ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. દેવચંદભાઈ દામજીભાઈ શેઠ

દેવચંદભાઈ દામજીભાઈ શેઠ

‘જૈન’ પત્રના તંત્રી તરીકે પ્રસિદ્ધિ પામેલ શ્રી. દેવચંદ દામજીભાઈ કુંડલાકરનો જન્મ સંવત ૧૯૩૮ ના માહ સુદ પાંચમના રોજ ઊના ગામમાં થયેલો; જ્યારે તેમનું મૂળ વતન કુંડલા છે. તેમના પિતાનું નામ દામજીભાઈ અને માતાનું નામ ચતુરા છે. જ્ઞાતિએ તેઓ વિશાશ્રીમાળી છે. તેમનાં લગ્ન સંવત ૧૯૫૦ માં કુંડલા પાસેના પીયાવા ગામમાં થયેલ હતાં. પત્નીનું નામ મણીબહેન છે.

કુંડલાના હેડમાસ્તર સ્થાનેથી લગભગ અર્ધી સદી પહેલાં કેળવણી કોન્ફરન્સ અને કીન્ટર ગાર્ટનની પદ્ધતિ સૈારાષ્ટ્રમાં શરૂ કરનાર દામજીભાઈ હતા. વળી તેઓ કુંડલા વિગેરે સો ગામની શેઠાઈએ તેમના કુટુંબના વારસા હક્ક હોઈને તેઓ શેઠની અટકથી ઓળખાય છે. તેમણે પિતાની દેખરેખ નીચે તેર વર્ષની ઉમ્મરમાં સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી ધોરણ પૂરાં કરેલ પણ પિતાની ગઢડામાં બદલી થતાં, અને ગઢડામાં અંગ્રેજી નિશાળ ન હોઈ, એમનો અભ્યાસ બંધ પડી ગયો અને ઘેર જ અભ્યાસ અને વાચનદ્વારા સંસ્કૃત અને અંગ્રેજી જ્ઞાન મેળવ્યું.

નાનપણથી જ વાચનનો, પત્રોનો વગેરેનો શોખ હતો એટલે પત્રકારત્વના ગુણો ત્યારથી જ વિકસવા પામેલા. બાર વર્ષની ઉમ્મરે મેળાવડામાં જાહેર ભાષણ પણ કરેલાં. એવામાં સંવત ૧૯૫૯ માં મુંબઈમાં જૈન કોન્ફરન્સની બીજી બેઠક મળી. ત્યાં દેવચંદભાઈની વક્તૃત્વકળાનો વિશેષ પરિચય થયો. સંવત ૧૯૬૩માં તેઓ મુંબઈ જૈન વકતૃત્વકળા પ્રચારક મંડળના મંત્રી થયા. તે વખતે જ મુંબઈથી નીકળતા અઠવાડિક ‘જૈન વિજય’ નું સંચાલન તેમને માથે આવ્યું. પછી તો ‘તરંગ’ અને ‘તરુણી તરંગ” એ બે માસિકોની જવાબદારી પણ તેમને સંભાળવી પડી. ત્યાંથી તેઓ ભાવનગર વળ્યા ને ભાવનગરથી નીકળતાં ‘શુભેચ્છક’નું કાર્ય તેમને શિર આવી પડ્યું. પત્રકારત્વનો તેમને શોખ હતો જ એટલે ભાવનગરથી તેમણે જ “વિશાશ્રીમાળી હિતેચ્છુ’ અને ‘સ્ત્રી-સુખ દર્પણ’ માસિક શરૂ કર્યો.

સંવત ૧૯૭૦ માં તેમને ‘જૈન’ અને ‘જૈન શાસન’ એ પત્રોનું સંચાલન કરવાનું તેમના વ્યવસ્થાપકો તરફથી આમંત્રણ મળ્યા. ‘જૈન’ના સંપાદક સ્વ. શ્રી. ભગુભાઈ ફત્તેચંદ કારભારી હતા. ‘જૈન પત્ર’ તે વખતે દશ વર્ષની ઉમ્મરનું થયેલું ને તેટલા વખતમાં ચાલીસ હજારની ખોટ કરેલી, પણ મિત્રોના આગ્રહથી દેવચંદભાઈએ એ કામ સંભાળી લીધું. અને અત્યારે તે પત્ર જૈન સમાજમાં બીજા કોઈ પણ પત્ર કરતાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે, ને જૈનેતરમાં પણ તેનું વજન પડે છે.

દેવચંદભાઈને જોઈને કોઈ એમ જ કહે કે એ મામૂલી વેપારી હશે, કારણકે સાદો પહેરવેશ, સાદી ભાષા, અને સાદી રીતભાત, તેમનાં જીવનનાં મુખ્ય અંગ છે પણ એ આશ્ચર્ય છે કે વેપારના વિધવિધ ક્ષેત્રોનો તેમણે અનુભવ મેળવેલ છે. વઢવાણના કાચના કારખાનાના તે ડીરેકટર છે, ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર જ્યુરીમાં એસેસર અને ભાવનગર પેપર સેઈલ એસોશીએશનના તે પ્રમુખ છે.

તેઓએ લખ્યું છે બહુ ઓછું, પણ જેટલું લખ્યું છે તેટલું તેમના સ્મરણ પૂરતું તો છે જ, કારણ કે ‘જૈન’ દ્વારા તેમણે કરેલ સેવાઓ ઓછી નથી. તેઓનો પ્રિયવિષય ઇતિહાસ છે, પણ સાથે તેઓ કવિ પણ છે એ બહુ થોડા જાણતા હશે. તેમણે સારા કાવ્યો લખ્યાં છે અને પિંગળ શાસ્ત્રના તેઓ અભ્યાસી છે. ‘જૈન’ અને ‘શારદા’ માં છેલ્લા બે સૈકાના કથાનકો તેમણે લખેલા, ને તે પ્રિય થઈ પડેલા.

: : એમની કૃતિઓ : :

૧. જૈનભક્તિ દર્શક સ્તવનાવળી
૨. બાળશિક્ષણમાળા
૩. ભાવનગર સ્ટેટના ઇતિહાસો
૪. ભાવનગર સ્ટેટની ભૂગોળ
૫. જૈનો અને શત્રુંજય
૬. શત્રુંજય પ્રકાશ
૭. તિર્થંકર ચરિત્ર
૮. જૈન સતિ આદર્શ જીવનમાળા