ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/પુરા ગ્રંથસંગ્રહ (સચિત્ર)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુરા ગ્રંથસંગ્રહ (સચિત્ર)


Image 5 of Granth Ane Granthkar - Part 5.png

ચિત્રપ્લેટ નં. ૧–આજથી લગભગ સો સવાસો વર્ષ પરના ગુજરાતી મુદ્રણના નમૂનાઓ મથાળેથી : આજથી લગભગ સવા સો વર્ષ ઉપર ઈ. સ. ૧૮૦૮માં છપાએલો ગુજરાતી બીબાંછાપનો આજસુધીમાં મળી આવેલો જૂનામાં જૂનો નમૂનો : ‘ડ્રમંડ કૃત વ્યાકરણ’ના એક પૃષ્ઠમાંથી; મુંબઈ સમાચાર પ્રેસમાં ૧૮૨૪માં છપાએલું પંચોપાખ્યાન; ગણિતકૃતિ (૧૮૨૬); ગણિતવ્હેવારની ચોપડી (૧૮૨૮); ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩); ગુજરાતી બોધવચન (૧૮૨૬); શિક્ષામાલા (૧૮૨૮); મેવર્સસ્પેલિંગ બુક (૧૮૩૭); ગુજરાતી ભાષાનું બાલવ્યાકરણ (૧૮૩૮).

Image 6 of Granth Ane Granthkar - Part 5.png

ચિત્રપ્લેટ નં. ૨–જૂનામાં જૂનાં ગણી શકાય તેવાં થોડાં વધુ પુસ્તકોનાં અગ્રપૃષ્ઠો ઈસપનીતિકથાઓ (૧૮૨૮); સંસારવહેવારની ચોપડી (૧૮૪૭); નીતિદર્પણ (૧૮૪૭); ડાડ્‌રલીની વાતોનું ભાષાંતર; મકલખની ફર્સ્ટ રીડિંગ (૧૮૪૭); વિદુરનીતિ (૧૮૫૧); ગુલબંકાવલી (૧૮૪૭); બોધકથા (૧૮૪૮); કીર્તનાવલિ (૧૮૬૭); ઈસપનીતિની વાતો (૧૮૫૪).

Image 7 of Granth Ane Granthkar - Part 5.png

ચિત્રપ્લેટ નં. ૩–અગ્રપૃષ્ઠો પર સુશોભનોની પદ્ધતિઓ ‘વિવેકસાગર’ના શોભનની પ્રમાણબદ્ધ, સાદી, નિરાડંબરી શૈલી, ‘ભદ્રાભામની’ તથા ‘ગરબાવાળીમાં’ ખૂણા ભાંગેલી બોર્ડરોની તથા બીજી પશ્ચિમની અસર, ‘બત્રીસ પુતળીની વાર્તા’માં આધુનિક ઢબની બૉર્ડર અને બ્લૉકનો થએલો પ્રવેશ, તથા બાકીનાંમાંના હ્રાસ પામતી જતી પ્રાચીન પરંપરાના અવશેષો,—એ શોભનોના અભ્યાસ માટે સારી સામગ્રી પૂરી પાડે છે.


Image 8 of Granth Ane Granthkar - Part 5.png


ચિત્રપ્લેટ નં. ૪–જૂના પુસ્તકોમાં આલેખાતાં કથાચિત્રોની પદ્ધતિનો નમૂનો શરૂઆતના બે નમૂનાઓમાં જળવાએલા પ્રાચીન ગ્રંથચિત્રણાના વિશુદ્ધ અવશેષોને મુકાબલે ત્રીજા ચિત્રમાંનું લુલું થતું જતું ને અવનત દશાને પામતું આલેખન તથા ‘મદનમોહના’માંની વિકૃત દશાએ પહોંચેલી સલાટી આલેખનની પદ્ધતિ આપણા પ્રાચીન ચિત્રાલેખનના થએલા હ્રાસનાં પગથિયાં બતાવે છે. ડાબી બાજુના નીચલા મોટા ચિત્રનું આલેખન પ્રાચીન ચિત્રશૈલીની વિશુદ્ધ લાક્ષણિકતા ધારતું ન હોવા છતાં તેના ઘણા અંશ સાચવી રાખતું જણાય છે અને તેમાં કરાએલાં પક્ષીઓ તથા પ્રાણીઓનાં આલેખન ધ્યાનપૂર્વક ધારીને જોવાં જેવાં છે.

Image 9 of Granth Ane Granthkar - Part 5.png

(સામેના પૃષ્ઠ પર) ચિત્રપ્લેટ નં. ૫–અગ્રપૃષ્ઠોની રચનાની વિવિધ પદ્ધતિઓ જૂની પ્રણાલીના વધારેમાં વધારે અંશો ધારતું તથા અગ્રપૃષ્ઠો ઉપર જ કથાબોધનાં સૂચક ચિત્રો દર્શાવતું ‘બાળકોધ તથા ગુજરાતી લિપીનો ભેદ’નું, પ્રસ્તાવનારૂપ વિવેચનવાળું ‘બાળકોને ઉપદેશ’નું તથા કવિ નર્મદના વિખ્યાત ‘ડાંડિયા’નું—એમ ત્રણ અગ્રપૃષ્ઠો ધ્યાન ખેંચે તેવાં છે.

Image 10 of Granth Ane Granthkar - Part 5.png


ચિત્રપ્લેટ નં. ૬–જાણીતા લોકપ્રિય ગ્રંથોની પ્રથમાવૃત્તિઓનાં અગ્રપૃષ્ઠ ગુજરાતના વાઙ્‌મયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્નો શરૂ થયા તે કાળની ચાર લોકપ્રિય અને સંસ્કારી કૃતિઓઃ કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું કાવ્યદોહન (૧૮૬૨); મહીપતરામ કૃત જનતાપ્રિય ‘વનરાજ ચાવડો’ (૧૮૭૬); ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાનો યશ પામેલો નંદશંકરનો ‘કરણઘેલો’ (૧૮૭૬); તથા કવિ નર્મદે પહેલાં છુટાછુટા અંકરૂપે બહાર પાડેલા, તેના લોકવિશ્રુત અને મહાભારત કાર્ય ‘નર્મકોશ’નો પહેલો ભાગ(૧૮૬૧). આ પ્રથમાવૃત્તિઓ આજે લગભગ દુષ્પ્રાપ્ય છે, એ દૃષ્ટિએ એનું મૂલ્ય ઘણું છે.

પુરા-ગ્રંથ-સંગ્રહ

જૂનાં પુસ્તકો સંઘરવાનો શૉખ

આ આબ્કિ ગ્રંથમાં છેલ્લાં ચાર વર્ષથી પુસ્તકના ઉત્પાદનને લગતી માહિતી આપતા લેખોની જે માળા આવ્યા કરી છે તેના વિષયની સાથે ઉપરનું મથાળું પહેલી નજરે જરા અસંગત લાગશે. વળી, ગયા વર્ષના લેખને અનુસંધાને આપવાનો ‘ગ્રંથશોભનો અને ચિત્રાલેખનો’નો વિષય બાકી રાખીને આ નવી બાબત ઉપાડેલી જોઈ આશ્ચર્ય પણ થશે. પરંતુ, હમણાં તાજેતરમાં જ સોસાએટી તરફથી ભરાએલી પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ્‌ને પ્રસંગે સોસાએટીએ ભરેલા જૂનાંનવાં પુસ્તકોના પ્રદર્શનને અંગે જે કેટલીક સાધનસામગ્રી પ્રકાશમાં આવી તથા ઉપલબ્ધ થઈ તેનો વહેલો ઉપયોગ કરવો ઉચિત લાગ્યો; અને ગ્રંથકારો તથા પુસ્તક પ્રેમીઓને રસદાયી આ વિષય આ લેખમાળા સાથે અસંગત નથી એ પણ લેખ આગળ વાંચતાં લાગશે. પુરા-ગ્રંથ-સંગ્રહ, એટલે પ્રાચીન પુસ્તકો સંઘરવાનો શૉખ પ્રધાનતઃ પશ્ચિમમાં જ છે. ત્યાં એને Book-collecting કહે છે, અને એેવો શૉખ ધરાવનાર માણસ collector કલેક્ટર કહેવાય છે, –જે શબ્દ આપણે ત્યાં ‘પ્રાંતનો સરકારી સુબો’ એ જ અર્થમાં સમજાય. ત્યાં કલેક્ટર એટલે ‘બુક-કલેકટર.’ પશ્ચિમના સંસ્કારવાંછુઓનો એ પ્રિય નાદ છે. પ્રાચીન હસ્ત લિખિત ગ્રંથો, છાપકળાની બાલ્યાવસ્થા સમયનાં અથવા અતિ જૂના કાળનાં શીલાછાપનાં તેમજ પ્રાથમિક બીબાં વડે છપાએલાં પુસ્તકો, નામચીન ગ્રંથોની દુષ્પ્રાપ્ય થઈ પડેલી પહેલી આવૃત્તિઓ વગેરે પુરાણા ગ્રંથો, ગુટકાઓ કે પુસ્તક-પુસ્તિકાઓ શોધવાનો ને સંઘરવાનો એ શૉખ આપણે ત્યાં નહિવત્‌ છે. પશ્ચિમના દેશોમાં તો ઘણા ખરા સંસ્કારસ્વામીઓ તથા વિદ્યાસેવી શ્રીમાનો એ શૉખ ધરાવે છે. અને એ શૉખ તે કેવળ નાણાં કે સમય વેડફવાની નિરૂદ્દેશ ધૂન માત્ર નથી, પણ દેશની પ્રાચીન સંસ્કારસમૃદ્ધિના મોંઘા અવશેષો સાચવવાનું એક અતિ મહત્ત્વનું સેવાકાર્ય છે. પ્રજાની વિકાસયાત્રાના અગત્યના સીમાસ્તંભો જેવા એ અવશેષો દેશનાં સમાજજીવન, સંસ્કારિતા અને પ્રજાઘડતરના ઇતિહાસનાં અતિ મૂલ્યવાન સાધનો થઈ પડે છે.

ઉદ્‌ભવ

ઘણીખરી સદ્‌પ્રવૃત્તિઓના સંબંધમાં બન્યું છે તેમ આ શૉખની શરૂઆત પણ વિરોધ અને દમનમાંથી, ઇંગ્લંડમાં આઠમા હેન્રીના વખતમાં જ્યારે ધર્મગુરુઓના મઠો વિખેરી નંખાયા અને પુસ્તકનાશનું સત્ર મંડાયું ત્યારથી, થઇ. એ વેળાએ તો વિદ્યાશૉખીનોએ વિલાઇ જતા એ જ્ઞાનધનને બચાવવાને માટે જ શરૂઆત કરેલી. આજે યુરોપ-અમેરિકાનાં ઘણાંખરાં સમૃદ્ધ પ્રજાકીય પુસ્તકાલયોમાંનાં પુસ્તકોનો મોટો ભાગ આ શૉખને જ આભારી છે. આપણે ત્યાં પણ એવા આક્રમણો (જે જુદી રીતે પણ અસંખ્ય વાર આવી ગયાં તે)ની સામે જૈનોના ભંડારોએ એ જ પ્રકારનું ગ્રંથસંરક્ષણ કર્યું છે. પરંતુ હવે આ વિદ્યાશૉખ અને કદરશનાસીના જમાનામાં હજી પણ તેઓ એ જૂના ચીલાને અંધ માન્યતાથી વળગી રહીને ગ્રંથોને ગોંધી રાખે છે તેની પ્રશંસા થઇ શકે તેમ નથી. આપણું એ પુરાતન જ્ઞાનધન એમણે જે કાળજી અને પ્રેમથી સાચવી રાખી તેનું રક્ષણ કર્યું તેની ખરી ઉલટભરી કદર તો પ્રજાના ઉપયોગ માટે એ ખુલ્લાં મૂકાય ત્યારે જ થાય.

પ્રકાર

પુરા-ગ્રંથ-સંગ્રહના આ શૉખની પાછળ કારણરૂપે જુદી જુદી દૃષ્ટિ, કે વૃત્તિ રહેલી હોય છેઃ (૧) પોતાનો કોઇ પ્રિય વિદ્યાશૉખ; (૨) સંસ્કાર- સાધનોના સંરક્ષણની દૃષ્ટિ; (૩) વિરલ વસ્તુઓનું સ્વામિત્વ ધરાવવાની મનોવૃત્તિ; (૪) સૌન્દર્યદૃષ્ટિ; (૫) વિચિત્ર વસ્તુસંગ્રહનો નાદ. આ શોખ ધરાવનારાઓના લગભગ સિત્તેરથી એંશી ટકા ભાગનો મુખ્ય મુદ્દો તો મોટે ભાગે પિતાની પ્રિય એવી કોઈ અમુક વિદ્યાશાખાને વિકસાવવાનો હોય છે. જ્ઞાનની જે અમુક શાખા (ઇતિહાસ, પુરાણ, તત્ત્વજ્ઞાન, કલા, સાહિત્ય, કાવ્ય કે એવી કોઈ) માટે પોતાને શૉખ હોય તેના વિશાળ ને ઊંડા અભ્યાસ માટે બની શકે તેટલાં જૂનાં અને મળી શકે તેટલા વિવિધ પ્રકારનાં પુસ્તક ખોળવાં અને સંગ્રહવાં એ ઉદ્દેશ. આપણે ત્યાં આપણા વિદ્યાપ્રેમી સાક્ષરો વગેરે મોટે ભાગે આ જ ઉદ્દેશથી પુરા-ગ્રંથ-સંગ્રહ કરે છે. બીજો મુદ્દો સાંસ્કૃતિક ઇતિહાસનાં સાધનો તરીકે તેમને સંઘરવાનો. આ દૃષ્ટિબિંદુ વધારે વિશાળ, અગત્યનું, રસભર્યું અને ઉપયોગી છે. એમાં કોઇપણ એક વિદ્યાશાખાના નહિ, પણ બધા વિષય અને પ્રકારના ગ્રંથોનો સંગ્રહ થાય છે, અને જતે દહાડે એ પ્રજાનો અણમોલો ભંડાર બની રહે છે. પ્રજાનાં જ્ઞાન અને વિચારણા, ઇતિહાસ અને જીવન, રાહ-રસમ અને રસવૃત્તિ, સુખદુઃખ અને ચડતીપડતી, ધર્મપલટા અને ઉદ્યોગ-કારીગરીના વારાફેરાએ—બધાંનું દર્શન છુટા છુટા અંકોડા રૂપે પ્રાચીન પુસ્તકોમાંથી આપણને જાણવા મળે છે. જ્યાં એ સંગ્રહ જેટલો વિપુલ ત્યાં એ સાંસ્કૃતિક દર્શન એટલું કડીબંધ અને સમૃદ્ધ. આ દૃષ્ટિએ અમેરિકા જેવા દેશમાં આ શૉખ અતિઘણો વિસ્તરે એ કેવળ સ્વાભાવિક છે. ત્યાંની પ્રજાને પોતાના પ્રાચીન ઇતિહાસગૌરવનાં સાધનોની અછત; કેમકે એ દેશની વસાહત સત્તરમી સદીની શરૂઆતમાં હજી માત્ર ત્રણસો વરસ પર જ થઈ. અને વસાહતીઓ આવેલા બધા ઇંગ્લંડ-યુરોપથી, એટલે એમની પોતાની પાસે તો પુરાણા ઐતિહાસિક ગૌરવના સ્મૃતિ-અવશેષ કે સાંસ્કૃતિક સીમાચિહ્નોરૂપ કશું હોય જ નહિ. આથી એમને એ બધું બહારથી ખરીદી લાવીને પોતાના દેશ માટે વસાવવું રહ્યું. અને ઉદ્યોગધંધાની પ્રગતિ તથા રસકસવંતા દેશને કારણે કમાયા ખૂબ; એટલે અમેરિકનોનો આ શૉખ ખીલ્યો પણ બહુ અને તેને માટે પૈસા પણ એમણે લખલૂટ ખરચ્યા. ધનાઢ્યોએ તો આવા સંગ્રહો કરીકરીને પોતપોતાના ગામ કે પ્રાંતને ભેટ આપી દીધા, અને એવા એક નહિ પણ અનેક પરિણામે અમેરિકાની એ સમૃદ્ધિ આજે યુરોપની બરોબરી કરતી થઇ ગઇ છે. અમેરિકનોના ખંત અને ઉત્સાહની આ ઝલક આપણે માટે અનુકરણીય છે. આજે ત્યાં આ શૉખ પ્રજાવ્યાપી થઇ ગયો છે. પરંતુ અતિ પ્રાચીન પુસ્તકો તો કેવળ શ્રીમાનો જ ખરીદી શકે એટલાં મોંઘાં હોય, એટલે સામાન્ય સ્થિતિના માણસોમાં હવે પુસ્તકોની પહેલી આવૃત્તિઓ સંઘરવાનો નાદ લાગ્યો છે. કેટલાક પ્રકાશકો વળી અમુક વિશિષ્ટ અને પ્રતિભાશાળી લેખકોનાં પુસ્તકોની ‘ગણતરીની ખાસ આવૃત્તિઓ’ (limited editions) કાઢે છે. તે ઊંચા, સુંદર, મજબૂત કાગળ પર, બડા શૉખ અને રસ વૃત્તિથી છાપીને કાઢેલી હોય છે. એમાંની મોટા ભાગની આવૃત્તિઓમાં કર્તાની સહી પણ હોય છે. આવી આવૃત્તિ માત્ર ૭૫૦, ૫૦૦, ૨૫૦, કે કોઈવાર ૧૦૦ નકલની જ હોય છે, અને તે પર મનમોંઘી કીમત રાખવામાં આવી હોય છે. આ પ્રકારની આવૃત્તિઓ સંઘરવાનો શોખ પણ એ દેશમાં આજે ઘણો જ છે. આ રીતે ત્રીજા પ્રકારના સંગ્રાહકોનો વર્ગ ઊભો થયો. સૌન્દર્યદૃષ્ટિથી પુસ્તક સંઘરનારાઓનો મોટો ભાગ પણ આ પ્રકારની આવૃત્તિઓ સંઘરે એ સ્વાભાવિક છે. પણ એનો મૂળ તાર તો પરંપરાથી પ્રજાની સૌંદર્યદૃષ્ટિ કેવા પ્રકારે કેળવાતી આવી તેનો રેખાઉતાર ઇતિહાસ રાખવાનો હોય છે. છેક મુદ્રણકલાના પ્રારંભકાળે પૃષ્ઠરચના કેમ થતી, પ્રથમાક્ષરે કેમ મૂકતા, અગ્રપૃષ્ઠો કેમ રચાતાં, બીબાંના મરોડ કેવા હતા અને તેનો વિકાસ ઉત્તરોત્તર કેમ થતો ગયો, તેમાં નવી જાતો કેટલી ઉમેરાઇ, સુશોભનો કેવા કેવા પ્રકારે ફૂલ્યાંફાલ્યાં કે વિકૃત થયાં, ચિત્રણાની પદ્ધતિએ કેવા કેવા પલટા લીધા, પુસ્તકની બાંધણીનાં સ્વરૂપો કેવાકેવા ઘડતરમાંથી પસાર થયા, એના શણગાર ને મજબૂતી કેવાં હતા ને આજ કેવાં છે,—આ અને આવા અસંખ્ય મુદ્દાઓનો ક્રમિક, કડીબંધ ઇતિહાસ ગ્રંથ-સંગ્રહો વડે જ મળી શકે અને મળ્યો છે. વિવિધ નમૂનાઓમાં સચવાએલી ગ્રંથ-દેહના બંધારણની એ સૌંદર્યયાત્રા એટલી રસભરી અને મનોગ્રાહી હોય છે કે એ જોતાં આશ્ચર્યમુગ્ધ જ થઈ જઈએ, અને ગ્રંથમાં સંઘરાએલા મહામોલા જ્ઞાન અને પુરા-વિદ્યા કરતાં આ મુદ્દો પણ કોઇ રીતે ઊતરતો ન લાગે. ઘણાને કેવળ કોઈ એક વિશિષ્ટ અને વિચિત્ર પ્રકારના જ ગ્રંથોનો સંગ્રહ કરવાનો નાદ હોય છે. કેટલાકો પંચાંગો જ સંઘર્યા કરે છે.—તે પ્રચીનતમમાં પ્રાચીનતમ મળે તે કાળથી અને ચિત્રવિચિત્ર સ્વરૂપ તેમજ પ્રકારનાં, કેટલાક શિકારને લગતાં, કેટલાક વહાણવટાને લગતાં, કોઈ પાકશાસ્ત્રના તો કોઇ વળી મધમાખી ઉછેરવાનાં જ, મળી શકે તેટલાં ને ત્યાંથી પુસ્તક સંઘરે છે. આ નાદ પણ વિશિષ્ઠ વિદ્યાશૉખનું આગળ લંબાએલું જ સ્વરૂપ છે.

આપણે ત્યાં

આપણે ત્યાં, (હિંદુસ્તાનની વાત કરવાની કદાચ હિંમત ન કરીએ, પણ ગુજરાતમાં તો) એવા પુરા-ગ્રંથ-સંગ્રહના શોખીનો આંગળીને વેઢે ગણી શકાય એટલા માંડ હશે. ફૉર્બ્સ સાહેબના પ્રેરણા અને ઉત્તેજનથી કવીશ્વર દલપતરામે એ કાર્યની ગુજરાતમાં પ્રથમ શરૂઆત કરી; અને તે પછી આજ સુધીમાં એ દિશામાં સહૃદય ને સભાન પ્રયત્ન કરનારાઓમાં સૌથી આગળપડતું સ્થાન કદાચ ગુજરાત વર્નાક્યુલર સોસાએટીના આસિ. સેક્રેટરી શ્રી હીરાલાલ પારેખનું છે;—આગળપડતું એટલા માટે કે બીજા ઘણા વિદ્યાપ્રેમીઓ પોતપોતાની વિશિષ્ટ મનપસંદ વિદ્યા અને શાખાને અંગેના જ પ્રાચીન પુસ્તકો સંગ્રહવાના શૉખીન હશે, પરંતુ શ્રી પારેખની દૃષ્ટિ વધુ સર્વદેશીય, વિશાળ અને શાસ્ત્રીય બુદ્ધિથી પ્રેરિત છે; અને તેથી જ પ્રજાના સંસ્કાર-અવશેષોના એક અગત્યના અંગનો મૂલ્યવાન ફાળો એકઠો કરવાનું બહુમાન એમનું છે. પડદા પાછળનો એમનો એ શૉખ આજ સુધી વણપ્રીછાયો હતો. ઇ. સ. ૧૯૩૨માં સોસાએટી તરફથી ‘કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથોની સૂચિ’ બહાર પડી ત્યારે જ જાણ થઈ કે આજ વર્ષોથી તેઓએ શૉખ ધરાવે છે. અને પોતાની લાંબા સમયની શોધ, મહેનત, ખર્ચ અને ઉમંગથી એકઠો કરેલો શુમારે છસો પ્રતો જેવડો એ સંગ્રહ, કવિ દલપતરામ સમા એ કાર્યના આદિ પુરૂષના નામ સાથે જોડી એમણે સોસાએટીને અર્પણ કર્યો છે એ હકીકતથી તો એમના પ્રત્યેનો આપણો આદરભાવ વધે છે; કેમકે, ઘણા નહિ જાણતા હોય કે એ પ્રતસંગ્રહનું મૂલ્ય પુરા-ગ્રંથ-સંગ્રાહકોની દૃષ્ટિએ સેંકડા નહિ ૫ણ હજારની સંખ્યાના રૂપિયામાં અંકાય એવું છે. પોતાના એ શૉખને વિષે શ્રી પારેખ ‘કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથોની સૂચિ’ના પ્રવેશક-લેખમાં નોંધે છે કે “અમદાવાદ હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં શીખતો હતો તે વખતે હેડમાસ્તર સ્વ એદલજી દોરાબજી તલાટીએ ઉપદેશ કરેલો કે, દરેકે ચાલુ વ્યવસાય–અભ્યાસની સાથે બીજો એકાદ શૉખનો વિષય પસંદ–ગ્રહણ કરવો, તેને ખીલવવો, અને તેમાંથી આનંદ તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાં. એ સૂચનાથી પ્રેરાઈને મેં જૂના શિક્કાઓનો સંગ્રહ કરવા માંડ્યો હતો. એ કાર્યમાં સદ્‌ગત રેવ. ડૉ. જ્યૉર્જ પી. ટેલરે મને બહુ પ્રોત્સાહન આપ્યું હતું; પણ ગુજરાત સલ્તનતના શિક્કાઓનો મોટો સંગ્રહ, અને તે ઘણોખરો સંપૂર્ણ, એમની પાસે એકઠો થએલો હતો, એટલે, શુક્રવારની ગુજરીમાં જતાં, કોઈ વિરલ નવો શિક્કો, અને તે પણ તાંબાને, ક્વચિત જ મળી આવતો. પણ તે પછી સોસાએટીની નોકરીમાં જોડાતાં, જુના શિક્કાની તપાસ સાથે જૂની લખેલી હાથપ્રતો (manuscripts) સંઘરવા પ્રતિ લક્ષ જવા માંડ્યું; અને ચારપાંચ હાથપ્રતો, ભાલણ-ભીમના ગ્રંથોની, ત્રણસેં ચારસેં વર્ષ પર લખાએલી પ્રાચીન, શરૂઆતમાં મળી આવતાં મને અત્યંત આનંદ થયો તથા એ કાર્યમાં ઉત્સાહ પણ ખૂબ વધ્યો. સોસાએટીના માજી પ્રમુખ સ્વ. દી. બ. અંબાલાલભાઈ તે સમયમાં ઑફિસમાં સાંજે કલાક—અરધો કલાક ગુજરાત કેળવણી મંડળના કામ સારૂ આવીને બેસતા. તેમને એ પ્રતો બતાવતાં, અને તે વિષે વાત કરતાં, એઓએ મને તેને સારો સંગ્રહ થવા દઇ પછી તે આખો સસાએટીને સોંપવાનું સૂચવ્યું. તે સૂચના પ્રમાણે વર્તતાં સન ૧૯૨૪ સુધીમાં લગભગ ૪૫૦ પ્રતો ભેગી કરવાને હું શક્તિમાન થયો; પછી તે સાચવવા-સંગ્રહવાનું પણ અઘરૂં થઈ પડ્યું તેથી એ વર્ષમાં સોસાએટીને સદરહુ હાથપ્રતોનો આખો સંગ્રહ સોંપી દેવાની વ્યવસ્થા કરી. તે સંબંધી કમિટિને પત્ર લખ્યો તેમાં એક સરત એ મૂકી હતી કે સંગ્રહની સાથે કવિશ્વર દલપતરામનું નામ જોડવું. એ મહાપુરુષના સ્થાને બેસવાનું સદ્‌ભાગ્ય મને પ્રાપ્ત થએલું છે એ મારા માટે ગૌરવનું કારણ છે; પણ એમના જેવાં બુદ્ધિસામર્થ્ય અને કાર્યશક્તિ મારામાં નથી એનું મને સતત ભાન રહે છે જ. તેથી જે કાર્યની—હસ્તલિખિત પુસ્તકસંગ્રહની શરૂઆત એમના હસ્તે થઈ હતી તેની સાથે એમનું નામ કાયમ અંકિત થઈ રહે એ સર્વથા ઉચિત અને માનાસ્પદ લાગ્યું; તેમ મને તે સંતોષ અને આશ્વાસન આપનારું છે”.

સોસાએટીનો સંગ્રહ

ગયા એપ્રિલ માસમાં અમદાવાદમાં ભરાએલી ગુજરાત સમસ્તની પહેલી પુસ્તકાલય પરિષદના સંમેલનના પ્રસંગે, દેશમાં પુસ્તકપ્રકાશનના છેક આરંભકાળથી એ દિશામાં કેવા કેવા પ્રયત્નો થયા તેના નમૂનાઓ દર્શાવતું જે પ્રદર્શન યોજાયું હતું તેમાં શ્રી પારેખના (હવે ભલે સોસાએટીના) એ સંગ્રહમાંના કેટલાક ચૂંટેલા નમૂનાઓ રજુ થયા હતા. મુદ્રણકલા, પ્રકાશનકાર્ય, વાઙમયવિકાસ તથા ચિત્રાલેખન અને મુદ્રણનાં રૂપવિધાનની દૃષ્ટિએ એ સંગ્રહમાં ઘણા અગત્યના મુદ્દાઓ જોવા જાણવાના છે. પ્રદર્શન જોવાનો લાભ ન મળ્યો હોય તેમને દર્શનીય થઈ પડે (તેમજ પ્રદર્શન જોયું હોય તેમની પાસે પણ એ મોંઘા સંગ્રહની પ્રતિકૃતિઓ સચવાઈ રહે) એ ઉદ્દેશથી આ સાથે તેમાંના કેટલાક ગ્રંથોના ફોટોગ્રાફો, તેને વિષેની ટૂંકી નોંધ સાથે આપ્યા છે.

ગુજરાતી બીબાંનો આદિ વડવો

પ્રાચીન પુસ્તકોના આ આખાયે સંગ્રહમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે તેવો, તથા પુરા-ગ્રંથ-સંગ્રહ અને મુદ્રણકલાના ઈતિહાસની દૃષ્ટિએ અતિ મૂલ્યવાન અને ઉપયોગી નમૂનો તે નં. ૧ની ચિત્રપ્લેટના મથાળાને પહેલો નમૂનો છે. તે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ત્રણે ભાષાનાં બીબાં વડે છેક ઈ. સ. ૧૮૦૮માં મુંબઈમાંથી બહાર પડેલા ‘ડ્રમંડ કૃત વ્યાકરણ’ના પાનાનો એક ભાગ છે. એ મૂલ્યવાન એટલા માટે છે કે આજ લગીમાં મળી આવેલાં ગુજરાતી ભાષાનાં જૂનામાં જૂનાં બીબાંની છાપનો એ નમૂનો છે. મુંબઈના જાણીતા પારસી પત્ર ‘જામે જમશેદ’ની શતાબ્દી હમણાં થોડા વખત પર ઉજવાઈ તે પ્રસંગે એણે કાઢેલા ‘સેન્ટીનરી વૉલ્યુમ’માં મિ. રૂ. બ. પેમાસ્તરે ‘સૌ પહેલાં ગુજરાતી બીબાં’ વિષે એક લેખ લખેલો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતી બીબાં જીજીભાઈ બહેરામજી છાપગર નામના કોઈ પારસીએ પાડેલાં હોવાનું વિધાન કર્યું છે, અને એ બીબાં વડે ઈ. સ. ૧૮૧૧માં ‘બૉમ્બે કુરીઅર’ નામના છાપામાં છપાએલી જાહેર ખબરનો તાદૃશ નમૂનો પણ એ વૉલ્યુમમાં છાપેલો છે. પરંતુ સોસાએટી તો તેનાથી ત્રણ વરસ પહેલાનું જૂનું, ઈ. ૧૮૦૮નું પુસ્તક પ્રસ્તુત સંગ્રહમાં ધરાવે છે, અને આજસુધી મળી આવેલી હકીકતોને આધારે તો ગુજરાતી બીબાંછાપનો તે જૂનામાં જૂનો અવશેષ છે. સોસાએટીને માટે આ જેવાતેવા અભિમાનનો વિષય નથી. ઉપરના લેખમાં મિ. પેમાસ્તરે ઉતારેલા એક વ્યાખ્યાનના અવતરણમાં જણાવવામાં આવ્યું છે કે ‘બૉમ્બે કુરીઅર’માં છેક ઇ. સ. ૧૭૯૭ થી ગુજરાતી ભાષામાં જાહેરખબર છપાતી આવી છે. પણ તેટલો જૂનો કોઈ નમૂનો હાથ ન લાગે ત્યાં સુધી તો ઉપર જણાવેલો ઈ. ૧૮૦૮ વાળો નમૂન તે જૂનામાં જૂનો હયાત નમૂનો છે. ઈ. સ. ૧૯૧૨ના ‘ગુજરાતી’ના દીવાળીના અંકને પહેલે પાને ‘ગુજરાતી મુદ્રણકલાની શતવર્ષી’ નામનો એક ઉપયોગીને માહિતીપૂર્ણ લેખ છે. તેમાં લેખકનું નામ આપેલું નથી; પરંતુ જાણકારો તરત જાણી શકે કે અર્વાચીન ગુજરાતી મુદ્રણકળાના ક્ષેત્રમાં રસપૂર્વક ને પ્રગતિકારક પ્રથમ પગલા માંડનાર શ્રી મણિલાલ ઈચ્છારામ દેસાઈનો એ લખેલો છે. એમણે ગુજરાતી મુદ્રણકલાનો જન્મ ઈ. સ. ૧૮૧૨માં ગણી ઈ. ૧૯૧૨માં તેની શતવર્ષી હોવાનું ગણાવ્યું છે તે ન સમજાય એવું છે. એ લેખમાં પ્રથમ ગુજરાતી બીબાં વિષે એવી માહિતી છે કે ‘ઈ. સ. ૧૭૯૦માં “બૉમ્બે કુરીઅર” છાપું પ્રગટ થયું... બૉમ્બે કુરીઅર છાપખાનામાં રહેલા કોઈ પારસી, કે જેનું નામ આજે પ્રસિદ્ધિમાં નથી, તેણે ઇ. ૧૭૯૭માં કેટલાક ગુજરાતી અક્ષર બનાવી “બૉમ્બે કુરીઅર” પત્રના એક અંકમાં જાહેર ખબરમાં તેનો ઉપયોગ કીધેલો જણાય છે. એ લેખે ઇ. ૧૭૯૭ એ ગૂજરાતી બીબાનું જન્મવર્ષ ગણી શકાય.’ ‘બૉમ્બે કુરીઅર’ વાળાં એ બીબાં ક્યાં, આ ‘ડ્રમંડ કૃત વ્યાકરણ’ એમાં જ છપાયું હશે કે કેમ, નહિ તો એ બીબાંની છાપનો નમૂનો આજે હયાત હશે કે કેમ એ બધી જિજ્ઞાસાપ્રેરક બાબતો માટે આજે આપણે માત્ર કલ્પના જ કરવાની રહે છે. એમ પણ કેમ ન હોય કે એ ‘બૉમ્બે કુરીઅર’ની પહેલાં પણ કોઇ ગુજરાતી બીબાં કોરાયાં હોય! મુદ્રણકલા વિષે આપણો રસ આજે કેળવાતો જાય છે એ શુભ ચિહ્ન આશા આપે છે કે ભવિષ્યમાં એ વિષયની શોધખોળ કોઈ જૂના ઉપયોગી નમૂના અને બીબાંના મૂળની બાબતમાં વધુ પ્રકાશ પાડશે. ત્યાંસુધી, કલ્પનાવિહાર છોડી દઇને અત્યારે નજર આગળ પડેલી ઈ. ૧૮૦૮ ની સાલની—આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં છપાએલી આ છાપનાં બીબાંને જ ગૂજરાતી બીબાંના આદ્ય વડવા ગણીએ તો ખોટું નથી. ખાસ ધ્યાન ખેંચે એવો મુદ્દો તો એ છે કે આ બીબાંનો મરોડ ઘાટીલો, એકધારો, ચોકખો ને સુંદર છે. આજના કરતાં એ વેળાનાં શરૂઆતનાં બીબાં ઘાટ તથા મરોડમાં કેટલાં જુદાં પડતાં તે સરખાવી જોવા માટે ચિત્રપ્લેટ નં. ૭ ઉપર ઇ. ૧૮૨૨માં એ જ મુંબઇ સમાચાર પ્રેસમાં છપાએલા ‘અંગ્રેજી વ્યાકરણ’ના અગ્રપૃષ્ઠનો મોટા કદનો નમૂનો છાપ્યો છે, તે જોવો રસદાયક થઇ પડશે. ૧૮૦૮ના વ્યાકરણ અને તેની જ જોડે છાપેલા ૧૮૨૪ના પંચોપાખ્યાન પછી ધ્યાન ખેંચે તેવો નમૂનો ૧૮૨૬માં બહાર પડેલી ‘ગણિતકૃતિ અથવા ગણિતમાર્ગ’ની બીજી આવૃત્તિનો છે. તેની પહેલી આવૃત્તિ એથી પણ વહેલી બહાર પડી હશે. શિક્ષણનો પ્રચાર એ જમાનામાં કેવી ઝડપે આગળ વધ્યો હશે તે કેળવણીનાં વિધવિધ વિભાગોનાં મળી આવતાં પુસ્તકો ઉપરથી જણાય છે. આ નમૂનાઓમાં બારાખડીનાં ને સ્પેલિંગ-બુકના પુસ્તકો છે; વ્યાકરણ ને ગણિત છે; વાચનને માટે મકલખ (મૅક કુલ્લૉક Mac Cullock-નો એ વેળાનો ગુજરાતી ઉચ્ચાર)ની ‘ફર્સ્ટ રીડિંગનો તરજુમો અને ડાડ્‌સ્લીની કેટલીએક વાતોનું ભાષાંતર’ છે; તેમજ પંચોપાખ્યાન (૧૮૨૪) ગુજરાતી બોધવચન (૧૮૨૬), ઇસપનીતિની કથાઓ (૧૮૨૮), ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩), નીતિદર્પણ (૧૮૪૭) તથા ગરબાવળી પણ છે. ગણિતનાં એક નહિ પણ વધારે પ્રકારનાં પુસ્તકો પ્રગટ થયાં હશે તે આ સંગ્રહમાંના ત્રણ નમૂના–ગણિતકૃતિ (૧૮૨૬), ગણિતવ્હેવારની ચોપડી (૧૮૨૮) તથા શિક્ષામાલા (૧૮૨૮)–ઉપરથી જણાય છે. શિક્ષામાલામાં બીજગણિત, આદિકારણ ભૂમિતિ, ત્રિકોણમિતિ અને લાગ્રતંમ (લૉગૅરિધમ્સ) સુદ્ધાંનો સમાવેશ થાય છે. જનસામાન્યને ઉપયોગી વાચન પણ ઘણું છે. તે વેળાની વ્યવહારની હૅન્ડબુક જેવી, સર્વ જ્ઞાનના સારરૂપી ‘શંશારવહેવાર’ની વિયાત ચોપડી અને ગુલબંકાવલી તથા સદેવંત સાવળીંગાની વાતો જેમ એક વર્ગને રૂચતી, તેમ બીજા વર્ગને ઉદ્ધવગીતા, વિદુરનીતિ, અખાજીના છપ્પા તથા કીર્તનાવલિ રૂચતી. ભદ્રાભામની, બત્રીસ પુતળી, કામધેનુ અને ઉદ્યમકર્મ સંવાદ એ સામાન્ય વાચનની કક્ષા બતાવે છે.

ગ્રંથરચનામાં સૌંદર્યદૃષ્ટિ

ઉપર બીબાં વિષે જેનો ખાસ નિર્દેશ કર્યો છે તે સિવાયનાં બાકીનાં ઉપલાં પુસ્તકો શીલાછાપનાં છે બીબાંછાપનાં પુસ્તકોમાં સાધનોની મર્યાદાને લીધે એક ચોક્કસ પ્રકારનું જે ધોરણ રચાય છે તેમજ ભૌમિતિક ચેકસાઈવાળાં રૂપરંગ રચાય છે તેનું સૌંદર્ય એક પ્રકારનું છે; જ્યારે શિલાછાપમાં લખવા આલેખવાનું લહીઆને હાથ વડે કરવાનું હોવાથી તેમાં માનવ કળાને વિહાર કરવાનો જે અવકાશ રહે છે તેને લીધે આવતું સૌંદર્ય જુદા પ્રકારનું હોય છે. બીબાંના મરોડ એક કે બે ચોક્કસ પ્રકારના હોય છે, જ્યારે શિલાછાપમાં વ્યક્તિગત આલેખ થતા હોવાને લીધે જુદાજુદા મરોડ જોવા મળે છે. શોભનો મૂકવામાં બીબાછાપનાં સાધનો હાથ બાંધી રાખે છે, જ્યારે લહીઆની લેખિની, ફલવતી હોય તો, ચાહે તેટલી લીલા બતાવી શકે છે. આ દૃષ્ટિએ આ બધા નમૂના અવલોકવાથી, તેના અગ્રપૃષ્ઠોનાં રૂપવિધાન અને પૃષ્ઠરચનાની પદ્ધતિઓમાં ઘણી વિવિધતા જોવા મળશે. ઉપર જણાવ્યું તેમ નમૂનાઓનો મોટો ભાગ શીલાછાપથી છપાએલાં પુસ્તકોનો જ છે. બીબાંછાપના નમૂનાઓમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ચિત્રપ્લેટ ને ૧ માંનું ડ્રમંડ કૃત વ્યાકરણ (૧૮૦૮) પ્લેટ ને. ૭ માંનું અંગ્રેજી વ્યાકરણ (૧૮૨૨), પ્લેટ નં. ૧ નાં પંચોપાખ્યાન (૧૮૨૪), તથા મેવર સ્પેલિંગ બુક (૧૮૩૭) એટલામાં બીબાંનો મરોડ જોવા જેવો છે. આજનાં બીબાંનો એ આદિ પૂર્વજ શીલાલેખનની ઢબને મળતો છતાં બીબાંપદ્ધતિની ધોરણબંધીથી નિશ્ચિત સ્વરૂપ પામેલો છે. તે પછી કોતરાએલી તેની બીજી પેઢીઓ વચ્ચે લાક્ષણિકતાનો એટલો ભેદ જણાતો નથી, એ ‘બોધકથા’ (૧૮૪૮) અને ડાંડિયો (૧૮૬૬)નાં બીબાં તપાસવાથી જણાશે. ડાંડિયો નીકળ્યો ત્યારે તો મુદ્રણકલા ઠીક વિકાસ પામી ગઈ હતી. તાજેતરમાં ઉજવાએલી નર્મદ શતાબ્દીને અંગે કવિ નર્મદાશંકરના એ લોકમાન્ય પાક્ષિકના અપ્રાપ્ય અંકો જેવા વિષે લોકોની જે જિજ્ઞાસા જાગૃત થએલી તે તેની પ્રતિકૃતિની આ રજુઆતથી તૃપ્ત થશે. ગ્રંથોમાં સુશોભનો અને ચિત્રોનું આલેખન પણ ગ્રંથલેખનની સાથોસાથ જ જૂના કાળથી આપણે ત્યાં ચાલતું આવેલું છે,—બલ્કે ઘણા કિસ્સાઓમાં તો ચિત્રાલેખન જ ગ્રંથનું અગત્યનું અંગ બનેલું છે, એ ઘણાં પ્રાચીન ઓળિયા તથા હસ્તલિખિત પ્રતો પરથી જણાય છે; એટલે ઉપર જણાવેલા મુદ્રિત ગ્રંથોમાં તે પણ ઊતરે એ સ્વાભાવિક છે. જે પુસ્તકો આ સંગ્રહમાં છે તે ઉપરથી જોકે તેની વિપુલતા જણાતી નથી, તેમજ ગુજરાતની લાક્ષણિક આલેખનપદ્ધતિની પ્રાચીન પ્રણાલિ પણ મોટે ભાગે લુપ્તપ્રાયઃ થએલી તેમાં જણાય છે અને પશ્ચિમની અસરનો પાશ ધીમે ધીમે વધતો ને વધતો લાગતો આવેલો સ્પષ્ટ જોઇ શકાય છે. કથાચિત્રો (Book-Illustrations)નાં આલેખનોની સાથોસાથ ગ્રંથશોભન (Decoration) ના નમૂના પણ પ્રસ્તુત સંગ્રહમાં છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોમાં મોટે ભાગે કિનારો અને વેલપત્તીઓના શોભનો જે પાનેપાને થતાં તેને બદલે હવે માત્ર અગ્રપૃષ્ઠ (Title Page)ને જ શણગારવામાં એ શોભનોની પરિસમાપ્તિ થાય છે. તેનું કારણ મુદ્રણમાં શોભનોની વિપુલતા કદાચ પોસાતી નહિ હોય એ હોઇ શકે. જેટલાં થયાં છે તેટલા શીલાછાપમાં જ; બીબાંવાળા મુદ્રણમાં તો એનો સંભવ નથી; કેમકે એન્ગ્રેવિંગ કે બ્લૉકની પદ્ધતિ મુદ્રણમાં દાખલ થવાને હજી ઘણી વાર છે. ઉપરાંત ચિત્રાલેખનની પરંપરા પણ આથમવા આવી હશે એમ તેના ઊતરતી દશાને પામતા જતા આલેખન પરથી જણાય છે. ગુજરાતના વાઙ્‌મયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્નો શરૂ થયા તે કાળની ચાર લોકપ્રિય અને સંસ્કારી કૃતિઓની પહેલી આવૃત્તિઓનાં અગ્રપૃષ્ઠોની પ્રતિકૃતિઓ ચિત્ર પ્લેટ નં. ૬ માં આપેલી છે. કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું ‘કાવ્યદોહન’, મહીપતરામનો જનતાપ્રિય ‘વનરાજ ચાવડો’, ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાનો યશ પામેલો નંદશંકરનો ‘કરણ ઘેલો’, તથા કવિ નર્મદાશંકરે પુસ્તકાકારે પ્રકટ કર્યો પહેલાં છુટા છુટા અંક (ભાગ) રૂપે બહાર પાડેલા તેના લોકવિશ્રુત અને મહાભારત કાર્ય ‘નર્મકોશ’નો પહેલો ભાગ—એ ચારે પુસ્તકોની પ્રથમાવૃત્તિઓ જે આજે દુષ્પ્રાપ્ય જેવી છે તેનું સ્વરૂપદર્શન આ સંગ્રહમાં આપણને જોવા મળે છે, એ યશ પણ પુરા-ગ્રંથ-સંગ્રહના શૉખને જ છે. કાળના વિશાળા પટપર વેરવિખેર પડેલા, પ્રજાસંસ્કારના ઇતિહાસના રત્નકણ સમા અવશેષો સંઘરવાના શૉખ વિષેનો આ અંગુલિનિર્દેશ એ પ્રત્યે કોઇને પણ પ્રેરવામાં નિમિત્ત રૂપ થશે તો આ લેખ સફળ થયો લેખીશ.

બચુભાઈ રાવત