસ્થાને અર્પવા ઈચ્છા રાખે છે.
:: એમની કૃતિઓમાંની થોડીક ::
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | નિબંદ્ધાલંકાર રત્ન | સન ૧૯૦૦ |
| ૨. | મીજાજી શૃંગાર | ”” |
| ૩. | ભર્તુહરિ નીતિશતક | ”૧૯૦૭ |
| ૪. | હોરેશિયસ | ”૧૯૦૭ |
| ૫. | સ્પૃશ્ય થવામાં અસ્પૃશ્યોની મહા હાનિ | ”૧૯૩૦ |
| ૬. | સ્ત્રીઓના પત્રો | ”” |