ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સુંદરલાલ નાથાલાલ જોષી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સુંદરલાલ નાથાલાલ જોષી

એઓ જ્ઞાતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, નડિઆદના વતની છે. એમનો જન્મ માતર તાલુકે નાયકા ગામમાં તેમના મોસાળમાં તા. ૧૨ મી મે સને ૧૮૯૮ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ નાથાલાલ અને માતાનું નામ સૂરજબા છે. એમનું લગ્ન ઇ. સ. ૧૯૧૦માં નડિઆદમાં સૌ. હીરાલક્ષ્મી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે નડિઆદમાં લીધું હતું. એમણે ઈન્ટર આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો છે. સન ૧૯૨૦–૨૧ માં મહાત્મા ગાંધીજીના સાદને સાથ આપી તેઓ અસહકારની હિલચાલમાં કૉલેજ અભ્યાસ છોડીને જોડાયા હતા. હાલમાં તેઓ નડિઆદમાં એક વૈદ્ય તરીકે સમાજ સેવક ઔષધાલય સ્થાપી (એક આના ઔષધાલય) લોકોપયોગી સેવાકાર્ય કરી રહ્યા છે. સાહિત્ય, પુરાતત્વ, તત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયો છે; અને ભગવદ્‌ગીતા, ઉપનિષદો, અને મહાભારત તેમ શ્રી શંકરાચાર્ય, બુદ્ધ ભગવાન અને કવિ કાલિદાસ તેમ શેખ સાદી અને હાફીઝની એમના જીવન પર છાપ પડેલી છે. ખેડા જીલ્લાના એક અગ્રગણ્ય અસહકારી કાર્યકર્તા તરીકે તેઓ જાણીતા છે; અને કાયદા ભંગની ચળવળના અંગે છ માસની જેલ યાત્રા પણ તેઓ કરી આવેલા છે. સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવે છે અને વખતોવખત માસિકોમાં વિધવિધ વિષયો પર લેખો લખી મોકલે છે જેમાં ઈંડો સીદિયા (સાહિત્યમાં પ્રગટ થએલી લેખમાળા હિન્દી પરથી અનુવાદ) ખાસ ધ્યાન ખેંચે છે.

: : એમની કૃતિઓ : :

પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
ચીનગારી ૧૯૨૮
વર્ણ મીમાંસા ૧૯૩૪