ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – કવિ નર્મદાશંકર
મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જો સાથે મૂકયો હોય તો આ કોશને વિશેષ શોભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુરતો વિચાર કરવાને સમો અનુકૂળ ન હોવાથી તે નિબન્ધ ભારી ઈચ્છા છતે પણ લખી શકાતો નથી. તો પણ અવે પછી મારા ને બીજાઓના શોધને સહાય થઈ પડે તેવું થોડુંએક નોધી રાખું છઉં :–
ગુજરાતી ભાષા એટલે ગુજરાતના લોકની ભાષા. કાળેકાળ ગુજરાતમાં નવાં નવાં રાજ્યો થયાં ને લય પામ્યાં. રાજ્યની સીમામાં વધઘટ થવાથી ગુજરાતી કેવાતા લોકની સઙ્ખ્યામાં પણ વધઘટ થયાં કીધી. વળી અનેક ધર્મના લોક અનેક પ્રકારની બોલીયો બોલ્યા છે.– ‘બાર ગાઉએ બોલી ફરે’ એવી કેવત પણ છે; તો, ગુજરાતી ભાષા તે કેટલા પ્રદેશના કીઆ ધર્મને માનનારા લોકની સમજવી? જોઈએઃ–એકાદા મોટા પ્રદેશમાં જૂદાં જુદાં ઠેકાણાંના ને જૂદા જૂદા વર્ગના લોક પોતાના સામાન્ય વ્યવહારને અર્થે ઘણું કરીને એક સરખી રીતે બોલે છે ને એ સામાન્ય ભાષા તે, તેટલા પ્રદેશનાં નામ ઉપરથી ઓળખાય છે. વળી પ્રદેશનાં નામ લોક ઉપરથી પડે છે પણ પાછા લોક, પ્રદેશનાં નામથી ઓળખાય છે, એેવો પરસ્પર સમ્બન્ધ છે-તેટલા માટે, ગુજરાત એ નામ મૂળે અમુક બોલી બોલનારા લોકના ઉપરથી પડવું જોઈયે. એ લોક કોણ હતા ને કેવી બોલી બોલતા ? અમણાં આપણે બોલિયે છૈયે તેવી કે જૂદી રીતની તે જાણવું પ્રથમ અવશ્ય છે.
ગુજરાત એ શબ્દ સંસ્કૃત પુસ્તકમાં ગુર્જ્જરદેશ લખાયો છે. ગુર્જ્જરનો દેશ એમ અર્થ છે તો ગુર્જ્જર*[1] તે કોણ એમ પૃચ્છા નિકળે. એ વિષે અદ્યાપિ આપણને ખરેખરી જાણ થઈ નથી. પૂર્વ વૃતાન્ત જેટલું જાણ્યામાં આવ્યું છે તેટલા ઉપરથી કેવાઈ શકે છે કે એ શબ્દ પઞ્ચાસરનું રાજ્ય સ્થપાયા પછી પ્રસિદ્ધ પડ્યો છે ને એ રાજ્યના લોકની ભાષા તે ગુજરાતી ભાષા કેવાય.
એ ભાષા કેવી હતી તે જોવાને કોઈ ગ્રન્થ અજી હાથ લાગ્યો નથી, પણ સાડીત્રણસો વર્ષ પછી ગુજરાતના સર્વોપરિ ઉત્કર્ષકાળમાં ભાષાનું જે સ્વરૂપ હતું તેની ઝાંખી ગુજરાતનાજ ને તેજ કાળના પણ્ડિત હેમચન્દ્રે અપભ્રંશભાષાના વ્યાકરણમાં કરાવી છે.+[2] તે કાળના વિદ્વાનો સંસ્કૃતમાંજ પુસ્તક લખતા એટલે લોકભાષા ઝાઝી કેળવાયલી નજ હોય તોપણ રાજ્યના ઉત્કર્ષનો અંશ તેમાં પણ આવેલો હોવો જેઈએ ને તે ભાટ ચારણાદિ માગણોએ લખેલા રાસાઓમાં દેખાય છે. અપભ્રંશભાષા*[3] અથવા સંવતશૈકા બારમાં ગુજરાતના લોક જે ભાષા બોલતા તે એકવડી કઠ્ઠણ કાઠીની ને તે પ્રમાણેજ લામ્બી, કંઈ એક થડ્ડાયેલી તથા ઢેકાઢૈયાવાળી પણ વળી કહીંકહીં કુમળી તથા સરળ, વર્ણે સામળી અને કુળમર્જાદ સાચવતાં સ્વતંત્ર વર્ત્તનારી એવી, ભિલ્લરાજકુંઅરી સરિખી સોહઈ.
“ચન્દન સરિખા સીયલા, જઈસી નમણી કેલિ;
પરદુખ્કે જે દુખ્કિયા, સહિ તે સજ્જન મેલિ.”
“પડિવન્નઈ દદુર ભલા, પડિવન્નં પાલંતિ;
મેઘ મરંતઈ તે મરઈ, જીવંતઈ જીવંતિ.”
“ઢોલ્લા મઇં તુંહું વારિયા, મા કુરુ દીહ માણુ;
નિદ્દએ ગમિહિ રત્તડી, દડવડ હોહિ વિહાણું. "
“કોઠકુસુંભો કૃપણધન, એ તીણિ એક સભાવ;
તો રસ મૂકઈ અપ્પણો, જો ગલ દીજઈ પાવ."
“અટ્ઠોતરસુ બુદ્ધડી, રાવણતણઈ કપાલિ;
ઐકૂ બુદ્ધિ ન સાંપડી, લંકા ભંજણકાલિ.”
“મોર ભણઈ અમ્હ પીંછડાં, મઇં મેલ્હીઆં વણેઈ;
હું અજિ અગાસો તિહવિણુ, તે સિરિ રાય વહેઈ”+[4]
સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે અપભ્રંશમાં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતીભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સોળમા શૈકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પોતાની નિવૃત્તિમાં પોતપોતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અઙ્ગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી ગુરુઅણકુંયરી રૂડઅલી સોહી હરિગુણ ગાતી પ્રભાત સમે.
“પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય
પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઈ; પરં ભંડારિ દ્રવ્ય નહીં તેહ ભણી,
દેવતા આરાધી પાસા પામી સ્વર્ણથાલ ભરી જુવટઈ બઈઠુ;
જે કે, મઝનઈં જીપઈ તેથાલ સોનૈઈએ ભરિઊં લિઊ અનઈ તુમ્હે હારઉ
તુ એક દીનાર દિઉ. એમ દેવતાદત્ત પાસે કરી જીપવા લાગઉ કિવા હરઈં
કોઈ દેવતાદત્ત પાસે હું તે જીપઈ પણિ માનવજન્મ હારવિઉ દોહિલઉ પામઈ”૧ [5]
“ઢમઢમ વાજઈં ઢોલ અસંખ, બોલઈં મંગળ વાજઈં સંખ;
રેણ સરણાઈ વાજઈં તૂર, મિલિયા સુભટ ગહગહિયા સૂર.
ઘોડા સરસા ઘોડા ભિડઈં, પાયક પાયક સરિસો ભિડઈ;
રથસેતી રથ જુડઈં અપાર, હથિયારે લાગિં હથિયાર.
ઉડિયા લોહ જાઈં એક કોસ, ઝુઝઈં રાઉતિ પૂરઈં રોસ;
કાયર ત્રાસઈં સૂરા ધસઈં રિણ દેખી તે સાહમાં હસઈં.
ખાંડા ઝલકઈં વીજલી જસા, સુહડાતણા મન તવ ઉધસા;
તેજી તુરિ ન સાહયા રહઈં, પરદળ દેખી તે ગહગહઈં.
રુધિર પૂરિં રથ તાણ્યા જાઈ સિર તૂટઈં ધડ ધસમસ ધાઈં;
દોઈ પહર હુયો સંગ્રામ, પા૫ બુદ્ધિ રાય હાર્યો તામ.”૨[6]
“કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયો, ગોવરધનપર્વત કરિ ધરીયો,
વરીયુ ગોપી ગોવ્યંદો.
સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગોપીમધ્ય નાચિ,
સાચિ સોહિ બ્રહ્મચારી.”
“દુહવ્યો બોલિ આત્મા, સુણિ પરમાત્મા તાત;
તૂઝ સમીપ છંડાવીયું, માહરુ શું અપરાધ.
ઘરસુખ કાંઈ વીસારીયું, ભૂલવ્યો કાયાવનમાહિ;
કેતલું કાલ વિડંબીયુ, શત્રુ કામાદિક હાથિ.
એણિ વનિ લોભચી દવ બલિ, વિલસિ પારધી કાલ;
માયા મુકી હરણિલી, માડીયૂ કર્મની જાલ.
જાલ પડ્યુ હૌઉ આકલુ, મોહીયુ જીવ અચેત;
પાછલી આગિલી સુધિ નહીં, નહીં એહનિ આપણૂં સ્રેત.”
“પરબ્રહ્મ ૫દ્મનાભ, પરશોતભ પિઢિ નહી એ;
અવિગત ગોવિંદ ચંદ્ર, સાર કરુ શ્રીપતિ ધણીએ.
ચત્રભજ સામલવર્ણ, સારંગધર સોહામણો એ;
અનિ રૂઅડલો વૈકુંઠનાથ, દુક્રીત હરણ દામોદરૂ એ.
નિરંજન નિરાકારિ, નિકલંક પુરુષ આરાહીઈએ;
ગાઈઈ દ્વારિકેરાયુ, સામલવર્ણ સોહામણો એ.
સદા વૈષ્ણવ મનિ ઉછાહ, આનંદ અંગિ ઉલટિએ;
ભલિઆયિક પરબ્રહ્મરાય, પીંડારા માહિ પરવરયુ એ.”૩[7]
અનેક જૂગ વીત્યારે, પંથે ચાલતાં રે; તોયે અંતર રહ્યા રે લગાર—
પ્રભુજી છે પાસે રે, હરી નથી વેગળા રે; આડડોને પડ્યો છે ઓંકાર–અનેક.
દીનકર રૂંધ્યો રે, જેમ કાંઈ વાદળે રે; થયું અજવાળું મટ્યો અંધકાર–
વાદળુંને મટ્યું રે, લાગ્યું જેમ દીસવા રે; ભાનુ કાંઈ દેખાયો તેવાર–અનેક.
લોકડીયાની લાજ રે, બાઈ મેં તો નાણીયો રે; મહેલી કાંઈ કુળતણી વળી લાજ–
જાદવાને માથે રે, છેડો લઈ નાખીયો રે; તારે પ્રભુવર પામી છૌ આજ-અનેક.
નાવને સ્વરૂપે રે, બાઈ એનું નામ છે રે; માલમી છે વળી સરજનહાર—
નરસઈંઆનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે; તે તારી ઉતારે ભવપાર–અનેક.૪[8]
સત્તરમાં શૈકામાં ભાષા, ભક્તિ તથા ચરિત્રકથનમાં કેળવાઈ પણ તે પોતાનું સમગ્રસૌન્દર્ય તેજ શૈકામાં દેખડાવી શકી નહિ. એ સૌન્દર્યનો (વિષ્ણુદાસ, ભાલણ, વસતો, નાકર, આધારભટ ઇત્યાદિ સઉના રંગનો) ઘણોખરો ભાસ પ્રેમાનંદે અરાડમાં શૈકામાં યથેચ્છ કરાવ્યો. એ શૈકામાં સમયસુન્દર, ઉદયરત્ન ઈ. ગોરજીઓએ રઙ્ગથી રાસા લખ્યા પણ તેમાં ૧૫-૧૬મા શૈકાની નિશાનીઓ થોડી ઘણી જોવામાં આવે છે. એ જૈન ભાષા, ઉત્સાહમાં આવેલા વાણિયા બ્રાહ્મણની ભાષાના તેજમાં અઞ્જાઈ. ભાવસાર રત્નાએ ખેડામાં પોતાના મણ્ડળમાં થોડાંએક લલિત ગીત ગાયાં. એ અરાડમાં શૈકામાં ભાષાએ નવા વિષયો કથવાનો સમર્થ આરમ્ભ કર્યો. –અખો-સામળ-વલ્લભ એઓએ પોતપોતાના વિષય ગાયા. પ્રેમાનંદે વર્તમાનભાષા ભૂતરઙ્ગને અનુકૂળ કરી. અખાએ વર્ત્તમાન રઙ્ગ હસી કાડ્યા. ને એક બ્રહ્મનો બોધ કર્યો. સામળે ભૂતને દ્રષ્ટાન્તે ઉદ્યમ સાહસ વર્ણી “જીવે તેને જોખ” કહ્યું અને વલ્લભે બહુચરાને ગાઈ. મુગલાઈના ઉત્કર્ષકાળમાં ભાષા, એકવડી પણ ભરાવ પણ કહીં કુમળી ને કહીં કઠણ એવી કાઠીની, ઘૌંવરણી કૈંક તેજસ્વી એવી, ઉજમાળી ને હોંસિલી, શકે વિપ્રતનયા મગ્ન રસમાં, કથા કહેતી સોહંત.
“જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધંન ગામ જાંહાં આ નર વસે;
કીધાં હશે તપ વ્રત અપાર, તે સ્ત્રી પામી આ ભરથાર.
કો કેહે ઇંદ્રને કો કેહે કામ, એને રૂપે હારે કેશવ રામ;
બાઈ પતીવ્રતાનાં મોહોશે મંન, મર્મવચન બોલે સ્ત્રીજંન.
કોઈ કેહે હાઉ આવ્યો વીક્રાળ, દેખાડો રોતાં રેહેશે બાળ.”
“આવ્યાં વર્ષાકાળના દીન, ગાજી વરસે છે પરજન્ય;
વીજળી થાએ આભમાં પૂરી, બોલે કોકીલા શબ્દ મધુરી.
મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર પપઈઆ બોલે;
માળતળે રત્નાગર ગાજે, ઓખા અંગે નવસપ્તસાજે.”
“અનિરૂધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યોમોહ્યો ચંદનને વાસે
મોહ્યોમોહ્યો સ્નેહને સંઘે, મોહ્યોમોહ્યો હાર ગળુબંધે.
મોહ્યોમોહ્યો હસ્તકમળે, મોહ્યોમોહ્યો ઉરગળસ્થળે;
મોહ્યોમોહ્યો અલકાલટે, મોહ્યોમોહ્યો કેસરી કટે.”
“કડાજુડ કટક બે થયાં, ઉઘાડાં આઉધ કરમાં ગ્રહ્યાં;
ખખડે ખેડા ને ફરે તરવાર, કો કાઢે શર ભાથા બાહાર.
તોમર ત્રીસુળ ધરઆં મુસળ, ગાજા રામ ધરી કરહળ:
છપંન ક્રોડ જાદવ ગડગડઆ, દાનવ ઉપર ત્રુટી પડઆ.”
“એવું જાણી મારા નાથજી, કરા દાસીની સંભાળ રે;
હો વીહંગમ વેવીસાળીઆ, મૂને મૂકી નળ ભૂપાળ રે.
હો વજ્રાવતી મારી માવડી, મારું ઢાંક ઉઘાડું ગાત્ર રે;
હો ભીમક મારે તાતજી, શોધી મનાવો જામાત્ર રે.
હો નઈશદ દેશના રાજીઆ, અણચિતું દીઓ દરશન રે;
રૂપ ભુપને જાઉં ભામણે હો, સલુણા સ્વામીંન રે;
“હુતું વઈકુંઠ ગોકળ ગામરે, હવે નેસડો ફરી થયું નામરે,
જસોદા કેમ બહાર નીસરસેરે, વંઝા કહી લોક પાછાં ફરશેરે;
અમો માણસમાંથી ટાળ્યાં રે, દીકરો થઈ કાળજ બાળ્યાંરે.
અમો ભુલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણીરે
વાયસ થઈ વાંછળ કીધું રે, ફરીં કોએલે બચડું લીધું રે;
વીપ્ર પ્રભુ પરમેશ્વર રે, માહારૂં ફરી વસાવો ઘર રે.”
“કોમળ શીતળ નીર્મળ સુખકર દુખ હર હરીનું નામ
પ્રેમાનંદ પવીત્ર થાવા, ગાઓ રાજીવલોચનરામ.
એ મરણ પગલાં હેઠ છે, ફરે સાંચાણો કાળ;
હીંડતાં ફરતાં કારજ કરતાં, ભજો શ્રીગોપાળ.”
“ગુરૂ થૈ બેઠો હોંસે કરી, કંઠે પાણ શકે ક્યમ તરી;
જ્યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાધે નૈં અદભૂત.
શિષ્યને ભારે ભારેં રહ્યો, અખા તેમ મુલગેથો ગયો.”
“જાંહાં સુધી છે ખંડીત ગ્યાંન, અખંડાનંદનું નોહે વીગ્યાંન
તેહેનું પાત્ર થાવા કારણ્ય, મહામુનીએ કહ્યું પંચીકરણ.
ત્રીતીયેં સાંખ્ય કપીલે કહ્યું એહ, ભણે શુણે તે થાય વીદેહ.
જીવનમુક્તિ તે એહેનું નામ, જેણે જાણ્યું કૈવલ પદ ધામ.
“ પંડિત આગળ મૂઢ, હંસ આગળ જ્યમ બગ્ગા:
પંડિત આગળ મૂઢ, કોકિલા આગળ જ્યમ કગ્ગા;
પંડિત આગળ મૂઢ, રાય આગળ જ્યમ રાંકાં;
પંડિત આગળ મૂઢ, સિંધુ આગળ જ્યમ ટાંકાં;
છે પંડિતમાં પ્રાક્રમ ઘણા, પંડિત સહુ શિર મોર છે;
શામળ કેહે પંડિત આગળે, મૂઢ તો ચાકર ચોર છે.”
“અરે ઈશ્વરી અંબીકા, કોડે ટાળે કષ્ઠ;
સફલ જનમ તેનો હશે, માધવ દેખે દ્રષ્ટ.
જે દેશ માધવ ગયો, તે દેશનો વાઓ વાએ;
અડે લ્હેર મુજ અંગમાં, સફલ જનમારો થાય."
“રમઝમ કરતી રાજસી, ઝમઝમ વાગે ઝેર;
ઘમઘમ વાગે ઘુઘરા, મદનતણી સમશેર.
હસતી રમતી હેતથી, કરતી વિવિધ વિલાસ;
ચાલી ચતુરા ચમકતી, પોપટ કેરી પાસ.”
“ગંગોદક નીરમળ જશું, સદા પવિત્રજ સાર;
તેહેવું કુળ હોય માહરૂં, તો પડ પાસા પોબાર.
સીંહ મૂછ ભોરંગ મણી, કરપીધન સતિનાર;
જીવ ગએ પર કર ચહડે, પડ પાસા પોબાર.”
“તોતળા મુખતંન, તોતોતો કહે મા;
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લેમા.
નહિ સવ્ય અપસવ્ય, કહાં કાંઈ જાણું મા;
કળી કહાવા કવ્ય, મન મિથ્યા આર્ણુ મા.
કુળજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભરયો મા;
મૂરખમાં અણમીલ, રસ રટવા વિચરયો મા.
પ્રાક્રમ પરમ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા;
પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞથકો ઈછું મા.
ઓગણીસમા શૈકામાં પ્રદેશપ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકાભાષાને પાછલા શૈકામાં થયલા ગ્રન્થોની પ્રતભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણી વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શૃઙ્ગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલીકુમળી ઘઊંવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાંથી સજેલી જેવી–ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શેભે.
“જોતાં કડડડ થંભ ફાટો કારમોરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ,
રાજાદૈવસું જગાડ્યું જુદ્ધ દાનવેરે—
પ્રભુ ભ્રગુટી કોટીક બિહામણી રે, દીસે નયણામાં પાવકની જ્વાળ, રા૦
નાસીકાનો તે ઘોર ઘણું ગાજતો રે, તેણે ડોલવા લાગા છે દીગપાળ, રા૦”
“આસાડે અમરિતતણા, વરસ્યા વરસાદ;
હરિહરિ સઘળે થઈ રહ્યું, થાવરજંગમ જાત.
સાંભળ શુદ્ધ ચિત્તે કરી.
ચિત્ત ચાતક રંગે રટે, બોલે મન મોર;
જ્યાંત્યાં ચૈતન બ્રહ્મનાં; ઉગતાં અંકોર—સાંભળ૦
સુખસાગર સહેજે ઉલટ્યો, સલિતા શુભસાર;
બ્રહ્મ નિરંતર જળ ભરયાં, કોઈ પામે ન પાર—સાં૦”
“ખબડદાર મનસુબાજી, ખાંડાંની ધારે ચહડવું છે,
હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે—
એક ઉમરાવ ને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ;
એક ધણીને એક ધણીયાણી રે, એમ વિગતે સાતસેં ને વીસ
સો સરદારે ગઢ ઘેરયો રે, તેને જીતી પાર પડવું છે.”
“પ્રગટ પુરૂષોતમ દેહ, રાજે ગઢપુરમાં શ્રીહરી જો,
જેને નિગમ નેતિ ગાએ, નીજ ઈચ્છાએ દેહ ધરી જો;
અક્ષરપતી અવિનાશ, આવ્યા કરુણા કરી અતિ જો;
કીધો ગઢપુર નિવાસ, વર્ણ વૈશ્ય નૈષ્ઠિક જતી જો.”
“ફાગણ કેસુ ફુલ્યાં, હું કરમાણી રે રસીયાજી;
આ વનમાળી પિયુ સીંચ્યું ન પૂરૂં પાણી હો, રંગરસીયાજી૦
વસંતરૂતુ તો સહુને વાહાલી લાગે રે-રસીયાજી.
આ તમ પાખે મુને બાણ રૂદેમાં વાગે હો, રંગરસીયાજી. "
“પ્રીતડીની રીત અતી અટપટી, ઓધવજી છે પ્રીતડીની રીત અતિ અટપટી;
થાવાનો ઉપાય પણ જાવાનો જડે નહીં, વજ્ર રહેણે જટી તે જટી."
“નંદલાલ સાથે લાગ્યું છે લગંન જો, ઘેલી કીધી મને ગોવાળીએ જો—
એની કટાક્ષે કોરયું છે મારૂં કાળજું જો, કામણગારા રસિક રત્નમે લોચંન જો. ”
“શ્રી વલ્લભવિઠ્ઠલ શ્રીજી સ્વામી, સામળીયા વાહાલા;
સઘળું સમજો છો અંતરજામી નંદલાલા રે—
ભય તો લાગે છે મુજને ભારી સા.; અંત કાળે શી વલે માહારી–નં૦
સેવાસમરણ ભાવે ના કીધું, સા.; રંક સાધુને દુઃખ દીધું. નં૦
“પૂર્વે અવંતી નગ્રનો રાજા ચંદ્રસૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાયે કહ્યું તારો સ્વયંવર કરીએ. ના પિતા હુંતો દેવાંશીવર ઈચ્છું છું. રાજા કેહે આપણ મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધરવો. કન્યા કહે એટલો પોણ જેણે કનકપુરી જોઈ હોએ તેને હું વરૂં. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરવો. ત્યારે રાજાએ પડો વજડાવ્યો. જેણે કનકપુરી જોઈ હોએ તે રાજાની પુત્રી પર્ણવા આવજો. એવે તે નગ્રમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રેહેતો, શક્તિદેવ નામે. તેની ટોળ કરીને લોકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળસે, આ દરિદ્રતાનું દુ:ખ જશે. એમ ભંભેરાયો બ્રહ્મણ રાજ્ય સભામાં ગયો. કહ્યું મેં કનકપૂરિ જોઈછે. રાજાએ પૂત્રિને મેહેલે મેકલ્યો. તેણે ચક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કેહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કેહે કીયે માર્ગ થઈ ગયાતા. માહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહેલ્યો.”
“લલિત કેહેતાં મનેહર એહેવી લવિંગની લતા જે વેલ તેનું જે શેવવું, તે લતાનાં નિકુંજ ગૃહને આછાદી રેહે છે તેનો કોમળ કેહેતાં અતિ મધૂર વાસ છે તે મલયાચલના મંદસુગંધ સુશિતલ વાયુ વેહે છે ને તે વન કેહેવું છે જે ભ્રમરના સમૂહ તે ગુંજારવ કરે છે ને તે મધ્યે કોકીલા સ્વર કરે છે તે બહુએક સ્વર થાય છે તેણે કરી કુંજકટીર જે લતાગૃહ શ્રી કૃષ્ણ રાધાનું વિલાસ સ્થાન તેને વિષે શ્રીમદન ગોપાલ વિલાશ કરે છે."
“એક મનોહરા નામા ગોપીજન છે, તેહેને મંદિર કોઈ એક સ્ત્રીને ત્યાં રાત્ય રમીને પ્રભુ પધારયા તે અન્ય સ્ત્રી સંમંધનાં ચિન્હ જોઈને તે સ્ત્રી કહે છે જે હે નાથ પર જે બીજી ત્હેંની પલકા જે સજ્જ્યા ત્યાંહાં પોંહોડવાના અલિક કેં. જૂઠા સેંહ્ય જે સમ તે ક્યંહાં ખાઓ છો એટલે શું કરવા ખાઓછો જો નાં માંનો તો દરપણ લેઈનેં જુઓં કેં ત્હમારા પલ કે. આંખ્યોનાં પોપચાં તે પીક જે તાંબોળનો રંગ ત્હેમાં પગ્યા કે. પચીરહ્યાં છે નીક કેં. સારી પેંઠય તેથી મે જાણ્યું તો ખરૂં ! ત્યારેં ! તમેં જૂઠું શીદ બોલોછો પ્રાતઃકાલમાં તો કાંઈ સાચું બોલો.”
સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ‘ઈસપનીતિ,’ ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં ‘બાળમિત્ર’ (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.
એ પ્રમાણે ગુજરાતીભાષાનો ઉદ્ભવ તથા સ્થિતિ છે.–(સંસ્કૃત) પ્રાકૃત-અપભ્રંશ-અપભ્રંશગુજરાતી-ગુજરાતી, એ પ્રમાણે ક્રમ છે. એ સ્થિતિક્રમ અને વર્તમાનસ્થિતિ એ જોતાં જણાય છે, કે ભાષા અઙ્ગકાઠિયે એકવડી હતી ને છે, કોમળ હતી ને છે, થોડા વિષયમાં ને વિશેષે કવિતામાં રમતી તે આજ વધારે ને વિશેષે ગદ્યમાં ઘુમે છે. ભાષા, અર્થઘટ ને ઘાટીલી-સુન્દર થતી આવી છે ને થાય છે. ભાષા પોતાના પ્રાકૃત કોમળપણાં વડે કોઈ પણ મોટા અર્થને યથાસ્થિત સુન્દર દર્શાવવાને સત્વરે વળી શકે તેવી છે પણ કેળવણીની અછતમાં તે પોતાનું ઉત્કૃષ્ટસ્વરૂપ દર્શાવી શકતી નથી.*[9]
ભાષા, હિન્દી મરેઠી કરતાં ગાત્રે વધારે લલિત છે ને તેથી તે કોમળ- –સૌન્દર્યમાં વધારે આગળ પડે છે, પણ મોટા મોટા અર્થ સમાવી કઠિણ સૌન્દર્ય દેખાડે તે વળી કોમળ કઠિણ બન્ને સૌન્દર્યનાં સમ્મિશ્રણે એક નવુંજ ઉત્તમ સૌન્દર્ય પ્રકાશે-એવી થવાને તેને કેળવણી મળવી જોઈએ. શબ્દભણ્ડોલ વધારવાને અને અનેક વિષય સેલથી લખતા થાય તેને માટે સારા સારા ગ્રંથકારો થવા જેઈએ. એઓ પોતાના કાર્યને માટે સરળતાથી નવા શબ્દો જોડશે, પરભાષાના +[10] યોગ્ય જણાશે તે સઙ્ઘરશે અને રૂડી રીતે યોજી વપરાતા કરશે. નવા નવા ગ્રન્થોવડે ભણ્ડોલ વધારવો ને કોશ- વ્યાકરણોવડે ભાષાને શુદ્ધ રાખ્યાં કરવી એજ પ્રકાર ભાષાની કેળવણીના છે.×[11]
પૂર્વ વર્ણનમાં પ્રદેશપ્રદેશની ને જાત જાતની ભાષાને ગુજરાતી ભાષા કઈ છે પણ વર્તમાન ભાષા વિષે તેમ સામાનીકરણ કરવાનું નથી. વર્ત્તમાન--ભાષા તો આગગાડી વડે ને છાપખાનાંવડે ગુજરાતના ગુજરાતી બોલનારા સફળજનની ખરેખરી થઈ છે-સુરતની, અમદાવાદની, કાઠિઆવાડની એમ અમણા કેવાય છે તે ચાલતેદાડે નહિં કેવાય. સુરતની ભાષા કદે કંઈક ઠિંગણી નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે, કાઠિયાવાડની જાડી છે ને શબ્દેશબ્દે ભાર સાથે છૂટી બોલાય છે* પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડ્યું છે ને રૂડું થશે. સમ્પ્રસારણ ઉચ્ચારણ પરત્વે પ્રદેશપ્રદેશમાં ભેદ છે તે ટળી જશે. ચરોતરના દન્તતાલુસ્થાની ચનું ઉચ્ચારણ તે તરફના ગ્રન્થકારો પણ વાપરતા નથી, પ્રદેશ પ્રદેશનાં ઈ-એ ના ભેદ રૂપાન્તરો છે તેમાં પણ કેટલુંક નક્કી થતું જાય છે-બહુજણ લાખવું બોલે છે પણ એ શબ્દ પુસ્તકમાં વપરાતો બન્ધ થયો છે. લેખનશુદ્ધિ વ્યુત્પત્તિ એ વિષયોમાં પણ સુધારો થતો જાય છે. X[12]
હિન્દુસ્થાનમાં વર્તમાન કાળમાં પ્રદેશપ્રદેશની જેટલી પ્રાકૃત ભાષાઓ+[13] છે ને તેમાં જેની જણતી સંસ્કૃત છે, તેમાં ગુજરાતી ભાષા સ્થિતિ પરત્વે કેવું દર્શન દે છે તે જાણિયે–એ ભાષા બોલનારા લોકની સઙ્ખ્યા સાઠ લાખ કેવાય છે ને એ રીતે ક્રમ માંડતાં તે નીચે ઉતરે છે–(હિન્રીના બોલનારા ૪) કરોડ, બઙ્ગાળીના ૩) કરોડ, પઞ્જાબીના ૧) કરોડ ને મરેઠીના ૧) કરોડ છે); કેળવણી પ્રમાણે ક્રમ આપીએ તો મારા જાણ્યા પ્રમાણે તે માત્ર પઞ્જાબીથી ઉપર આવે; પણ પશ્ચિમહિન્દુસ્થાનના ઘણું કરીને સઘળા દેશી વેપારીઓની અને હિદુસ્થાન દેશના દેશી વેપારીઓમાંના શ્રેષ્ઠ વેપારીઓની ભાષા દાખલ તે પેલી પ્રતીની શોભે છે. એ શોભા, ભાષા કેળવાયાથી અને છે તેથી વધારે જણાના બોલવામાં આવતી થયેલી ઘણી ઘણી સતેજ થશે એમ બોલવામાં કંઈજ બાધ નથી.
માટે હવે, ભૂત સ્થિતિનોજ અથવા ઉત્તમ ભાવિસ્થિતિનોજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મોહ રાખતાં જે વર્ત્તમાન સચવાય નહિ તો તે મોહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હોંસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તો ભાષાનું બળ પણ વધશે ને સૌંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદ્દેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારનેજ ઉદ્દેશી જ્યારે કેટલાક જણ હ્રોંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને ગ્રન્થો રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાનો બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે એ તો વિસ્મય જેવું થાય. તોપણ, સમૂહના આગ્રહઉત્સાહે વેલું મોડું પણ શું નથી બનતું?; અને શૈકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમઙ્ગળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએછૈએ-આપણું શુભચિન્તન નિત્ય આજ હોવું—
કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અંઙ્ગપ્રદેશોનો પૃથક્ પૃથક્ ઉત્કર્ષ થવો અવશ્ય છે તો તેના એક અઙ્ગપ્રદેશ–ગુજરાતનો ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ ગુજરાતી ભાષાના જયશ્રીરઙ્ગ વિરાજો!*[14]
પોષ–ઉત્તરાયનસઙ્ક્રમણ, સં. ૧૯૨૯
તા. ૧૨મી જાનેવારી સને ૧૮૭૩.
નર્મદાશઙ્કર લાલશઙ્કર.
- ↑ *ગુર્જરાષ્ટ્ર (ગુર્જરો શોભા પામ્યા જ્યાં તે) અથવા ગુર્જરત્રા (ગુર્જરોએ રક્ષણ કરેલી એવી તે) એ શબદો કોઈ કોઈ મણ્ડળમાં સાંભળવામાં આવે છે. સંસ્કૃત શબ્દોના અર્થ પ્રમાણે ગુર્જર કેવાતા લોકોની પૃથ્વિ તે ગુજરાત છે. ગૂર્ ધાતુ, ભક્ષણ-ઉદ્યમ; હિંસા-ગતિ એ અર્થને વિષે પ્રવર્ત્તે છે ને એમાંથી ઉદ્યમ-હિંસાના અર્થ ગુજરાતના લોકને લાગુ પાડતાં હિંસા કરનારા અને ખેતી વણજવેપાર એ ઉદ્યમ કરનારા લોક તે ગુર્જર એમ અર્થ કડાય, અને એ અર્થ ગુજરાતની પેલી વસ્તી ભીલ કોળીની કેવાય છે તેને તથા ગુજરાતના લોકના જે ઉદ્યમ તેને લાગુ પડે છે–વળી ફળદ્રુપ દેશ તથા પશ્ચિમે સમુદ્ર છે એ જોતાં ગુજરાતના લોક ખેતી વેપારનાજ ઉદ્યમ પરમ્પરાથી કરતા આવ્યા છે એમ સિદ્ધ થાય છે. એક શાસ્ત્રીએ ગૃ ધાતુ ઉપરથી ‘ગીર્યતે તદ્ ગુ:, ગુરઞ્જરતિયસ્મિન્’ એમ વ્યુત્પત્તિ કરીને જે દેશને વિષે ઉચ્ચારણ છિન્નભિન્નરૂપે રયાં હોય તે એમ અર્થ કર્યો અને એક શ્લોક ભણ્યો–“गुर्जराणां मुखं भ्रष्टं, शिवोपि शवतां गतः; तुलसी तलसी जाता, मुकुन्दोपि मकन्दताम्.’ ‘ગુજરાતીઓનું મુખ ભ્રષ્ટ છે કે શિવને શવ, તુલસી ને તળસી, મુકુન્દને મકન્દ, કે છે.’ એ શ્લોક ગુજરાતીઓનું હાસ્ય કરવાને કોઈયે જોડ્યો હોય એમ જણાય છે તોપણ તેમાં ક્યલું તે કેવળ અસત્ય નથી. વિન્ધ્યાચળની ઉત્તરે વાસ કરનારા પાંચદેશના બ્રાહ્મણો તે ગૌડ ને દક્ષિણે વાસ કરનારા પાંચ દેશના બ્રાહ્મણ તે દ્રાવિડ કેવાય છે ને એ પાંચ દ્રાવિડમાં ગુજરાતી બ્રાહ્મણોની ગણના થઈ છે અને ગુજરાતી બ્રાહ્મણો યજુર્વેદી છે એવું चर्णव्यूह નામના ગ્રન્થમાં લખ્યું છે. ગુર્જર શબ્દ વિષે કેટલુંક નર્મગદ્યમાં ગુજરાતીઓની સ્થિતિ વિષેના નિબન્ધમાં છે.
- ↑ + સંવત ૧૧૬૮ માં.–એ જાંખીની અળપઝળપ શાસ્ત્રિ વ્રજલાલના “ગુજરાતી ભાષાના નિબન્ધમાં” છે.
હેમચન્દ્રે પોતાના ગુર્જ્જરદેશનીજ ભાષાને અપભ્રંશ નથી કઈ પણ તે કાળના બીજા પણ કેટલાક દેશની લોકભાષાને અપભ્રંશ એવું નામ આપ્યું છે. તે કેછે કે સંસ્કૃતના અતિભ્રષ્ટ રૂપાન્તર થઈ જે ભાષા બોલાય છે તે અપભ્રંશ ભાષા; અને એ બે પ્રકારની છે-એકનો સમ્બન્ધ વિશેષે પ્રાકૃત સાથે ને બિજીનો વિશેષે શૌરસેની સાથે છે. અમણાની ભાષાઓ પણ પ્રાકૃત કેવાય છે. પ્રાકૃત એ શબ્દ લોકમાં તો સરળ અર્થમાં વપરાય છે કે શુદ્ધ-સંસ્કૃત નહિ તે પ્રાકૃત-પોતે જે બોલે છે તે પ્રાકૃત છે એમ તેઓ સમજે છે. વળી જૂદાજૂદા પ્રદેશના લોકે જૂદેજૂદે કાળે જૂદું જૂદું પ્રાકૃત ભણેલું તે સમ્બન્ધી કાળકાળના પણ્ડિતોએ કેટલુંએક લખ્યું છે. માટે, પ્રાકૃત વિષે થેડુંક લમ્બાણ કરૂંછઉં.–
— “એક અંગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “હિન્દુસ્થાનમાં ઈ. સનના આરમ્ભમાં પ્રદેશ પ્રદેશમાં જૂદીજૂદી ભાષા બોલાતી અને તે ભાષાઓ કાળાન્તરે બદલાઈ આજની પ્રાકૃતભાષાઓ થઈ છે.” —" પછી સંસ્કૃત નાટકોમાં લખાયલી પ્રાકૃતભાષા બોલાતી”—“અને એ, જેમ પોતાથી અગાડીની પ્રાકૃતના શબ્દ અપભ્રંશ થઈને ઘડાઈ હતી તેમ અમણાની હિન્દી મરેઠી સઉ સંસ્કૃત નાટકોમાં ભણાયલી પ્રાકૃતભાષામાંથી નિપજી છે.” એક બીજાં અઙ્ગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “જે કાળે સંસ્કૃતવિદ્યાનો ઉત્કર્ષ હતો તે કાળમાં લોક જે ભાષા બોલતા તે પ્રાકૃત કેવાતી; એ ભાષા સંસ્કૃતશબ્દના અપભ્રંશ બોલાયાથી થઈ છે." — “મગધદેશની (બઙ્ગાળાની પાસે બાર નામનો પ્રાન્ત છે તેને દક્ષિણ પ્રદેશ) તે માગધી અને દિલ્હી આગરાના પ્રદેશની તે શૌરસેની કેવાતી” —પઞ્જાબી, હિન્દી, બઙ્ગાળી, સિન્ધી, મરેઠી, ગુજરાતી એ સઉ શૌરશેનીમાંથી નિકળી છે.” દેશી ગ્રન્થકારમાંનો એક જણ કે છે કે “પશ્ચિમ સમુદ્રને લગતા પ્રદેશમાં રેનારા આભિરાદિ લોકની ભાષા તે અપભ્રંશ.”
જ્યી આર્યજનોના સમ્બન્ધથી પ્રદેશપ્રદેશની પ્રજા પોતપોતાના શબ્દો ટાળતી ગઈ ને સંસ્કૃત શબ્દોને અપભ્રંશ કરી કરી પોતાના ઉચ્ચારણમાં લેતી ગઈ; અને જ્યી લોક પણ વ્યવહારકાર્ય સરળ કરવાને પોતાના સંસ્કૃતને ભ્રષ્ટ ઉચ્ચારણે બોલતા થયા. એ મિશ્રણપ્રકારે પ્રદેશપ્રદેશની પ્રાકૃતભાષાઓ ઉત્પન્ન થઈ. વિશેષે મૂળ પ્રકૃતિ-સંસ્કૃત ઉપરથી થઈ માટે પ્રાકૃત કેવાઈ. મૂળના વાસ્તવ્ય લોકની જે ભાષા તેને પ્રાકૃત શબ્દ લાગે નહિ-તે લોકની ભાષાના કેટલાક શબ્દપ્રયોગ પ્રથમની પ્રાકૃતમાં આવેલા ખરા. એ પ્રાકૃતભાષાઓમાંથી ચારને બોળી વપરાતી જાણી વરરુચિયે તેને નિયમવિષે વ્યાકરણ રચી દેખાડ્યું છે કે તે ચારે ઘણુંકરીને એકસરખે નિયમેજ થઈ છે. બીજી ત્રણ કરતાં વિશેષે બોળી વપરાયલી પ્રાકૃત જે મહારાષ્ટ્રી અથવા પ્રાકૃત (વિશેષ અર્થમાં) કેવાતી તેને માટે ૪૨૪) નિયમ છે ને તે બીજી ત્રણને માટે પણ છે પણ શૌરસેનીને ૩૨), માગધી ને ૧૭) અને પૈશાચિકીને ૧૪) નિયમો પોતપોતાના વિશેષ છે. એ પ્રાકૃત- શબ્દનાં સ્વરૂપ જોવાને શાકુન્તલ-વિક્રમોર્વશી નાટકમાંના થોડાક શબ્દ આ છે-અજ્જા [આર્યા:–આર્યજનો ], અત્તિ [અસ્તિ-છે], અધ્દ્દ [અર્ધ], અધ્દ્દવધ [અર્ધપથ-અધવચ], આણ [આજ્ઞા], ઈસાણીયે દિસાએ [ઐશાન્યાદિશા–ઈશાન દિશાએ], કુસુમાઈ [કુસુમાનિ-કુસુમ (અનેકવચને)], કેણાપિ [કેનાપિ-કોઈ એક; કોઈપણ], ગદી [ગતિ], ગમિસ્સે [ગમિષ્યે-હું જઈશ], ગાઈસ્સં [ગાસ્યામિ-હું ગાઈશ], ગાયતિ [ગાયતિ-ગાય છે], ચિત્તલેખા [ચિત્રલેખા-ચિત્રલેહા], ચુંબિઆઈ [ચુમ્બિતાનિ-ચુમ્બન કરેલું એવાં], જસ્સ [યસ્ય-જેનું], ણકિંપિ [નકિમપિ-કંઈ પણ નહિ], તવો [તપ: -તપ], તહઇતિ [તથેતિ–તે પ્રમાણે] દયમાણા [દયમાન: -દામણો, દયામણો], દલે [તલે-તળે], દાવ [તાવત્-તેમ, તે પ્રકારે], દુદિઆ [દ્વિતીયા-બીજી], પખ્ખવાદી [પક્ષપાતી], પરિત્તાઅધ [પરિત્રાયધ્વં-પરિત્રાણ–રક્ષણ કરો], પિઅ [પ્રિય], પ્પઓ [પ્રયોગ], ભમરેહિ [ભ્રમરૈ: -ભમરાઓએ], રૂદુ [ઋતુ-ઋતુ, રત], સગ્ગસ્સ [સ્વર્ગસ્ય-સ્વર્ગનું], સરિસં [સદશં-સરીખું, સરખું; યોગ્ય, ઘટતું], સહી [સખી–સહી], સુઉમાર [સુકુમાર], સુણાદુ [શૃણોતુ–સાંભળ, સૂણ], હાઈસ્સદિ [હાશ્યતે-હસે છે], ઈ૦.
એ પ્રાકૃત દેશકાળ પરત્વે પોતાનું રૂપ પાલટતાં પાલટતાં અગિયારસેં વર્ષે નવાં રૂપમાં અપભ્રંશ એવે નામે ઓળખાઈ. પ્રાકૃત તથા અપભ્રંશ એ બેનું સ્વરૂપ જોતાં જણાય છે કે પ્રાકૃતમાંના કેટલાક શબ્દ શુદ્ધ સંસ્કૃત રૂપેજ વપરાતા થઈને, કેટલાક નિજરૂપેજ રઈને, કેટલાએક ભ્રષ્ટ રૂપાન્તરોમાં ઉતરીને ને કેટલાએક સંસ્કૃત તથા દેશી શબ્દ નવા વધીને અપભ્રંશ–ભાષા થઈ હોય એમ જણાય છે. અમણાંની પ્રાકૃત ભાષાઓ અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે. દક્ષણી ને ગુજરાતી એ બે, મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રા અને એની અપભ્રંશ એ ઉપરથી અને હિન્દી, મુખ્ય પ્રાકૃત તથા શૌરસેની અને એના અપભ્રંશ એ ઉપરથી ઘડાઈ છે. - ↑ *વલ્લભીપુરનાં રાજ્યમાં બૌદ્ધ જૈન લોક હતા, ગુજરાતમાં ને સમ્બન્ધી પ્રદેશોમાં જૈનની બોળી વસ્તી હતી અને બૌદ્ધ જૈન ઉપાધ્યાઓની બોધભાષા ઘણું કરીને સર્વત્ર સરખીજ હતી. વળી ગુજરાતના રાજ્યને દિલ્હી કનોજના ને બીજાં રાજ્યો સાથે સમ્બન્ધ હતો. એ સન્ધાં ઉપરથી જણાય છે કે ગુજરાતની અપભ્રંશમાં માગધી તથા શૌરસેનીનો લેશ હશેજ. વળી ગુજરાતના મૂળ વાસ્તવ્ય લોકના ને ગુજરાતની રીતભાત વસ્તુના કેટલાક દેશી કેવાતા શબ્દો પણ હશેજ. માગધી શૌરસેની દેશ્ય એ શબ્દોની નિશાનીઓ (વર્ત્તમાન ગુજરાતીમાં) શબ્દની વ્યુત્પત્તિ શોધાશે ત્યારે સ્પષ્ટ જણાશે.
- ↑ + “ગુ. ભા. નિબન્ધ”માંથી.
- ↑ ૧. માગધી ગાથાબંધ ને ગુજરાતી વ્યાખ્યા એવું “ પુષ્પમાળ પ્રકરણ” ઉપાધ્યાય મેરૂ સુન્દરે રચેલું તેમાંથી ઉપલું ગદ્ય લીધું છે– (પ્રતનું વરસ સંવત ૧૫૨૯).
- ↑ ૨. “ગજસિંહ રાજાનો રાસ” એમાંથી લીધું છે-(પ્રત ૧૫૫૬ ની).
- ↑ ૩. “ઘણાંએક નાના પ્રકરણોનો સઙ્ગ્રહ એેવો એક વૈષ્ણવ ગ્રંથ છે તેમાંથી ઉપલા ત્રણ કકડા લીધા છે-કોઈ કોઈ પ્રકરણમાં ‘પદ્મનાભ’ એમ લખ્યું છે તે ઉપરથી તે નામવાળો કોઈ તેનો કર્ત્તા હશે- વિષયને ભાષા જોતાં તે ગ્રન્થ ૧૫-૧૬ સૈકામાં રચાયો હોય એમ લાગે છે- (પ્રત ૧૭૧૫ ની માંથી).
- ↑ ૪. નરસૈં મેતાની કવીતા તેનાજ કાળની ભાષામાં મળવી દુર્લભ છે.
- ↑ *દ્રવિડ પણ્ડિતના વિશ્વગુણાદર્શ નામના ગ્રન્થમાં ગુજરાતીભાષાને અમૃત જેવી મીઠી કઈ છે. મને સાંભરે છે કે ખમ્ભાતવિષે એક ગવર્મેણ્ટરેકાર્ડમાં મેં વાંચ્યું છે કે ખમ્ભાતના કોઈ કલ્યાણરાય નામના લાડવાણિયાના કાળમાં ‘ગુજરાતીભાષા સુન્દર કેવાતી.’ (એણે ખમ્ભાતના પારસીઓનાં વધીગયલાં જોરને તોડયું હતું). જયદેવકવિયે અષ્ટપદીમાં ગુર્જરીરાગને પણ માન સાથે ગણનામાં લીધો છે. ‘સોરઠ મીઠી રાગણી’ એમ કઞ્ચનીઓ ગાય છે. ગરબી ગરબાની વાણી ગુજરાતનીજ છે ને વખણાય છે. હવે બીજે પક્ષે ગુજરાતી તે શુંશાંની, ગુજરાતીનું ગાણું તે રોણુંજ, સઘળી પ્રાકૃતનો ડુઓ તે ગુજરાતી, ગુજરાતી તે પોચી-બાયલી ને હિન્દી તે મરદાની, ગુજરાતીમાં તે વળી કવિતા શી ?-એના તે રાસડાજ -કવિતા તે ભાષાની, ‘અબે તબેકા એક રૂપૈયા, અઠે કઠે આણા બાર; ઈકડુન તિકડુન આણે આઠ ને શું સું–ચાર’ એમ પણ કેતી કહીંકહીં છે. એ નિન્દાવાકયો ગુજરાતી ઉચ્ચારણ અતિ કુમળું છે તે ઉપરથી બોલાયાં છે. હિન્દી મરેઠી ગુજરાતી ભાષા એક માની જણેલી બેનો છે. -શબ્દ મળતા આવે છે, સંસ્કૃત વર્ણનાં ઉચ્ચાર ત્રણેમાં સમાન છે. પણ સર્વનામ-વિભક્તિ પ્રત્યય-ક્રિયાપદના પ્રત્યય એ ત્રણ પરત્વે ને કોઈ કોઈ જૂદાં ઉચ્ચારણને લીધે તે છેટેની સગી મનાય છે. બીજી બધી વાત પડતી મુકી ક્રિયાપદના પ્રત્યય જોઈએ તોજ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી પ્રત્યય અતિશય કુમળો છે. પૂર્વે કયું છેકે સંસ્કૃત ધાતુ અથવા સંસ્કૃતનામ એ ઉપરથી આપણા પ્રાકૃતધાતુ થયા છે તે સ્મરણ કરતાં જણાય છેકે ‘કરણમ્’ એ ઉપરથી ‘કરના;’ ‘કરણેં,’ ‘કરઉં–વું’ એમ પ્રાકૃતરૂપ થયાં છે. આ, એ, ઉં, એ ભેદ પરત્વે હિન્દુસ્થાની, મરેઠી, ગુજરાતી લોક કેવા હતા ને છે તે વિષે ને એ ત્રણ ભાષામાંથી કઈ બેનો પરસ્પર સમ્બન્ધ વિશેષ છે (ગુજરાતીને હિદુસ્થાની સાથે વિશેષ સમ્બન્ધ છે એમ કેવાય છે પણ દક્ષણી સાથે વિશેષ છે એમ મને કેટલીક વાતે જણાય છે) એ વિષે અને દક્ષણી ગુજરાતી આર્ય ને હિન્દુસ્તાની આર્ય ક્યારે ને કીએ કાળે જૂદા પડ્યો એ વિષે મન માન્યા શોધ સાધન હોય તો થઈ શકે તેમ છે. ડ નું બન્ને પ્રકારનું ઉચ્ચારણ હિંદી મરેઠી ગુજરાતીમાં સરખું જ છે, જેમ દક્ષણીમાં च. ज. झ.એ ઉચ્ચારણ છે તેવું હિન્દીમાં નથી પણ આપણા ચરોતરનો ચ તેને કંઈક મળતો આવે છે. જૂની ગુજરાતીમાં ષષ્ઠીનો પ્રત્યય કહીંકહીં ચા-ચી લખાયાં છે. એ-ઓ નાં પોળાં ઉચ્ચારણ મારા જાણ્યા પ્રમાણે દક્ષણીમાં નથી. ‘રેવું,’ ‘રાહાણે,’ ‘રહના,’ એ ત્રણ રૂપ જોતાં હ નું ટુંકું થઈ જતું ઉચ્ચારણ જેમ ગુજરાતી દક્ષિણમાં થાય છે તેમ હિન્દીમાં થતું નથી–દક્ષણી કરતાં ગુજરાતીમાં વિશેષ ટુંકું થાય છે ને એ ઉપરથી ને પાછળ આપેલા દાખલાઓ ઉપરથી જણાય છે કે ગુજરાતી ઉચ્ચારણનું વલણ શબ્દને સઙ્કોચવા ભણી છે ને સઙ્કોચ થયેથીજ પસરેલું કોમળ અઙ્ગ, ઘટ તથા બળિષ્ઠ બનશે. અનુસ્વારનું ઉચ્ચારણ આપણામાં જેવું વિલક્ષણ છે તેવું બીજી ભાષામાં નથી.
- ↑ +અર્થજ્ઞાન વધે તેમ તેને ક્ષેમ રાખવાને યોગ્ય પાત્ર જોઈએ માટે ભાષામાં શબ્દનું ભરણું તો કરવુંજ પણ પરભાષાના લેવા કે ન લેવા ? સંસ્કૃતમાં કેટલાએક પરભાષાના શબ્દો છેજ (ને મેં એક ઠેકાણે વાંચ્યું છે કે મૂર્ધ્દ્દાસ્થાની વર્ણોથી આરમ્ભાતા શબ્દો મૂળ વાસ્તવ્ય લોકના છે) અને ગુજરાતીમાં કેટલાક ફારસી આરબી એવા તે રૂઢ થઈ રહ્યા છે કે તે કદાપિ ટાળ્યા ટળવાના નથી. જૂનામાંથી શોધી, પરભાષામાંથી લઈ, નવા જોડી પણ યોગ્ય જાણીને યોગ્ય રીતે શબ્દ વાપરી ભણ્ડોલ વધારવું.
- ↑ xદેવનગરી લિપિમાં પુસ્તક લખાઈ છપાતાં થાય તો ભાષાની ક્ષેત્રસીમા વધે ને વિશેષ ઉત્પન્ન થાય. હાલમાં કોઈના દ્રવ્યની સહાયતાથી ગ્રન્થ રચાય છે તેથી સારા ગ્રન્થો થતા નથી ને ભાષાની કેળવણીને સ્થાઈ ઉત્તેજન મળતું નથી.
- ↑ ×સંસ્કૃત ષ-સને બદલે આપણમાં છ વપરાતો એવા થોડાક શબ્દ છે, કોળી ઘેડા સને ઠેકાણે છ સર્વત્ર બોલે છે, પારસીઓમાં વપરાતા કેટલાક શબ્દ બી (અપી), માય (માત), વેક (વેગ), પેવસ (પ્રવેશ), સોજ્જું (શૂચિઃ), બૂક (કવલ) ઈ. સંસ્કૃતના અપભ્રંશ છે ને તે આપણામાં અતિભ્રષ્ટ રૂપાન્તરો છે તેવા નહિ પણ મૂળની પાસેના છે. કેટલાક પારસીશબ્દ આપણા જૂના પુસ્તકોમાં છે તેજ છે પણ ઉચ્ચારણ ફેર છે. હોરાઓ મિલવું, આવો વગેરે બોલે છે તે જૂના ગ્રન્થોમાં છે. સુરતના વડનગરાઓમાં કુર, મોગ, પાગ, જાસક, ઈ. વપરાય છે તે ખોટા નથી. કાઠિયાવાડના નાગરો ધ્રોડવું, ધ્રાવું એમ રકાર ભળેલું ઉચ્ચારણ કરે છે તેવાં રૂપો જૂના પુસ્તકોમાં છે એ દાખલાઓથી પણ જણાય છે કે મૂળને મળતાં રૂપાન્તર રાખવાની વાત છોડી દઈ વર્ત્તમાન વ્યવહારનાંનેજ લખવામાં લેવાં.
- ↑ +કોઈ કાળે છપ્પન દેશની છપ્પનભાષા આ પ્રમાણે ગણાઈ છે– અઙ્ગ, વઙ્ગ, કલિઙ્ગ, કાંબોજ, કાશ્મીર, સૌવીર, સૌરાષ્ટ્ર, માગધ, માલવ, મહારાષ્ટ્ર, નેપાલ, કેશળ, ચોળ, પાજઞ્યાળ, ગૌડ, મલ્લાળ, સિંહલ, વડપ, દ્રવિડ, કર્નાટક, મરહટ, પાનાટ, પાંડ્ય, પુલિન્દ, આન્ધ્ર, કનોજ, યાવન, જલાન્ધ, શલભ, સિન્ધુ, અવન્તી, કન્નડહૂણ, દાશાર્ણ, ભોજકોટ, ગાન્ધાર, વિદર્ભ, બલિહક, ગજ્જર, બર્બ્બર, કૈકેય, કોશલ, કુન્તલ, શૂરુસેન, ટઙ્કણ, કોંકણ, મત્સ્ય, મદ્ર, સૈંધવ, પારાશર્ય, ગુર્જર, ખચર, ભૂચક્ર, ઝલ્લુક, પ્રાગ્જ્યૌતિષ, કરાહટ. વળી દશ ભાષા પણ ગણાઈ છે- પજજાબી, હિન્દી, મૈથિલી, ગૌડે અથવા બઙ્ગાળી, ગુજરાતી, ઊર્ય, મરેઠી, તૈલઙ્ગી, કર્નાટકી અને તેમુલ. જોન બીમ્સે લખ્યું છે કે શૌરસેનીમાંથી ૧૧ ભાષાઓ થઈ છે-હિન્દી, બઙ્ગાળી; પઞ્જાબી, સિન્ધી, મરેઠી, ગુજરાતી, નેપાલી, ઊર્ય, આસામી, કાશ્મિરી અને ડોઘ્ર (મૈથિલી, ભોજપુરી, કોશલી, બ્રીજ, કનોજી, રજપુતા, બુન્દેલખણ્ટી એ સૌ હિન્દીની ઉપ-ભાષાઓ છે). હિન્દી બઙ્ગાળી પડઞ્જાબી મરેઠી બોલનારાની સઙ્ખ્યા આપી છે તે એક ‘કાલેણ્ડર’માંથી ઉતારી લેઈને. બીમ્સ આ પ્રમાણે સઙ્ખ્યા આપે છે-હિન્દી બોલનારા હિન્દુને સમજનારા મુસલમાન મળીને ૬,૦૭,૬૩, ૭૭૯ છે, બઙ્ગાળી બોલનારા હિન્દુ અને બીજી ભાષા બોલનારા પણ થોડુંઘણું બઙ્ગાળી સમજે તેવા મળીને ૨,૦૫, ૮૩, ૬૩૫ છે, પઞ્જાબી બોલનારા એક કરોડ સાઠ લાખ છે, મરેઠી બોલનારા એક કરોડને ગુજરાતી બોલનારા ૬૦ લાખ છે. હિદુસ્થાનમાં ઉરદુભાષા બોલનારા ૩ કરોડથી વધારે છે એમ મેં એક ઠેકાણે વાંચ્યું હતું.
- ↑ *નર્મકોશમાંથી.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.