ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ડાહ્યાભાઈ ધેાળશાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્વ. ડાહ્યાભાઈ ધેાળશાજી

ડાહ્યાભાઈ ધોળશાજીનો અમદાવાદમાં સંવત ૧૯૨૩ માં ફાગણ સુદ ૧૪ ના રોજ જન્મ થયેલો. તેમના પિતાનું નામ ધોળશાજી હતું. તેઓ નાની ઉમ્મરમાં જ એટલે પાંત્રીસ વર્ષની ઉમ્મરેજ સંવત ૧૯૬૮ ના ચૈત્ર વદ ૮ ના રોજ વિદેહ થયા છતાં નાની ઉમ્મરમાંય તેમણે અનેક નાટકો લખી લોકોમાં સારી પ્રતિષ્ટા મેળવી લીધી હતી.

કૉલેજમાં સંસ્કૃત ભાષા પર તેઓ સારામાં સારો કાબુ ધરાવનાર તરીકે જાણીતા હતા. આથી તેઓએ અમદાવાદની મિશન હાઈસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે કામ પણ કરેલું. પણ પાછળથી તેમણે નાટકો લખવા શરૂ કર્યાં, ને નાટકનો ધંધો જ હાથ કરી ‘શ્રી દેશી નાટક સમાજ’ ની સ્થાપના કરી, વળી અમદાવાદમાં તેમની કાર્યવાહી નીચે જૈનધર્મ પ્રવર્તક સભા તરફથી સ્યાહાદ સુધા નામનું માસિક પણ બે વર્ષ સુધી ચાલેલ.

શ્રી. રણજીતરામભાઈ વાવાભાઈ તેમના નાટકો માટે લખે છે કે નીતિના સબળ પાયા પર તેમના નાટકની ઈમારત ચણાયેલી છે. રા. ડાહ્યાભાઈ નીતિ પ્રચારણ માટે એટલા બધા આતુર હતા કે રૂચિરતાની ક્ષતિ થાય તેવે પ્રસંગે પણ નીતિતત્વો પ્રત્યક્ષ રીતે ઉદ્દબોધ્યા વિના રહેતા નહિ.’ તેમની ભાષા સરળ ને સચોટ રહેતી આથી તેમનાં નાટકો લોકપ્રિય થઈ પડેલાં.

તેમના નાટકો આખા છપાયેલાં નથી પણ નીચેના નાટકો તેમણે લખેલાં ને સફળતાથી તે ભજવાએલા; તેમાંના કાવ્યો પણ તેઓના જ રચેલાં હતા. અને તેમાં આવતા ગરબા કે કેટલાંક કાવ્યો તો ગયા દશકા સુધીમાં તો લોકોની જીભને ટેરવે ચડી ગયેલા.

: કૃતિઓ :

મ્યુનિસિપલ ઈલેક્શન ... ...
કેસર કિશોર સંવત ૧૯૫૧
સતી સંયુક્તા સંવત ૧૮૫૨
મદનમંજરી સંવત ૧૯૫૩
સતી પાર્વતી સંવત ૧૯૫૪
અશ્રુમતી સંવત ૧૯૫૫
રામવિયોગ સંવત ૧૯૫૫
સરદારબા સંવત ૧૯૫૭
ભોજકુમાર ... ...
૧૦ ઉમાદેવડી સંવત ૧૯૫૭
૧૧ વિજ્યાવિજય ... ...
૧૨ વિણાવેલી ... ...
૧૩ ઉદયભાણ સંવત ૧૯૫૮
૧૪ મોહિનીચંદ્ર ... ...
૧૫ સતિ પદ્મિની ... ...